07 April, 2023 06:01 PM IST | Mumbai | Varsha Chitaliya
મમ્મીની વર્કશૉપમાં એન્જૉય કરતી દેવશી ઠાકર
એક સમય હતો જ્યારે શાળામાં પરીક્ષાઓ પૂરી થાય કે બાળકો મામાના ઘરે પહોંચી જતાં. શેરીઓમાં રખડપટ્ટી કરવી, ખેતરોમાં ભમવું, માટીમાં રમવું, ઝાડ પરથી કેરીઓ તોડીને ખાવી અને મોજ કરવી એ જ તેમની પ્રવૃત્તિ રહેતી. ડિજિટલ યુગમાં સિનારિયો ચેન્જ થઈ ગયો છે. અસાધારણ પ્રતિભા ધરાવતી નવી પેઢીને સમર ઍક્ટિવિટીમાં બિઝી રાખવામાં મમ્મીઓની પરીક્ષા થઈ જાય છે. સંતાનને વ્યસ્ત રાખવા સ્વિમિંગમાં મોકલવું કે ડાન્સમાં? ડ્રોઇંગ ક્લાસ જૉઇન કરાવવા કે સ્કેટિંગ બેસ્ટ રહેશે? ક્રિકેટનું કોચિંગ કરાવું કે કરાટે શીખવા મોકલું? બચ્ચાંપાર્ટીને કઈ પ્રવૃત્તિ કરાવવી એ જાણે મોટો ટાસ્ક હોય એવી રીતે તેઓ ટેન્શનમાં આવી જાય છે. ઘણી વાર તેઓ ત્રણ-ચાર ક્લાસિસ જૉઇન કરાવી રિલૅક્સ થઈ જાય છે. જોકે કેટલીક સ્માર્ટ મમ્મીઓએ ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના તેમ જ બાળકો બોર ન થાય એવું મસ્ત પ્લાનિંગ કર્યું છે. કેવા છે તેમના પ્લાન્સ જોઈ લો.
ફાઇન મોટર સ્કિલ
વેકેશન આપણને મધર-કિડ્સ અને સિબલિંગ વચ્ચેના ગૅપને ભરવાનો સમય આપે છે તેથી મૅક્સિમમ ફૅમિલી ટાઇમ મળે એવું પ્લાનિંગ કરવું જોઈએ. બાળકો શૅરિંગ, કૅરિંગ અને પેરન્ટ્સના ગાઇડન્સનું મહત્ત્વ સમજે એવું શેડ્યુલ બનાવ્યું છે. દસ વર્ષની નૈનેશિયા અને આઠ વર્ષના હિયાનનાં મમ્મી નેહા પરીખ આવી વાત કરતાં જણાવે છે, ‘કહેવાય છે કે મધર ઇઝ ફર્સ્ટ ટીચર ઑફ ચાઇલ્ડ. ભણવાનું તો આખું વર્ષ ચાલવાનું છે. વેકેશનનું સિલેબસ મમ્મીના હાથમાં છે. હું તેમને મૉર્નિંગ વૉક અને યોગ વિથ રિલૅક્સેશન કરાવું છું જેથી આખો દિવસ તેઓ એનર્જેટિક અને ફ્રેશ ફીલ કરે. ઇન્ડિપેન્ડન્ટ બનાવવા હાઉસહોલ્ડ કામ શીખવું છું. ૫૦-૬૦ રૂપિયાની જીવનજરૂરિયાતની ચીજવસ્તુ લેવા મોકલવાથી ગણિત વિષય પાકો થઈ જાય છે. ફાઇન મોટર સ્કિલ મેઇન
ફોકસ હોય. ફિંગરના મસલ્સ સ્ટ્રૉન્ગ થાય એવાં કામો કરાવવા પર ધ્યાન આપું છું. મારા સનને આર્ટ અને ક્રાફ્ટમાં ખૂબ રુચિ છે. ક્રાફટ સિઝર્સ હોલ્ડ કરવાની ખબર પડે એવી ઍક્ટિવિટી કરાવીએ. બોર્ડગેમ, લુડો, ઉનો વગેરે ગેમ્સ રમવાથી નંબર અને કલર કૉમ્બિનેશનનું નૉલેજ મળે છે. વધુમાં વધુ વાતો કરવાથી પેરન્ટ્સનો લવ અનકન્ડિશનિંગ છે અને તેઓ કહે એ કરેક્ટ હોય એવી ક્લૅરિટી આવે છે. આજનાં બચ્ચાંઓ બહુ સ્માર્ટ છે. તેમની સાથે ડિસ્કશન કરવાથી આપણા થૉટ્સ પણ ચેન્જ થાય છે. પૅન્ડેમિકમાં મારી ડૉટર સંસ્કૃત શીખી હતી. વેકેશનમાં તે હિયાનને ગીતાજીના શ્લોક શીખવે છે. એનાથી ભાઈ-બહેન વચ્ચે પણ સરસ બૉન્ડિંગ બની જાય છે.’
હિયાન અને નૈનેશિયા મમ્મી સાથે
દરરોજ નવી ઍક્ટિવિટી
સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી સાડાસાત વર્ષની દેવશીને વેકેશનમાં મમ્મીની વર્કશૉપમાં મજા પડી જાય છે. આર્ટ રિસ્ટ્રિક્ટેડ વસ્તુ નથી. એમાં દરરોજ નવું કરવાનું હોય તેથી રસ જળવાઈ રહે છે. વાસ્તવમાં દીકરી માટે થઈને જ ક્લાસ લઉં છું એવી જાણકારી આપતાં દેવશીનાં મમ્મી નિતિશા ઠાકર કહે છે, ‘હું ઇન્ટીરિયર ડિઝાઇનર હોવાથી ક્રીએટિવિટીમાં માસ્ટરી છે. સેકન્ડ ચાઇલ્ડ રિગ્વેદ આઠ મહિનાનો છે અને દેવશી પણ ઘણી નાની હોવાથી ઘરમાં જ મૅનેજ કરવું પડે છે. નાનાં બાળકો એકલાં બોર થઈ જાય. બીજાં દસ બાળકોને શીખતાં જોઈને તેઓ એન્જૉય કરે અને નવું શીખવાની ધગશ પણ જળવાઈ રહે તેથી સમર વેકેશનમાં વર્કશૉપ ચાલુ કરી છે. સ્ટોન પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, કૅન્વસ પેઇન્ટિંગ, ટેકઅવે કાચની બૉટલમાં ડિઝાઇનિંગ વગેરેમાં તે એન્ગેજ થઈ જાય છે. ન્યુઝપેપર ફોલ્ડર અને આમંત્રણપત્રિકામાંથી એન્વલપ તેમ જ કાર્ડ્સ બનાવતાં શીખે છે. બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ ઍક્ટિવિટીથી બચ્ચાંઓની ક્રીએટિવિટી ખીલે છે. આજકાલ નાનાં બાળકોમાં ઓથર બનવાનો ટ્રેન્ડ છે. વેકેશનમાં તેમને કૉમિક્સ રાઇટિંગ પેજ બુકલેટ આપી દેવાની. વન લાઇનર અથવા સ્મૉલ સ્ટોરી લખવા મોટિવેટ કરો. બુકના ફ્રન્ટ પેજની ડિઝાઇન અને પિક્ચર પણ જાતે બનાવવા દો. નીચે સ્ટાઇલથી તેમનું નામ લખવા પ્રેરિત કરવાથી કૉન્ફિડન્સ બિલ્ટ થાય છે. દરરોજ નવું કરવાનું હોય તેથી ઑપ્શન્સ, મટીરિયલ, કલર્સને એક્સપ્લોર કરવા મળે. પર્યાવરણની સુરક્ષામાં રીસાઇક્લિંગ કન્સેપ્ટનું કેટલું મહત્ત્વ છે એ સમજાવવાનો પ્રયાસ કરું છું.’
આ પણ વાંચો : બાળક જાતે ખાશે તો વધુ એન્જૉય કરશે
પેટ, પેટપૂજા અને પૂજાપાઠ
આ છે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાર વર્ષના દક્ષનું વેકેશન ટાઇમટેબલ. મારા દીકરાની ઍક્ટિવિટી ઘણી હટકે હોય છે એવું ઉત્સાહ સાથે જણાવતાં દક્ષનાં મમ્મી ખુશ્બૂ સોની કહે છે, ‘એક તો એ ખૂબ જ ફૂડી છે. બીજું, અમારા ઘરમાં ડૉગી છે. ત્રીજું, એને ઘરના મંદિરમાં પૂજા અને હવન કરવાનું ગમે છે. વેકેશન તો ભાઈ-બહેન બન્નેનું હોય પણ જિયા મોટી હોવાથી મૅનેજ કરી લે, જ્યારે દક્ષને બિઝી રાખવો પડે. સવારે નાહી-ધોઈને મસ્ત મજાની ઘંટડી વગાડતો શ્લોક બોલે. શંખ ફૂંકતાં પણ શીખ્યો છે. ગયા વર્ષે ભાઈ-બહેને મળીને ઘરમાં ગાયત્રી હવન કર્યો હતો. બધું જાતે કરવા દઈએ જેથી તૈયારીમાં આખો દિવસ નીકળી જાય. ડૉગી સાથે સૌથી વધુ તોફાન-મસ્તી કરે, કારણ કે સ્કૂલ ચાલુ હોય ત્યારે ઓછું રમવા મળે. હું રસોડામાં હોઉં એટલા કલાક મારી સાથે વિતાવે. ચૉપિંગ ને ડ્રેસિંગ કરે. વૉટરમેલનમાં ડિઝાઇન કરી ડેકોરેટ કરવામાં તેનો સારોએવો ટાઇમપાસ થઈ જાય. વેકેશનનો મૅક્સિમમ ટાઇમ પેટ સાથે રમવામાં, પેટપૂજા કરવામાં અને પૂજાપાઠ કરવામાં નીકળી જાય છે. ડાન્સ અને ક્યુબિક્સ સૉલ્વ કરવાનો પણ શોખ છે. જોકે આખો દિવસ ઘરમાં પણ કંટાળો આવે તેથી થોડા-થોડા સમયે પ્લાન્ટેશન માટે લઈ જઈએ. એક ટ્રિપ પણ જોઈએ.’
બહેન જિયા સાથે પૂજાપાઠમાં વ્યસ્ત દક્ષ સોની
કાકા-મામાના ઘરે ધિંગામસ્તી
ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં નવ વર્ષના અથર્વનાં મમ્મી રોનક ગોંધિયા વેકેશન ઍક્ટિવિટી વિશે જણાવતાં કહે છે, ‘આજકાલ વેકેશનમાં કાકા-મામાના ઘરે રહેવા જવાનું ચલણ ઓછું થઈ ગયું છે પણ અમને હજીયે આવું જ વેકેશન ગમે છે. મારું પિયર પાટણ અને સાસરું જૂનાગઢ છે. બન્ને જગ્યાએ થોડા-થોડા દિવસ રહેવા જઈએ એમાં અડધું વેકેશન પૂરું થઈ જાય. કાકા-મામાના ઘરે રહેવા લઈ જવાથી બાળકમાં સંયુક્ત કુટુંબની ભાવના વિકસે છે. ઘણાબધા લોકો એક ઘરમાં કઈ રીતે હળીમળીને રહે એના અનુભવની સાથે કઝિન્સ સાથે શૅરિંગ કરતાં શીખે છે. કઝિન્સ સાથે ટૉય કાર ચલાવવાની અને ખો-ખો, કબડ્ડી જેવી દેશી ગેમ્સ રમવાની એને પણ મજા પડે છે. વેકેશન દરમિયાન ઑલિમ્પિયાડ તેમ જ અન્ય કમ્પેટિટિવ એક્ઝામ્સનું પ્રિપેરેશન કરાવું છું જેથી સ્ટડીની સાથે આ પરીક્ષાઓનું ભણવાનું પ્રેશર ઘટી જાય. અમે લોકોએ અથર્વમાં ટીવી જોવાની હૅબિટ નથી પાડી પણ અહિલ્યાબાઈ જેવી કેટલીક સિરિયલ લૅપટૉપ પર બતાવી છે. રવીન્દ્રનાથ ટાગોર અને સુધા મૂર્તિ જેવા વિવિધ લેખકોનાં પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરીએ છીએ. ધાર્મિક ગ્રંથોમાંથી શ્લોક બોલતાં અને એનો અર્થ સમજાવવાનો પ્રયાસ પણ કરીએ. અમારું માનવું છે કે વેકેશનમાં બાળકને જાતજાતના ક્લાસિસ માટે દોડાવવા કરતાં ઓવરઑલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.’