10 February, 2023 05:40 PM IST | Mumbai | Varsha Chitaliya
રાધિકા ઠક્કર
ગયા મહિને જાહેર થયેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)માં અમ્પાયર તરીકે કામગીરી બજાવવા માટેની પરીક્ષાનાં પરિણામોએ મુંબઈગરાઓને ચોંકાવી દીધા છે. આ વર્ષે પહેલી વાર ચાર ગર્લ્સે પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. એમાંની એક છે આપણી ગુજ્જુ ગર્લ રાધિકા ઠક્કર. ક્રિકેટના મેદાન પર વિમેન અમ્પાયરની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી માંડ છે ત્યારે કાંદિવલીની ૨૫ વર્ષની રાધિકાએ આ સફર કઈ રીતે તય કરી એની પ્રેરણાત્મક કહાણી ક્રિકેટર બનવા થનગની રહેલી, પરંતુ સિલેક્ટ ન થઈ શકનારી ઘણી ગર્લ્સ માટે
મોટિવેશનનું કામ કરશે. ચાલો મળીએ નવો ચીલો ચાતરનારી યંગ ગર્લને.
ફ્લૅશબૅક
આપણા દેશમાં ગલી-ગલીમાં ક્રિકેટ રમતાં બાળકોમાં ક્રિકેટર બનવાની ઘેલછા છે. રાધિકાને પણ ક્રિકેટર જ બનવું હતું. આ સપનું પણ તેને ગલીમાં છોકરાઓની સાથે ક્રિકેટ રમવાની આદતમાંથી આવ્યું હતું. સ્કૂલમાં હતી ત્યારથી ક્રિકેટના મેદાન માટે ગજબનું ખેંચાણ, પરંતુ એક લેવલથી આગળ વધવાની તક ન મળી એવી વાત કરતાં રાધિકા કહે છે, ‘વર્ષ ૨૦૧૧માં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. નવમા ધોરણમાં ભણતી હતી ત્યારથી પ્લેયર તરીકે મેદાન ગજવવાનું ડ્રીમ જોયું હતું. મિડ-ડે લેડીઝ ક્રિકેટ પણ રમી ચૂકી છું. વિકેટકીપિંગ અને બૅટિંગ બન્નેમાં માસ્ટરી હોવાથી એમસીએના સમર કૅમ્પ અટેન્ડ કર્યા. સ્કૂલ, કૉલેજ અને મુંબઈ યુનિવર્સિટી તરફથી રમી ચૂકી છું.’
ક્રિકેટ એ રાધિકાનું પૅશન છે અને એમાં સફળતા મેળવવા માટે રાધિકાએ જબરજસ્ત મહેનત પણ કરી છે. તેની મોટા ભાગની ટ્રેઇનિંગ છોકરાઓની સાથે જ થયેલી. દાદરના શિવાજી પાર્કમાં રમાકાંત આચરેકરની ક્રિકેટ અકૅડમીમાં તેણે વર્ષો સુધી ટ્રેઇનિંગ લીધી છે. તેનામાં સ્પાર્ક દેખાતો હોવાથી તેના કોચે તેને છોકરાઓની બૅચમાં કપરી ટ્રેઇનિંગ આપવા માટે પ્રોત્સાહિત કરેલી. સવારે અને સાંજે ત્રણ-ત્રણ કલાક ક્રિકેટની ટ્રેઇનિંગ લેવાની અને વચ્ચે સમય મળે તો કૉલેજનું ભણી લેવાનું. વિકેટકીપિંગ અને બૅટિંગ એ તેનો ફૉર્ટે રહ્યો છે. જોકે ઘણી મહેનત અને કૉલેજ લેવલની ટુર્નામેન્ટ્સમાં ઊજળું પર્ફોર્મન્સ આપ્યા પછી પણ અનેક ટ્રાય છતાં આગળ સિલેક્શન ન થયું. એ પછી પણ હું કોઈ કાળે ક્રિકેટથી દૂર થવા નથી માગતી એમ જણાવતાં રાધિકા કહે છે, ‘મને ખબર છે કે પિચ પર અગિયાર પ્લેયરની જ જરૂર હોવાથી હંમેશાં સ્પર્ધા રહેવાની. બીજું એ કે પ્લેયર બનવા માટેની ચોક્કસ ઉંમર હોય છે. જેમ-જેમ ઉંમર વધે એમ પ્લેયર બનવાની શક્યતા ઘટતી જાય. એ વખતે નિરાશ થયા વિના ગ્રાઉન્ડ લેવલ રિયલિટીને સ્વીકારી વિચારવું જોઈએ કે તમારા પૅશન સાથે જોડાયેલા રહેવા બીજું શું કરી શકો છો. મેં કોઈ પણ રીતે ક્રિકેટથી જોડાયેલા રહેવું છે એવું મનોમન નક્કી કરી રાખ્યું હતું. વાસ્તવમાં સ્પોર્ટ્સ સિવાય કશું વિચાર્યું જ નથી. પેરન્ટ્સ અને કોચના સપોર્ટથી મારી કરીઅરને નવી દિશા મળી.’
વિકલ્પો શોધ્યા
પ્લેયર તરીકે સિલેક્ટ ન થાઉં તો બીજા કયા વિકલ્પ છે? આ દિશામાં ખણખોદ શરૂ કરી એવી માહિતી આપતાં તે કહે છે, ‘ક્રિકેટમાં ઘણાબધા કરીઅર ઑપ્શન્સ છે. સ્કોરર, ટ્રેઇનર, અમ્પાયર, ન્યુટ્રિશનિસ્ટ, કોચ, મૅચ રેફરી વગેરેમાંથી પસંદ કરી શકો છો. મારા કોચ પણ અમ્પાયર છે. ગેમ પ્રત્યે મારું ડેડિકેશન જોઈને તેમણે અમ્પાયર બનવાની ભલામણ કરી. તેમના માર્ગદર્શનમાં ૪૫ દિવસના ક્લાસિસ કર્યા. ત્યાર બાદ લેખિત પરીક્ષા આપી. લેખિત પરીક્ષામાં પાસ થાઓ પછી પ્રૅક્ટિકલ એક્ઝામ આપવાની હોય. ગયા મહિને જાહેર થયેલાં પરિણામો બાદ એમસીએની ઑફિશ્યલ અમ્પાયર બની ગઈ છું. આ પહેલાં ૨૦૧૬માં સ્કોરરની પરીક્ષા પાસ કરી હતી. ભવિષ્યમાં કોચ બનવા માટેની પરીક્ષામાં બેસવાની છું. જોકે દહિસર સ્પોર્ટ્સ ક્લબ તરફથી ક્રિકેટ રમવાનું ચાલુ રહેશે. મુંબઈ યુનિવર્સિટી તરફથી પણ રમતી રહીશ. અત્યારે જે રીતે ડેઇલી પ્રૅક્ટિસ ચાલે છે એને કન્ટિન્યુ કરવાની સાથે અમ્પાયરિંગ પણ કરીશ.’
ચૅલેન્જિસ હશે
પ્લેયર અને અમ્પાયરના રોલમાં શું ફરક હશે એ વિશે વાત કરતાં રાધિકા કહે છે, ‘પ્લેયર, સ્કોરર અને અમ્પાયર ત્રણેય રોલમાં અપ્રોચ જુદા છે. પ્લેયરનું ફોકસ પર્ફોર્મન્સ પર હોય છે. સ્કોરરનું કામ દરેક પ્લેયરના સ્કોરને નોટડાઉન કરવાનું છે, જ્યારે અમ્પાયરનું કામ ચૅલેન્જિંગ છે. ગેમ્સના તમામ નિયમોની તેને જાણકારી હોવી જોઈએ. ટૉસ, ટાઇમિંગ, રૂલ્સ પ્રમાણે ગેમ ચાલી રહી છે કે નહીં, કેટલા રન થયા, વાઇડ બૉલ, નો બૉલ, બાઉન્ડરી વગેરે જોવાનું એનું કામ છે. ગેમનો પૂરો કન્ટ્રોલ અમ્પાયરના હાથમાં હોય છે. એના એક ડિસિઝનથી ગેમ ચેન્જ થઈ શકે છે. ક્રિકેટની રમત સાથે આપણે સૌ એટલાબધા ઇન્વૉલ્વ થઈ જઈએ છીએ કે લોકોને અને પ્લેયર્સને અમ્પાયરનો ડિસિઝન ખોટો લાગતો હોય છે. મેદાન પર સતત અલર્ટ રહીને જવાબદારીને નિષ્ઠાપૂવર્ક નિભાવવાનો પ્રયાસ કરીશ. એ માટેની મારી માનસિક તૈયારી છે. ક્રિકેટના દરેક પાસાને સમજવાનો પ્રયાસ અને અનુભવ કામ લાગશે. એમસીએની અમ્પાયરની પૅનલ પાસે મારું રિઝલ્ટ છે. જ્યારે મૅચ હશે તેઓ મારો સંપર્ક કરશે. મને લાગે છે કે શરૂઆતમાં સ્કૂલ લેવલ પર રમાતી અન્ડર 14 અથવા અન્ડર 16 એજ ગ્રુપની મૅચો આપવામાં આવશે. બે વર્ષની પ્રૅક્ટિસ અને એક્સ્પીરિયન્સ બાદ રણજી ટ્રોફી જેવી હાયર લેવલની ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવાની તક મળશે. આ ફીલ્ડમાં મેલ અમ્પાયરની સંખ્યા વધુ હોવાથી લોકોને આશ્ચર્ય થાય છે, પરંતુ એનાથી કોઈ ફરક પડશે નહીં. મારું એક જ ડ્રીમ છે, કોઈ પણ રોલમાં ક્રિકેટના મેદાન સાથે કનેક્ટેડ રહેવું.’
આ પણ વાંચો : આર્ટ સર્કલથી સ્ટાર્ટ થઈ મૅજિકલ જર્ની
સ્પોર્ટ્સમાં જ જીવન
રાધિકાએ ફિઝિકલ એજ્યુકેશનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. અભ્યાસ દરમિયાન ઍથ્લેટિક્સ, વૉલીબૉલ જેવી રમતોનો અનુભવ લીધો છે. ડાયટ વિશે પણ સારી જાણકારી રાખે છે. ક્રિકેટ માટે અતિશય પ્રેમ ધરાવતી રાધિકા મિડ-ડે ક્રિકેટની લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે વાર વુમન ઑફ ધ સિરીઝ બની છે. ક્રિકેટ ઉપરાંત સૉફ્ટ બૉલ (બેઝ બૉલ) પણ રમે છે. આ ગેમમાં ચાર વર્ષ મુંબઈ યુનિવર્સિટીને રેપ્રિઝેન્ટ કર્યું છે.
આ ફીલ્ડમાં મેલ અમ્પાયરની સંખ્યા વધુ હોવાથી લોકોને આશ્ચર્ય થાય છે, પરંતુ એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારું એક જ ડ્રીમ છે, કોઈ પણ રોલમાં ક્રિકેટના મેદાન સાથે કનેક્ટેડ રહેવું.
રાધિકા ઠક્કર