પત્નીને રીઝવવા બન્યા રસોડાના રાજા

16 January, 2023 04:57 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ગુજરાતી પુરુષોને મોડે-મોડે આ વાત સમજાઈ અને ક્યારેય પાણીનો ગ્લાસ ન ભરતા પતિદેવો અચાનક રસોડામાં એન્ટ્રી લઈને પત્નીને ચોંકાવી દે ત્યારે શું થાય? આવી સરપ્રાઇઝ આપનારા પુરુષોને જ પૂછી જોઈએ 

કિશોર અને કેજલ નંદુ

જેમ પતિનો પ્રેમ પેટથી શરૂ થાય છે એવી રીતે આજના જમાનામાં પત્નીનું દિલ જીતવા માટે રસોઈ બનાવતાં આવડવી જરૂરી છે. ગુજરાતી પુરુષોને મોડે-મોડે આ વાત સમજાઈ અને ક્યારેય પાણીનો ગ્લાસ ન ભરતા પતિદેવો અચાનક રસોડામાં એન્ટ્રી લઈને પત્નીને ચોંકાવી દે ત્યારે શું થાય? આવી સરપ્રાઇઝ આપનારા પુરુષોને જ પૂછી જોઈએ 

ભારતીય કલ્ચર પ્રમાણે પુરુષો અર્થવ્યવસ્થા સંભાળે અને સ્ત્રીઓ કુટુંબવ્યવસ્થા. વર્કિંગ વિમેનની વધતીજતી સંખ્યા અને સમયની જરૂરિયાત મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોથી પુરુષો ઘરકામમાં મદદ કરતા થયા છે, પરંતુ આ આંકડો ઓછો જ છે. આજે પણ અનેક ગુજરાતી ઘરોમાં આગુ સે ચલી આ રહી પરંપરા જેમની તેમ છે. અનેક મહિલાઓએ તો પોતાના પતિદેવ પાસેથી હેલ્પની અપેક્ષા રાખવાની જ બંધ કરી દીધી છે. વાસ્તવમાં પત્નીને રીઝવવા ચાંદ-તારા તોડી લાવવાની ગુલબાંગો મારવાની કે ગિફ્ટ આપવાની જરૂર હોતી નથી. જેમ પતિનો પ્રેમ પેટથી શરૂ થાય છે એવી રીતે આજના જમાનામાં પત્નીનું દિલ જીતવા રસોઈ શીખવી અનિવાર્ય છે. કેટલાક પુરુષોને મોડે-મોડે પણ આ વાત સમજાઈ અને તેમણે અચાનક રસોડામાં એન્ટ્રી લઈને પત્નીને ચોંકાવી દીધી. પછી શું થયું એ જુઓ.
 
ચાથી ચાહત વધી
 
આમ તો કેજલને હંમેશાં સરપ્રાઇઝ આપતો રહું છું. ક્યારેક ડ્રેસ આપીને તો કોઈક વાર ગજરો લાવીને તેને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. એકાદ વાર અચાનક બહારગામ લઈ ગયો છું. આ બધામાં તેને સૌથી બેસ્ટ સરપ્રાઇઝ લાગી મારા હાથની બનાવેલી ચા. વિલે પાર્લેના લૅમિનેટ્સ ટ્રેડર કિશોર નંદુ ઉત્સાહ સાથે જણાવે છે, ‘મેં ક્યારેય લાઇફમાં ચા પીધી નથી. ભારતમાં સૌથી વધુ પીવાતા આ પીણાનો સ્વાદ સુધ્ધાં ખબર ન હોય અને પત્ની માટે બનાવવી એ રિસ્ક હતું. એક વાર રજાના દિવસે સવારે વહેલો ઊઠી ગયો અને કેજલની આંખ ખૂલી કે તરત તેની સામે બેડ ટી લઈને હાજર થઈ ગયો. પહેલાં તો તે આંખો ચોળીને મારી સામે જોવા લાગી કે સપનું તો નથીને? તેના એક્સપ્રેશન જોઈને મજા પડી ગઈ. પહેલી ચૂસકી લીધા પછી તેણે મારી સામે જોયું. બીજી ચૂસકી લીધી અને કહ્યું કે વાહ, મસ્ત બની છે. એ દિવસે મને સમજાયું કે પત્ની માટે નાની ખુશી પણ કેટલી અમૂલ્ય હોય છે.’ 
 
દામ્પત્યજીવનમાં સરપ્રાઇઝ શબ્દનું વિશેષ સ્થાન છે અને ખાસ કરીને પત્નીની નજરમાં એનું ઘણું મહત્ત્વ હોય એમ જણાવતાં કેજલ કહે છે, ‘દરેક મહિલાને સરપ્રાઇઝ ગમે છે. શું વસ્તુ હશે? કેવી હશે? ક્યાંથી લાવ્યા હશે? આ બધું જાણવાની ઉત્કંઠા હોય. એમાંય જો જીવનસાથી રસોડામાં ચૂપચાપ જઈને કંઈક બનાવી આપે તો સુખદ આંચકો લાગે. બેડ ટી મળશે એવી કલ્પના નહોતી કરી એટલે રીઍક્ટ કરવામાં વાર લાગી. ચા ખરેખર સરસ બની હતી. મજાની વાત એ કે હવે ચાની સાથે બીજી ઘણીબધી ડિશની સરપ્રાઇઝ મળવા લાગી છે.’
 
દાલફ્રાય બનાવીને જીત્યું દિલ
 
અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ તેમ જ વ્યવસાયમાં સતત વ્યસ્ત રહેતા માટુંગાના વિજય ગોગરીએ એક દિવસ રસોઈ બનાવીને પત્નીને સરપ્રાઇઝ આપી. પછી તો સંજોગો એવા ઊભા થયા કે કિચન અને ઘરકામ તેમના રૂટીનમાં આવી ગયાં. તેઓ કહે છે, ‘એ દિવસે શિલ્પાને સામાજિક વ્યવહાર સાચવવા બહાર જવાનું થયું. બન્ને દીકરીઓ સ્કૂલમાં ગઈ પછી વિચાર આવ્યો કે વાઇફ ઘરે આવીને ક્યારે રસોઈ બનાવશે? તે પણ થાકી ગઈ હશે? તો લાવ કંઈક ટ્રાય કરું. કેટરિંગ અને અનાજ-કરિયાણાંના બિઝનેસનો અનુભવ હતો તેથી મહારાજને ફોન કરીને રસોઈનો આઇડિયા લીધો. દાલફ્રાય, શાક અને ભાત બનાવી લીધાં. રોટલી ન આવડી. જોકે આટલી આઇટમ જોઈને વાઇફના ચહેરા પર ચમક આવી ગઈ. ત્યાર બાદ ગાજરનો હલવો શીખવા બાજુવાળાં કાકીની મદદ લીધી હતી. હવે ઘણી ડિશ બનાવતાં આવડે છે.’
 

વિજય અને શિલ્પા ગોગરી

ફર્સ્ટ ટાઇમ રસોઈ બનાવી હોવા છતાં દાલફ્રાય ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી. મારો થાક ઊતરી ગયો. ખુશી વ્યક્ત કરતાં શિલ્પાબહેન કહે છે, ‘રસોઈ બનાવાનો કૉન્ફિડન્સ આવ્યો ત્યારથી અવારનવાર સરપ્રાઇઝ આપતા રહે છે. મહિલા તરીકે સારું લાગે, પરંતુ અત્યારે તેમને ઘરનાં બધાં કામ કરવા પડે છે એ ગમતું નથી. આઠેક મહિના પહેલાં ઘરમાં પડી જવાને કારણે મને મલ્ટિપલ ફ્રૅક્ચર્સ આવ્યાં છે. ડૉક્ટરે સંપૂર્ણ બેડ-રેસ્ટની સલાહ આપી હોવાથી બિઝનેસની સાથે ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં પણ મસ્તમજાની અને નવી-નવી ડિશો ટ્રાય કરવાનો તેમને કંટાળો નથી આવતો.’

આ પણ વાંચો :  લગ્નમાં પણ ખાઓ ડાયટ રોટી

મજેદાર મિજબાની

ધવલ અને ચાર્મી શાહ મિત્રો સાથે

મજાક-મસ્તીમાં અવ્વલ પણ રસોડામાં કામ કરવાની વાત માત્રથી દૂર ભાગતા ઘાટકોપરના સાત મિત્રોએ સાથે મળીને વેલકમ ડ્રિન્કથી લઈને ડિઝર્ટ સુધીની તમામ ડિશ જાતે બનાવીને પત્નીઓને જબરી સરપ્રાઇઝ આપી હતી. અમારા માટે આ શૉકિંગ હતું એવું જણાવતાં ગ્રુપ-મેમ્બર ચાર્મી શાહ કહે છે, ‘એ દિવસે મારા હસબન્ડ ધવલનો બર્થ-ડે હતો. સામાન્ય રીતે અમે લોકો હોટેલમાં જઈએ અથવા પાર્સલ મગાવીને ઘરે મજા કરીએ. અચાનક પુરુષોએ કહ્યું કે તમે બાળકોને લઈને મૉલમાં ફરી આવો, ડિનર અમે મૅનેજ કરી લઈશું. ઘરમાં કોઈ દિવસ હેલ્પ કરી નથી તેથી અમને ડાઉટ ગયો કે બહારથી મગાવશે. વધીને એકાદ ડિશ બનાવવાની ટ્રાય કરી શકે છે. જોકે સુપર સરપ્રાઇઝ મળી. સૌથી પહેલાં મોજીટો મૉકટેલ આવ્યું. થોડી વાર રહીને મહિલાઓને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ જવાનું કહીને તેઓ એક પછી એક ડિશ સર્વ કરવા લાગ્યા. પનીર ટિક્કા, ગાર્લિક બ્રેડ, કુનફાવ પુલાવ અને હક્કા નૂડલ્સ જોઈને આશ્ચર્ય થયું. આવી સરપ્રાઇઝ મળતી રહે તો જલસો પડી જાય.’ 

સરપ્રાઇઝ વારંવાર ન અપાય, બહુ મહેનત કરવી પડી છે એવું હસતાં-હસતાં જણાવતાં ધવલભાઈ કહે છે, ‘શાકભાજી અને ગ્રોસરી ખરીદતાં પણ નથી આવડતું એવી પત્નીઓની ફરિયાદ બંધ થાય એ માટે ઘણા વખતથી વિચારતા હતા કે એક વાર તેમને ખુશ કરવી છે. રસોડામાં કામ કરવાનો બિલકુલ અનુભવ ન હોવાથી શું બનાવવું એ નક્કી કરવામાં અઠવાડિયું લાગ્યું. મહિલાઓને ખબર ન પડે એ રીતે પ્લાન બનાવ્યો. પ્લાનને એક્ઝિક્યુટ કરવા સવારથી કામે લાગી ગયા. કઈ ડિશ માટે શું જોઈશે એનું લિસ્ટ બનાવીને ત્રણ મિત્રો સુપરમાર્કેટમાં ગયા. ચાઇનીઝ રેસ્ટોરાંમાં નૂડલ્સ બનાવવામાં માટે વપરાય છે એવી લોખંડની કડાઈ રેન્ટ પર લઈ આવ્યા. બહાર જેવા સ્ટાઇલિસ્ટ શેપમાં શાકભાજી સમારવામાં અમારી કસોટી થઈ. ચૉપિંગ કરતાં ત્રણ કલાક થયા. એક ડિશ બનાવતી વખતે બરાબર નથી બની એવું લાગતાં ફરીથી ટ્રાય કરી. કલાકોની મહેનત બાદ ૨૧ મેમ્બર માટે ચાર ડિશ બનાવી. એટલું જ નહીં, દરેક ડિશને પ્રૉપર પ્રેઝન્ટેશન સાથે સર્વ પણ અમે જ કરી. મહિલાઓની નજરમાં પણ હસબન્ડ તરફથી મળેલી અત્યાર સુધીની આ બેસ્ટ ગિફ્ટ હતી.’

columnists Varsha Chitaliya