ભારતની અદાલતોમાં થતા કેસોના ભરાવાને નિયંત્રણમાં લાવવા શું કરીશું આપણે?

02 July, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીગલ ભાષામા જે ક્લિષ્ટતા (અઘરાપણું) લાવવામાં આવે છે એ જોઈને પ્રશ્ન થાય કે ઇરાદાપૂર્વક એક સરળ અને સીધી વાતને ગૂંચળા જેવી બનાવીને કહેવા પાછળ કયો હેતુ હશે?

પ્રતીકાત્મક તસવીર

‘કાનૂન શું એક કોયડો છે જેને ઉકેલવાનો છે? કાનૂને વિવાદને ઉકેલવાના છે નહીં કે પોતે વિવાદાસ્પદ બની જવાનું છે.’ આ શબ્દો કોઈ સામાન્ય માણસના નથી, ખુદ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ આ શબ્દો કહેવા પડ્યા છે કેમ કે તેઓ પણ માને છે કે કાયદાની ભાષા નાગરિકોને  સમજાય એવી હોવી જોઈએ. વડા પ્રધાને પણ આ જ વાતને ટેકો આપ્યો છે. સામાન્ય નાગરિકો કાયદાનો પૂરો લાભ લઈ શકે એ માટે કાનૂની ભાષાને સરળ બનાવવાની જરૂરિયાત કેન્દ્ર સરકારને પણ સમજાઈ છે.

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના શબ્દો વાંચતાં મને થોડા દિવસ પહેલાં ટીવી પર નવી સરકારની શપથવિધિ યાદ આવી ગઈ. શપથ લેતી વખતે બોલવાનું વાક્ય એટલું ક્લિષ્ટ હતું કે મોટા ભાગના સભ્યોને એ વાંચવામાં તકલીફ થતી હતી. અને એ સાંભળતી વખતે અચૂક થતું હતું કે આને સરળ ભાષામાં ન મૂકી શકાય? પણ ભાઈ, આ તો કાયદાકીય ભાષા. એમાં કાના-માત્રનો ફેર ન કરી શકાય! આવું વરસોથી સાંભળતા આવ્યા છીએ.

લીગલ ભાષામા જે ક્લિષ્ટતા (અઘરાપણું) લાવવામાં આવે છે એ જોઈને પ્રશ્ન થાય કે ઇરાદાપૂર્વક એક સરળ અને સીધી વાતને ગૂંચળા જેવી બનાવીને કહેવા પાછળ કયો હેતુ હશે? ક્યારેક આ અદાલતોમાં જવાનું થાય તો જોજો ઊભાં ડબલ ફોલ્ડ કરેલાં ફુલસ્કેપ પાનાંની ઢગલાબંધ પિટિશનો કોર્ટના ક્લર્કના ટેબલ પર પડી હશે. એક વકીલ સાથે મેં એક વાર પિટિશનની ભાષાને સહેલી અને લખાણને મુદ્દાસર બનાવવા બાબત ચર્ચા કરેલી. ગૂંચળા જેવી ભાષાને બદલે અરજદારો કે પ્રતિવાદીઓ સમજી શકે એવી સાદી અને સચોટ ભાષાનો ઉપયોગ કેમ ન થઈ શકે? એક ને એક વાતનુ વારંવાર પુનરાવર્તન કરવાની રીતને તિલાંજલિ કેમ ન આપી શકાય? બ્રીફ તૈયાર કરવા માટે જમાનાજૂની સ્ટાઇલની જ વાક્યરચનાને અને શબ્દસમૂહને વળગી રહેવાની શી જરૂર છે? મારા આ  સવાલોના જવાબ તો મળ્યા, પણ ચર્ચાના અંતે મને લાગ્યું હતું કે કદાચ એ જલેબી જેવી ભાષા હેતુપૂર્વક જ વપરાય છે!

દસથી પંદર સાદાં વાક્યોમાં કહી શકાય એવી વાત કે મુદ્દા કાનૂની ભાષામાં કહેવા માટે દસ-પંદર કાગળો ભરાય એટલું લંબાણ કરાય છે. અને આટલુંબધું લંબાણપૂર્વક લખાવા છતાં એમાં થયેલી રજૂઆત સમજવી સામાન્ય નાગરિકને ભારે દુષ્કર થઈ પડે છે. તમને કદાચ યાદ હશે કે RTI ઉર્ફે રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ કરાતી અરજી માટે પાંચસો શબ્દોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. RTIની જેમ લીગલ ડૉક્યુમેન્ટ્સ કે પિટિશન્સ માટે પણ આવી મર્યાદા લાવવી જોઈએ. ભારતની અદાલતોમાં થતા કેસોના ભરાવા પર એની પહેલી પૉઝિટિવ અસર થાય એવું બને! 

 

- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્ત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવોર્ડથી નવાજાયેલાં તરુ કજારિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રીએટિવ કન્સલ્ટન્ટ છે)

columnists