21 April, 2023 04:51 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
દસમા ધોરણ પછી કઈ લાઇન લેવી છે એ ટકાવારીથી નક્કી નથી થતું એ દરેક પેરન્ટે હવે સમજી લેવાની જરૂર છે. સ્ટુડન્ટનાં એનર્જી, ઍટિટ્યુડ, સ્કિલ, લર્નિંગ પૅટર્ન, ડ્રીમ, ઑપોર્ચ્યુનિટી, ફૅમિલી બૅકગ્રાઉન્ડ વગેરે કૅલ્ક્યુલેટ કર્યા પછી તૈયાર કરેલો મૅપ તમને સફળ કારકિર્દી તરફ આગળ વધવામાં મદદ કરે છે
દરેક વિદ્યાર્થી અને વાલીઓને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન છે, દસમા ધોરણ પછી શું કરવું? નેવું ટકાથી ઉપર આવે તો સાયન્સ, ૭૫ ટકાથી વધારે આવે તો કૉમર્સ અને એનાથી ઓછા ટકા આવે તો આર્ટ્સ લઈ લેવાનું. સામાન્ય રીતે પેરન્ટ્સનું આ કૅલ્ક્યુલેશન હોય છે. અનેક કિસ્સામાં આસપાસના લોકોની સલાહથી અથવા દેખાદેખીમાં સંતાનને રસ ઓછો હોય પણ સ્કોપ વધુ છે એવું જણાતાં તેઓ ડિસિઝન લઈ લેતા હોય છે. કરીઅરની પસંદગીમાં ભૂલને અવૉઇડ કરવા સચોટ માર્ગદર્શન જરૂરી છે. આજે આપણે પાયાનો નિર્ણય કઈ રીતે લેવો જોઈએ એ એક્સપર્ટ્સ પાસેથી સમજીએ.
રાઇટ ટાઇમ
અગાઉ ટેન્થ પછી સ્ટ્રીમ નક્કી થતો હતો. આઇસીએસઈ અને ઇન્ટરનૅશનલ બોર્ડમાં સબ્જેક્ટ સિલેક્શનની ચૉઇસના કારણે હવે આઠમા ધોરણમાં કારકિર્દીનો પાયો નંખાઈ જાય છે. મોટિવેટર ઍન્ડ એજ્યુકેશનલ કાઉન્સેલર હિરેન પાસડ આવી વાત કરતાં જણાવે છે, ‘કઈ લાઇનમાં જવાથી આગળ વધુ સ્કોપ રહેશે એનું ટેન્શન આસપાસના લોકો વધુ આપે છે. અલગ-અલગ શિખામણોના લીધે વિદ્યાર્થીઓ વધુ ગૂંચવાય છે. દસમા અને બારમા પછી શું કરવું એ કરીઅરનો ટર્નિંગ પૉઇન્ટ ગણાય છે. આ તબક્કામાં તમે જે નિર્ણય લો છો એના આધારે ભવિષ્ય ઘડાય છે. સાયન્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી પ્રેશર હૅન્ડલ ન થાય તો બારમા પછી કૉમર્સ કે આર્ટ્સમાં જઈ શકે છે. કૉમર્સનો વિદ્યાર્થી આર્ટ્સ લઈ શકે પણ આર્ટ્સ ન ફાવે તો બધા દરવાજા બંધ થઈ જાય. આવી માનસિકતાના લીધે પેરન્ટ્સ સાયન્સ તરફ ફોકસ કરે છે. એમાં જીવનનાં મહત્ત્વનાં વર્ષો, એનર્જી અને ખોટી જગ્યાએ પૈસા વેડફાઈ જાય છે. સિલેક્ટેડ સ્ટ્રીમમાંથી પાછા આવવા માટે કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. અનેક કિસ્સામાં કરીઅર ડિસ્ટ્રૉય થઈ જાય તેથી શરૂઆતમાં જ એક્સપર્ટના માર્ગદર્શનમાં રાઇટ સિલેક્શન કરવું જોઈએ.’
છેલ્લા અઢી દાયકાથી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ રાજ કમ્પ્યુટર્સના પ્રોપ્રાઇટર પાર્ટનર કેતન સોની કહે છે, ‘પંદરથી પચીસ વર્ષ સૌથી મહત્ત્વનો સમયગાળો છે. નવી શિક્ષણપદ્ધતિમાં આઠમા-નવમા ધોરણમાં એન્જિનિયર બનવું છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એ પ્રમાણે સબ્જેક્ટ સિલેક્શનનો એવો ઑપ્શન આપી દેવામાં આવે છે. આ એજમાં સ્ટુડન્ટ્સનું માઇન્ડ વિવરિંગ હોય છે. કોઈ કહે તમારો દીકરો ક્રીએટિવ છે તો કોઈને એનામાં ભવિષ્યનો વૈજ્ઞાનિક દેખાય છે. બધાની સલાહથી પેરન્ટ્સ પણ પૅનિક થઈ જાય છે. અમે લોકો સ્કૂલમાં લેક્ચર વિથ પેરન્ટ્સ સેશન પર ભાર મૂકીએ છીએ, કારણ કે તેઓ જ ઍક્ચ્યુઅલ ડિસિઝન મેકર હોય છે. પૈસા તેમને આપવાના છે. સંતાન હોશિયાર છે, ડૉક્ટર બનવું છે પણ ગ્રાઉન્ડ રિયલિટી જુદી છે. બારમા ધોરણમાં બોર્ડની સાથે ૭૨૦ની નીટની એક્ઝામ છે. પચાસ લાખ ડોનેશન છે. મેડિકલમાં પણ સો ફીલ્ડ છે. સીએ માટે ઘણી અઘરી પરીક્ષાઓ આપવી પડશે. ટેક્નૉલૉજી ફ્યુચર છે તો સામે જેઈઈ અને સીઈટી અટેમ્પ્ટ કરવાની છે. આ બધું સમજવું પડે. ઑટોનોમસ કૉલેજના કારણે પરીક્ષાઓ અને પડકારો વધી ગયા છે. રિયલ કરીઅર બારમા પછી શરૂ થવાની છે, પરંતુ એન્ટ્રન્સ એક્ઝામનો ભાર જુનિયર કૉલેજમાં આવવાનો છે તેથી રોડ મૅપ તૈયાર કર્યા વિના ચાલવાનું નથી.’
આ પણ વાંચો : કૉલેજિયનો શા માટે ઉછાંછળા થઈ ગયા છે?
સિલેક્શનની મેથડ
સ્ટ્રીમ સિલેક્ટ કરવાની બે મેથડ છે, રૅન્ડમલી અને સાયન્ટિફિક. હિરેનભાઈ કહે છે, ‘દસમા ધોરણની ટકાવારીના આધારે, સારો સ્કોપ દેખાયો એટલે, આજુબાજુવાળાને પૂછીને લીધેલો નિર્ણય રૅન્ડમલી સિલેક્ટેડ મેથડ છે. આ રીતે પસંદ કરેલા ફીલ્ડમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ છેલ્લે સુધી સેટ નથી થતા. ૨૨-૨૫ વર્ષની ઉંમરે પૈસા કમાવવાનો સમય આવે ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સને એવું ફીલ થાય છે કે અમે ખોટા ફીલ્ડમાં છીએ. સ્ટુડન્ટમાં ક્લૅરિટી ન હોય અને પેરન્ટ્સનું ઑબ્ઝર્વેશન વીક હોય એવા કેસમાં સાયન્ટિફિક મેથડ ઉપયોગી છે. બાયોમેટ્રિક બ્રેઇન મૅપિંગ અને ઍપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીની ક્ષમતા, લર્નિંગ પૅટર્ન, આઇક્યુ લેવલ, જે-તે ફીલ્ડમાં કેટલા આગળ વધી શકશે એનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવી શકાય છે. લેટેસ્ટ બાયોમેટ્રિક ટેસ્ટમાં ૨૨૫ જેટલા પૅરામીટરની ખબર પડે છે. એક ઉદાહરણ લઈએ. ઘરમાં ઇન્ટીરિયર કરાવવું છે તો સારો આર્કિટેક્ટ પકડવો પડે. તમે જાતે ડિઝાઇન કરી શકશો પણ મજા નહીં આવે. સીએ, ડૉક્ટર કે ટીચરના મગજના પણ લિમિટેશન્સ છે. તેઓ પોતાના ફીલ્ડ વિશે ગાઇડ કરી શકે. તમારે એવી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લેવાનું છે જે આખો દિવસ એની સાથે રમે છે. રાઇટ ટાઇમે, રાઇટ પર્સનનું ગાઇડન્સ લેવામાં જેટલું લેટ કરો છો રિયલ ઑપોર્ચ્યુનિટી ડિલે થાય છે. કોઈ પણ કૉલેજ કે ટકાવારી વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી નથી કરતી તેથી કૉલેજ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું પડે તો કરો પણ કોર્સ અને ડેસ્ટિનેશન તમારી પસંદગીના હોવા જોઈએ. જીવનમાં છેલ્લે શું કરવું છે એ મહત્ત્વનું છે.’
અમારી ટીમ દ્વારા સરસ ફૉર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. એને અમે લોકોએ PAKODAS નામ આપ્યું છે એવી જાણકારી આપતાં કેતનભાઈ કહે છે, ‘પકોડાસ એટલે પૅશન, ઍટિટ્યુડ, નૉલેજ, ઑપોર્ચ્યુનિટી, ડ્રીમ, ઍપ્ટિટ્યુડ અને સ્કિલ. આ સાત મહત્ત્વની બાબતો પર રિસર્ચ કરીને વિદ્યાર્થીની કરીઅરનો રોડ મૅપ તૈયાર થાય. આજે ઑફબીટ ફીલ્ડનો જમાનો છે. ઘણા અમને પૂછે છે, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગમાં જવું હોય તો શું કરવું? એક સરસ કિસ્સો બન્યો હતો. સ્કૂલમાં લેક્ચર આપતી વખતે એક વિદ્યાર્થીએ કહ્યું, મુઝે બડા હોકે વડાપાંઉ કા બિઝનેસ કરના હૈ. અમે તેને કહ્યું બેસ્ટ આઇડિયા હૈ. મંગેશ વડાપાંઉવાલા મહિને કા ચાર લાખ કમાતા હૈ. જે-તે ફીલ્ડમાં માસ્ટર બનવા માટેની સફરમાં આવતા પડકારોનો સામનો કરવાની તૈયારી હોય તો આગળ વધો અન્યથા એને હૉબી સુધી સીમિત રાખો, કારણ કે ઍટ ધ એન્ડ ઇન્કમ ઇઝ ફોકસ. મુંબઈમાં પૈસા કમાવવા ઈઝી છે, શરત એટલી કે તમે જે પણ કરો એમાં નંબર વન બનવાનું છે. અનુભવીના માર્ગદર્શનમાં લીધેલા નિર્ણયો કરીઅરમાં નિર્ણાયક સાબિત થાય છે.’
સાઇકોલૉજિકલ પૉઇન્ટ
મહારાષ્ટ્ર સ્ટેટ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ આઠમા ધોરણમાં સબ્જેક્ટ પસંદ કરતાં પહેલાં એક્સપર્ટનું માર્ગદર્શન લેવું જોઈએ એવી ભલામણ કરતાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ કરીઅર કાઉન્સેલર નિશા શાહ કહે છે, ‘આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની સરેરાશ ઉંમર ૧૪ વર્ષ હોય છે. આ ઉંમરમાં પોતાની અંદરની સ્કિલથી તેઓ સારી રીતે પરિચિત હોતા નથી. ફ્રેન્ડ્સ અને આસપાસના સર્કલથી પ્રભાવિત થઈ જાય છે. સ્ટેટ બોર્ડમાં દસમા ધોરણ સુધી બધા જ વિષયો ભણવાના હોય છે. ૧૬ વર્ષની એજમાં મૅચ્યોરિટી લેવલ અલગ હોય. બન્ને કેસમાં રાઇટ ટાઇમ પર ડિસિઝન લેવો જોઈએ. ઍપ્ટિટ્યુડ ટેસ્ટ ઉપરાંત થિયરી અને પ્રૅક્ટિકલ સ્કિલ તેમ જ પર્સનાલિટી ટેસ્ટ પણ જરૂરી છે. સ્ટુડન્ટ અને પેરન્ટ્સનું સેપરેટ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ઘણી વાર પેરન્ટ્સ કન્ઝર્વેટિવ હોય છે. કૉર્પોરેટ વર્લ્ડમાં તેમનું ચાઇલ્ડ કઈ રીતે કોપ અપ કરશે એ પ્રશ્ન તેમને મૂંઝવે છે. તો ઘણા પેરન્ટ્સ બ્રૉડ-માઇન્ડેડ હોય છે. બીજી તરફ દરેક વિદ્યાર્થી એવા ફીલ્ડમાં જવા માગે છે જ્યાં મૅક્સિમમ પે સ્કેલ હોય. તેમને ફ્રેન્ડ્સ કરતાં સુપિરિયર થવું છે. બન્નેનો અપ્રોચ જુદો હોય ત્યારે કન્ફ્યુઝન વધી જાય. એવામાં રાઇટ ગાઇડન્સ ન મળે તો તેઓ ડીમોટિવેટ થઈ જાય છે અને ખરેખર જે અચીવ કરવાનું હોય એ નથી થતું. સ્ટુડન્ટ્સને અમે સમજાવીએ છીએ કે કોઈ પણ ફીલ્ડમાં ઈઝી મની નથી. કંઈક અચીવ કરવા માટે સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક કરવું પડશે. તમામ પરિબળોનો ડીટેલમાં અભ્યાસ કર્યા બાદ પ્રોફાઇલ રેડી થાય ત્યારે એ વિદ્યાર્થી સફળતાની દિશામાં આગળ ડગ માંડે છે.’
પૅશન, ઍટિટ્યુડ, નૉલેજ, ઑપોર્ચ્યુનિટી, ડ્રીમ, ઍપ્ટિટ્યુડ અને સ્કિલ આ સાત મહત્ત્વની બાબતો પર રિસર્ચ કરીને વિદ્યાર્થીની કરીઅરનો રોડ મૅપ તૈયાર થાય. અનુભવીના માર્ગદર્શનમાં લીધેલા નિર્ણયો કરીઅરમાં નિર્ણાયક સાબિત થાય છે. કેતન સોની