હારને કે બાદ ભી હાર ન માનને કા જઝ્બા ચાહિએ સંઘર્ષમય જીવન કા જીતના હી એક લક્ષ્ય ચાહિએ!

09 June, 2024 12:33 PM IST  |  Mumbai | Pravin Solanki

અડૂકિયા-દડૂકિયા જેવા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર સાથે ગઠબંધન કરીને સત્તા ટકાવી રાખવામાં દેશનું શું હિત થવાનું છે?

ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણી પતી ગઈ, પણ ચિંતા મટી નથી. ચૂંટણી પછી પરિણામ બાદ મોદીજીનું ભાષણ સાંભળીને થયું કે ‘એ રામ હજી એના એ જ છે.’ ભાષણની શરૂઆતમાં જ તેમણે રડવાનું ચાલુ કરી દીધું, ‘મારી માતાના અવસાન પછી મારી આ પહેલી ચૂંટણી હતી. મને દેશની અનેક માતાઓ-બહેનોના આશીર્વાદ મળ્યા છે અને એથી જ હું વિજયી બન્યો છું.’ એ પછી પણ મોદીસાહેબનો ‘હું’ અટક્યો નહીં. દેશ માટે ભૂતકાળમાં તેમણે શું-શું કર્યું એની લાંબી યાદી તેમણે જણાવી જે અત્યાર સુધીમાં પ્રેક્ષકોને મોઢે થઈ ગઈ છે. વચ્ચે-વચ્ચે રાબેતા મુજબ સુફિયાણી સલાહો પણ આપવા માંડ્યા, ‘તમે બે ડગલાં ચાલશો તો હું ચાર ચાલીશ, તમે દસ ડગલાં ચાલશો તો હું વીસ ચાલીશ; આપણે દેશને મહાસત્તા બનાવવાનો છે, ત્રીજી આર્થિક વ્યવસ્થામાં ગણાવવાનો છે વગેરે વગેરે...’ એકની એક વાતોનું પુનરાવર્તન કરીને સમય પસાર કર્યો. ટૂંકમાં, ક્યાંય આત્મચિંતન દેખાયું નહીં કે ન દેખાઈ ભવિષ્યની રૂપરેખા. વર્ષોથી જે મોદીબ્રૅન્ડ ભાષણ આપણે સાંભળતા આવ્યા છીએ એ જ સાંભળવા મળ્યું. વળી એમાં ‘મોદીની ગૅરન્ટી’ તો અચૂક હતી. સવાલ એ છે કે હવે બધાને પ્રશ્ન થાય છે કે મોદીજીનું ‘પહેલો પુરુષ એકવચન’ ક્યારે બંધ થશે? મોદી... મોદીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને ક્યારે આગળ કરશે? હજી પણ તેમને કેમ સમજાતું નથી કે BJP છે તો મોદી છે. મોદીભક્તો પણ આ વાત તેમના કાને નાખતાં કેમ ડરે છે? મોદી અનિવાર્ય છે, તેમનો કોઈ વિકલ્પ નથી એ સાચું છે; પણ એટલું જ સાચું એ પણ છે કે BJPને કારણે મોદી છે.

મોદીની લોકપ્રિયતાના પતનનું કારણ એ પણ છે કે તેમના અનુયાયીઓ બધા હજૂરિયા છે. મોદીને સાચી સલાહ આપવાની એ લોકોમાં હિંમત નથી કે ત્રેવડ નથી. મોદીનો હું પણ ભક્ત છું, સાથોસાથ હિતચિંતક પણ છું અને એટલે જ મેં ૨૮ એ​પ્રિલના ‘​મિડ-ડે’ના મારા લેખમાં આ બાબત અસંદિગ્ધ શબ્દોમાં સાવધાન કર્યા હતા. મેં સાફ-સાફ લખ્યું હતું કે મોદીનો વાણીવિલાસ હવે અસરકારક રહ્યો નથી. ભારતનાં તમામ દુઃખોનું કારણ કૉન્ગ્રેસ ને ફક્ત કૉન્ગ્રેસ છે એવા વક્તવ્યની ધાર બુઠ્ઠી દેખાઈ રહી છે. વળી BJP આજે એક પક્ષ તરીકે ક્યાંય દેખાતો નથી, કદાચ દેખાવા દીધો નથી. માત્ર નરેન્દ્ર મોદીજીના નામે પથરા તરી જશે એવી આશા ઠગારી નીવડી. એ વાત ન ભૂલવી જોઈએ કે રામે પણ પોતાનું નામ લઈને પથ્થર તરાવવાની કોશિશ કરી હતી ત્યારે પથ્થર ડૂબી ગયો હતો.

મેં ભારપૂર્વક ‘​મિડ-ડે’માં લખ્યું હતું કે મોદીસાહેબનો કોઈ વિકલ્પ નથી એનો લાભ દરેક ચૂંટણીમાં મળ્યો છે, પરંતુ ૨૦૨૪ની ચૂંટણીમાં મળશે જ એવા આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી જ નથી. એનાં ઘણાંબધાં કારણો છે.

થોડા સમય પહેલાં મોદી-શાહની જોડી રામ-લખનની જોડી તરીકે ઓળખાતી હતી, આજે ખાપરા-ખોળિયાની જોડી તરીકે ઓળખાય છે. મેં એ પણ ચેતવણી આપી હતી કે BJPનો અંદરોઅંદરનો વિખવાદ ભારેલો અગ્નિ બની રહેશે. અગત્યની અને મહત્ત્વની વાત એ હતી કે કૉન્ગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઢગલાબંધ BJPમાં જોડાઈ રહ્યા છે અને તેમની સારીએવી ખાતરબરદાસ્ત પણ થઈ રહી છે. વળી એ લોકોનાં ભૂતકાળનાં દુષ્કૃત્યોને નજરઅંદાજ કરીને પક્ષના મૂળભૂત કાર્યકરોને નારાજ કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં, આ બધી જ ચેતવણી મેં મારા લેખમાં આપી હતી અને એનું પરિણામ આપણી સામે છે અને એ સાચું ઠર્યાનું મને દુઃખ પણ છે.

રાજકારણ અને રાજકારણીઓનો મને ૪૦ વરસનો અનુભવ છે એટલે વર્તમાન પરિસ્થિતિની મને પહેલેથી જ ગંધ આવી ગઈ હતી. લોકોનો પ્રશ્ન હવે એ છે કે હવે શું? જરા પણ વિચારવાની જરૂર નથી. હવે પક્ષપલટાની સોદાબાજી થશે, લાલચ-લોભથી જોઈતી બહુમતી BJP મેળવી લેશે, ઢોલ-નગારાં વાગશે, એકબીજાને હારતોરા પહેરાવવામાં આવશે અને મોદીસાહેબ ફરીથી ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યાનો સંતોષ લેશે.

ઘણી વાર વિચાર આવે છે કે કોઈ પણ પક્ષ કે પક્ષના નેતાને પક્ષપલટા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કેમ નથી આવ્યો? પક્ષપલટો એ જનતાનો વિશ્વાસઘાત કરવા બરાબર છે. ત્રિશંકુ પરિસ્થિતિમાં મોદી ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના શરણે જઈને સરકાર બનાવે એ જનતા સાથે મોટામાં મોટી નાઇન્સાફી છે એટલું જ નહીં, BJP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખ પર મોટામાં મોટો બટ્ટો છે. દેશની નાનામાં નાની વ્યક્તિ પણ જાણે છે કે નીતીશજી અને ચંદ્રાબાબુ નાયડુ બન્નેનો ભૂતકાળ ખરડાયેલો છે, અવિશ્વાસુ છે, અડૂ​કિયા-દડૂકિયા છે. આવી વ્યક્તિ સાથે ગઠબંધન કરીને સત્તા ટકાવી રાખવામાં દેશનું શું હિત થવાનું છે? RSSના માધાંતાઓને આ બાબત પર કેમ કોઈ વિચાર આવતો નથી. સત્તા પર ટકી રહેવા માટે આટલી હદે આબરૂનું ​લિલામ કરવું એ કેટલી હદે હિતાવહ છે? હું વ્યક્તિગત રીતે ઇચ્છું છું કે મોદીજીએ આવી તડજોડ ન કરવી જોઈએ. એનાથી દેશની અને મોદીજી બન્નેની આબરૂ પર ચાર ચાંદ લાગી જાશે.

મોદીજીએ અનેક વાર પોતાનાં ભાષણોમાં કહ્યું છે કે હું તો એક ફકીર છું, ઝોળી લઈને સેવા કરવા આવ્યો છું, મારી પાસે મેળવવા-ગુમાવવા જેવું કંઈ નથી. આ શબ્દોને સાર્થક કરવાનો સમય આવી ગયો છે.

સમાપન

અટલ બિહારી વાજપેયીએ આત્મસાત્ કરેલી કવિ શિવમંગલ સિંહ સુમનની પંક્તિઓ ખૂબ સૂચક છે: 
ક્યા હાર મેં, ક્યા જીત મેં 
કિંચિત નહીં ભયભીત મૈં
સંઘર્ષપથ પર જો મિલે
યહ ભી સહી વહ ભી સહી 
વરદાન માંગૂંગા નહીં

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki Lok Sabha Election 2024