વિઘ્નહર્તા- ભીતર ભભૂકતો દાવાનળ (પ્રકરણ ૩)

11 September, 2024 09:50 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પોતાને એસ્કોર્ટ તરીકે તેડાવનારી નિરાલીના ધણીની ભૂતપૂર્વ પત્ની નીકળી એ કેવું!

ઇલસ્ટ્રેશન

વધુ એક પાશવી બળાત્કાર અને
જઘન્ય હત્યા!

ગોવામાં ઘટેલી શરમજનક ઘટનાનો આજે અઠવાડિયા પછી પણ જનઆક્રોશ શાંત નથી પડ્યો.
ગોવામાં મહાશ્વેતાદેવીની સરકાર છે, જેઓ લોકસભાના વિપક્ષી ગઠબંધનમાં વડા પ્રધાનપદ માટે ગઠબંધનનાં પ્રબળ દાવેદાર ગણાય છે.

લજ્જાના કેસમાં તેમના પ્રશાસને અસહ્ય ઢીલ આદરી. લજ્જાના મર્ડરને શકમંદ આત્મહત્યામાં ખપાવીને પોસ્ટમૉર્ટમનીય દરકાર ન દાખવનાર ડૉ. શ્રીધર દેશમુખ સામે કોઈ ઍક્શન લેવાઈ નહીં. કૅન્ટીનનાં ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ગાયબ હતાં એમ કહેનાર પોલીસે જ પછી પોતાનું બયાન પલટ્યું ઃ ફુટેજ ગાયબ હતાં એવું નહીં, ખરેખર કૅમેરા કામ નહોતા કરતા. એમાં વળી ઝડપાયેલા દિવાકરે રેપ-મર્ડરની કબૂલાત કર્યાના ચોથા દહાડે પોલીસ  લૉકઅપમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

હજી તો તેના અંતિમ સંસ્કાર થાય છે ત્યાં કોઈકે નનામો ફોન કરીને મીડિયાને જાણ કરી કે ‘પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં મરનારની બૉડીમાં સીમેનની માત્રા ૨૦૦ મિલીલીટરથી વધુ છે જે એક પુરુષનું હોવાનું સંભવ જ નથી. મતલબ આ રેપનો નહીં, ગૅન્ગરેપનો કેસ છે!
શરમ, મૅડમ ચીફ મિનિસ્ટર શરમ!’

આ હેડલાઇન સાથે મુંબઈના ‘જનજાગૃતિ’ જેવા અગ્રણી અખબારે નવી ટહેલ નાખી છે : ‘જ્યાં સુધી નિર્ભયા (ટૂ) કેસનું સત્ય ઉજાગર ન થાય ત્યાં સુધી અમારા સમાચારપત્રના પ્રથમ પાનાની કૉલમમાં કશું નહીં છપાય. દેશની દીકરી સાથે થયેલા કુકર્મની શરમની કાળાશ રૂપે પહેલી કૉલમમાં કાળી શાહી જ છપાશે...

lll

‘ડેમ ઇટ!’

ડૉ. શ્રીધર દેશમુખે ડૂચો વાળીને ‘જનજાગૃતિ’ને ફંગોળ્યું, ‘મીડિયાને બીજું કામ જ નથી. હાથ ધોઈને પાછળ પડી ગયા છે.’

નયનાબહેન ઝીણવટથી પતિને નિહાળી રહ્યાં.‍

‘ચોવીસ વર્ષથી અનેક પુરુષનું પડખું સેવ્યું છે મેં. સરકારી નોકરીમાં ખુશામતખોરીથી બઢતી મેળવી તેઓ મૅડમ ચીફ મિનિસ્ટરના માનીતા બનવાની હદ સુધી પહોંચી ગયા એમાં હિપોક્રેટ્સની ઓથ ક્યારે વીસરાતી ગઈ એની નોંધ તો શ્રીધરે પોતે નહીં રાખી હોય! દસેક વર્ષ અગાઉ અહીંની હૉસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટપદે તમારી નિમણૂક થઈ, આપણે કૅમ્પસના વિશાળ બંગલામાં શિફ્ટ થયાં, પછી મેં તો તમારું પતન જ નિહાળ્યું છે શ્રીધર! દાક્તરીના ઉમદા ધરમની આડમાં તમે હૉસ્પિટલને રૂપિયા છાપવાના મશીન જેવી બનાવી દીધી છે એ અપરાધ તો હજીય સહી લેત, પણ લજ્જા સાથે જે થયું, તમે જે થવા દીધું એ તો એક સ્ત્રી તરીકે મારા માટેય અસહ્ય છે.’

 હળવા નિઃશ્વાસભેર નયનાબહેનની નજર દીવાનખંડની દીવાલે લટકતી તસવીર તરફ ગઈ. પોતાના જ અંશને તેઓ કરુણાસભર નેત્રે તાકી રહ્યાં.

ત્યાં ચમકવા જેવું થયું. લૅન્ડલાઇન ફોન જોડીને શ્રીધર કોઈકને કહેતા સંભળાયા : ‘મૅડમ સાથે મારી આજની અપૉઇન્ટમેન્ટ
ફિક્સ કરો...
ઇટ્સ અર્જન્ટ!’
નયનાબહેનની ભીતર પડઘો પડ્યોઃ ‘ગમે તે કરી લો શ્રીધર, તમે પાપનો ઘડો ભર્યો છે.
એ ક્યારેક તો ફૂટવાનો જ!’

પતિ નીકળ્યા બાદ હળવેકથી ઊઠીને નયનાબહેને ડૂચો વાળેલું અખબાર ઉઠાવ્યું. કૉલમ કોરી રાખવાની જાહેરાતે તેઓ વિચારમાં પડ્યાં ઃ ‘લજ્જાનું સત્ય આ કૉલમમાં ઉજાગર થઈ શકે ખરુ?’

lll

મૅડમે બહુ પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો!

મહાશ્વેતાની ખાનગી મુલાકાત પતાવીને ઘરે પરત થતા શ્રીધરભાઈને હવે ટાઢક હતી ઃ ‘જોકે મૅડમ રિસ્પૉન્સ કેમ ન આપે! સરકારી હૉસ્પિટલ દ્વારા ઑર્ગન સ્મગલિંગનું રૅકેટ ચલાવી અમે કરોડો રળીએ છીએ એનો અડધો હિસ્સો મૅડમના પાર્ટીફન્ડમાં જાય છે, પછી મૅડમ આફત સમયે હાથ કેમ ખંખેરી શકે!’  

બાવન વર્ષનાં મહાશ્વેતાદેવીના પિતાનો એક સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં દબદબો હતો. ગોવાને રાજ્યનો દરજ્જો મળ્યા પછી તેમણે અહીં સત્તા જમાવવા નવી પાર્ટી સ્થાપી. પિતાના પ્રયાસ તેમની વિદાય બાદ અપરિણીત દીકરીને ફળ્યા. બબ્બે ટર્મથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાતાં મહાશ્વેતાની નજર તો દિલ્હીની ગાદી પર છે.

‘લજ્જા રેપકેસમાં શરૂઆતથી તેમનો સપોર્ટ રહ્યો છે. અલબત્ત, મને એ મોંઘું રહ્યું, પૈસા આપી દિવાકરને રંગેહાથ પકડાવા રાજી કર્યો, ખરો ગુનેગાર તો...’

એમણે વિચારબારીને તાલું મારી દીધું. ના, એ ભેદ મનમાં પણ ખૂલવો ન જોઈએ! ખેર, લૉકઅપમાં આત્મહત્યા લાગે એ રીતે દિવાકરને મારવા પોલીસને કરોડ ચૂકવ્યા. ભીનું સંકેલાઈ જાત, પણ મારા કોઈ દુશ્મને પોસ્ટમૉર્ટમ રિપોર્ટનો ભાંડો ફોડી નાખતાં રેપકેસની વાત ચગી છે. એ ઓછું હોય એમ આ છાપાવાળાએ સત્યની આલબેલ પોકારી! એની રાવ લઈ મૅડમને મળ્યો ત્યારે તેઓય ઓછાં પરેશાન નહોતાં ઃ કેન્દ્રમાં ‘જનસેવા’ પાર્ટીની બહુમતી સરકાર છે અને માનનીય પ્રધાનમંત્રી વિશ્વનાથ ત્રિવેદી રેપકેસના બહાને અહીં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી મારી પાંખ કાપવાની ફિરાકમાં છે, પણ હું એવું નહીં થવા દઉં...
એવી ચાલ રમીશ કે કોઈને કલ્પના પણ નહીં હોય!’

‘એ ચાલ વિશે તો તેમણે કહ્યું નહીં, પણ ગઠબંધનના મહારાષ્ટ્રના ભાઉસાહેબને સાથે મળી મૅડમ દાવ ખેલવાનાં એટલું જાણી શકાયું. છાપાવાળાનેય ભાઉ સંભાળી લેશે.

શું થવાનું છે એની શ્રીધરભાઈને ક્યાં ખબર હતી?

lll

નિર્ભયા (ટૂ)ને ન્યાયના સમર્થનમાં આ કૉલમ આજે પણ કાળી રાખી છે.
એસ્કોર્ટ તરીકે બાંદરાની ફાઇવસ્ટાર હોટેલના સ્વીટમાં વહેલા આવી ગયેલા અવનિશની નજર ડેસ્ક પર મુકાયેલા અખબાર-મૅગેઝિન્સ પર પડી.

‘આ તો ‘જનજાગૃતિ’ અખબાર!’ 

નિરાલી અખબારનવીસના દીકરાને પરણી એ પછી અવનિશે છાપાં વાંચવાનું મૂકી દીધેલું. ગોવાના રેપકેસ વિશે ટીવી-સોશ્યલ મીડિયામાં જાણી આક્રોશ અનુભવેલો. એમાં ‘જનજાગૃતિ’વાળાએ શું કર્યું?

કુતૂહલવશ તેણે અખબાર ઉઠાવ્યું, ‘ઓહો, અનોખી પહેલ કરી તેણે પ્રજાધર્મ નિભાવ્યો ગણાય. જરૂર આ નિરાલીનું જ સજેશન હોય...

‘સૉરી ફૉર બીઇંગ લેટ!’

ટહુકો કરતી કૉલ પર તેડાવનારી શ્વેતા સ્વીટમાં પ્રવેશી.

ત્રીસ-પાંત્રીસની વય, શૉર્ટ
મિડીના  મૉડર્ન પહેરવેશમાં ફાટફાટ થતું જોબન, ડાયમન્ડ્સના શણગારમાં અમીરીનો ચળકાટ.

‘વૉટ હૅપન્ડ?’ તેણે ડ્રેસની પટ્ટી સરકાવતાં એટલું પણ થયું કે તે એસ્કોર્ટ માણવાની બાબતમાં અનુભવી પણ હોવી જોઈએ.

 અવનિશે ‘જનજાગૃતિ’નું અડધિયું દેખાડી એની પહેલને બિરદાવતાં શ્વેતા તુચ્છકાર દાખવી મલકી. અવનિશને એ સ્મિત સમજાયું નહીં.

‘આપણે તંત્રી-પ્રકાશકની મરદાનગી બિરદાવવી જોઈએ.’

‘મરદાનગી?’ શ્વેતા ખડખડાટ હસી,’ ધ્રુવ યાદવની મરદાનગી? એક કાપુરુષને મરદાનગી સાથે શું લેવાદેવા?’

અવનિશે ધક્કો અનુભવ્યો ઃ
‘તમે કહેવા માગો છો શ્વેતા કે ધ્રુવ નપુંસક છે?’

‘સેન્ટ પર્સેન્ટ! એટલે તો મેં તેની સાથે ડિવૉર્સ લીધા.’

‘હેં... મતલબ આ શ્વેતા ધ્રુવની એક્સ-વાઇફ છે? પોતાને એસ્કોર્ટ તરીકે તેડાવનારી નિરાલીના ધણીની ભૂતપૂર્વ પત્ની નીકળી એ કેવું!’

 ‘‍બાપ-દીકરો તેના ચારિત્ર્યને વગોવતા હતા, એમ આ ધ્રુવને વગોવવા વાત ઉડાડતી હશે? એવું જ હશે. બાકી ધ્રુવને જો પુરુષત્વની ઊણપ હોય તો નિરાલી સાત-સાત વર્ષ સુધી લગ્નમાં બંધાયેલી શું કામ રહે?‘

‘બાપ-દીકરો બન્ને બેનંબરી છે. આ કાળી કૉલમને પણ વટાવી જાણશે. હું જાણું છું કે મારા વિશે તેઓ આજેય ગમે તેવી વાત ફેલાવતા હોય છે, પણ હું એ મોડથી આગળ વધી ચૂકી છું. સ્વતંત્ર છું, મારું પોતાનું બુટિક શરૂ કર્યું છે, સફળ છું. કામસુખ માટે તારા જેવાને તેડાવું એમાં પાપ જોતી નથી.’

તેણે ઉમેર્યું,

‘યુનો, અમારા ડિવૉર્સ બાદ થોડાં વર્ષો પહેલાં તે ફરી પરણ્યો અને લગ્ન ટકી પણ ગયાં. રૂપિયામાં ઘણી તાકાત છે ડિયર. એ છોકરી પાસે પણ પોતાની તિજોરી છલકાવી દીધી હશે, શરીરની ભૂખ તો તારા જેવા એસ્કોર્ટને તેડાવીને ક્યાં નથી ભંગાતી?’
બીજા સંજોગોમાં નિરાલી માટે આવું બોલનારનું અવનિશે મોઢું તોડી લીધું હોત. આજે શ્વેતાની વાતમાં સચ્ચાઈ જણાઈ. નિરાલી ધ્રુવનો પૈસો જોઈને પરણી એ તો સાચું જને.
પણ આખરે અમીરજાદાને પરણીને તું શું પામી?’

 અવનિશને થયું કે આ સવાલ નિરાલીને મોઢામોઢ પૂછવો જોઈએ.
મે બી, તે મને ક્યારેક એસ્કોર્ટ તરીકે તેડાવે ત્યારે!

lll

‘મૈં દુલ્હન તેરી...’ દૂર ક્યાંક લતાનું ગીત ગુંજતાં નિરાલીની પાંપણના પડદા ઊંચકાયા.

જોકે બાજુમાં નજર નાખતાં જ મુગ્ધતા ખંખેરાઈ ગઈ.

‘ના, પોતાના બદન સાથે ખેલી પડખે પોઢતો પુરુષ જેનું સમણું જોયું એ અવનિશ નહોતો, પતિ ધ્રુવ પણ નહોતો... એ હતા સસરા સિદ્ધાર્થ યાદવ!’

હળવો નિઃસાસો સરી ગયો.

બિહારના વતનથી મુંબઈ આવેલા યાદવકુટુંબના વડવાએ વારસામાં મોટી જાહોજલાલી છોડેલી, જર્નલિઝમનું ભણી સિદ્ધાર્થભાઈ છાપું ખોલવાના સાહસમાં નામ-પ્રતિષ્ઠા સાથે ધનદોલત ખૂબ કમાયા, પત્નીવિદાય બાદ રંગેચંગે દીકરાને પરણાવ્યોય ખરો, પછી ભેદ ખૂલ્યો કે ભાઈસાહેબ પુરુષમાં જ નથી!

ધ્રુવમાં સ્ત્રૈણપણાનાં લક્ષણ ખરાં પણ એથી સાવ આવું હશે એવું સિદ્ધાર્થભાઈએ ધાર્યું નહોતું. ‘મેડિકલી આનો ઇલાજ નહોતો. શ્વેતાએ ડિવૉર્સ માગતાં આપી દેવા પડ્યા. બદલામાં તેને બદનામ કરી, એમ ધ્રુવમાં એબ નથી એવું પુરવાર કરવા પણ તેને ફરી પરણાવવો તો પડે. આ વખતે ગરીબ ઘરની એવી કન્યા જોઈએ જે કોઈક રીતે અમારા તાબામાં રહે.
આમાં ધ્રુવની નજર નિરાલી પર ઠરી. સાવિત્રીમાના દેહાંતને ત્યારે ચાર મહિના થયા હશે.

અને એક સાંજે છૂટવાની વેળા નિરાલીને કૅબિનમાં તેડાવીને ધ્રુવે પિતાની હાજરીમાં કમ્પ્યુટરના મૉનિટરની સ્ક્રીન નિરાલી તરફ ઘુમાવતાં ભડકી જવાયું.

‘એમાં ચેન્જરૂમમાં યુનિફૉર્મ બદલતી વેળાની પોતાની અંગત તસવીરો હતી!’

‘એ સાવ ઉઘાડા ફોટો વાઇરલ થવા દેવા ન હોય તો ધ્રુવને પરણવાની શરત સ્વીકારવી પડી. અવનિશને કહ્યું હોત તો ત્રાડ નાખતા વાઘની જેમ ઑફિસમાં આવી એ બાપ-દીકરાનો કાંઠલો પકડી સ્વધામ જ પહોંચાડી દેત... મારા ગુનેગારોને મારી અવનિશ ફાંસીએ ચડી જાય એ પણ મને ન જોઈએ અને કોઈ રીતે બાપ-દીકરા ઊગરી ગયા તો  મારા ફોટો વાઇરલ કરી દે તો મા એના આઘાતમાં આંખ મીંચી દે!’

‘અને બસ, બ્લૅકમેઇલિંગને તાબે થઈ પોતે પરણી ગઈ...’

‘સુહાગરાતે પરખાયું કે કામસુખનાં હવાતિયાં મારતો ધ્રુવ પુરુષમાં જ નથી! તેના પહેલા ડિવૉર્સનું સત્ય ત્યારે ઊઘડ્યું. ધ્રુવ જેવા પામતા પહોંચેલા પુરુષે લગ્ન માટે બ્લૅકમેઇલિંગનો આશરો શું કામ લેવો જોઈએ એ ગુત્થી ત્યારે સૂલઝી!
જોકે યૌવનની મૂડી તોય લૂંટાઈ ગઈ... ધ્રુવ ત્યારે ઑફિસના કામે ચાર દિવસ માટે બહારગામ હતો. શ્વશુરજીએ વહુની જાણ બહાર તેના દૂધમાં ઘેનની દવા ભેળવી બેહોશીમાં તેની આબરૂ લૂંટી એની જાણ નિરાલીને તો હોંશમાં આવ્યા પછી થઈ! પોતાની અવદશાનો ખ્યાલ આવતાં હૈયાફાટ રડી તે ઃ ‘હું તમને પપ્પાજી કહું છું એ સંબંધનોય તમને મલાજો નહીં?’
એનો ઊભરો ઠલવાયા પછી સસરાજીએ ડારો આપ્યો,

‘ફરીથી મારે તારી રૂમમાં આવવાનું બનતું રહેશે. ધ્રુવને આની જાણ છે.
શું કરું યાદવકુળનો વારસ ધ્રુવ તો દઈ શકવાનો નથી. એ જવાબદારી મારે જ નિભાવવી રહી!’

‘પોતાના વાસનાવિલાસને આ પુરુષ જવાબદારીનું રૂપાળું નામ આપી રહ્યો છે, લંપટ. આજના આધુનિક જમાનામાં માતા બનવા માટે સ્ત્રીએ પુરુષનું પડખું સેવવું જ પડે એવું ક્યાં રહ્યું છે? એક અખબારનો વ્યવહાર માંડનારી વ્યક્તિ નીતિ-મૂલ્યોમાં માનનારી હોવી જોઈએ એને બદલે...

ધીરે-ધીરે નિરાલીને એ પણ પરખાયું કે છપાતા સમાચારો કરતાં સ્ટોરી નહીં છાપવાના બાપ-દીકરો કરોડો રૂપિયા ઉસરડે છે! અવનિશ અજાણ વાટે ચાલ્યા નીકળવાનું દુ:ખ હતું, હૈયે પ્રીત અકબંધ હતી. હું શ્વસું છું એટલે તે પણ હેમખેમ જ હોય એવી શ્રદ્ધા પર જીવું છું. મારી મા બિચારી આજેય એ ભ્રમમાં છે કે દીકરી સાસરે સુખી છે! મા મારા ઘરે પારણું બંધાવાની રાહ જુએ છે, પણ એ બનવાનું નથી. શ્વશુરના વ્યભિચારનું બીજ મારે પોષવું જ નથી એ માટે હું ગોળીઓ લેતી હોઉં છું એની તો બાપદીકરાનેય ક્યાં ખબર છે?’

અને ફોનના રણકારે નિરાલીની વિચારસમાધિ તૂટી.

 સામા છેડે ચાલીના પાડોશી મદનકાકા હતા ઃ ‘બેટા, દિવાળીબહેન બાથરૂમમાં પડી ગયાં... શી ઇઝ ક્રિટિકલ, તમે આવી પહોંચો.

(વધુ આવતી કાલે)

columnists gujarati mid-day Sameet Purvesh Shroff