રાઇટર-ડિરેક્ટર ન હોત તો હું શેફ હોત

25 January, 2025 08:32 AM IST  |  Mumbai | Rashmin Shah

ઐશ્વર્યા બ્યુટી પાર્લર સાથે ગુજરાતી રંગભૂમિ પર ડિરેક્ટર તરીકે સેન્ચુરી પૂરી કરનારા વિપુલ મહેતા આ લાઇને કઈ રીતે ચડ્યા એની દાસ્તાન રસપ્રદ છે

નો હેરકલર વિપુલ મહેતાએ પોતાની લાઇફમાં ક્યારેય હેરકલરનો ઉપયોગ નથી કર્યો. વિપુલ મહેતા કહે છે, ‘આઇ રિસ્પેક્ટ માય મૅચ્યોરિટી. ભગવાને સફેદ વાળ એમ જ તો નથી બનાવ્યાને, સફેદ વાળ પ્રૂવ કરે છે કે તમે હવે અનુભવી છો તો પછી હું શું કામ જાતે દુનિયાને દેખાડું કે ના, હું ઇમૅચ્યોર છું!’

‘આપણે ટીવીમાં બીજાને નહીં જોવાના, બીજાના ટીવીમાં આપણે આવવાનું... આ વાત મને ક્યાંથી અને કેવી રીતે મનમાં આવી એ મને યાદ નથી પણ બસ, મારી લાઇફનો આ મંત્ર બની ગયો. આપણે બીજાનાં નામો વાંચીને નાટક જોવા નહીં જવાનું, બીજા આપણું નામ વાંચીને નાટક જોવા આવે અને થૅન્ક ગૉડ... આજે એવું થાય છે.’

પંદર દિવસ પહેલાં ઓપન થયેલા નાટક ‘ઐશ્વર્યા બ્યુટી પાર્લર’ સાથે ગુજરાતી રંગભૂમિ પર પોતાનું ૧૦૦મું નાટક ડિરેક્ટ કરનારા અને છેલ્લા બે દશકમાં અઢળક સુપરહિટ ગુજરાતી નાટકો આપનારા રાઇટર-ડિરેક્ટર વિપુલ મહેતાને નજીકથી ઓળખનારાઓ વિના સંકોચે કહે કે તેની એનર્જીને મૅચ કરવી સહેલી નથી. રાતે બે વાગ્યે પણ તે કામમાં હોય અને સવારે સાત વાગ્યે પણ તેમને ફોન કરો તો તે કામ કરતા હોય. વિપુલ મહેતા કહે છે, ‘સાચું કહું તો મારી પાસે કામ નહીં હોય તો? આ વાતનો મને બહુ મોટો ડર છે અને એટલે હું સતત કંઈ ને કંઈ કર્યા કરું. આ નહીં તો આ ને આ નહીં તો પેલું. અત્યારે હું પાંચ ફિલ્મ-સ્ક્રિપ્ટ પર કામ કરું છું તો બે નાટક પર પણ મારું કામ ચાલુ છે. નાનો હતો ત્યારે મેં સાંભળ્યું’તું કે બીક તમને કાં તો બેસાડે અને કાં તો ભગાડે. હું આમાં બીજી ટાઇપનો માણસ છું એટલે બીક મને ભગાડે છે.’

વિપુલ મહેતાની કરીઅરનું ઍનૅલિસિસ કરવા બેસો તો તમને રીતસર અચંબો થાય. ગુજરાતી નાટકો, હિન્દી ટીવી-સિરિયલ, ગુજરાતી ફિલ્મ, મરાઠી ફિલ્મ અને હિન્દી ફિલ્મની સ્ક્રીન પર તેમનું નામ ઑલરેડી ફ્લૅશ થઈ ગયું છે તો આવતા દિવસોમાં વેબ-સિરીઝમાં પણ તેમનું નામ જોવા મળવાનું છે. ‘જલસા કરો જયંતીલાલ’, ‘બાએ મારી બાઉન્ડરી’, ‘મને ભીંજવે તું’, ‘એકલવ્ય’, ‘લાલી-લીલા’, ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’, ‘જંતર-મંતર’ જેવાં અનેક સુપરહિટ નાટકો આપનારા વિપુલ મહેતા જ્યારે ટેન્થમાં હતા ત્યારે તેમના મનમાં ડિરેક્ટર બનવાનો કોઈ વિચાર નહોતો. એ સમયે તે શેફ બનવા માગતા હતા.

આટલોબધો ખર્ચો!
ભણવામાં જબરદસ્ત હોશિયાર એટલે પપ્પા મનસુખભાઈ મહેતા, મમ્મી જ્યોત્સ્નાબહેન અને બીજા રિલેટિવ્ઝ એવું જ માને કે આ છોકરો તો ડૉક્ટર કે એન્જિનિયર બનશે. એ દિવસો યાદ કરતાં વિપુલભાઈ હસી પડે છે અને કહે છે, ‘ખાવાનો મને જબરદસ્ત શોખ. આજે પણ જો હું ફ્રસ્ટ્રેટ હોઉં ને કોઈ આવીને મને ચૉકલેટનો એક ટુકડો કે વડાપાંઉનો એક નાનકડો પીસ આપી દે તો તેને મારાથી કહેવાઈ જાય, આઇ લવ યુ. ખાવાના મારા શોખને લીધે હું કિચનમાં જઈને પણ મારા અભરખા પૂરા કરું. મેં હોટેલ મૅનેજમેન્ટની એન્ટ્રન્સ એક્ઝામ આપી અને મને ઍડ‍્મિશન મળ્યું બૅન્ગલોરમાં. પપ્પા એ સમયની નિર્લોન કંપનીમાં અકાઉન્ટન્ટ અને કંપની ફડચામાં. ચચ્ચાર મહિના સુધી પગાર ઘરમાં ન આવ્યો હોય. બૅન્ગલોર જવાની વાત પર જ પપ્પાએ તો હાથ ઊંચા કરી દીધા. ફી સુધી તેમની તૈયારી હતી પણ ત્યાં રહેવાનું-ખાવાનું-પીવાનું અને બીજા ખર્ચ તેમને પોસાય એમ નહોતા એટલે ભારે મને મારે મનમાં ચાલતું કરીઅરનું કુકિંગ બંધ કરવું પડ્યું અને પછી વસઈની વર્તક કૉલેજમાં ઍડ‍્મિશન લઈ લીધું.’

દહિસર સ્ટેશનની સામે આવેલી પટેલ કૉલોનીમાં જ વિપુલભાઈ જન્મથી લઈને છેક મૅરેજ અને દીકરા હિતાર્થના જન્મ સુધી રહ્યા છે. એ ઘર છોડીને છેલ્લાં દસેક વર્ષથી અંધેરી સ્પોર્ટ‍્સ ક્લબ પાસેની પૉશ સોસાયટીમાં રહેતા વિપુલ મહેતા કહે છે, ‘ટીવી-સિરિયલના કારણે મારે દહિસર છોડવું પડ્યું. સિરિયલવાળાની લાઇફ આર્મીમૅન જેવી છે. ટ્રાવેલિંગ અને મીટિંગો તમને પાંચ મિનિટ પણ આપે નહીં. ટ્રાવેલિંગનો સમય બચાવવા હું અંધેરી આવ્યો, જેથી ફૅમિલીને સમય આપી શકાય.’

કયામત સે કયામત તક
દહિસરની પૂર્ણપ્રજ્ઞા હાઈ સ્કૂલમાં ભણનારા વિપુલ મહેતાને મમ્મી-પપ્પાએ પરાણે સાયન્સમાં મોકલ્યા. વિપુલ મહેતા કહે છે, ‘સાલું ભણવામાં તો આપણો જીવ નહીં એટલે વાંચું તો પણ કંઈ યાદ રહે નહીં. ફિઝિક્સના પેપરમાં તો મને સમજાય જ નહીં કે હું શું લખું, પણ પેપર કોરું રખાય નહીં એટલે મેં એ ટાઇમે રિલીઝ થયેલી ‘કયામત સે કયામત તક’ની આખી સ્ટોરી પેપરમાં લખી નાખી. ફિલ્મ મેં ૨૨ વાર જોઈતી, ડાયલૉગ-ટુ-ડાયલૉગ મને યાદ. રિઝલ્ટ આવ્યું અને પ્રિન્સિપાલે મમ્મી-પપ્પાને બોલાવ્યાં, પેપર દેખાડ્યું અને પછી મમ્મીએ મને બૅડ્‍મિન્ટનના રૅકેટથી જે માર્યો છે, વાત નહીં પૂછો.’

‘જીવનમાં નાટકો આવ્યાં કઈ રીતે?’
જો કોઈ આવો સવાલ પૂછે તો વિપુલ મહેતા ફટાક દઈને કહી દે, ‘પપ્પાના કારણે. પપ્પાને લીધે પહેલાં મને ફિલ્મનો ચસકો લાગ્યો. પછી નાટકોની ઍડ જોતો થયો. ઍક્ટર રાજુલ દીવાન એ સમયે પપ્પા સાથે નિર્લોન કંપનીમાં જૉબ કરે. પપ્પાએ જ તેમને કહ્યું કે મારો દીકરો સ્કૂલમાં નાટકો કરે છે, જો કોઈ બાળનાટક હોય તો કહેજો અને રાજુલભાઈના કારણે મનસ્વી દીક્ષિતનાં બાળનાટકો કરવાનું મેં શરૂ કર્યું. ટેન્થ પછીની આ વાત છે. બાળનાટકમાંથી બૅકસ્ટેજ આવ્યું ને પછી ધીમે-ધીમે રાઇટિંગ તરફ વળ્યો અને પછી ઇન્ટર-કૉલેજિએટ ડ્રામાએ મારી લાઇફ ચેન્જ કરી. પહેલાં વર્તક કૉલેજ માટે નાટકો કર્યાં, પછી મણિબેન નાણાવટી કૉલેજ, મીઠીબાઈ કૉલેજ અને પછી તો બીજી કૉલેજો પણ આવી. ‘સ્પર્શ’ અને ‘કથા-કલ્પિતા’ આ બે ઇન્ટર-કૉલેજિએટ નાટકોએ મને એ સમયની કમર્શિયલ રંગભૂમિ પર પણ બહુ માન અપાવ્યું તો મેં ડિરેક્ટ કરેલાં ‘જયંતીલાલ’ વન-ઍક્ટ પ્લે પરથી સંજય ગોરડિયાએ ‘જલસા કરો જયંતીલાલ’ મારી પાસે ડિરેક્ટ કરાવ્યું અને એ પછી તો બધું ઑલમોસ્ટ જાણીતું છે.’

અલબત્ત, એ પહેલાં એકતા કપૂરે વિપુલ મહેતાને ‘ધ વિપુલ મહેતા’ બનાવવાનું શરૂ કરી દીધું હતું. પરાગ વિજય દત્ત ડ્રામા ઍકૅડેમીનાં સપના વાઘમારેએ વિપુલ મહેતાને હિન્દી સિરિયલના બે એપિસોડ લખવા આપ્યા, જે ઝી ટીવી અને એકતા કપૂરને બહુ ગમ્યા અને મહેતાજીએ સિરિયલ-રાઇટિંગના અનુભવ વિના સુપરહિટ સિરિયલ ‘કોશિશ-એક આશા’ આપી અને એ પછી તેમણે રાજુ જોષી સાથે ‘ક્યૂં કિ... સાસ ભી કભી બહૂ થી’ અને બીજી અનેક ટીવી-સિરિયલ લખી. જોકે એ પછી તેમણે સિરિયલની ધીકતી દુકાન સ્વેચ્છાએ જ બંધ કરી. વિપુલભાઈ કહે છે, ‘રંગભૂમિમાં જેવો નશો છે, જે સંતોષ છે એવો સંતોષ બીજે ક્યાંય નથી. મારે નાટકો કરવાં છે એવું કહીને જ મેં બાલાજી ટેલિફિલ્મ્સ છોડ્યું.’

રોજ રાતે ગોળપાપડી
‘કૅરી ઑન કેસર’, ‘બેસ્ટ ઑફ લક લાલુ’, ‘ચાલ જીવી લઈએ’, ‘કહેવતલાલ પરિવાર’ જેવી ગુજરાતી ફિલ્મના રાઇટર-ડિરેક્ટર, હિન્દી ફિલ્મ ‘કંજૂસ મખ્ખીચૂસ’ના રાઇટર-ડિરેક્ટર અને આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને લૉન્ચ કરનારી ફિલ્મ ‘મહારાજ’ના કો-રાઇટર વિપુલ મહેતાની એક ખાસિયત આંગળીના વેઢે ગણાય એટલા લોકોને જ ખબર છે. નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ થાય એટલે વિપુલભાઈના ડિનરમાં રાતે ગરમાગરમ ગોળપાપડી જ હોય, બીજું કંઈ નહીં. વિપુલ મહેતા કહે છે, ‘ખબર નહીં આ પ્રથા ક્યારથી પડી, પણ હવે તો આ અમારે ત્યાંનો નિયમ છે. રાતે બાર-એક વાગ્યે આવું એટલે વાઇફ તેજલ મને ગરમાગરમ ગોળપાપડી બનાવી દે. એ જ ખાવાની. ત્રણ દિવસનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હોય કે છ દિવસનાં, એ દિવસોમાં રાતે ડિનરમાં ગોળપાપડી જ બને.’

બાય ધ વે, તેજલ મહેતા બહુ સારાં શેફ છે અને તેમનું ક્લાઉડ કિચન ગુજરાતી ઍક્ટર્સ-ટેક્નિશ્યન્સમાં બહુ પૉપ્યુલર છે. વિપુલ મહેતા કહે છે, ‘મારો દીકરો હિતાર્થ બોર્ડિંગ સ્કૂલમાં ભણવા ગયો ત્યારે તેજલ સાવ એકલી થઈ ગઈ અને મને વિચાર આવ્યો કે તે પોતાનો સમય બરબાદ કરે એના કરતાં કશુંક ક્રીએટિવ કરે અને તેજલને પણ એ વાત ગમી ગઈ. ઘણાને એવું લાગે કે હવે તેણે શું કામ આ કરવું જોઈએ તો હું કહીશ કે દરેકેદરેક મહિલાએ આર્થિક રીતે સ્વતંત્રતા મેળવવા માટે પોતાનાથી થાય એ કરવું જ જોઈએ, ભલે પછી ઘરમાં મહિને કરોડો આવતા હોય. વાઇફ પણ આર્થિક રીતે પગભર હોય એ વાત મને મારી સિરિયલોમાંથી સમજાય છે.’

તેજલ-વિપુલ મહેતાનો દીકરો હિતાર્થ પણ પપ્પાના રસ્તે છે અને વ્હિસલિંગ વુડ્સમાં ડિરેક્શનનો કોર્સ કરે છે.

એક રૂપિયો પણ બીજો નહીં
વિપુલ મહેતા પોતાની લાઇફમાં જે કંઈ પૈસા કમાયા એ માત્ર અને માત્ર ડિરેક્શન અને રાઇટિંગના કમાયા છે. એ સિવાય તેમની પાસે એક રૂપિયો પણ બીજી કોઈ ઇન્કમનો આવ્યો નથી. વિપુલભાઈ કહે છે, ‘લાઇફમાં મેં એક જ નોકરી કરી અને એ પણ સાત દિવસ. ૧૯૯૮-’૯૯નો પિરિયડ હતો. બહુ સ્ટ્રગલ ચાલતી હતી ત્યારે પપ્પાના એક ફ્રેન્ડને કારણે મને શૅરબજારના એક ભાઈને ત્યાં જૉબ મળી. છ દિવસ જૉબ કરી અને પછી સાતમા દિવસે એ ભાઈને મળ્યા વિના જ સરસ ગુજરાતીમાં ચિઠ્ઠી લખીને મૂકી આવ્યો કે મારાથી આ જૉબ નહીં થાય. એ ભાઈએ રાતે ફોન કરીને પપ્પાને કહ્યું કે ભાઈ, તમારા છોકરાના અક્ષર સરસ છે, શુદ્ધ ગુજરાતી છે; તેને જે કરવું હોય એ કરવા દો.’
એ સાત દિવસની ક્યારેય સૅલેરી આવી નહીં.

એ અફસોસ હંમેશાં
વિપુલ મહેતાને અફસોસ છે કે આજે તેમનું નામ, તેમની શાખ જોવા માટે મમ્મી હયાત નથી. વિપુલભાઈ કહે છે, ‘એક તબક્કો હતો કે જ્યારે મમ્મી સમજી ગઈ કે હું આ નાટકો સિવાય કંઈ નહીં કરું તો તેમણે બધું ભૂલીને મને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું. મારા માટે અડધી રાત સુધી જાગે. હું આવું એટલે જમવાનું ગરમ કરી આપે. ના પાડું તો પણ માને નહીં. મારા ઇન્ટર-કૉલેજિએટ ડ્રામાના દિવસો હતા ત્યારે એક દિવસ અચાનક મમ્મીની તબિયત બગડી અને મમ્મી ધામ ચાલ્યાં ગયાં. મમ્મીના ગયા પછી જ મને સક્સેસ મળવાનું શરૂ થયું. મને લાગે છે કે તે જ એન્જલ બનીને મને બધી હેલ્પ કરે છે.’

કેવા ફૂડી?
વિપુલ મહેતા પોતાના ફૂડીપણાનો દાખલો આપતાં કહે છે, ‘રોજ સવારે નીકળતી વખતે હું તેજલને કહું કે આજે જમવામાં આ બનાવજે ને કાલે આ બનાવજે. એક વાર તેજલે ઇરિટેટ થઈને મને કહ્યું કે તું મને મહિનાનું લિસ્ટ આપી દે મારે શું-શું બનાવવું. હું રૂમમાં ગયો અને પાંચ મિનિટમાં નેવું આઇટમનું લિસ્ટ લઈને આવ્યો ને કહ્યું કે લે આ મહિનાનું લિસ્ટ...’

Rashmin Shah gujarati inflluencer gujarati community news gujaratis of mumbai saturday special