25 September, 2024 01:39 PM IST | Mumbai | Rajul Bhanushali
એવા ગુજરાતીઓ જેમણે પોતાની પ્રિય વાનગી ત્યજી દીધી છે
તાજેતરમાં એક ચૅટ શો દરમ્યાન જૉન અબ્રાહમે શૅર કર્યું કે છેલ્લાં ૨૭ વર્ષથી તેણે ફિટનેસ માટે કાજુકતરી નથી ખાધી. આજના સમયમાં સૌથી અઘરું છે સ્વાદ પર સંયમ રાખવાનું. ભાવતી વસ્તુથી છેટા રહ્યા હોય એવા કેટલાક ગુજરાતીઓને આજે મળીએ અને જાણીએ કયા સંજોગોમાં તેમણે પોતાની પ્રિય વાનગી ત્યજી દીધી
ફિટનેસ માટે પોતાની અત્યંત ભાવતી વસ્તુનો ત્યાગ કરવો અઘરો છે એટલે જ તો ડાયાબિટીઝ પછી પણ લોકો મીઠાઈઓથી દૂર નથી રહી શકતા. આ ઍક્ચ્યુઅલી માઇન્ડ ગેમ છે. જીભનો કન્ટ્રોલ મગજ પાસે છે. એક વાર મન મક્કમ થઈ જાય તો પછી કોઈ એને સ્વાદ ડોલાવી શકતો નથી. અમે કેટલાક એવા લોકો સાથે વાત કરી કે જેમણે ખરેખર લાંબા સમયથી અમુકતમુક કારણોસર પોતાની પ્રિય ખાવાની વસ્તુનો ત્યાગ કર દીધો છે. શું છે તેમના સેલ્ફ-કન્ટ્રોલનો ફન્ડા એ જાણીએ આજે.
વીગન ડાયટને ફૉલો કરવા માટે સૌથી પ્રિય એવી છાશ છેલ્લાં બાવીસ વર્ષથી નથી પીધી
કચ્છી માણસની સામે ૩૨ પકવાન અને ૩૬ ભોજન પીરસો પરંતુ જો જમવામાં છાશ નહીં હોય તો તેને એ ભોજન અધૂરું જ લાગવાનું. તેને માત્ર છાશ ને રોટલો મળશે તો એ પ્રેમથી ખાઈ લેશે. અને એવો એક કચ્છી માણસ જ્યારે છાશ સદંતર ત્યજી દે એ મોટી વાત છે. ફિટનેસ કોચ, ન્યટ્રિશનિસ્ટ અને માઉન્ટન એક્સ્પીડિશન લીડર એવા ૪૪ વર્ષના કુંતલ જોઇશરે ૨૦૦૨થી છાશ નથી પીધી. કુંતલભાઈ કહે છે, ‘એ વાતને આજે ૨૨ વર્ષ થયાં. ૨૦૦૨માં મેં વીગન ફૂડ પદ્ધતિ અપનાવી લીધી અને ત્યારથી છાશની સાથે-સાથે દૂધની બનાવટની બધી જ વસ્તુઓ છોડી દીધી. એ વખતે હું વિગન હેલ્થ માટે નહોતો બન્યો પણ પ્રાણી-પ્રેમ માટે મેં એ જીવન પદ્ધતિ અપનાવી હતી. એ સમય દરમિયાન મારું વજન ૧૧૦ કિલોની આસપાસ હતું. ૨૦૧૦માં મેં એવરેસ્ટ સર કરવાનું સપનું જોયું અને જો એવરેસ્ટ જેવું શિખર સર કરવું હોય તો ફિઝિકલી ફિટ થવું પડે. એ જર્નીના ભાગરૂપે એક્સરસાઇઝ કરવાની સાથે મારા ખાવા-પીવામાં ખૂબ ડિસિપ્લિન આવી. અગાઉ ક્યારેક હું વીગન સ્વીટ્સ ખાઈ લેતો પરંતુ પછી એ છોડી ને સાથે ડીપ ફ્રાઇડ ફૂડ પણ બિલકુલ બંધ કર્યું અને આજની તારીખ સુધી એ બધું બંધ છે. હું એકદમ હવે પોષકતત્ત્વોથી સંતુલિત ભોજન જમું છું. એવું ફૂડ લઉં જેના કારણે મારા શરીરને અને માઇન્ડને ફ્યુલ મળે અને હું પર્વતો સર કરી શકું. છેલ્લાં ૧૫ વર્ષથી મારું વજન ૭૫થી ૮૦ કિલોની વચ્ચે જ રહે છે. ૨૦૧૬માં નેપાલ તરફથી એક અને બીજી વાર ૨૦૧૯માં તિબેટ તરફથી બે એવરેસ્ટ સમિટ કરી છે. આ ગોલ અચીવ કરવા માટે જૂની આદતો છોડવી પડી. એ પછી હું મને નવી રીતે પામ્યો, વધુ મક્કમ અને વધુ મજબૂત! મન મક્કમ હોય તો બધું જ સંભવ છે.’
ડૉક્ટરે કહ્યું કે દૂધ એ મારા માટે ઝેર સમાન છે એટલે અતિપ્રિય દૂધ ૧૬ વર્ષથી ડાયટમાંથી આઉટ છે
મુલુંડમાં રહેતા ૫૯ વર્ષના રેડીમેડ ગાર્મેન્ટના વેપારી ધર્મેન્દ્ર સેજપાલને દૂધ ખૂબ જ ભાવે છે. દૂધપાક અને બાસુંદી જેવી દૂધમાંથી બનતી આઇટમ તો ભાવે જ પણ ઈવન સાદું ઇલાયચીવાળું દૂધ પણ તેમને ખૂબ જ ભાવે. પરંતુ વર્ષોથી હેલ્થ ઇશ્યુઝને કારણે તેમણે દૂધ મૂકી દીધું છે. ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘૨૦૦૮માં મને અલ્સરેટીવ કોલાઇટિસ નામની બીમારી થઈ. ડૉક્ટરે કહ્યું કે દૂધ મારા માટે ઝેર છે. મને એ પચતું નથી અને એને કારણે મારાં અલ્સર વધુ ઍક્ટિવ થઈ જાય છે. તેમણે કહ્યું કે બીજાં કારણ પણ હશે જ. સ્ટ્રેસને પણ આ બીમારી માટે કારણભૂત માનવામાં આવે છે, પણ સારવારના ભાગરૂપે મને દૂધ છોડી દેવાની સલાહ મળી. મેં દૂધ છોડ્યું તો ખરું, પરંતુ પૂરી રીતે નહીં. સારવાર ચાલતી હતી એ સમયની આસપાસ પરિવારમાં એક સગાઈમાં ગયો હતો. સગાઈમાં તો દૂધ હોય જ. મેં પીધું અને પછી ખૂબ જ હેરાન થયો. છેવટે નક્કી થયું કે દૂધ છોડ્યા વગર આરો નથી. એ દિવસ પછી આજ સુધી મેં ક્યારેય દૂધ નથી પીધું. મને આઇસક્રીમ પણ અત્યંત ભાવે. બે-ચાર મહિને ક્યારેક ઘરમાં આવે તો હું એકાદ-બે ચમચી ખાઈ લઉં બાકી એ પણ નથી ખાઈ શકતો. પરંતુ દૂધ એક ઘૂંટડો પણ નથી પી શકતો. મજાની વાત એ છે કે દૂધમાંથી જ બનતાં દહીં અને છાશ મને ચાલે છે. છાશ તો મારા માટે અમૃત સમાન છે. પણ મારું ફેવરિટ દૂધ મારે છોડવું પડ્યું છે. જ્યારે મારી કોલોનોસ્કોપી વગેરે ટેસ્ટ ચાલુ હતી ત્યારે ડૉક્ટરે એક આશંકા એ પણ વ્યક્ત કરી હતી કે તમને આંતરડાનું કૅન્સર પણ હોઈ શકે અને કહ્યું કે જો દૂધ પીવાનું રાખશો તો આગળ જતાં આ તકલીફ થઈ શકે. મારી આ કન્ડિશનમાં દૂધ માટે વ્યક્તિ ઇનટૉલરન્ટ થઈ જાય છે.’
હું એકસાથે ૪૮ ગુલાબજાંબુ ખાઈ શકતો એટલાં પ્રિય, પણ છેલ્લાં આઠ વર્ષથી એને અડ્યો જ નથી
ગ્રાન્ટ રોડમાં રહેતા ૫૭ વર્ષના ફર્નિચરની દુકાન ધરાવતા ચેતન ફ્રેમવાલાને ગુલાબજાંબુ અત્યંત પ્રિય છે. પોતાની વાત કરતાં ચેતનભાઈ કહે છે, ‘મારે ગુલાબજાંબુ અને પાપડનું જમણ થતું. એટલે જમવામાં માત્ર ગુલાબજાંબુ અને પાપડ! એકી બેઠકે ૪૮ ગુલાબજાંબુ ખાધાનો મારો રેકૉર્ડ છે. એક વાર ચેમ્બુરના જામા પાસેથી પસાર થતો હતો. ત્યાં પાર્કિંગની જગ્યા નહોતી તેથી મેં ગાડી ડબલમાં ઊભી રાખી દીધી. હજી તો ગુલાબજાંબુ લીધા અને ખાવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં તો ટ્રાફિક-પોલીસ આવી ગયો. થયું કે ખાઈ લઉં પછી પોલીસને પટાવી લઈશ ને ફાઇન ભરવો પડે તો ભરી દઈશ. મેં મોજથી મારાં ગુલાબજાંબુ પૂરાં કર્યાં. પણ ૨૦૧૬માં જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. થયું એવું કે મારા એક ફ્રેન્ડને હાર્ટ-અટૅક આવ્યો. અમે મિત્રો તેમને હૉસ્પિટલમાં મળવા ગયા. તે ડિસિપ્લિન્ડ જીવન જીવે છે. તેણે કહ્યું કે ‘ચેતન, ચેતી જા. ધ્યાન રાખ. મને તારું ટેન્શન થાય છે. મારા જો આ હાલ થઈ ગયા તો તારે ધ્યાન રાખવું જ રહ્યું’ મિત્રના એ શબ્દો હું ભૂલી શકતો નહોતો. મેં એક્સરસાઇઝ અને પ્રૉપર ડાયટ અપનાવીને એક વર્ષમાં ૧૪ કિલો વજન ઘટાડ્યું. સાચું પૂછો તો આ માઇન્ડ ગેમ છે. એક વખત તમે નક્કી કરો કે બસ, આ વસ્તુ નહીં જોઈએ ત્યાર બાદ તમને કોઈ પણ ફેવરિટ વસ્તુ ડગાવી શકતી નથી. આ વાત હું અનુભવે સમજ્યો. આઠ વર્ષ થયા. ગુલાબજાંબુ તો બંધ છે જ પણ સાથે બાકી બધું પણ ઑલમોસ્ટ બંધ છે.’
મિત્ર જેવા મામાના નિધન પછી તેમને ને મને એમ બન્નેને પ્રિય એવા ઢોસા ૪૦ વર્ષથી છોડી દીધા છે
ઘાટકોપરમાં રહેતા ૫૬ વર્ષના ફર્નિચરના બિઝનેસ સાથે જોડાયેલા વિપુલ ગોરેશિયાની કહાની વળી જુદી છે. વિપુલભાઈ દસમા ધોરણમાં હતા ત્યારે કશુંક એવું બન્યું કે તેમણે પોતાને અત્યંત પ્રિય એવા ઢોસા ખાવાનું છોડી દીધું. વિપુલભાઈ કહે છે, ‘દસમામાં હતો ત્યારે મારા મામાનું મૃત્યુ થઈ ગયું. એ સંબંધે મામા થાય પરંતુ મારી જ ઉંમરના હતા અને મારા જિગરજાન મિત્ર હતા. એ મામાને ઢોસા અત્યંત ભાવતા. તેઓ નાગપુરના વર્ધામાં રહેતા. આ ૧૯૮૩ની આજુબાજુની વાત છે. વર્ધામાં એ વખતે ઢોસા જેવી વસ્તુ મળતી નહીં. વેકેશન પડે અને તેઓ મુંબઈ અમારા ઘરે રોકાવા આવતા અને અમે ભેગા થઈએ એટલે કમ્પલ્સરી રોજેરોજ ઢોસા ખાવાના. નાનપણથી લઈને ટીન એજ સુધી એક્કેય વેકેશન એવું નહોતું કે અમે સાથે પસાર ન કર્યો હોય. કાં એ મુંબઈ આવતા કાં હું વર્ધા જતો અને મુંબઈમાં હોઈએ ત્યારે ઢોસા તો મસ્ટ હોય. અમારા માટે ઘરમાં પણ ઢોસા બને અને બહાર તો ખાવાના જ. અમે દસમા ધોરણમાં હતા ત્યારે તેમનું આકસ્મિક નિધન થઈ ગયુ. મારા માટે એ આઘાત અસહ્ય હતો. પરમ મિત્ર જેવા મામા જતા રહ્યા. બસ, એ દિવસ પછી મેં ક્યારેય ઢોસા નથી ખાધા. ઢોસા મને આજે પણ એટલા જ વહાલા છે. એનો સ્વાદ બરાબર યાદ છે પણ ખાતો નથી અને કદી ખાઈશ પણ નહીં.’