આપણે ઢોરને હાડપિંજર બનાવીને જિવાડીએ છીએ

27 February, 2023 02:59 PM IST  |  Mumbai | Swami Satchidananda

ઉત્તર ભારતમાં પાડાનો ઉપયોગ ખેતીથી લઈને માલવાહક તરીકે કરવામાં આવે છે એટલે ત્યાં તો પાડાઓને લાંબું આયુષ્ય મળે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ગયા અઠવાડિયે જે વાત બકરીની કરી એવું જ આપણે જે પાલતુ ભેંસો રાખીએ છીએ એમાં પણ બને છે. ભેંસને પણ અડધા પાડા અને અડધી પાડીઓ થાય છે. પાડીઓ તો ઉપયોગી થાય છે, પણ પાડાઓનું શું કરવું?

ઉત્તર ભારતમાં પાડાનો ઉપયોગ ખેતીથી લઈને માલવાહક તરીકે કરવામાં આવે છે એટલે ત્યાં તો પાડાઓને લાંબું આયુષ્ય મળે છે અને એ દેખીતી રીતે એટલા ભારરૂપ નથી બનતા, પણ અહીં ગુજરાત જેવા અહિંસાવાદી પ્રદેશમાં પાડા લાંબું જીવતા જ નથી. એનું કારણ જાણ્યા પછી તમને પણ અરરાટી થશે.

ભેંસના માલિક અને માલિકણો પાડાને દૂધ પીવડાવતી નથી કે પછી પીવા દેતી નથી. એ ભાંભર્યા કરે તો પણ એના પર ધ્યાન આપવામાં નથી આવતું. પરિણામે થોડા જ દિવસમાં એ પાડાઓ રિબાઈને ભૂખને કારણે જીવ છોડી દે છે. અમુક ગામોમાં તો પાડો હજી તો એક કે બે દિવસનો થયો હોય ત્યાં જ ગામની સીમમાં છોડી આવે છે, જ્યાં કૂતરાઓ અને શિયાળો એને ફોલી ખાય છે. પાડો જવાથી લોકો છુટકારો અનુભવે છે, પણ સીધી કે આડકતરી રીતે એને રિબાવી-રિબાવીને આપણે જ મારી નાખ્યો છે એવું નથી માનતા. કેટલાક તો એવું પણ માની લે છે કે પાડાઓનું આયુષ્ય લાંબું હોય જ નહીં! આ ખોટી વાત છે. આ બકરીઓ અને ભેંસો જ્યારે જંગલી દશામાં હતાં ત્યારે તેમના પર કોઈ ને કોઈ હિંસક પ્રાણીઓ પણ હતાં, જે શિકાર કરીને એમનું સંતુલન બનાવી રાખતાં.

આજે પણ જ્યાં-જ્યાં જંગલી અવસ્થામાં ભેંસો-બકરીઓ રહે છે ત્યાં પાંજરાપોળોની જરૂર નથી પડતી. એમની ઉપરનાં હિંસક પ્રાણીઓનો તેઓ ખોરાક થઈ જાય છે અને સંતુલન થઈ જાય છે. જોકે જ્યાં આ પ્રાણીઓને પાલતુ બનાવવામાં આવ્યાં છે અને પ્રજા ચુસ્ત શાકાહારી બનાવાઈ છે ત્યાં સંતુલન નથી રહેતું, કારણ કે વધારાનાં પ્રાણીઓ વધ્યા જ કરે છે. એ પેલાં સારાં અને ઉપયોગી પ્રાણીઓનું ઘાસ ખાઈ જાય છે. એક ગણતરી પ્રમાણે એકલા ગુજરાતમાં પોણાબે કરોડથી વધારે ઢોર છે, જ્યારે ગુજરાતને દૂધ અને ખેતી માટે માત્ર ૮૦ લાખ ઢોરની જરૂર છે. એ હિસાબે એક કરોડ ઢોર વધારાનાં થયાં. આ વધારાનાં ઢોર પેલાં ઉપયોગી ઢોરોનું ઘાસ ખાઈ જાય એટલે ચારે તરફ હાડપિંજરો દેખાય. જે માંસાહારી દેશો અને માંસાહારી પ્રજા છે ત્યાં આવો કોઈ પ્રશ્ન નથી. જે જીવે છે એ સારી રીતે અલમસ્ત થઈને જીવે છે, કારણ કે એમને પુષ્કળ અને ઉત્તમ ખોરાક મળે છે. આપણે બધાને જીવાડીએ છીએ પણ હાડપિંજરો બનાવીને જીવાડીએ છીએ, કારણ કે કોઈને પણ ઉત્તમ ખોરાક આપી શકાતો નથી. 

columnists swami sachchidananda