રામલલાની બનેલી અન્ય બે મૂર્તિઓ માટે અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે શું નક્કી કર્યું?

29 September, 2024 02:43 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

જો એક કરતાં વધારે મૂર્તિ બની હોય તો બીજી મૂર્તિઓને પધરાવી દેવામાં આવતી હોય છે, પણ રામલલાની મૂર્તિ સાથે એવું નથી થવાનું

રામલલ્લા

આપણે વાત કરીએ છીએ રામલલાની મૂર્તિની. અયોધ્યાના રામમંદિર માટે જે ત્રણ મૂર્તિ બનતી હતી એ ત્રણમાંથી બે મૂર્તિ કર્ણાટકના કારીગર પાસે બનતી હતી, જે બ્લૅક સ્ટોનમાં બનાવવાની હતી તો ત્રીજી મૂર્તિ રાજસ્થાનના સત્યનારાયણ પાંડે બનાવતા હતા. આ ત્રીજી મૂર્તિ મકરાણા માર્બલની બનાવવાની હતી. એ વાત મંદિરના ટ્રસ્ટીઓએ પહેલેથી નક્કી રાખી હતી કે રામલલાની એટલે કે બાલ્યાવસ્થાના રામની જ મૂર્તિ બનાવવાની. મંદિરનું કાર્ય ચાલતું હતું ત્યારે એવી વાતો પણ બહુ ચાલી કે યુવા રામ કે પછી રામ-સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ મૂકવામાં આવશે; પણ ના, એવું ક્યારેય વિચારવામાં પણ નહોતું આવ્યું. રામલલામાં ભગવાન શ્રીરામની અલગ-અલગ બાલ્યાવસ્થા વિશે વાત થઈ અને પછી ફાઇનલી ભગવાન રામનું આ બાલ્યરૂપ નક્કી કરવામાં આવ્યું અને એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી.

એ એક જ ડિઝાઇન ત્રણેય મૂર્તિકારને આપવામાં આવી. મનમાં કદાચ પ્રશ્ન જાગે કે એક જ ડિઝાઇન હતી તો પછી ત્રણ મૂર્તિકાર શું કામ? તો એ પણ વાત કરું.

મૂર્તિમાં ભાવ અત્યંત અગત્યના છે. તમે જોયું હશે કે અમુક મૂર્તિના ચહેરાના ભાવ એટલા પ્રબળ હોય કે તમને એવું જ લાગે કે ભગવાન સાક્ષાત્ આપણી સામે જ બેઠા છે. આ જે ભાવ લાવવાની કળા છે એ ક્યાંક ને ક્યાંક ભગવાનની ભેટ છે એવું કહું તો ખોટું નહીં કહેવાય. અયોધ્યામાં એક તરફ મંદિરનું કામ ચાલતું હતું. એ કામ જેમ-જેમ આગળ વધતું ગયું એમ-એમ આ ત્રણ મૂર્તિનું કામ પણ આગળ વધતું ગયું. અમે નિયમિત મૂર્તિનું કામ જોતા. ટ્રસ્ટીમંડળ પણ નિયમિત એ કામમાં ધ્યાન આપતું, મંદિર જ્યાં બનતું ત્યાં વિઝિટ કરતું અને જરૂરી સલાહસૂચનો પણ આપતું. એવું હતું જ નહીં કે એકબીજાની પરીક્ષા લેવામાં આવતી હોય. અરે, ઘણી વાર તો એવું બન્યું છે કે એ ત્રણેય મૂર્તિકાર એકબીજાને હેલ્પફુલ બન્યા હોય.

ફાઇનલી જ્યારે ત્રણેય મૂર્તિ તૈયાર થઈ ત્યારે અરુણ યોગીરાજે બનાવેલી બ્લૅક સ્ટોનની જે મૂર્તિ હતી એના ભાવ બિલકુલ એવા હતા જેની અપેક્ષા ટ્રસ્ટીમંડળે રાખી હતી. એ મૂર્તિનાં જેણે પણ દર્શન કર્યાં હશે તેને ખબર હશે કે એવું જ લાગે છે કે રામલલા સાક્ષાત્ સામે જ ઊભા છે. મેં તો ઘણા ભાવિકો એવા જોયા છે જેઓ રામલલાનાં દર્શન કરતાં-કરતાં રડી પડતા હોય. આંખમાં આંસુ લાવવાનું આ કામ જે કરે છે એ મૂર્તિનો ભાવ છે.

ઘણાને એવો વિચાર આવે કે આ એક મૂર્તિની તો મંદિરમાં સ્થાપના થઈ ગઈ, તૈયાર થયેલી પેલી બે મૂર્તિઓનું શું કરવામાં આવ્યું? તો આજે હું તમને એની પણ વાત કરું. સામાન્ય રીતે એવું બનતું રહ્યું છે કે એકથી વધારે મૂર્તિ બની હોય તો પસંદ થયેલી મૂર્તિ સિવાયની મૂર્તિને પાણીમાં પધરાવી દેવામાં આવી હોય. આ પ્રકારે મૂર્તિ પધરાવી શકાય છે, કારણ કે એની પ્રાણપ્રતિષ્ઠા નથી થઈ હોતી. જોકે અયોધ્યા મંદિર માટે બનેલી બાકીની બન્ને મૂર્તિઓને ક્યાંય પધરાવવામાં નહીં આવે. હજી એ વિશે નિર્ણય લેવામાં નથી આવ્યો કે એ મૂર્તિનું શું કરવું, પણ એટલું નક્કી છે કે એ મૂર્તિઓ દર્શનીય મૂર્તિ તરીકે મૂકવામાં આવશે. એક પ્રયાસ એ થઈ રહ્યો છે કે એ મૂર્તિને અયોધ્યા મંદિરમાં જ મૂકવામાં આવે તો સાથોસાથ ટ્રસ્ટીઓ એ વિશે પણ વિચારી રહ્યા છે કે એ મૂર્તિઓને એવી જગ્યાએ દર્શનીય મૂર્તિ તરીકે મૂકવામાં આવે જ્યાં લોકો એનાં દર્શનનો લાભ લઈ શકે. ટ્રસ્ટ એ વાત માટે પણ તૈયાર છે કે જો બહુ મોટું મંદિર બનતું હોય અને એ લોકો ટ્રસ્ટ પાસે આ બે મૂર્તિમાંથી કોઈની માગણી કરે તો તેમને પણ આપવી. જોકે એટલું નક્કી છે કે ભવિષ્યમાં એ બન્ને મૂર્તિનાં દર્શન કરવાં મળશે, મળશે ને મળશે જ.

columnists ram mandir ayodhya