આ ઇનોવેશન્સ ઓછા ખર્ચે આપશે સ્ટાઇલિશ ઇન્ટીરિયર

26 December, 2022 06:00 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સિમ્પલ સ્વિચ બોર્ડની લઈને લક્ઝરી સોફા સેટને યુનિક લુક આપવા માટે આજકાલ ડિફરન્ટ ટાઇપનાં વૉલ પેઇન્ટિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. જો તમારે ઘરના કોઈ કૉર્નરમાં પેઇન્ટિંગનું એલિમેન્ટ ઉમેરવું હોય તો શું થઈ શકે એના આઇડિયાઝ અને એક્ઝિક્યુટ કરવાની ટિપ્સ જાણી લો

આ ઇનોવેશન્સ ઓછા ખર્ચે આપશે સ્ટાઇલિશ ઇન્ટીરિયર

ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ખૂબ જ વાઇડ કન્સેપ્ટ છે. આ એક બહુમુખી વ્યવસાય છે જેમાં માત્ર ફર્નિચરની ડિઝાઇન અને મટીરિયલને જ ફોકસમાં રાખવામાં નથી આવતાં. નવીન વિચારો સાથે એને એક્ઝિક્યુટ કરવામાં ડિઝાઇનરની સર્જનાત્મક શક્તિનો પરિચય થાય છે. શિક્ષણ, ઇનોવેશન્સ, ટેક્નૉલૉજી અને અનુભવના કારણે છેલ્લા દાયકામાં ભારતમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. સોશ્યલ મીડિયા અને વિવિધ વેબસાઇટ્સના લીધે ક્લાયન્ટ્સની ડિમાન્ડ વધી હોવાથી ડિઝાઇનરે સ્માર્ટ્લી કામ કરવું પડે છે. ઓછા ખર્ચે બનાવેલું ફર્નિચર હોય કે લક્ઝરી બજેટમાં કામ સોંપ્યું હોય, સ્વિચ બોર્ડથી લઈને સોફા સેટ સુધીની દરેક વસ્તુ યુનિક લાગવી જોઈએ. તમે પણ ઘરને નવી સ્ટાઇલમાં ડિઝાઇન કરવા માગતા હો તો અહીં શૅર કરવામાં આવેલા કેટલાક અફલાતૂન આઇડિયાઝ કામ લાગશે. 

પેઇન્ટિંગ ઇનથિંગ

અર્બન ડિઝાઇનિંગમાં ઇન્ટીરિયરની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ઘરની અંદર સામાન્ય લાગતી વસ્તુને કઈ રીતે ખૂબસૂરત બનાવવી એ કમાલની વાત છે. ક્વૉરટેટ આર્કિટેક્ટ્સનાં અસોસિએટ પાર્ટનર, આર્કિટેક્ટ ઍન્ડ ડિઝાઇનર આકાંક્ષા પ્રજાપતિ કહે છે, ‘નવું ઘર બનાવવું એ લાઇફટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે તેથી આપણે મોટું બજેટ લઈને ચાલીએ છીએ, પરંતુ જેમને વધુ ખર્ચ નથી કરવો અથવા જૂના લુકથી બોર થઈ ગયા છો તો એમાં જ સ્ટાઇલ ઍડ ઑન કરવી જોઈએ. અત્યારે પેઇન્ટિંગ ઇનથિંગ છે. કલર અને ડિઝાઇનની મદદથી ઘરના દરેક ખૂણાને અને ફર્નિચરને યુનિક બનાવી શકાય છે. સામાન્ય સ્વિચ બોર્ડમાં એક બૉર્ડર આપીને પણ સ્ટાઇલ ઍડ કરી શકાય. લિવિંગ એરિયાને ખૂબસૂરત ટચ આપવા અને સ્ટાઇલિંગ માટે પેઇન્ટિંગ બેસ્ટ ઑપ્શન છે.’

સિમ્પલ આઇડિયાઝ

ઘરના રાચરચીલાને પેઇન્ટિંગના માધ્યમથી ડિઝાઇનર પીસ બનાવવા માટેના આઇડિયાઝ શૅર કરતાં આકાંક્ષા કહે છે, ‘મોટા ભાગનાં ભારતીય ઘરોમાં દીવાલ પર ભગવાનની ફ્રેમ જોવા મળશે. ઘણી વાર દીવાલ, ફોટો ફ્રેમ અને ગ્લાસનો કલર એકસરખો હોવાના કારણે ઉઠાવ નથી આવતો. ફ્રેમની બૉર્ડરને કૉન્ટ્રાસ્ટ કલરમાં ડિઝાઇન કરવાથી લુક ચેન્જ થઈ જશે. વૉલ ખાલી હોય તો ફ્રેમની બન્ને બાજુ પિક્ચરને અનુરૂપ પેઇન્ટિંગ બનાવડાવી લો. પરંપરાગત ભારતીય ઘરોમાં લિમિટેડ સ્પેસ મળતી હોવાથી વૉલની અંદર મંદિર બનાવવાનો ટ્રેન્ડ છે. એમાં દીવાલની બહાર એક પટ્ટી જ દેખાય છે. મંદિરને હાઇલાઇટ કરવા, બૅકડ્રૉપમાં અને બેઠક એરિયામાં પેઇન્ટિંગનું એલિમેન્ટ ઍડ કરી ડિઝાઇનર પીસ બનાવી શકાય. ઇન ફૅક્ટ મૂર્તિ કે અન્ય કોઈ પણ સ્ટૅચ્યુની પાછળની દીવાલ પ્લેન રાખવા કરતાં એમડીએફ (પ્લાયવુડ જેવું મટીરિયલ)ના પીસ પર લોટસની ઇફેક્ટ આપતું ઍક્રિલિક પેઇન્ટિંગ બનાવીને આપ્યું હતું.’

લાકડાના દરવાજાની બારસાખ પણ તમારા ઘરને સ્ટાઇલિશ બનાવી શકે છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘કોઈ પણ બજેટમાં બનાવેલો અફલાતૂન દરવાજો કેમ ન હોય, પથ્થર અથવા લાકડાની ફ્રેમથી એને સપોર્ટ તો આપવો પડે. આ ફ્રેમને છુપાવવા સામાન્ય રીતે વૉલનો કલર કરી દેવામાં આવે છે. બારસાખને વારલી પેઇન્ટિંગના માધ્યમથી ડિફરન્ટ લુક આપવાનો પ્રયાસ કર્યો છે. ઘણા લોકોનું માનવું છે કે પેઇન્ટિંગને ઇન્ટીરિયર સાથે શું લેવાદેવા? આ માન્યતા ખોટી છે. ક્યાં પેઇન્ટ કરવાથી ઇન્ટીરિયર સારું લાગશે એ ડિઝાઇનરનો જ વિષય છે. લિવિંગ રૂમ હોય કે બેડરૂમ, તમારી પર્સનાલિટી પ્રમાણે એને કલરફુલ અને પીસફુલ બનાવવાના ઇનોવેટિવ બેસ્ટ ઑપ્શન્સ અને આઇડિયાઝ ડિઝાઇનર પાસે છે.’

આ પણ વાંચો : ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા રે

રિફ્રે​શ યૉર સ્પેસ

ડિઝાઇનિંગ અને ડેકોર બે અલગ વસ્તુ છે. સૌથી પહેલાં તો હોમ ડિઝાઇનિંગના કન્સેપ્ટને સમજવો જરૂરી છે. ડિઝાઇનર કામ હાથમાં લે છે ત્યારે એન્ટાયર અન્વાયર્નમેન્ટને ફોકસમાં રાખે છે. ફ્લોરિંગ, વૉલ પેઇન્ટ, સીલિંગ, લાઇટિંગ, ફર્નિચર વગેરે તમામ એલિમેન્ટ્સ અને આર્ટિકલ્સને એકસાથે ડિઝાઇન કરવાં પડે. એને સેપરેટલી ટ્રીટ કરવા એ પાર્ટ ઑફ ડેકોરેશન કહેવાય.

ઇન્સ્ટાગ્રામ ફિલ્ટરના કારણે આર્ટિકલને ઇલૅબરેટ કરવાની સભાનતા આવતાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી ઇન્ટીરિયર સ્ટાઇલિસ્ટ તરીકે ઓળખાતા વ્યવસાયને આપણે ઍક્સેપ્ટ કરવા લાગ્યા છીએ એવી વાત કરતાં જેએમ : ધ ડિઝાઇન કન્સલ્ટન્ટના આર્કિટેક્ટ જેનિસ મકવાણા કહે છે, ‘સૉફ્ટ સિવિલ વર્ક માટે એક્સ્ટ્રા મની સ્પેન્ડ ન કરવા હોય તેઓ ઇન્ટીરિયર સ્ટાઇલિંગ કરાવે છે. દાખલા તરીકે પિન્ટરેસ્ટમાં તમને કોઈ ફોટો ગમ્યો એના પર તમે કામ કરો. બારીના પડદા, કુશન, કાર્પેટ ચેન્જ કરી, વૉલ ઉપર ફ્રેમ લગાવી, પેઇન્ટિંગનું એલિમેન્ટ ઍડ કરીને એરિયાને ફ્રીક્શન પાર્ટમાં રિફ્રેશ કરવામાં આવે છે. ઇન્ટીરિયરમાં લક્ઝરી, પ્રીમિયમ, લોઅર પ્રીમિયમ એમ જુદાં-જુદાં સ્ટાન્ડર્ડ હોય છે. લક્ઝરી ઇન્ટીરિયરને જે લોકો સમજે છે તેઓ સ્ટાઇલિંગમાં નથી જતા.’

કમ્પ્લીટ વર્ક

ઇન્ટીરિયર ડિઝાઇનિંગ એક સાયન્સ છે. એને ફ્રીક્શનલ પાર્ટમાં કરવામાં લૉજિક નથી એવો મત વ્યક્ત કરતાં જેનિસ કહે છે, ‘લક્ઝરી બજેટ રાખવાથી ફર્નિચર યુનિક નથી લાગતું,  એને હાઇલાઇટ કરવાની ટેક્નિકના કારણે કૉમ્પ્લીમેન્ટ મળે છે. એન્ટાયર પ્રોજેક્ટમાં આઉટસોર્સની મદદ લેવામાં આવે છે, પણ ડિઝાઇનરનો રોલ શિપના કૅપ્ટન જેવો હોય છે. ફર્નિચર એવો પીસ છે જે ઘરની અંદર સૌથી વધુ જગ્યા રોકે છે. તેથી એની ડિઝાઇન અને ફૅબ્રિકની સાથે વૉલનું ટેક્સ્ચર મહત્ત્વનું છે. ઇન્ડિયન, ઇટાલિયન, જર્મન, યુરોપિયન, સ્પૅનિશ એમ સેંકડો સ્ટાઇલના સોફા બને છે. લિવિંગ રૂમમાં સોફાને યુનિક બનાવવા કુશનનાં કવર પણ ડિઝાઇનરને જ પસંદ કરવા દો. યુરોપિયન સ્ટાઇલનો સોફો બનાવડાવ્યો હોય અને દીવાલ પર ભગવાનની છબી લટકાવવાનો આગ્રહ રાખો તો મૅચ ન થાય. વૉલ પર ગ્રેઇશ બ્લુ, કૉફી બ્રાઉન અથવા એગ વાઇટ કલરનો પેઇન્ટ અને યુરોપિયન સ્ટાઇલનું પેઇન્ટિંગ જ જોઈએ. લાઇટિંગમાં એગ વાઇટ પર્ફેક્ટ ચૉઇસ કહેવાય. ઘણી વાર વૉલ પેઇન્ટિંગ, કાર્પેટ અને ફ્લોરિંગના લીધે સોફો બ્યુટિફુલ લાગે છે. સિમિલર સ્ટોરી લાઇન ઇન્ટીરિયરને યુનિક બનાવે છે. તમારા ઘરમાં ગોઠવવામાં આવેલા મોંઘા ફર્નિચરને કૉમ્પ્લીમેન્ટ્સ મળે ત્યારે ડિઝાઇનરનું વર્ક કમ્પ્લીલ્ટ થયું કહેવાય. અત્યારે એશિયન સ્ટાઇલનું બલ્કી ફર્નિચર આઉટડેટેડ મનાય છે. ક્લિટ ઍન્ડ ક્લીન (સાઇઝમાં નાનું) ટ્રેન્ડમાં છે.’ 

 યુરોપિયન સ્ટાઇલનો સોફો બનાવડાવ્યો હોય તો વૉલ પર ગ્રેઇશ બ્લુ, કૉફી બ્રાઉન અથવા એગ વાઇટ કલરનો પેઇન્ટ અને યુરોપિયન સ્ટાઇલનું પેઇન્ટિંગ જ જોઈએ. વૉલનું ટેક્સ્ચર, પેઇન્ટિંગ, કાર્પેટ અને ફ્લોરિંગના લીધે સોફો બ્યુટિફુલ લાગે છે. સિમિલર સ્ટોરી લાઇન ઇન્ટીરિયરને યુનિક બનાવે છે - જેનિસ મકવાણા

સેલ્ફ-સ્ટાઇલિંગની ટિપ્સ

 ડિઝાઇનિંગ અને પેઇન્ટિંગમાં સમજણ પડતી હોય તો સેલ્ફ-સ્ટાઇલિંગ કરી શકાય. એમાં લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનને સેપરેટલી ટ્રીટ કરવાં.

 એશિયન, યુરોપિયન અથવા જે પણ થીમ પર ડિઝાઇનિંગ કરવાનું હોય એના વિશે જાણકારી મેળવી લેવી. ઇન્ટીરિયરમાં મિસમૅચ કરવા જશો તો કાબરચીતરું લાગશે.
 મંડાલા ડિઝાઇન અત્યારે ફુલ ટ્રેન્ડમાં છે. વૉલ પેપરની તુલનામાં સારો લુક આવશે.

 હૅન્ગિંગ લાઇટ્સ ઘરના ઇન્ટીરિયર અનુસાર પ્રિફર કરવી. હાલમાં યલો અને વૉર્મ વાઇટ લાઇટ ટ્રેન્ડિંગ છે.

 આજકાલ બધા ફિટનેસ પ્રત્યે સભાન થયા છે. ઘરમાં સ્પેસ હોય તો તમારી પર્સનાલિટી અને ચૉઇસને અનુરૂપ વર્કઆઉટ સ્ટુડિયો બનાવી શકાય.

આકાંક્ષા પ્રજાપતિએ ઇન્ટીરિયરના પેઇન્ટિંગ આઇડિયાઝ પર ઘણું કામ કર્યું છે

Varsha Chitaliya columnists