અવસાન પામેલી વ્યક્તિના સ્વજનોને સંસારચક્રમાં પાછા લઈ આવતી ખારી માની

21 May, 2024 06:56 AM IST  |  Mumbai | Vasant Maru

ખારી માની એટલે સ્મશાનયાત્રામાંથી પાછા ફરેલા ડાઘુઓ માટેનું સાદું ભોજન

પ્રતીકાત્મક તસવીર

ખારી માની એટલે સ્મશાનયાત્રામાંથી પાછા ફરેલા ડાઘુઓ માટેનું સાદું ભોજન. સામાન્ય રીતે જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં રાંધ્યાં ધાન રઝળી પડ્યાં હોય. કોઈને ખાવાનું મન તો ન જ હોય; પણ નિકટના સ્વજનો આગ્રહ કરી-કરીને, સોગંદ આપીને મૃત્યુ પામેલી વ્ય​ક્તિના ઘરના લોકોને જમાડે. હજી તો ચિતાની આગ ઠરી પણ ન હોય ત્યારે કો​ળિયા ગળેથી નીચે ન જ ઊતરે. ત્યારે મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોને સંસારચક્રમાં પાછા લઈ આવવાનું પ્રથમ પગલું એટલે ખારી માની પ્રથા. માની એટલે રોટી અને દુઃખના સમયનું ભોજન ખારું લાગવાનું એટલે નામ પડ્યું ખારી માની પ્રથા.

આશરે સો-દોઢસો વર્ષ પહેલાં કચ્છનાં ગામોમાં કોઈ મરણ થાય તો એનો શોક આખું ગામ પાળે. એ દિવસે દરેકના ઘરમાં સાદું ભોજન (ખીચડી) બને. ગામજનો સૂગ પાળે. મૃત શરીરને સ્મશાને લઈ જાય અને તરત ઘરના આંગણામાં મોટો ચૂલો બનાવીને એના પર ખીચડી રાંધવા મૂકે એ એ સમયની ખારી માની. એમાં માનીરૂપે ક્યારેક બાજરાના રોટલા પણ હોય. ત્યારની એ ખીચડીથી શરૂ થયેલી યાત્રા આજે ખારી માની સુધી પહોંચી છે.

પરિસ્થિતિ પલટાઈ અને કચ્છથી લોકો મુંબઈ આવવા લાગ્યા. એ સમયમાં એરિયા પ્રમાણે બજાર તરીકે કચ્છીઓનાં સંગઠનો ઊભાં થયાં. દાખલા તરીકે માઝગાવ બજાર, પરેલ બજાર ઇત્યાદિ. બજારના મુખિયા પટેલ તરીકે ઓળખાતા. તેમની આગેવાનીમાં કાર્યકરો મરણમાં ખારી માની વગેરેની વ્યવસ્થાઓ સાચવી લેતા. અરે, થોડાંક વર્ષ પહેલાં મુંબઈમાં મૃત્યુ થાય ત્યારે પાડોશમાં રહેતા ઓળખીતાઓ ખારી માની તરીકે મગ અને રોટલી બનાવી લાવતા.

હવે લોકો પાસે સમયની અછત રહેવા લાગી છે. શુભ પ્રસંગોમાં ઇવેન્ટ-મૅનેજમેન્ટનો દબદબો વધવા લાગ્યો છે. જોકે અંતિમયાત્રા કે ખારી માનીનું કાર્ય થોડું કંઈ ઇવેન્ટ-ઑર્ગેનાઇઝર કરી આપવાના? સમાજની આ મુશ્કેલી ઘણા લોકોના ધ્યાનમાં આવી અને ખારી માની વ્યવસ્થા માટેની સેવા શરૂ થઈ. અમુક સેવાભાવી ગ્રુપ્સ બહારથી ખારી માનીનું ભોજન બનાવી મૃત્યુ પામેલી વ્યક્તિના ઘરે પહોંચાડી તેમને ચિંતામુક્ત કરવા લાગ્યાં. આજે લત્તે-લત્તે ખારી માની અને અંતિમયાત્રા માટે સેવાભાવી કાર્યકરોનાં ગ્રુપ્સ વિનામૂલ્ય સેવા આપીને કચ્છિયતની ખુશ્બૂ ફેલાવી રહ્યાં છે.

columnists kutchi community