નવા વર્ષે તમારે શું કરવાની જરૂર છે?

14 November, 2023 03:14 PM IST  |  Mumbai | Swami Satchidananda

નવા વર્ષે લોકો બધું સારું-સારું ઇચ્છે અને કરે પણ બધું સારું-સારું જ પણ એ વાત આજના દિવસ પૂરતી સીમિત રહે. વધીને લાભપાંચમ પૂરતું કાયમ રહે પણ એ પછી બધાનો ઉલાળિયો થઈ જાય અને પાછા હતા એવા ને એવા જ થઈ જાય.

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષે લોકો બધું સારું-સારું ઇચ્છે અને કરે પણ બધું સારું-સારું જ પણ એ વાત આજના દિવસ પૂરતી સીમિત રહે. વધીને લાભપાંચમ પૂરતું કાયમ રહે પણ એ પછી બધાનો ઉલાળિયો થઈ જાય અને પાછા હતા એવા ને એવા જ થઈ જાય. આ નવા વર્ષે બીજું કશું ન કરો તો ચાલશે, બધાનો ઉલાળિયો કરી દેશો તો પણ મંજૂર પણ આ નવા વર્ષે માત્ર એટલું કરજો કે તમારાથી રાષ્ટ્રનો ઉલાળિયો ન થઈ જાય. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવાનું ચૂકી ન જવાય એનું ધ્યાન રાખજો. હું તો ત્યાં સુધી કહીશ કે ધર્મ ચૂકો તો પણ ચાલશે પણ રાષ્ટ્રધર્મને પ્રથમ હરોળમાં રાખજો.
જે રાષ્ટ્ર નમાલું હોય, જે રાષ્ટ્રનો 
ધણી નમાલો હોય એને આવીને સૌ 
ટપલી મારી જાય. ઘરમાં આવું જ હોય છે. જેની કમાણી ઓછી હોય એને કોઈ ન પૂછે અને જે અઢળક કમાતો હોય એની રોજ આરતી ઉતારવામાં આવે. એને 
પૂછીને ભોજન બને અને એને પૂછીને 
ઘરના નિર્ણયો લેવામાં આવે. આવું જ રાષ્ટ્રનું હોય. જો તમારો ધણી મજબૂત હોય તો એને પૂછ્યા વિના શક્તિશાળી રાષ્ટ્ર પણ આગળ ન વધે. આજથી શરૂ થતા નવા વર્ષમાં એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમારો જે નેતા હોય એ માયકાંગલો ન હોય. કહે છેને, કિન્નરની જાનમાં જવા કરતાં મર્દના જનાજામાં જવું. રાષ્ટ્રને એવા મર્દના હાથમાં મૂકજો જે મર્દ તમારા દેશને નવી-નવી ઊંચાઈ દેખાડે અને એના થકી તમારાં પણ વિકાસનાં દ્વાર ખોલે. માત્ર રાષ્ટ્રની જ અહીં વાત નથી, વાત તમારા નેતાની પણ છે.
એવી વ્યક્તિ સાથે કામ કરજો, એવી વ્યક્તિ સાથે રહેજો જે પોતાની સાથોસાથ તમારો પણ વિકાસ કરે. એક અંગત સલાહ છે. જો તમને એવું લાગે કે તમે તમારાથી ઓછી બૌદ્ધિકતા ધરાવતા શેઠ કે માલિક સાથે કામ કરો છો અને તમે એનો સાથ છોડી નથી શકતા તો ડરવાની જરૂર નથી. સંન્યાસી પણ બનવાની જરૂર નથી. સંસારી છો, બાંધછોડ કરવી એ તમારો ધર્મ છે; પણ એ જે બાંધછોડ કરો એમાં એટલું 
જુઓ કે તમારી આંતરિક વિકાસયાત્રા અટકી ન જાય. તમારામાં જે વૃદ્ધિ કરે એનો સંગાથ સાથે રાખો અને તમારામાં રહેલું ઉત્તમ તત્ત્વ બહાર લાવવાનું કામ કરે એનો સાથ અકબંધ રાખો. ભલે એ વ્યક્તિ ગમતી ન હોય, ભલે એનો સ્વભાવ તમને અળખામણો લાગતો હોય અને ભલે તમને એ દૂર રાખવાનો પ્રયાસ કરતો હોય એમ છતાં પણ તમે પ્રયાસ કરો કે તમારો એની સાથેનો સંગાથ જળવાઈ રહે અને જળવાયેલા એ સંગાથ સાથે તમે વિકાસશીલ બનતા રહો. યાદ રાખવું, ગંગાની નાનકડી અમસ્તી બૉટલ પણ શુદ્ધિનું કામ તો કરે જ કરે છે.

columnists gujarati mid-day diwali