ગાયના ગોત્ર વિશે સાંભળ્યું છે?

12 April, 2023 04:47 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ગૌસેવાને લગતી પ્રવૃત્તિઓનો અધ્યાત્મના દૃષ્ટિકોણથી અભ્યાસ કરનારા વિલે પાર્લેના વિજય બધેકાએ વાત-વાતમાં અમને આવો સવાલ પૂછ્યો અને પછી પોતે જ એનો સંતોષકારક જવાબ પણ આપ્યો. એ જવાબ શું હતો વાંચી લો

વિજય બધેકા

ગાય માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, વિજ્ઞાન અને સંશોધનનો વિષય પણ છે. આપણે દીકરા-દીકરીનાં લગ્ન કરાવતી વખતે ગોત્ર જોતા હોઈએ છીએ ખરુંને! એવી જ રીતે ગાયનું પણ ગોત્ર હોય છે

ભારતમાં પ્રાચીન કાળથી ગૌસેવા અને ગાયની પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. શ્રીકૃષ્ણ ભગવાન પણ ગાયો ચરાવવા જતા. ગાય માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, વિજ્ઞાન અને સંશોધનનો વિષય પણ છે. વિલે પાર્લેમાં રહેતા ૬૨ વર્ષના વિજય બધેકાએ ગાય પાસેથી પ્રાપ્ત થતી તમામ સામગ્રીઓનો આધ્યાત્મ દૃષ્ટિકોણથી અને ગાય આધારિત ખેતીનો અભ્યાસ કર્યો છે. મુંબઈ નજીક ટિટવાલા પાસે મુંબઈ પાંજરાપોળની અઢીસો એકર જમીનમાં વિસ્તરેલી ગૌશાળામાં નિયમિત સેવા આપવા જતા 
આ વડીલની પ્રવૃત્તિઓ અન્ય ગૌસેવકો કરતાં કઈ રીતે જુદી પડે છે જોઈ લો. 

ગોબર વસતે લક્ષ્મી 

પર્યાવરણની સુરક્ષા, સુખ-સમૃદ્ધિ, સ્વસ્થ જીવન અને ધર્મને ટકાવી રાખવા ગૌવંશની અનિવાર્યતા છે. ગાય સાથે જોડાયેલી દરેક વસ્તુ જેવી કે દૂધ, ગૌમૂત્ર, છાણાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. ‘ગોબર વસતે લક્ષ્મી’ અને ‘ગૌમૂત્ર ધન્વંતરિ’ આ બે કળિયુગના મંત્ર છે એવી વાત કરતાં વિજય બધેકા કહે છે, ‘સંસ્કૃતમાં ગૌનો અર્થ ગુણસૂત્ર (ડીએનએ) થાય છે. મતલબ આપણા ડીએનએ સાથે એનો સીધો સંબંધ છે. ગાયને માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે એનો જવાબ ભારતીય અધ્યાત્મ વિજ્ઞાન પાસે છે. ઉદાહરણ તરીકે આપણે ઘરમાં અગરબત્તી કરીએ છીએ એનાથી પિતૃદોષ લાગે છે, કારણ કે બજારમાં મળતી અગરબત્તીઓ બાંબુ એટલે કે વાંસના લાકડામાંથી બને છે. હિન્દુ ધર્મમાં વાંસનો ઉપયોગ શુભ-અશુભ કાર્યોમાં થતો હોવાથી એને બાળવું ન જોઈએ. ગોબરમાંથી બનાવવામાં આવેલી અગરબત્તી અથવા ધૂપનો ઉપયોગ કરવો. છાણામાંથી સાબુ, શિવલિંગ, કૂંડાં, ઘડિયાળ તેમ જ સુશોભનની અઢળક વસ્તુઓ બનાવીએ છીએ. મારા ઘરની દીવાલોમાં ગોબરનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. ભરઉનાળામાં એવી ઠંડક આપે છે કે એસીની જરૂર નથી પડતી. પરિવારમાં બધા છાણામાંથી બનાવેલો સાબુ જ વાપરે છે.’ 

ગૌમૂત્રને ધન્વંતરિ માનવાનાં કારણો જણાવતાં તેઓ કહે છે, ‘ગૌમૂત્રનો અર્ક અને નસ્ય પંચગવ્ય ઘૃત (હર્બલ ઘી) રામબાણ ઔષધિ છે. એને પુષ્ય નક્ષત્રમાં બનાવવું જોઈએ. દૂધ, દહીં, ઘી, ગાયના તાજા ગોબરને નિચોવીને એનો રસ અને ગૌમૂત્ર બધું ત્રણ-ત્રણ લિટરની માત્રામાં લઈ ઉકાળવા મૂકીએ. પંદર લિટરનું ત્રણ લિટર થાય ત્યાં સુધી ઉકાળવાનું. ત્યાર બાદ એમાં બ્રાહ્મી અને તુલસીનો અર્ક ઉમેરવામાં આવે. પૅરેલિસિસ, અનિદ્રા, સ્નોરિંગ, માઇગ્રેન, આધાશીશી, ઍલર્જિક અસ્થમા જેવા રોગોમાં આ ઘીને ડ્રૉપર વડે નાકમાં નાખવાથી ફાયદો થાય છે. ગૌમૂત્રમાંથી ફિનાઇલ પણ બને છે. વાસ્તવમાં કોઈ પણ ગૌશાળાને લાંબો સમય સુધી ડોનેશન પર ન ચલાવી શકાય તેથી આવી ઘણીબધી વાતો સમજાવી લોકોને ગોબરની બનાવટની વસ્તુઓ વાપરવા માટે જાગ્રત કરીએ છીએ. અમે દાન નથી લેતા પણ એટલી રકમની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. ગાય આધારિત ઉદ્યોગો અને ખેતીને વેગ મળે એવા હેતુથી સુભાષ પાલેકરના કૅમ્પનું આયોજન કરીએ. અનેક ખેડૂતો અમારી સાથે જોડાઈ ગયા છે. મુંબઈના આઇએસ અને આઇપીએસ ઑફિસરોને પણ ગૌશાળાની મુલાકાત કરાવી છે.’

આ પણ વાંચો : લાઇફપાર્ટનર મેન્ટલી અસ્વસ્થ હોય ત્યારે શું?

ગોત્રનું ગણિત

આપણે દીકરા-દીકરીનાં લગ્ન કરાવતી વખતે ગોત્ર જોતાં હોઈએ છીએ ખરુંને! એવી જ રીતે ગાયનું પણ ગોત્ર હોય છે એમ સમજાવતાં તેઓ કહે છે, ‘પશુને ખબર નથી હોતી કે કોણ મારી બહેન અને કોણ મારો ભાઈ છે. અમારી ટીમે દરેક ગાયના કાન પર એક નંબર લગાવ્યો છે. ગાયને વાછરડું (મેલ અથવા ફીમેલ) થાય એને બીજા વાડામાં રાખવામાં આવે. એને પણ નંબર આપવામાં આવે જેથી ખબર પડે કે કઈ ગાયનું સંતાન છે. દૂધના વેતર પરથી બળદની તાકાતનો અંદાજો લગાવવામાં આવે છે. બુલ એટલે કે બળદ બદલવામાં ન આવે તો ગાયની વર્ણસંકર પ્રજા પેદા થાય અને વંશવેલો ખતમ થઈ જાય. મારી પાસે ગાયના વંશનો દસ પેઢીનો ઇતિહાસ છે. આજકાલ ગૌશાળામાં જવું ટ્રેન્ડ બની ગયો છે. અમે જોયું કે લોકોની સાઇકોલૉજી ગીર ગાયને બચાવવાની છે. દરેક જગ્યાએ કંઈ ગીર ગાય ન હોય. ગૌસેવા કરવી જ છે તો ગોત્રના ગણિતને પણ સમજવું પડે. દરેક વંશની ગાયને બચાવવાના પ્રયાસરૂપે લોકોને આ કન્સેપ્ટ સમજાવીએ છીએ.’  

ગોરક્ષક અભિયાન

સ્વ. રાજીવ દી​ક્ષિતના સ્વદેશી આંદોલન સાથે જોડાયેલા વિજયભાઈનો લોઅર પરેલમાં પ્રિન્ટિંગ પ્રેસનો ધમધોકાર બિઝનેસ છે. જોકે ધંધાની બાગડોર હવે સંતાનોના હાથમાં સોંપી દીધી છે. તેઓ કહે છે, ‘બાબા રામદેવ અને રાજીવભાઈની પ્રેરણાથી ૧૬ વર્ષ પહેલાં ગૌસેવાને મારું કાર્યક્ષેત્ર બનાવ્યું. કચ્છમાં પણ અમારાં સેન્ટર ચાલે છે. ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત સજીવ ખેતીની તાલીમ અને માર્ગદર્શન આપીએ છીએ. ગુરુકુલમમાં રહેવા તથા ખાવા-પીવાની સુવિધા મફત છે. શરત એટલી કે તમારે બધું જ કામ કરવાનું. ગાયનું ગળું મરડીને લઈ જતા લોકોને જોઈને હૃદય દ્રવિત થઈ જાય છે. તેથી ગાયની કતલ થતી અટકાવવા રેસ્ક્યુ અભિયાન પણ ચાલે છે. ગાય તરફ લોકો આકર્ષાય એવાં કાર્યોને મારું કર્તવ્ય અને ધર્મ માનું છું.’

કાઉ કડલિંગ થેરપી 

આજે કોઈ એવું ઘર નથી જ્યાં ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશરના દરદી ન હોય. વિજયભાઈનું માનવું છે કે ગાયથી વિખૂટા પડ્યા ત્યારથી આ તકલીફો આપણા જીવનમાં આવી છે. અઠવાડિયામાં એક દિવસ ગાય સાથે વિતાવવાથી ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી દૂર થઈ જાય છે. ગાયને હગ કરવાથી મેન્ટલી રિલીવ થઈ જશો. વિદેશમાં કાઉ કડલિંગ થેરપી માટે રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે આપણે ઇચ્છીએ ત્યારે ગાયને ભેટી શકીએ એવા નસીબદાર છીએ.

columnists Varsha Chitaliya