હાર્દિક થાય છે હડધૂત: ચલ જમૂરે બતા, હમારી ટીમ મેં આને કા ક્યા દામ લોગે

30 March, 2024 08:19 AM IST  |  Mumbai | Manoj Joshi

ટીમ બદલી શું કામ એ ચર્ચામાં આપણે નથી જવું, કારણ કે આપણે એ બધા વિશે બહુ જાણતા નથી, પણ ટીમ બદલાવીને હાર્દિકે યોગ્ય નથી જ કર્યું

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

તમે સમજી જ ગયા હશો કે આપણે વાત કરીએ છીએ હાર્દિક પંડ્યાની. એ હાર્દિક પંડ્યાની જેણે ગઈ સીઝન સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાતની ટીમની આગેવાની કરી અને પછી રાતોરાત એ મહાશય મુંબઈની ટીમમાં જઈને બેસી ગયા. ક્રિકેટ સાથે આપણે કોઈ નિસબત ન મળે. હા, બધા સાથે બેસીને આનંદ માણી લઈએ એ ખરું, પણ એનાથી વિશેષ કંઈ નહીં એટલે આપણે હાર્દિક પંડ્યાના પર્ફોર્મન્સ વિશે કે પછી તેણે શું કામ ટીમ છોડી એ વિશે વધારે વાત નથી કરવી, પણ વાત કરવી છે હાર્દિકના થઈ રહેલા અપમાનની અને એના અપમાન પાછળની લાગણીની.

ઉપર હેડિંગમાં તમે જે પેલું જમૂરેવાળું વાક્ય વાંચ્યું એ સ્ટેટમેન્ટ ક્યાંય મારું નથી, પણ એ સ્ટેટમેન્ટ અમદાવાદની મૅચ દરમ્યાન એક બૅનરમાં વાંચેલું વાક્ય છે અને એ સિવાયનાં અઢળક આવાં જ સ્ટેટમેન્ટ મૅચ દરમ્યાન સતત સાંભળવા મળ્યાં હતાં તો હાર્દિક જ્યાં પણ રમવા જાય છે ત્યાં છૂટાછવાયા ગુજરાતી ફૅન્સના હાથમાં આવાં બેચાર બૅનર જોવા મળી જાય છે. બ્રૅન્ડ-વૅલ્યુના કોઈ એક્સપર્ટને જઈને પૂછવાની જરૂર છે કે હાર્દિકે ટીમ બદલાવી એને કારણે હાર્દિકની વૅલ્યુમાં કોઈ ફરક પડ્યો કે નહીં? સેલ્સ-ટીમને પણ પૂછવું જોઈએ કે હાર્દિક પંડ્યા જે-જે પ્રોડક્ટસ વેચતો હતો એ પ્રોડક્ટ્સના સેલમાં પણ કોઈ ફરક દેખાયો કે નહીં? ફરક પડ્યો હોય એવું બની શકે છે, કારણ કે ગુજરાતીઓ હાર્દિકથી ભારોભાર નારાજ થયેલા છે અને એની આ નારાજગી સતત જોવા મળી રહી છે. હાર્દિક મેદાનમાં ઊતરતો હોય એ દરમ્યાન થતી નારેબાજી તમે સાંભળો તો તમને ખરેખર થાય કે આ રીતે તે કઈ રીતે મગજ શાંત રાખીને ક્રિકેટ રમી શકતો હશે? તમને એમ પણ થાય કે કેવી રીતે આમ ટીમ બદલી શકાતી હશે?

ટીમ બદલી શું કામ એ ચર્ચામાં આપણે નથી જવું, કારણ કે આપણે એ બધા વિશે બહુ જાણતા નથી, પણ ટીમ બદલાવીને હાર્દિકે યોગ્ય નથી જ કર્યું. જો પિરિયડ પૂરો થતો હોય, નવેસરથી ઑક્શન આવવાનું હોય અને એ પછી ટીમ ચેન્જ કરવાની વાત આવી હોય અને એ સમયે ફૅન્સ નારાજ થયા હોય તો ફૅન્સનો વાંક, પણ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ ટીમ બદલાવીને બીજી ટીમમાં જવું એને ફૅન્સ ગદ્દારી માને તો તેઓ ખોટા પણ નથી. IPLમાં તમારા રાજ્ય સિવાયની દરેક ટીમ તમારે માટે હરીફ જ હોય અને હરીફ સાથે જો કોઈ જઈને હાથ મિલાવે તો એ કઈ રીતે સાંખી લેવાય? એ સમયે દુઃખ થાય તો નૅચરલી તમે રીઍક્ટ કરો જ કરો અને અત્યારે ગુજરાતીઓ હાર્દિકને જે રીઍક્શન દેખાડે છે એ જરૂરી પણ છે. જો આજે તમે કોઈની આંખ ખોલશો તો આવતી કાલે બીજું કોઈ એવું પગલું ભરતાં પહેલાં પાંચ વખત વિચાર કરશે, પણ જો આજે જ તમે ચૂપ થઈને બધું ચલાવ્યા કરો તો પછી પ્લેયર્સને આદત પડી જશે અને પછી એ પ્રથા બની જશે અને ચાણક્ય કહેતા કે પ્રથા અને પૈસાને જ્યારે પણ સંબંધ બંધાયો છે ત્યારે પ્રથાને મરોડવાનું કામ આસાન બન્યું છે. આપણે એ ન થવા દેવું જોઈએ. પ્રથા અને પૈસાનો જે સંબંધ છે એ સંબંધ હાર્દિક પંડ્યાના નામ સાથે જ અટકી જાય એવું સૌકોઈએ ઇચ્છવું રહ્યું.

columnists manoj joshi hardik pandya