રસ્તા પર ભરાયેલા પાણીમાં ધુબાકા મારવાની મજાવાળું બાળપણ અમે માણ્યું છે

25 July, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું કહીશ કે એ પાણીમાં નાહ્યા એટલે તો આજે ઇમ્યુનિટી એ સ્તર પર છે કે નાની બીમારીઓ અમને આવીને સ્પર્શતી નથી.

ફાઇલ તસવીર

છેલ્લા પાંચ-છ દિવસથી કેવો સરસ વરસાદ આવે છે! થાય કે બસ, નીચે ઊતરી જઈએ. આજે તો જે બચ્ચું છે તેને તેની મમ્મી વરસાદમાં એવી રીતે પૅક કરીને રાખે છે જાણે તે ઇલેક્ટ્રિક રોબો હોય અને તેને પાણી અડવા દેવાથી તે બગડી જવાનો હોય. ધતૂરો, આવું તે કંઈ બાળપણ હોતું હશે. મને યાદ છે અમારા બાળપણના વરસાદના દિવસો. હું નાનો હતો ત્યારે અમે સી. પી. ટૅન્કમાં રહેતા. એ સમયે રોડ પર પાણી બહુ ભરાય અને અમને મજા પડી જાય. રસ્તા પર ભરાયેલું પાણી જોઈને મને તો એમ જ થતું કે દરિયો આવી ગયો. ભરાયેલા પાણીમાંથી બસ પસાર થાય અને એવાં મોટાં મોજાં ઊછળે કે ન પૂછો વાત. એ ખરાબ પાણીને શરીર પર ઝીલવાનો અમને જે આનંદ આવતો.

બાપ રે! આજે, અત્યારે આ વાત તમારી સાથે શૅર કરતી વખતે પણ મારા શરીરનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. મારી સ્કૂલ હતી આઇડિયલ હાઈ સ્કૂલ. વરસાદ વધારે આવે એટલે અમને સ્કૂલમાંથી વહેલા છોડી દેતા. હવે એની ખબર મમ્મીને કે ઘરના બીજા કોઈને હોય તો નહીં એટલે દફ્તર સહિત અમે લોકો ભરાયેલા એ પાણીમાં જલસા કરતાં-કરતાં ઘરે પહોંચીએ અને ઘરે જઈને તરત ને તરત તો ઉપર નહીં જ જવાનું.

મને યાદ છે કે અમારા ઘર પાસે ગાંધીની એક દુકાન હતી. હું દફ્તર ત્યાં મૂકી દઉં ને સ્કૂલના ડ્રેસમાં જ કુદાવી દઉં એ પાણીમાં. મને જોઈને તો પછી બીજા છોકરાઓ પણ મારી સાથે કંપની આપવા જોડાય જાય અને કલાકો સુધી અમે એ પાણીમાં નાહીએ. આ અમારે મન સ્વિમિંગ-પૂલ હતો. એ સમયે અમને પણ એવી ખબર પડે નહીં કે આવા પાણીમાં ન જવાય અને મમ્મીઓને પણ આજની મમ્મીઓ જેટલી ખબર પડે નહીં, પણ હા તેમને ખબર પડે એટલે અમારે તેમના હાથની બે-ચાર ધોલ ખાવાની. જોકે એની પણ મજા હતી. એ ધબ્બા ખાતી વખતે પણ અમારી આંખમાં આંસુ નહોતાં આવતાં, ઊલટું હસવું આવતું અને બીજા દિવસથી પાછા હતા એવા ને એવા. વરસાદનું આવવું, પાણી ભરાવું અને એ પાણીમાં જઈને અમારું ખાબકવું.

હું કહીશ કે એ પાણીમાં નાહ્યા એટલે તો આજે ઇમ્યુનિટી એ સ્તર પર છે કે નાની બીમારીઓ અમને આવીને સ્પર્શતી નથી. વરસાદમાં પલળ્યા પછી શરદી થતી નથી કે તાવ-ખાંસી આવતાં નથી. એના કારણમાં અમારી સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી છે અને આ સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટીનું કારણ સારું ને સાચું ખાવું ને બેફામ રીતે માણેલું નાનપણ છે. આજની મમ્મીઓ હાઇજીનના નામે બાળકોને એવાં તે પૅમ્પર કરે છે કે પેલું બચ્ચું એ.સી.ના ચોક્કસ ટેમ્પરેચર સિવાય બિચારું રહી નથી શકતું ને અમે, જવા દો એ વાત. આજનાં બાળકોના નાનપણ સામે અમારા નાનપણના સ્વર્ગની સરખામણી જ ન થાય.

- પ્રતાપ સચદેવ (‘કોડમંત્ર’ જેવા અવ્વલ દરજ્જાના નાટકના લીડ ઍક્ટર પ્રતાપ સચદેવ ગુજરાતી રંગભૂમિ અને ટીવી-સિરિયલોના સિનિયર ઍક્ટર છે.)

monsoon news mumbai monsoon mumbai rains columnists