બ્રેસ્ટ-કૅન્સર હવે લિવરમાં ફેલાયું છે

28 November, 2023 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કીમોથી ગભરાવ નહીં. એ દરદીને મદદરૂપ જ થશે. જેમ કૅન્સર વર્તે એમ ટ્રીટમેન્ટ બદલવી જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

મારી મમ્મીને બ્રેસ્ટ-કૅન્સર છે. તેની હૉર્મોન થેરપી ચાલતી હતી. એનાથી તેને સારું પણ હતું. હાલમાં તેનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે લિવરમાં પણ કૅન્સરના અમુક સેલ્સ દેખાયા છે. સોનોગ્રાફી પછી MRI રિપોર્ટ, પેટ સ્કૅન અને બાયોપ્સી રિપોર્ટ પણ કરાવ્યા. રિપોર્ટ પરથી ખબર પડી છે કે બ્રેસ્ટ અને હાડકાં સુધી ગયેલા કૅન્સર સેલ્સ તો હૉર્મોનલ ટ્રીટમેન્ટથી ઘટી ગયા, પરંતુ લિવરમાં જે સેલ્સ છે એ મ્યુટેટ થઈ ગયા છે. હવે એના પર હૉર્મોનલ ટ્રીટમેન્ટ કામ નહીં કરે. ડૉક્ટર કહે છે કે હવે કીમો આપવો પડશે. પહેલાં અમને કહેવામાં આવેલું કે હૉર્મોનલ ટ્રીટમેન્ટ જ કામ કરશે. હવે કહે છે કે કીમો જ કામ કરશે. બધા રિપોર્ટ્‍સ મોકલી રહી છું. 
   
તમારી મમ્મીને જે ટ્યુમર છે એના માટે હૉર્મોનલ ટ્રીટમેન્ટ બેસ્ટ હતી અને એણે કૅન્સર પર કામ પણ કર્યું એને કારણે જ તો બ્રેસ્ટ અને હાડકાંમાં કૅન્સર ઓછું થઈ ગયું. ૯૯ ટકા દરદીઓમાં એવું થાય છે કે તેમને અ પ્રકારના કૅન્સરમાં જીવનભર હૉર્મોનલ ટ્રીટમેન્ટ લેવાની હોય છે. એનાથી તેમનું કૅન્સર ઘણું કાબૂમાં રહે છે અને એક નૉર્મલ જીવન જીવી શકે છે. જોકે અહીં સમજવાની વાત એ છે કે દરેક શરીર જુદું છે અને દરેકનો રોગ પણ જુદો છે. તમારાં મમ્મીને જે થયું છે એ ખૂબ જ રૅર પરિસ્થિતિ છે. આવું સામાન્ય નથી. આવી પરિસ્થિતિમાં સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ હોતી નથી. હવે જ્યારે આ થયું છે ત્યારે એ સમજવાનું છે કે હવે શું કરવું?

પહેલાં તો એ કે જે લિવરની બાયોપ્સી કરી હતી એની સ્લાઇડ પર ESR1, PiS3CA, ERBR2 જેવી ટેસ્ટ કરાવવી જરૂરી છે. એનાથી આપણને ખ્યાલ આવશે કે દરદી પર સેકન્ડ લાઇન હૉર્મોનલ ટ્રીટમેન્ટ કામ કરશે કે નહીં. લિવર સુધી જે સેલ્સ પહોંચી ગયા છે એ આગળ તો વધશે જ. એને અટકાવવા માટે કીમો જરૂરી છે, પરંતુ પહેલાં તમે ઉપર જણાવેલી ટેસ્ટ માટે રાહ જોઈ શકો છો. એનું રિઝલ્ટ એકાદ મહિનામાં આવશે. ત્યાં સુધી કીમો ન અપાવવો હોય તો ચાલે, પરંતુ એ પણ સમજવાની વાત છે કે કીમો ભવિષ્યમાં આપવો તો પડશે જ. એટલે કીમોથી ગભરાવ નહીં. એ દરદીને મદદરૂપ જ થશે. જેમ કૅન્સર વર્તે એમ ટ્રીટમેન્ટ બદલવી જરૂરી છે. તમારાં મમ્મીને ઘણું ઍડ્વાન્સ લેવલનું કૅન્સર છે. એ ઠીક તો નહીં જ થાય, પરંતુ એને મૅનેજ કરવા માટે પણ ઇલાજ તો કરવો જ રહ્યો.

cancer columnists health tips