05 January, 2023 04:30 PM IST | Mumbai | Varsha Chitaliya
કમાલની કંકોતરીઓ
ડિજિટલ યુગ અને કોરોના બાદ કંકોતરીની ડિઝાઇનનું કલેવર ચેન્જ થયું છે, પરંતુ એનું મહત્ત્વ ઓછું નથી થયું.
કંકુ છાંટી કંકોતરી મોકલી, કેસર છાંટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે, માણેકથંભ રોપિયો
પહેલી કંકોતરી કાકાના ઘેર મોકલી,
કાકા હોંશે ભત્રીજી પરણાવો રે, માણેકથંભ રોપિયો
ભારતીય લગ્નોમાં કંકોતરી, એમાં લખેલાં લખાણો અને ટહુકાઓનું અદકેરું મહત્ત્વ છે. અગાઉ કંકોતરી જોઈને મહેમાનો અનુમાન લગાવી લેતા કે લગ્નમાં કેવો જલસો હશે. ડિજિટલ યુગ અને કોરોના બાદ કંકોતરીની ડિઝાઇનનું કલેવર ચેન્જ થયું છે, પરંતુ એનું મહત્ત્વ ઓછું નથી થયું. કાર્ડ ડિજિટલ હોય કે ફિઝિકલ, દરેક પરિવારને એમાં ઇનોવેશન્સ જોઈએ છે. તમે પણ નવી ડિઝાઇનની શોધમાં હો તો માર્કેટમાં કેવા યુનિક ઑપ્શન્સ અવેલેબલ છે જોઈ લો.
આ પણ વાંચો : ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા રે
થીમબેઝ્ડ કાર્ડ
આજે ઑનલાઇન ઇન્વિટેશન મોકલવાનો જમાનો છે એ ખરું, પણ કંકોતરી છપાવવાનો ટ્રેન્ડ ખતમ નથી થયો. માર્કેટમાં અવેલેબલ હોય એમાંથી ડિઝાઇન પસંદ કરીને લોકો પ્રિન્ટ કરાવે જ છે. બેશક, અગાઉની જેમ લગ્નસરાની સીઝનમાં દુકાનની બહાર લાંબી લાઇન નથી લાગતી. હવે બધાને થીમબેઝ્ડ કંકોતરી છપાવવી છે એવી જાણકારી આપતાં પોતાના સર્કલમાં આર્ટ જાદુગર તરીકે ઓળખાતા કિરણ કમ્પ્યુટર ગ્રાફિક્સના ડિઝાઇનર ભાવેશ પઢિયાર કહે છે, ‘લગ્ન એ મોટી ઇવેન્ટ છે. પ્રી-વેડિંગ ફંક્શન્સની ભરમાર હોય તેથી આમંત્રણપત્રિકામાં ઘણીબધી વિગતો ઉમેરવી પડે. મોટા બૉક્સમાંથી કે ઊંચા ટાવરના ફ્લોરમાંથી જુદી-જુદી ઇવેન્ટનાં મલ્ટિ-કલરનાં કાર્ડ નીકળે એવી થીમબેઝ્ડ કંકોતરી લેટેસ્ટ ટ્રેન્ડ છે. દાખલા તરીકે ટાવરના એક ફ્લોર પરથી પીળા રંગનું કાર્ડ લઈને જુઓ તો એમાં હલદીનું આમંત્રણ હોય અને ગ્રીન રંગના કાર્ડમાં મેહંદીની રસમનું. કંકોતરીમાં કલર્સનું વેરિએશન મહેમાનોને અટ્રૅક્ટ કરે છે. કંકોતરી જોવા માટે ૨૦થી ૨૫ મિનિટ લાગે એવી ઇનોવેટિવ ડિઝાઇન બનાવી છે. રિસેપ્શનના કાર્ડને બ્લેઝર અથવા સૅટિનના ફૅબ્રિક પર લખાણ પ્રિન્ટ કરીને આમંત્રણ આપી શકાય. આ સીઝનમાં અમે લોકોએ ૨૪થી ૩૬ ઇંચની કંકોતરી બનાવી છે. સુટકેસ શૅપની ત્રણ ફુટની કંકોતરી એક આરબના હાથમાં આવી તો તેના મોઢામાંથી માશાલ્લાહ, ઐસા કાર્ડ કભી નહીં દેખા એવા શબ્દો સરી પડ્યા. હાલમાં રૂમાલમાં પ્રિન્ટ કરીને મહેમાનોને આપી શકાય એવી કંકોતરી પર કામ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો : ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા રે
કુમકુમ પગલાં
વિક્રાંત કારિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સના ક્રીએટિવ આર્ટિસ્ટ વિક્રાંતભાઈ પાસે કંકોતરીને ટ્રેડિશનલ ટચ આપવાના અઢળક આઇડિયા છે. દીકરાનાં લગ્નમાં તેમણે પોતાનાં લગ્નની કંકોતરીના કન્સેપ્ટને રીક્રીએટ કર્યો હતો. કંકોતરીની ખાસિયત વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આવનારી પુત્રવધૂ લક્ષ્મીજીનું રૂપ છે. ૧૯૮૯માં મારાં લગ્નની ૩૦૦ કંકોતરી પર પેરન્ટ્સે પુત્રવધૂનાં પગલાંની છાપ પડાવી હતી. દીકરા પાર્થનાં લગ્નમાં એ જ કન્સેપ્ટ અપનાવ્યો હતો. અમારી પુત્રવધૂ નિધિ પુણેની છે. ફુટપ્રિન્ટ લેવા તેને ખાસ મુંબઈ તેડાવી હતી. એક થાળીમાં કંકુવાળું પાણી કરી એમાં નિધિના પગ બોળીને કંકોતરી પર પગલાં પાડતા ગયા. એક છાપ પડે પછી એના પગ લૂછી ફરીથી કંકુવાળા પાણીમાં બોળવાના. ૨૦૦ કંકોતરી પર આ રીતે પગલાંની છાપ લેવામાં ત્રણ દિવસ લાગ્યા હતા. કુમકુમ પગલાંની સાથે સુંદર લખાણ, કાર્ડ પર સોપારી ચોંટાડીને અને નાડાછડીનો ઉપયોગ કરીને કંકોતરીની ડિઝાઇનને ટ્રેડિશનલ ટચ આપી શકાય.’
આ પણ વાંચો : યોગથી સારો લાઇફ-પાર્ટનર નહીં મળે યાદ રાખજો
પ્રેઝન્ટેબલ કાર્ડ
લગ્નમાં વપરાતી તમામ વસ્તુઓને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ છે એવી જ રીતે હવે અનેક પરિવારો વેવાઈવેલા માટે ખાસ ક્રીએટિવ કંકોતરી બનાવડાવે છે. ડેકોરેટિવ વેડિંગ આર્ટિકલ બનાવવામાં માસ્ટરી ધરાવતા ડોમ્બિવલીના આર્ટિસ્ટ જેનિસ ગડા કહે છે, ‘આપણે ત્યાં બન્ને પક્ષ એકબીજાને કંકોતરી આપવા જાય એવો રિવાજ છે. સ્પેશ્યલ ઇન્વિટેશન માટે હૅન્ડમેડ કંકોતરીની ખાસ્સી ડિમાન્ડ છે. હાર્ડ બોર્ડ પર ડિઝાઇન કરી, સેટીન પેપરથી રૅપ કરીને ડેકોરેશન કરવામાં આવે છે. કંકોતરીને પ્રેઝન્ટેબલ બનાવવા વર-કન્યાના ફોટા સાથે લાઇટિંગ અને થ્રી ડી ઇફેક્ટ ટૅક્નોલોજી યુઝ થાય છે. ટ્રેડિશનલ લુક માટે બાંધણી, કુંદન, ડાયમંડનું વર્ક કરવામાં આવે છે. વેડિંગની તમામ ઇવેન્ટ્સના લખાણને સુંદર અક્ષરથી ગુજરાતી ભાષામાં અથવા સંસ્કૃતમાં લખી શકાય. ઘણાં બધા ફંક્શન્સ હોય તો પ્રિન્ટિંગનું ઑપ્શન ઓપન રાખીએ. કંકોતરીના બૉક્સમાં ડ્રાયફ્રૂટ્સ અથવા મીઠાઇ મૂકવાની જગ્યા પણ રાખવામાં આવે છે. આ પ્રકારની કંકોતરી સિંગલ પીસ હોવાથી કમ્પ્લીટલી પર્સનલાઇઝ્ડ હોય છે. સંગીત-સંધ્યા, સાંજી વગેરે પ્રી-વેડિંગ ફંક્શન્સમાં વેવાઇવેલા એને ડિસપ્લેમાં મૂકે છે જેથી મહેમાનો જોઈ શકે. પર્સનલાઇઝ્ડ કંકોતરીને કાયમ માટે સાચવીને રાખી શકો છો.’
દરેક કંકોતરી પર નવોઢાનાં કુમકુમ પગલાંની છાપ સાથે સુંદર લખાણ ઉપરાંત સાચી સોપારી અને નાડાછડીનો ઉપયોગ કરીને પરંપરાગત પ્રથાઓને ઇન્વિટેશન કાર્ડની ડિઝાઇનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. વિક્રાંત કારિયા