મા કાલી અને મહાદેવના ઉપાસક એવા અઘોરીઓનું જીવન કેવું છે?

03 November, 2021 03:26 PM IST  |  Mumbai | Rashmin Shah

જાણ્યું કે જોયું ન હોય એવા અઘોરીઓના જીવનમાં ડોકિયું કરાવવાનું કામ ‘અઘોર નગારાં વાગે’ કરે છે

મા કાલી અને મહાદેવના ઉપાસક એવા અઘોરીઓનું જીવન કેવું છે?

કાળી ચૌદશનો દિવસ હોય ત્યારે મા કાલી અને મહાદેવ તથા તેમના ઉપાસક એવા અઘોરીઓને યાદ કરવામાં ન આવે તો કેમ ચાલે? દુનિયાથી દૂર અને સંસારી જીવનથી બિલકુલ પર થઈને રહેતા આ અઘોરીઓની દુનિયા અકળ છે. એ ક્યાં રહે છે, કેમ રહે છે અને જ્યાં પણ હોય છે ત્યાં શું કરતા હોય છે એવું તેને સતત થયા કરે જેને અગોચર વિશ્વમાં રસ પડતો હોય છે. આ અને આવા અનેક સવાલોના જવાબ લેખક મોહનલાલ અગ્રવાલના સ્વાનુભવો પર આધારિત ‘અઘોર નગારાં વાગે’માંથી મળે છે. 
મોહન અગ્રવાલ પોતે સાયન્સ ગ્રૅજ્યુએટ અને એ પછી પણ તેમને અઘોરીઓની દુનિયામાં જવાનું મન કેમ થયું એ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ એ ઇન્ટરેસ્ટિંગ વાતની પહેલાં જો કોઈ અગત્યની વાત જાણવી જોઈએ તો એ કે ‘અઘોર નગારાં વાગે’માં તેમણે આ બધી અજાણી વાતો કેમ લખી?
બન્યું એમાં એવું કે ગુરુની શોધમાં આગળ વધતા મોહનલાલ અગ્રવાલ કર્મે ગુજરાતી અને તેમનો જન્મ પણ સુરેન્દ્રનગરમાં પણ દાદા-પરદાદા એમ બધા મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના. સાઠના દશકમાં મોહનલાલ અગ્રવાલને અનેક સાધુઓ સાથે સત્સંગ થયો અને એ સત્સંગની વાતો તે અનેક મિત્રોને કરતા. એ વાતો સાંભળીને આંખો પહોળી થઈ જતી તો અમુક વાતો સાંભળીને એમાં સત્યતા માટે શંકા પણ જન્મતી. લાંબો સમય એવું રહ્યું એટલે કેટલાક મિત્રોએ મોહનલાલ અગ્રવાલને એ જે અનુભવો હતા એ અનુભવો પુસ્તક સ્વરૂપે લખવા માટે સમજાવ્યા અને અગ્રવાલ તૈયાર પણ થયા. પણ હજી એક મોટી અડચણ હતી.
પહેલાં લીધી ગુરુની આજ્ઞા
પોતે લેખક નહીં, માત્ર રસ-રુચિનો આધાર અને આયુર્વેદના અભ્યાસાર્થે થયેલા સત્સંગ દરમ્યાન જાણવા મળેલી અઘોરી જીવનની વાતો આજ્ઞા વિના લખવી કે કેમ એ યક્ષપ્રશ્ન હતો અને એનો જવાબ તેમને છેક અઢી વર્ષે ગુરુ પાસેથી મળ્યો. કોઈ આડંબર રાખ્યા વિના અને પોતે જે જોયું છે એમાં કશી બાદબાકી કર્યા વિના વાતને એ જ સ્વરૂપથી રજૂ કરવાની મોહનલાલની ઇચ્છામાં તેમના ગુરુઓએ કેટલીક શરતો મૂકી, કહો કે આજ્ઞા આપી કે દરેક વાત સંસારી સુધી પહોંચવી અનિવાર્ય નહીં હોવાથી એવી જ વાતો કહેવી જેની જરૂર હોય. ‘અઘોર નગારાં વાગે’ એ જ પ્રકારે લખવામાં આવી અને એ લખાયા પછી એ જે લખાતું એ ગુરુવરોને સંભળાવવામાં પણ આવતું. મોહનલાલ અગ્રવાલે એક વાર કહ્યું હતું, ‘આ પુસ્તકમાં જે કંઈ લખ્યું છે એ માંડ દસ ટકા હશે એવું કહીએ તો ચાલે. અઘોરી જીવન અને મંત્ર-તંત્ર વિજ્ઞાન એમાં કહેવાયું છે એનાથી જોજનો આગળ છે.’
આ સચ્ચાઈ હોવા છતાં ‘અઘોર નગારાં વાગે’ પ્રસિદ્ધ થયા પછી રીતસરનો દેકારો બોલી ગયો. સિરિયલાઇઝ્ડ થયેલા આ પુસ્તકને આમ તો મોહન અગ્રવાલની આત્મકથાનો જ હિસ્સો કહી શકાય પણ એમ છતાં એ લખવાની જે શૈલી છે એ શૈલી કોઈ વાર્તાથી સહેજ પણ ઊતરતી નથી તો એમાં જે તંત્ર-મંત્ર વિજ્ઞાનની, એ વિજ્ઞાનના મૂળ રહસ્યના સૂત્રધાર સમાન સિદ્ધહસ્તોની અને સાધુશાહી સંસ્કૃતિની વાતો વર્ણવવામાં આવી છે એ વાતો કોઈની પણ આંખો ચાર કરી નાખે એવી છે.
બુક કે પછી રિસર્ચ સેન્ટર?
‘અઘોર નગારાં વાગે’માં માત્ર ઘટનાક્રમ નથી ચાલી રહ્યો પણ એમાં અનેક એવી વિધિઓથી પણ વાચકોને પરિચિત કરાવવામાં આવ્યા છે જે વિધિની સંસારી જીવનમાં ક્યારેય કલ્પના પણ ન થઈ શકી હોય. સિત્તેરના દશકમાં જ્યારે આ બુક પ્રસિદ્ધ થઈ એ સમયે એને નાનાં બાળકો અને ટીનેજર્સથી દૂર રાખવામાં આવતી હતી. એમાં અમુક એવી વિધિઓની ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે વાંચીને બાળકો ડરી જાય તો એવી પણ સંભાવના જોવામાં આવતી હતી કે બાળકો એ વિધિ કરવાના રસ્તે આગળ ન વધી જાય. 
બાળકો અને ટીનેર્જસ માટે આવી ધારણા મૂકવા પાછળનું મોટું કારણ એ હતું કે એ પુસ્તક વાંચનારા મોટા લોકોમાંથી અનેક લોકો એ મુજબની વિધિ કરવા પણ માંડ્યા હતા તો અઢળક લોકો એવા હતા જેમણે મોહન અગ્રવાલનો એ વિધિ કરાવવા માટે કોને મળવું એ જાણવા માટે કૉન્ટૅક્ટ પણ કર્યો હતો. નૅચરલી, મોહન અગ્રવાલને ધારણા નહોતી કે તેમના પુસ્તકને આવો જબરદસ્ત પ્રતિસાદ મળશે. એમ છતાં તેમણે ક્યારેય અઘોરી વિશ્વમાં ફરી વાર વાચકોને લઈ જવાનું કામ કર્યું નહીં અને ‘અઘોર નગારાં વાગે’ના બે ભાગ પછી ક્યારેય કોઈ નવો ભાગ આવ્યો નહીં.
‘અઘોર નગારાં વાગે’ પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા ગુજરાતી ઍક્ટર અરવિંદ રાઠોડની હતી પણ સેન્સર બોર્ડનું નડતર ઊભું થઈ શકે એવી સંભાવના દેખાતાં તેમણે આ પ્રોજેક્ટને અટકાવી દીધો હતો.

સ્ટોરી શૉર્ટકટ

‘અઘોર નગારાં વાગે’ નામ મુજબ જ અઘોરીઓના જીવનમાં ડોકિયું કરાવતી બુક છે. લેખક મોહનલાલ અગ્રવાલ મૂક પ્રેક્ષક બનીને આગળ વધે છે અને તેમને અનેક યોગી અઘોરીઓનો જીવનમાં મેળાપ થાય છે. લેખકના જીવનના દસ વર્ષનો એ જે અઘોરી સાથેનો મેળાપ હતો એની વાતો તેમણે પોતાના પુસ્તકમાં કરી છે તો અઘોરી કેવી-કેવી વિધિઓ કરતા એ પણ અઘોરી સમાજની આચારસંહિતાઓને ધ્યાનમાં રાખીને તેમણે આ બુકમાં લખી છે. અઘોરી વિદ્યા અનોખી છે અને એ વિદ્યાની પ્રાપ્તિ પછી કલ્પના પણ ન કરી હોય એવું જ્ઞાન અને ભવિષ્ય જોવાની ક્ષમતા આવતી હોય છે એ ‘અઘોર નગારાં વાગે’માં દર્શાવવામાં આવ્યું છે. જોકે આગળ કહ્યું એમ ગુરુજનોની આજ્ઞા અને તેમણે જે વાત સંસારી સામે રજૂ કરવાની મનાઈ ફરમાવી હતી એ વાતની કાળજી પણ લેખકે રાખી છે અને પ્રસ્તાવનામાં સ્પષ્ટતા પણ કરી છે.

columnists Rashmin Shah