સ્પેસમાંથી હવે ક્યારે પાછાં આવશે સુનીતા વિલિયમ્સ?

25 August, 2024 12:32 PM IST  |  Mumbai | Aashutosh Desai

ભારતીય મૂળનાં આ અનુભવી અમેરિકન અવકાશયાત્રી માત્ર ૮ દિવસના મિશન માટે અંતરીક્ષમાં ગયાં હતાં, પણ તેમને લઈ જનારું યાન ખોટકાયું છે એને પગલે હવે તેઓ છેક ૮ મહિને પાછાં ફરી શકશે એવું લાગે છે.

સુનીતા વિલિયમ્સ

ભારતીય મૂળનાં આ અનુભવી અમેરિકન અવકાશયાત્રી માત્ર ૮ દિવસના મિશન માટે અંતરીક્ષમાં ગયાં હતાં, પણ તેમને લઈ જનારું યાન ખોટકાયું છે એને પગલે હવે તેઓ છેક ૮ મહિને પાછાં ફરી શકશે એવું લાગે છે. ખરેખર પ્રૉબ્લેમ શું થયો છે અને સ્પેસમાં આટલા લાંબા રોકાણની હેલ્થ પર શું અસર પડી શકે છે એની વિગતવાર છણાવટ કરીએ

ઍસ્ટ્રોનૉટ તરીકેની પોતાની કરીઅરમાં હમણાં સુધીમાં કુલ ૩૨૨ કરતાંય વધુ દિવસ અંતરીક્ષમાં વિતાવી ચૂકેલાં સુનીતા વિલિયમ્સ અમેરિકન અવકાશ-સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ની ‘મોસ્ટ એક્સ્પીરિયન્સ્ડ ઍસ્ટ્રોનૉટ્સ’ની યાદીમાં મોખરાના સ્થાને આવે છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પરના મિશનની દૃષ્ટિએ જોઈએ તો આ તેમનું ત્રીજું મિશન છે. જોકે હાલ તો આખા વિશ્વનાં આંખ અને કાન કોઈ એવા અપડેટ્સ પર મંડાયાં છે જે સુનીતા અને તેમની સાથે ગયેલા બીજા ઍસ્ટ્રોનૉટ બૅરી વિલ્મરની વાપસીની કોઈ સકારાત્મક ખબર લઈને આવે.

તારીખ હતી ૨૦૨૪ની પાંચમી જૂન. બોઇંગના સ્ટારલાઇનર યાન દ્વારા સુનીતા વિલિયમ્સ, બૅરી વિલ્મર અને તેમની બીજી ટીમ સાથે કુલ નવ અવકાશયાત્રીઓ આ યાનમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ગયા. તેઓ ૧૩ દિવસ માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર અંતરીક્ષ મિશન માટે ગયાં હતાં. NASA દ્વારા નિર્ધારિત પ્રોગ્રામ કંઈક એવો હતો કે આ શેડ્યુલ્ડ મિશન ૧૩ દિવસનું હોવાથી ૧૮ જૂન સુધીમાં તો બન્ને ઍસ્ટ્રોનૉટ્સ પાછા પૃથ્વી તરફ પ્રયાણનો આરંભ પણ કરી દેવાનાં હતાં. જોકે આજે પચીસ ઑગસ્ટ થઈ. એટલે કે તેમને અંતરીક્ષમાં ગયાને બે મહિના ૨૦ દિવસ જેટલો સમય થઈ ગયો. કમનસીબે NASAનાં આ બન્ને ઍસ્ટ્રોનૉટ્સ હજી સુધી પાછાં ફરી શક્યાં નથી. એથીયે વધુ ચિંતા જન્માવે એવી વાત એ છે કે NASAના એક રિપોર્ટ દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે સુનીતા અને બૅરી કદાચ ૨૦૨૫માં પાછા આવશે. અર્થાત્, NASA હવે તેમને પાછા લાવવા માટે જે બીજા વિકલ્પો વિચારી રહ્યું છે અને એના પર તૈયારી કરી રહ્યું છે એ તૈયારીઓ પૂરી કરવામાં જ કદાચ ૨૦૨૪ તો પૂરું થઈ જશે.

લોચો ક્યાં પડ્યો?

પૃથ્વીથી અંદાજે ૩૨૦ કિલોમીટર દૂર અંતરીક્ષમાં ફસાયેલાં આ બન્ને ઍસ્ટ્રોનૉટ્સ સાથે વાસ્તવમાં થાય છે શું? તો વાત કંઈક એવી છે કે આઠ દિવસનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનનું મિશન અને ત્યાર બાદ વાપસી. બધું મળીને કુલ ૧૩ દિવસનું આ મિશન હતું એમ કહીએ તો ચાલે. એ માટે સુનીતા વિલિયમ્સ, બૅરી વિલ્મર ઍન્ડ ટીમ બોઇંગનું અંતરીક્ષ યાન લઈને ગયાં હતાં. સફરની શરૂઆત તો ધાર્યા અનુસાર કોઈ પણ જાતની આડખીલી વિનાની સ્મૂધ રહી. તેમનું યાન ISS એટલે કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર બરાબર લૅન્ડ પણ થઈ ગયું. જોકે ત્યાર પછી બન્ને ઍસ્ટ્રોનૉટ્સ     સ્પેસ     સ્ટેશન પર પોતાનું કામ કરી રહ્યાં હતાં અને યાનને ડૉક કરવામાં આવ્યું ત્યારે એમાં એક પછી એક ઘણાબધા
નાના-નાના ઇશ્યુઝ આવવા માંડ્યા. જેમ કે યાનને ડૉક કરવામાં મદદ કરે એ માટે જે નાની-નાની મોટર્સ લગાવવામાં આવી હોય એ સરખી કામ કરતી બંધ થઈ ગઈ. ત્યાર બાદ બોઇંગના એ સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાંથી હીલિયમ લીક થઈ રહ્યો હોવાની NASAના એન્જિનિયરોને ખબર પડી. સાદી ભાષામાં કહીએ તો કંઈક એમ કહી શકાય કે તમે કોઈક સ્થળેથી ઘરે આવવા માટે નીકળ્યા હો અને રસ્તામાં તમારી કાર ખોટકાઈ પડે તો જે મુશ્કેલીઓ સર્જાય એવી જ કંઈક મુશ્કેલી આ બન્ને ઍસ્ટ્રોનૉટ્સ સાથે હાલ સર્જાઈ છે.

થોડું વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્પેસશિપમાં NASAના એન્જિનિયરોને જ્યારે કંઈક ગરબડ જણાઈ ત્યારે તેમણે એક પછી એક બધા પાર્ટ્સ ચકાસવાનું શરૂ કર્યું અને ત્યારે ખબર પડી કે સ્પેસશિપને પાવર પહોંચાડનારો પાર્ટ છે એ ખોટકાયો છે. એના લૉન્ચ અબૉર્ટ એન્જિનમાં જે મૂવમેન્ટ થવી જોઈએ એ બરાબર થઈ નથી રહી. આ મુસીબત સર્જાઈ હતી હીલિયમના લીકેજને કારણે. કોઈ પણ સ્પેસક્રાફ્ટમાં હીલિયમ અત્યંત મહત્ત્વનું કામ કરે છે. એ આખા સ્પેસશિપમાં ક્યાં અને કયા પ્રકારનો ટેક્નિકલ ઇશ્યુ છે એ શોધી કાઢવામાં પણ મદદરૂપ થાય છે. કઈ રીતે? તો હીલિયમ એ વાયુ કે ગૅસનું એક અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ છે. આથી એને લીક-ડિટેક્ટર તરીકે સ્પેસશિપમાં વાપરવામાં આવે છે. એને કારણે આખી શિપમાં ગમે ત્યાંથી ગૅસ લીક થયો હોય તો તરત એની જાણકારી એન્જિનિયરોને મળી શકે છે.

હવે સ્પેસશિપના આ લીક-ડિટેક્ટરે એટલે કે હીલિયમે જાણકારી આપી કે યાર્નના સર્વિસ મૉડ્યુલમાં લીકેજ છે. સર્વિસ મૉડ્યુલ એટલે શું? સાવ સાદી ભાષામાં સમજીએ તો સ્પેસશિપના બે મુખ્ય ભાગ હોય છે. એક, જ્યાં ઍસ્ટ્રોનૉટ્સ રહે છે અને પોતાનું કામ કરે છે. સમજી લો જાણે લિવિંગ-રૂમ. બીજો એક ભાગ જે હોય છે એ છે સર્વિસ પ્રોવાઇડર. અર્થાત્ ઍસ્ટ્રોનૉટ્સ કામ કરી શકે અને યાન ટ્રાવેલ કરી શકે એ માટે જરૂરી એવી બધી જ સિસ્ટમ અને સામગ્રી આ બીજા ભાગમાં હોય છે. ફ્યુઅલ ટૅન્કથી લઈને પાવર સપ્લાય જેવું બધું જ. હવે સુનીતા વિલિયમ્સના યાનમાં જે હીલિયમ લીકેજ ડિટેક્ટ થયું છે એ આ બીજા ભાગમાં થયું હોવાનું એન્જિનિયરોને માલૂમ પડ્યું છે.

રિપેર કોણ કરશે અને કઈ રીતે?

હવે આપણી કારમાં કોઈ ખરાબી આવી હોય તો મેકૅનિકને ત્યાં બોલાવી લઈને કે ધક્કા મારી મેકૅનિક પાસે લઈ જઈને એ ખરાબી દૂર કરાવી શકીએ, પણ આ તો અંતરીક્ષમાં ખોટકાયેલું યાન છે. એના માટે શું કરવું? કારણ કે એક અંતરીક્ષ યાનની રચના અને એની ટેક્નિકલિટી અત્યંત પેચીદગીભરી બનાવટ છે. એમાંય એ જ્યારે ઑર્બિટમાં હોય ત્યારે તો વળી ઑર મુશ્કેલ થઈ પડે. તો એ માટે કંઈક એમ કહી શકાય કે પૃથ્વી પર બેઠેલા એન્જિનિયરો સૌથી પહેલાં ડેટા અને સિસ્ટમ ઍનૅલિસિસ દ્વારા આખા યાનના એક પછી એક બધા પાર્ટ્સની ચકાસણી કરે છે. તેઓ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે પર્ટિક્યુલર લીકેજ છે ક્યાં અને કઈ રીતનું છે. એ મળી ગયા બાદ એનો પૅચ બનાવવા માટેના પ્રયત્નો શરૂ થાય છે. વળી એ પૅચ પણ એવો હોવો જોઈએ જે અંતરીક્ષની તમામ પ્રકારની એક્સ્ટ્રીમ કન્ડિશનમાં ટકી રહે. મટીરિયલથી લઈને બનાવટ સુધીનું બધું કામ પૂરી ચકાસણી દ્વારા થઈ ગયા બાદ એનો ડેમો અને સમજણ ત્યાં અંતરીક્ષમાં યાનમાં બેઠેલા ઍસ્ટ્રોનૉટ્સને આપવામાં આવે, તેમની પાસે એ પૅચ તૈયાર કરાવવામાં આવે અને ત્યાર બાદ એક પછી એક તબક્કાવાર પ્રોસીજર સાથે ઍસ્ટ્રોનૉટ્સ કામ કરતા જાય અને એ પૅચ બનાવીને ત્યાં અંતરીક્ષમાં જ રિપેરકામ કરે. આ વાંચવામાં જેટલી સરળ વાત લાગે છે એટલી સરળ વાસ્તવમાં છે નહીં.

એથી સાવ ઊલટું એ અત્યંત જોખમકારક છે, કારણ કે એ પૅચનું રિપેરિંગ એટલે એ અત્યંત જટિલ બનાવટ સાથે છેડછાડ કરવી. એમાં જો કંઈક વધુ ગરબડ થઈ તો મુશ્કેલી જીવ ગુમાવવા સુધીની ઊભી થાય. હવે શરૂઆતમાં પૃથ્વી પરથી યાનને ઑબ્ઝર્વ કરી રહેલા એન્જિનિયરોને લાગ્યું કે આ એક નાની મુશ્કેલી ઊભી થઈ છે અને એ એટલી જોખમી નથી, સમારકામ કરી શકાશે. જોકે એમાં વળી એક બીજી મોટી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. સ્પેસ યાન જ્યારે ઑર્બિટમાં હતું ત્યારે જ એમાં બીજા ચાર હીલિયમ લીક થઈ ગયા. આ નવા લીક્સને કારણે યાનના થ્રૂસ્ટર્સ નકામા થઈ ગયાં જેને રિપેર કરવાં અત્યંત જોખમી અને મુશ્કેલ થઈ પડ્યું છે. પરિણામે એ બનાવનાર કંપની બોઇંગને પણ અમેરિકી સરકાર સામે ઊભી કરી દેવામાં આવી અને એમની પાસે જવાબ માગવામાં આવ્યો કે આવી મોટી મુશ્કેલી તેમના બનાવેલા યાનમાં આવી જ કઈ રીતે?

ક્યારે પાછા આવશે?

હવે આ હીલિયમ લીક્સની સમસ્યા ધારણા કરતાં મોટું સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે. એક તબક્કે એવું જણાઈ રહ્યું છે કે આવતા વર્ષના એટલે કે ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિના સુધીમાં આ બે ઍસ્ટ્રોનૉટ્સને પાછાં ધરતી પર લાવી શકાશે. કારણ કંઈક એવું છે કે યાન માત્ર બે ઍસ્ટ્રોનૉટ્સ અને બીજા સાત જણની ટેક્નિકલ ટીમને લઈને અંતરીક્ષમાં ગયું છે. વળી જે ટેક્નિકલ ખામીઓ ઊભી થઈ છે એ માત્ર આ બે જ ઍસ્ટ્રોનૉટ્સ કે બાકીના સહાયકો મળીને સુધારી શકે એવું હાલ પૂરતું તો શક્ય જણાતું નથી. યાનની ટેક્નિકલ ખરાબી પૃથ્વી પર બેઠેલા એન્જિનિયરો તે લોકોને સમજાવે અને કઈ રીતે આટલા બધા પૅચિસ બનાવીને રિપેર કરવાનું કહે એ સમજાતું નથી.

વળી એમાં એ યાન બનાવનાર કંપની બોઇંગ કહી રહી છે કે તેમને આ ટેક્નિકલ ઇશ્યુ સમજવા અને એનું ઍનૅલિસિસ કરવા માટે હજી વધુ સમય જોઈએ છે જેથી તેઓ સમજી શકે કે વાસ્તવમાં ક્યાં અને કઈ રીતની ખરાબી સર્જાઈ છે અને એને રિપેર કઈ રીતે થઈ શકે એમ છે.

હમણાં કેવી હાલતમાં રહે છે ઍસ્ટ્રોનૉટ્સ?

એટલી સામાન્ય બાબત તો આપણે બધા જ સમજી શકીએ છીએ કે અંતરીક્ષમાં યાનમાં રહેતા ઍસ્ટ્રોનૉટ્સને અત્યંત સીમિત વસ્તુ સાથે સીમિત પરિસ્થિતિમાં જીવવું પડે છે. નાહવાનું કે રોજ બ્રશ વગેરે દિનચર્યામાંથી પસાર થવું તો કદાચ શક્ય નહીં જ બને. આથી તેમણે અઠવાડિયામાં એકાદ-બે દિવસ ભીના ટુવાલથી શરીર લૂછીને ચલાવવું પડે છે. પૃથ્વી પર મળે છે એ રીતે સરળતાથી તો ત્યાં પાણી મળે નહીં. આથી તેમણે પોતાનો જ પેશાબ રીસાઇકલ કરીને પીવો પડતો હોય છે.

એક યાનમાં કુલ નવ પ્રવાસીઓ છે જેમના માટે બે બાથરૂમ અને છ સ્લીપિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. એક બાબત વિશ્વના બધા સાયન્ટિસ્ટ્સ અને ઍસ્ટ્રોનૉટ્સ માટે સકારાત્મક ખબર જેવી છે કે સુનીતા વિલિયમ્સ એક પીઢ અને અનુભવી ઍસ્ટ્રોનૉટ છે. તે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં આ પહેલાં પણ દિવસો સુધી રહી છે એટલે તે જાણે છે કે કઈ રીતે આ આવી પડેલી પરિસ્થિતિ સામે લડવું, કારણ કે કોઈ પણ અવકાશયાત્રાના પ્રોજેક્ટમાં આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં એ જોવામાં આવે છે કે ઍસ્ટ્રોનૉટ્સને ખોટકાઈ પડેલા યાનને રિપેર કરીને ફરી પાછા લાવવા સુરક્ષિત છે કે નહીં. જો એમ ન જણાય તો સૌથી પહેલો નિર્ણય એ લેવામાં આવે છે કે તેમને અંતરીક્ષમાં જ થોડા વધુ સમય માટે રહેવાનું કહેવામાં આવે, જે નિર્ણય હાલના તબક્કે આ કિસ્સામાં પણ લેવાયો છે.

લાંબા સમય સુધી રહેવું કેટલું સુરક્ષિત

આઠ દિવસ પછી પાછા ફરવાનું છે એવી ગણતરી સાથે ગયેલા ઍસ્ટ્રોનૉટ્સને હવે આઠ મહિનાથી પણ વધુ સમય માટે અંતરીક્ષમાં રહેવું પડશે તો એ કેટલું સુરક્ષિત છે? આવો પ્રશ્ન આપણને દરેકને થાય એ સ્વાભાવિક છે. એનો જવાબ આપણને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના ચીફ આપે છે. તેઓ કહે છે, ‘બીજા કોઈ પણ જીવ કરતાં સૌથી વધુ અંતરીક્ષમાં રહેવા કેળવાયેલા હોય તો તે માનવ છે. એમાંય જ્યારે સુનીતા વિલિયમ્સ અને બૅરી જેવા અનુભવી ઍસ્ટ્રોનૉટ્સ હોય ત્યારે તો આ જોખમ ઘણું ઘટી જાય છે.’

સાથે જ તેઓ કેટલીક વાસ્તવિકતા પણ જણાવે છે. તેઓ કહે છે, ‘જ્યારે માનવી માઇક્રો ગ્રૅવિટી સિચુએશનમાં રહે છે ત્યારે નિઃસંદેહ તેના શરીરમાં કેટલાક મહત્ત્વના ફેરફારો સર્જાય છે અને એ પરિસ્થિતિ સામે તેને ઝીંક ઝીલવી પડે છે. જેમ કે શરીરના મસલ્સ એમનું લચીલાપણું ગુમાવે અથવા હાડકાંઓ નરમ અને નાજુક થઈ જાય. જોકે એની સામે ઍસ્ટ્રોનૉટ્સ પોતાની રોજિંદી જિંદગી પણ એ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. જેમ કે રોજેરોજ જરૂરી કસરતો કરવી, ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું. એમ છતાં કેટલુંક શારીરિક નુકસાન તો થાય જ છે. એમાંય જ્યારે તેઓ ધરતી પર પાછા ફરે અને મેડિકલ હેલ્પ લે ત્યાં સુધી સતત તેમણે આ ચૅલેન્જિંગ સિચુએશનમાંથી પસાર થવાનું હોય છે. બીજું એક સૌથી મોટું જોખમ છે રેડિયેશનનું. તમે અંતરીક્ષમાં હો છો ત્યારે કઈ ઑર્બિટમાં છો એના પર આ રેડિયેશનનો આધાર છે. સ્વાભાવિક રીતે જ ઝીરો ગ્રૅવિટી અને ઑક્સિજનની અછત હોવાને કારણે અંતરીક્ષમાં રેડિયેશનનું લેવલ ખૂબ ઊંચું હોય છે. જોકે આ માટે પણ દરેક ઍસ્ટ્રોનૉટ કેળવાયેલો જ હોય છે. છતાં આ જોખમ પણ મોટું છે. જોકે એક ઍસ્ટ્રોનૉટ અને સાયન્ટિસ્ટ હોવાની રૂએ હું એમ કહીશ કે લોકો જેટલું ગભરાઈ રહ્યા છે કે ચિંતા દર્શાવી રહ્યા છે એટલું મોટું સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ હાલના તબક્કે તો આ ઍસ્ટ્રોનૉટ્સ માટે જણાતું નથી.’

કઈ રીતના શારીરિક ફેરફાર?

હા, સામાન્ય રીતે માનવીનું શરીર ગુરુત્વાકર્ષણ સાથે તાલમેલ મિલાવીને જીવવા માટે બન્યું હોય છે. જેમ કે જ્યારે આપણે ચાલીએ છીએ, કૂદીએ છીએ, સૂઈએ છીએ ત્યારે પણ શરીરના મસલ્સ એમનું કાર્ય અને જવાબદારી એકસરખી જાળવી રાખે છે. એમાંથી ફ્લુઇડ વહેતું રહે છે, એનું લચીલાપણું જળવાઈ રહે છે. એ જ રીતે હાડકાં પણ પોતાની મજબૂતી અને બનાવટ ગુરુત્વાકર્ષણ સાથે જાળવી રાખે છે. જોકે અંતરીક્ષમાં એમ બનતું નથી. કેટલાક એવા ફેરફાર છે જે આપણે રોકી શકીએ છીએ કે એની સામે લડી શકીએ છીએ, પરંતુ કેટલાક ફેરફારો એવા છે જેમની સામે કન્ટ્રોલ મેળવી શકાતો નથી. મસલ્સ એમની સ્ટ્રેન્થ ગુમાવતા જાય છે. મસલ્સ ઘણી વાર એમની ઍક્ટિવિટી કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે અથવા ટિશ્યુ ડૅમેજ થઈ જાય છે. જોકે અંતરીક્ષમાં પણ રોજિંદી કસરત કરતા રહેવાને કારણે અને કેટલાંક મશીનની મદદથી લાંબો સમય અંતરીક્ષમાં રહેનારા ઍસ્ટ્રોનૉટ્સ આવા નુકસાનનું પ્રમાણ ઘટાડવાની કોશિશ કરતા જ હોય છે.

હા, એટલું ખરું કે દિવસો કે મહિનાઓ સુધી અંતરીક્ષમાં રહ્યા બાદ ફરી ગુરુત્વાકર્ષણવાળી ધરતી પર આવે ત્યારે ઍસ્ટ્રોનૉટ્સને કેટલીક શારીરિક અને માનસિક મુશ્કેલીઓ નડે છે. એક સાવ સામાન્ય ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મહિનાઓ સુધી કોઈ બીમારીને કારણે ખાટલા પર સૂઈ રહેલા પેશન્ટને જ્યારે ચાલવાનું આવે ત્યારે સ્વાભાવિક છે કે તેને શરૂઆતમાં થોડી મુશ્કેલી નડવાની. એ જ રીતે દિવસો કે મહિનાઓ સુધી ગુરુત્વાકર્ષણથી દૂર રહેલા ઍસ્ટ્રોનૉટ્સને પણ લોહીના પ્રવાહમાં, ચાલવામાં કે બૅલૅન્સ જાળવવા જેવી સામાન્ય મુશ્કેલીઓ નડી શકે. જોકે વાસ્તવમાં તેમને આ બધી જ પરિસ્થિતિઓ માટે ખાસ ટ્રેઇનિંગ પહેલેથી જ આપવામાં આવી હોય છે એટલે હવે ખાસ મોટી મુશ્કેલી નડતી નથી.

આ દૃષ્ટિએ જોવા જઈએ તો હાલના તબક્કે સુનીતા વિલિયમ્સ અને બૅરી સાથે તેમની ટીમને એટલું મોટું જોખમ જણાતું નથી અને પરિસ્થિતિ પણ દિવસો વીતે એમ તેમને અનુકૂળ જ થતી જાય એવી પ્રાર્થના આપણે કરી શકીએ, કારણ કે હાલ તો NASA અને બોઇંગ બન્ને દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં તેમને ફરી ધરતી પર લાવવાનો પૂરો પ્રયત્ન થશે. આઠ દિવસમાં પાછા આવવાનું છે એવી ધારણા સાથે અંતરીક્ષમાં મિશન પર ગયેલા આ ઍસ્ટ્રોનૉટ્સના યાનમાં હવે કોઈ બીજી મોટી મુશ્કેલી નહીં સર્જાય અને હાલમાં જે ખામીઓ ઉદ્ભવી છે એ સંપૂર્ણ રિપેર કરી લેવામાં સફળતા મળે એવી આશા આપણે બધા રાખી એક સકારાત્મક વિચાર અંતરીક્ષ સુધી મોકલીએ તો શક્ય છે પરિસ્થિતિ થોડી વધુ સરળતા સર્જે.

columnists international space station indian space research organisation gujarati mid-day nasa