14 March, 2023 04:38 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
મેટ્રોસિટીની જ નહીં, નાનાં શહેરોની મહિલાઓ પણ ઓછામાં ઓછી સાત ઍપ્લિકેશન યુઝ કરતી હોવાનું આંકડા કહે છે ત્યારે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પૉપઅપ થતી જુદી ઑફરો, મેગા સેલ, ફૅન્સી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ડિલિવરી જેવી સુવિધાએ મહિલાઓને હેવી શૉપર્સ બનાવી દીધી હોવાની વાતમાં કેટલો દમ છે એ જાણીએ
કોઈ પણ મહિલાને સૌથી વધારે ખુશી શૉપિંગ કરવામાં મળતી હોય છે. સ્ટ્રીટ શૉપિંગથી મૉલ સુધી દરેક સ્થળે મહિલાઓની ખરીદશક્તિ, ચીજવસ્તુની પસંદગી અને ભાવતાલ કરવાની આવડત જોઈને ફિદા થઈ જવાય. એમાંય જ્યારથી સ્માર્ટફોન હાથમાં આવ્યો છે, શૉપિંગ કરવી તેમના માટે રમતવાત થઈ ગઈ છે. ગ્રોસરી, કિચન ઍક્સેસરીઝ, ડ્રેસિસ, ફૅશન જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ્સ, મેડિસિન એમ બધું જ આંગળીના ટેરવે મળી જતાં ઑનલાઇન શૉપિંગની દુનિયાએ મહિલાઓને હેવી શૉપર્સ બનાવી દીધી છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઑનલાઇન શૉપિંગ કરતી મહિલાઓની સંખ્યામાં વીસ ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રોસિટીની જ નહીં, ટિયર ટૂ અને ટિયર થ્રી સિટીની મહિલાઓ પણ ઓછામાં ઓછી સાત ઍપ્લિકેશન યુઝ કરતી હોવાનું આંકડા કહે છે ત્યારે મુંબઈની શૉપિંગ ઘેલી મહિલા યુઝર્સને મળીએ.
બટરફ્લાયની જેમ ઊડાઊડ કરે
ફૅશન, ગ્રોસરી, વેજિસ, મેડિસિન એમ જુદી-જુદી મળીને મારા મોબાઇલમાં પંદર જેટલી શૉપિંગ ઍપ છે એવું નિખાલસતાથી સ્વીકારતાં મલાડનાં સિદ્ધિ બરાડિયા કહે છે, ‘વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ, મહિલા માટે શૉપિંગ એ મી ટાઇમ અને સૅટિસ્ફૅક્શન આપનારો ફૅક્ટર છે. પુરુષોની જેમ મહિલાઓનું મન સ્થિર નથી હોતું. આજે આ ગમે તો કાલે બીજું કંઈક પસંદ પડે. શૉપિંગની બાબતમાં બધી જ મહિલાઓનું હાર્ટ બટરફ્લાય જેવું છે. ફૅશનેબલ ડ્રેસિસ ખરીદવા માટે આઠ ઍપ ડાઉનલોડ કરી રાખી છે. અગાઉ ઑફલાઇન શૉપર હતી, બાળકોના જન્મ પછી ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ડાઇવર્ટ થઈ ગઈ. ઑનલાઇન શૉપિંગની અલગ જ મજા છે. ચૉઇસ વધારે હોય, બેસ્ટ પ્રાઇસિંગ મળે અને ન ગમે તો રિટર્ન પૉલિસી પણ છે. દવા અને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ઘેરબેઠાં મળી જાય છે. આંગળીના ટેરવે સુવિધા મળતી હોય ત્યારે હેવી શૉપર્સ બની જવાય ખરું, પરંતુ ઓવરઑલ ખર્ચો વધી નથી જતો. જે વસ્તુ માટે મૉલમાં પાંચ હજાર ચૂકવવા પડે એ જ ગુણવત્તા અને બ્રૅન્ડ તેઓ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર બારસોમાં ઑફર કરે છે, કારણ કે એમાં સ્ટોરના અને સ્ટાફના ખર્ચા નથી લાગતા. ડાયરેક્ટ વેઅરહાઉસમાંથી આવે તેથી સસ્તું પડે અને સેમ બજેટમાં મહિલાઓની વધારે શૉપિંગ થઈ જાય. એ ટુ ઝેડ વસ્તુ ઑનલાઇન જ મંગાવું છું તેથી દરરોજ કોઈને કોઈ ઍપ પર ઑર્ડર પ્લેસ કરવાનો હોય. જોકે ક્રેવિંગ નથી થતું. બારે મહિના ઑફર ચાલતી હોય ત્યારે મેગા સેલનો એટલો ક્રેઝ નથી રહેતો. ઇન ફૅક્ટ ઑફલાઇન સેલ લિમિટેડ પિરિયડ માટે હોય તેથી એનું વધુ આકર્ષણ હોય છે.’
શૉપિંગની બાબતમાં બધી જ મહિલાઓનું હાર્ટ બટરફ્લાય જેવું છે. આજે આ ગમે તો કાલે બીજું કંઈક પસંદ પડે. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ચૉઇસ વધારે હોય, બેસ્ટ પ્રાઇસિંગ મળે અને ન ગમે તો રિટર્ન પૉલિસી અવેલેબલ હોવાથી ક્યારેક હેવી શૉપર્સ બની જવાય પણ ક્રેવિંગ નથી થતું. - સિદ્ધિ બરાડિયા
ઑફરોના કારણે ક્રેવિંગ વધે
મિન્ત્રામાંથી આવેલું પાર્સલ ખોલતી હતી ત્યાં તમારો ફોન આવ્યો એવું ઉત્સાહ સાથે જણાવતાં મલાડનાં રિદ્ધિ આશર કહે છે, ‘શૉપિંગ અને મહિલા વચ્ચે જબરું કનેક્શન છે. ગ્રોસરી, બ્યુટી પ્રોડક્ટ્સ, ફૅશનેબલ ડ્રેસિસ વગેરે મહિલાઓ નહીં ખરીદે તો કોણ ખરીદશે? ફાસ્ટ ફૅશનના જમાનામાં ફાસ્ટ ડિલિવરી થઈ જાય એવું પ્લૅટફૉર્મ મળી જતાં શૉપિંગ માટે બહુ જ ક્રેવિંગ આવે. મેં તો આઠ ઍપ ડાઉનલોડ કરીને રાખી છે. આમ તો દરેક ઍપ પર ટ્રેન્ડિંગ આઇટમ મળી રહે છે, પરંતુ પ્રાઇસિંગ અલગ-અલગ હોય તેથી એક કરતાં વધારે ઍપ જોઈ લઈએ. સ્ટેપ આઉટ કર્યા વિના ટાઇમસ્લૉટ પ્રમાણે ગ્રોસરી અને કિચન અપ્લાયન્સિસ ઘરે આવી જાય. હસબન્ડ અને કિડ્સની શૉપિંગ ઉપરાંત ગિફ્ટિંગ માટે પણ સસ્તું પડે છે. રેગ્યુલર શૉપિંગ કરતાં હોઈએ તેથી જુદી-જુદી ઑફરો મળ્યા કરે. ખરીદી કરતી વખતે બજેટ વધી જાય એ આઇટમને વિશ લિસ્ટમાં નાખી દેવાની. આપણે ભૂલી જઈએ તોય એ લોકો પાસે ડેટા છે તેથી જ્યારે ઑફર આવે પૉપઅપ થાય. ઑનલાઇન શૉપિંગના ઘણાબધા ફાયદા છે. જોકે ક્યારેક આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જાય. પૉપઅપના કારણે ક્રેવિંગ્સ અને ખર્ચો બન્ને વધી જાય. શૉપિંગ માટેની ઘેલછા જોઈને મારા હસબન્ડે બે ટૅગલાઇન આપી છે. એક, મહિલાઓના કારણે આ કંપનીઓના આઇપીઓ આવી જવાના છે. બીજી ટૅગલાઇન છે, ઘરની અંદર બચત કરવાનો સૌથી બેસ્ટ રસ્તો છે મહિલાઓ શૉપિંગ ઍપ અનઇન્સ્ટૉલ કરે. એકાદ વાર મન મારીને શૉપિંગ ઍપ અનઇન્સ્ટૉલ કરીને જોયું હતું પણ ફાયદો ન થયો, કારણ કે ફેસબુક પર સ્ક્રોલ થવા લાગ્યું. એમાં મનગમતો ડ્રેસ દેખાઈ જાય કે પાછું ઇન્સ્ટૉલ કરી નાખીએ. ખરેખર ઑનલાઇન પ્લૅટફૉર્મે મહિલાઓને હેવી શૉપર્સ બનાવી દીધી છે.’
આ પણ વાંચો: પુરુષોમાં પણ અદેખાઈ હોય છે એ વાત માનો ખરા?
ટ્વિન્સ માટે જબરી શૉપિંગ
સ્માર્ટ વર્લ્ડમાં મહિલાઓના મોબાઇલમાં ૧૦થી ૧૨ શૉપિંગ ઍપ કૉમન થઈ ગઈ છે. હું પણ આટલી ઍપ્લિકેશન્સ રેગ્યુલરલી યુઝ કરું છું એમ જણાવતાં ગોરેગામનાં પ્રીતિ પરમાર કહે છે, ‘ઝારા, એચએનએમ, આજિઓ, નાયકા, લાઇફસ્ટાઇલ વગેરે પ્લૅટફૉર્મ પર શૉપિંગ કરવાનો ક્રેઝ છે. હસબન્ડ અને મારા માટે ઓછું લેવાનું હોય પણ ટ્વિન ડૉટર માટે વધારે શૉપિંગ થઈ જાય છે. બન્ને માટે સેમ ટુ સેમ ડ્રેસ, શૂઝ અને ઍક્સેસરીઝ લેવાનો જબરો શોખ છે. આ અઠવાડિયામાં ચાર ઍપ પરથી શૉપિંગ કરી છે. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ૪૮ અવર્સ સેલ હોય ત્યારે કિડ્સ માટે હેવી શૉપિંગ થઈ જાય. ફૅશનના મામલામાં ટ્વિન ચાઇલ્ડની મમ્મીનો નજરિયો થોડો જુદો હોય છે ખરો, પરંતુ શૉપિંગ કરવી ગમે અને ઘેલછા હોવી બન્ને અલગ વાત છે. મોબાઇલમાં ઑફરો પૉપઅપ થયા કરે એટલે લઈ જ લેવું એવું જરૂરી નથી. મને ટી-શર્ટ જોઈતું હોય તો હું શૉર્ટ્સ સેક્શનમાં એન્ટર જ ન થાઉં. શૂઝ લેવાનાં છે તો બ્યુટી પ્રોડક્ટ્સ સર્ચ નહીં કરવાની. જેટલી વધુ કૅટેગરી સ્ક્રોલ કરો, ક્રેવિંગ વધે. ઑનલાઇન પ્લૅટફૉર્મના કારણે મહિલાઓ હેવી શૉપર્સ બની ગઈ છે એવું મને નથી લાગતું. ઑનલાઇનમાં તમને જોઈએ એ જ સર્ચ કરો તો કન્ટ્રોલ રહે, જ્યારે ઑફલાઇનમાં નજરની સામે ઢગલાબંધ પ્રોડક્ટ્સ જોઈને મન લલચાઈ જાય. મલાડ-ગોરેગામ વિસ્તારમાં અમારા ઘરની નજીક ઘણા મૉલ્સ છે. ઑફલાઇન શૉપિંગમાં દીકરીઓ ગેમ્સ એરિયામાં અને ફૂડકોર્ટમાં ધમાચકડી મચાવે છે તેથી જવાનું ટાળું છું પણ જઈએ ત્યારે વધુ ખરીદી થઈ જાય છે.’