J-1 વીઝાધારકે ટૂ યર હોમ રેસિડન્સીમાંથી મુક્તિ મેળવવી હોય તો શું થઈ શકે?

18 December, 2024 07:20 AM IST  |  Washington | Sudhir Shah

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે એમના J-1 એક્સચેન્જ વિઝિટર્સ સ્કિલ્ડ લિસ્ટમાં એક સુધારો કર્યો

ડોનલ્ડ ટ્રમ્પ

સર, મારો ડૉક્ટર દીકરો અમેરિકાની હૉસ્પિટલમાં J-1 વીઝા પર કામ કરી રહ્યો છે તેમ જ તાલીમ પણ લઈ રહ્યો છે. તેનો J-1 વીઝાનો સમય હવે પૂરો થવા આવ્યો છે. પહેલાં તો આપણી સરકાર આવા J-1 વીઝાધારક ડૉક્ટરોને ‘ટૂ યર હોમ રેસિડન્સી રિક્વાયરમેન્ટ’ છે એમાંથી અરજી કરતાં માફી આપતી હતી અને અમેરિકાની સરકાર પણ એ નિયમમાં અમુક શરતોએ છૂટ આપતી હતી. હવે મેં એવું સાંભળ્યું છે કે આપણી સરકાર આ છૂટ નથી આપતી એટલે મારા દીકરાએ ઇન્ડિયા પાછા આવવું પડશે. તેને ત્યાંની એક હૉસ્પિટલ H1-B વીઝા માટે સ્પૉન્સર કરવા તૈયાર છે એટલું જ નહીં, એક ઇન્ડિયન અમેરિકન સિટિઝન ડૉક્ટર યુવતી મારા દીકરાને પરણવા ઇચ્છે છે અને એ માટે ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન પણ દાખલ કરવા રાજી છે. જોકે મારો દીકરો અમેરિકન સિટિઝન યુવતીને પરણે કે એના લાભ માટે તેની હૉસ્પિટલ H1-B પિટિશન દાખલ કરે તો પણ તેણે બે વર્ષ માટે તો ઇન્ડિયા આવવું જ પડશે. આવા સંજોગોમાં મારો દીકરો શું કરી શકે જેથી તે પેલી યુવતી જોડે લગ્ન કરીને અમેરિકામાં જ રહી અને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરી શકે.

અનેક પ્રોફેસરો, ટીચરો, સંશોધનકારો, ડૉક્ટરો જેઓ J-1 વીઝા પર અમેરિકામાં તાલીમ મેળવવા અને કામ કરવા જતા હોય છે તેમના માટે આવી સમસ્યા ઉપસ્થિત થતી હોય છે. J-1 વીઝા આપતી વખતે કેટલાક લોકોને અમેરિકાની સરકાર એ વીઝા એ શરતે આપે છે કે તેમણે તેમનો J-1 વીઝા પર અમેરિકામાં રહેવાનો જે સમય હોય એ પૂરો થતાં બે વર્ષ માટે પોતાના દેશમાં પાછા જઈને કામ કરવું જોઈએ. એ બે વર્ષ દરમ્યાન તેઓ કોઈ પણ પ્રકારના ઇમિગ્રન્ટ યા નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકામાં પ્રવેશી નથી શકતા.

આવા સંજોગોમાં J-1 વીઝાધારકો અમેરિકાની સરકાર અને પોતાની દેશની સરકારને અરજી કરીને વિનંતી કરે છે કે તેમને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવે. ભારતીય ડૉક્ટરો માટે છેલ્લા થોડા સમયથી ભારતની સરકારે એવું ઠરાવ્યું છે કે તેમને આ ટૂ યર હોમ રેસિડન્સી રિક્વાયરમેન્ટમાંથી મુક્તિ ન આપવી.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે એમના J-1 એક્સચેન્જ વિઝિટર્સ સ્કિલ્ડ લિસ્ટમાં એક સુધારો કર્યો અને વિશ્વના ૩૪ દેશો જેમાં આપણા ભારતનો રણ સમાવેશ થાય છે એના નાગરિકોને આ ટૂ યર હોમ રેસિડન્સી રિક્વાયરમેન્ટમાંથી મુક્ત કર્યા છે.

આ મુક્તિ દર્શાવી આપે છે કે અમેરિકાને ભણેલા-ગણેલા આવા કાર્યકરોની ખૂબ જ જરૂર છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આ બાબતમાં કેવું વલણ અખત્યાર કરશે એ હવે સૌએ જોવાનું રહે છે.

columnists donald trump political news international news world news