કલ્પનાશક્તિ અને રચનાત્મકતાને અનલિમિટેડ ખીલવવી છે? તો વાંચન વધારો

24 July, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અફસોસની વાત છે કે આજે રીડ‌િંગ ઘટ્યું છે, પણ હું કહીશ કે રીડિંગ વધારવાની જવાબદારી પેરન્ટ્સની કે ગાર્ડ‌િયનની છે

પ્રતીકાત્મક તસવીર

એક રાજા હતો. રાજાનો બહુ મોટો અને ભવ્ય રાજદરબાર. રાજા રોજ સવારે એ દરબારમાં આવીને પોતાના સિંહાસન પર બેસે અને દરબારમાં આવ્યા હોય એ લોકો સાથે વાતો કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે.

આટલું વાંચતી વખતે તમારી આંખ સામે મુગટ કે સાફો પહેરેલો રાજા આવી ગયો હશે. એનો રાજદરબાર આવી ગયો હશે, રાજાનું આલીશાન સિંહાસન પણ દેખાયું હશે અને દરબારીઓનું વિઝ્‍યુઅલ પણ તમારી આંખ સામે ઊભું થયું હશે. આ નાનપણમાં વાંચેલી વાર્તાઓનું રિઝલ્ટ છે. આ નાનપણમાં કરેલા રીડ‌િંગનું રિઝલ્ટ છે. રીડ‌િંગ ગઈ કાલે પણ જરૂરી હતું અને આજે પણ જરૂરી છે. આવતી કાલે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ તમારું વિઝ્‍યુઅલાઇઝેશન વધારે છે, એનાથી તમારી કલ્પનાશક્ત‌િ ખીલે છે. જે લાંબું વાંચી શકે એ લાંબું બોલી શકે એવું મેં નાનપણમાં સાંભળ્યું હતું. આ વાત ત્યારે મને સાચી લાગે જ્યારે મને કોઈ કહે કે તું તો બધા ટૉપિક પર વાતો કરી શકે છે.

અફસોસની વાત છે કે આજે રીડ‌િંગ ઘટ્યું છે, પણ હું કહીશ કે રીડિંગ વધારવાની જવાબદારી પેરન્ટ્સની કે ગાર્ડ‌િયનની છે. તમે યાદ કરો કે આપણને પણ આપણા પેરન્ટ્સે જ આ હૅબિટ આપી છે. એ પણ ખરું કે એ સમયે ફ્રી-ટાઇમ માટે આટલા બધા ઑપ્શન નહોતા એટલે એમ પણ રીડિંગની આદત સરળતાથી પડી જતી, પણ એ એક જ કારણને જવાબદાર માનવાની જરૂર નથી. આજના પેરન્ટ્સ બાળકો પાસે એવી અપેક્ષા રાખતાં નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સની પોતાની પણ વાંચવાની આદત રહી નથી.

જો રીડિંગ નહીં હોય તો વાત સમજાવવા માટે જે શબ્દો જોઈએ એની કમી ઊભી થશે. એવું બનશે કે બાળક વધારે સારી રીતે વાત નહીં કરતું હોય અને એવું પણ બની શકે કે સમય જતાં બાળક અંતર્મુખી બની જાય. મેં એવાં અનેક બાળકોને જોયાં છે જે ઇન્ટ્રોવર્ટ બની ગયાં હોય અને એની પાછળનું કારણ બીજું કોઈ નહીં, આ રીડિંગ ન હોવાની આદત જવાબદાર હોય. તમારે જે વાંચવું હોય એ વાંચો અને જે ફૉર્મમાં વાંચવું હોય એ વાંચો, પણ વાંચો. રીડિંગના અઢળક બેનિફ‌િટ મને મળ્યા છે એટલે હું તમને એનો ભારપૂર્વક આગ્રહ કરું છું. ફૉરેનમાં આજે પણ તમને હાથમાં બુક સાથે લોકો જોવા મળી જાય અને એવા યંગસ્ટર્સ પણ જોવા મળે જેની ઉંમર ૨૦-૨૨ની હોય અને તેનું ધ્યાન પોતાના લૅપટૉપ કે મોબાઇલ તરફ હોય ને હોય અને ગાર્ડનમાં બેઠાં-બેઠાં એ લોકો બુક વાંચતા હોય. જે સમયે આપણે ત્યાં એવું દૃશ્ય જોવા મળશે એ સમયે માનજો કે આપણે હવે માનસિક રીતે પણ ડેવલપમેન્ટના રસ્તે આગળ વધવા માંડ્યા છીએ.

 

- વંદના પાઠક (ગુજરાતી રંગભૂમિ, ટીવી-સિરિયલો અને ફિલ્મોનાં જાણીનાં ઍક્ટ્રેસ વંદના પાઠકે અનેક હિન્દી ફિલ્મ અને સિરિયલો પણ કરી છે.)

columnists