આ કૉલેજ ગર્લને કોરો કાગળ આપો અને જુઓ તેની કરામત

23 December, 2022 04:57 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પેઇન્ટિંગની વિવિધ ટેક્નિક્સ પર હાથ અજમાવ્યા બાદ દહિસરની કૉલેજિયન ભક્તિ પરમારને આ કળામાં એવો રસ પડ્યો કે પ્લેન પેપર હોય કે ઘરની ખાલી દીવાલો, પોતાની સર્જનશક્તિ અને રંગો વડે એને જીવંત બનાવી દે

ભક્તિ પરમાર

છેલ્લાં ત્રણ વર્ષમાં સોશ્યલ મીડિયાના પેજ પર સૌથી વધારે કંઈ શૅર થયું હોય તો એ છે આર્ટવર્ક. એવું નથી કે અચાનક આર્ટિસ્ટ્સની સંખ્યા વધી ગઈ છે. વાસ્તવમાં પૅન્ડેમિક દરમિયાન લોકોને પોતાના શોખ તરફ ફરી વળવાની તક મળતાં છૂપી ટૅલન્ટ બહાર આવી છે. ફાજલ સમયમાં ચિત્રો દોરતાં-દોરતાં ઘણા એમાં એવા ખૂંપી ગયા કે પૅશન સાથે કનેક્ટ રહેવાની સાથે સાઇડ ઇન્કમના હેતુથી ડ્રોઇંગ ક્લાસ શરૂ કરી દીધા. દહિસરમાં રહેતી કૉલેજિયન ભક્તિ પરમારે પણ આ કીમિયો અપનાવ્યો. આજે દેશ-વિદેશમાં વસતાં સ્કૂલ ગોઇંગ કિડ્સ તેની પાસે પેઇન્ટિંગની અવનવી ટેક્નિક શીખી રહ્યાં છે. ભક્તિએ દોરેલાં ચિત્રોની ખાસિયત શું છે જાણીએ.

રીક્રીએટ કર્યું

ભક્તિ જણાવે છે કે સ્કૂલમાં ચિત્રકળા મારો મનગમતો વિષય હતો. જુનિયર કેજીથી લઈને દસમા ધોરણ સુધીની દરેક ચિત્રકલા સ્પર્ધામાં ભાગ લઈને ઇનામ મેળવવું એ મારો રેકૉર્ડ હતો. કૅન્વસ અને પેન્સિલનો સંગાથ મળે એટલે જૉયફુલ ફીલ કરું. પૅન્ડેમિકે મારી સર્જનાત્મક શક્તિને ખીલવાની તક આપી. વિલે પાર્લેની નરસી મોનજી કૉલેજમાં એસવાયબીકૉમનો અભ્યાસ કરતી ભક્તિ આવી વાત કરતાં કહે છે, ‘આમ તો હજી કૉલેજ ગર્લ છું એટલે ડ્રોઇંગ છૂટ્યાને વધારે વર્ષ નહોતાં થયાં, પરંતુ બ્રેક પડી ગયો હતો. સ્કૂલમાં આપણે શિક્ષકના માર્ગદર્શનમાં અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને ચિત્રો દોરતાં હોઈએ. એ વખતે નવું શીખવાનો સમય બહુ ન મળતો. કોરોનામાં નવરાશ હતી તેથી કેટલાંક ચિત્રો દોર્યાં. એ વખતે મારી પાસે માત્ર કાગળ અને પેન્સિલ હતાં. પૅશનને રીક્રીએટ કરતાં-કરતાં એવો રસ પડ્યો કે પેઇન્ટિંગ મારા માટે પીસફુલ ઍક્ટિવિટી બની ગયું. સોશ્યલ મીડિયા પર લોકોની પોસ્ટ જોઈને મને પણ કળાનું પ્રદર્શન કરવાનું મન થયું. છુપાયેલી ટૅલન્ટને બહાર લાવવા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા લાગી. ક્યાંક ક્લિક થઈ જાય તો એમાંથી સાઇડ ઇન્કમનો સોર્સ ઊભો થાય. પૅન્ડેમિકે આપણને ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ તેમ જ બૅકઅપ પ્લાન રાખતાં શીખવી દીધું. મારી પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક લોકોએ પૂછપરછ કરી. વર્કશૉપ લેવી જોઈએ એવું વિચારી ઝંપલાવી દીધું.’

વર્કશૉપ લીધી

કોવિડમાં ઑનલાઇન વર્કશૉપ બહુ ચાલતી હતી. સ્પર્ધાત્મક વાતાવરણમાં તમે કંઈક નવું શીખવો તો સારો રિસ્પૉન્સ મળે. ઘણી ખણખોદ બાદ બાળકોને સૉલ્ટ આર્ટ શીખવવાનું નક્કી કર્યું એવી માહિતી આપતાં ભક્તિ કહે છે, ‘સૉલ્ટ આર્ટ બાળકોને મજા પડે એવી સુપર ઇઝી ઍન્ડ ફન ટેક્નિક છે. એક થિક પેપરની કિનારી પર સેલો ટેપ લગાવી દો. મનગમતા રંગમાં થોડો ગ્લુ મિક્સ કરી બ્રશ વડે પેપરને ભીનું કરી દો. ભીના કાગળ પર સૉલ્ટ એટલે કે ડે ટુ ડે યુઝમાં વપરાતું મીઠું સ્પ્રિન્કલ કરો. સુકાઈ ગયા બાદ એના પર કોઈ પણ ડિઝાઇન બનાવો. બ્યુટિફુલ ક્રિસ્ટલ ઇફેક્ટ આપશે. પ્રથમ વર્કશૉપમાં બહુ ઓછાં બાળકોએ રજિસ્ટર કરાવ્યું હતું. જોકે કૉન્ફિડન્સ બિલ્ટ થવા માટે કાફી હતું. ૨૦૨૧માં લીધેલી વર્કશૉપ બાદ પાછા વળીને નથી જોયું. આજે ફક્ત મુંબઈના જ નહીં; બૅન્ગલોર, રાજસ્થાન તથા યુએસમાં રહેતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પણ વર્કશૉપ જૉઇન કરે છે. એ જ અરસામાં ઘરના કબાટ પર ફ્લાવર્સ ડિઝાઇન ટ્રાય કરીને સોશ્યલ મીડિયા માર્કેટ પ્લેસ પર પોસ્ટ કરવાથી ઘણા સારા રિવ્યુ મળ્યા. એક ક્લાયન્ટે આખું ઘર સોંપી દેતાં કહ્યું, દરવાજાની સામેની દીવાલ પર મંડાલા પેઇન્ટિંગ જોઈએ છે, બાકીની દીવાલોને કઈ રીતે સજાવવી એ તમે નક્કી કરજો. ત્યાર બાદ વૉલ પેઇન્ટિંગના કૉન્ટ્રૅક્ટ મળવા લાગ્યા. લૉકડાઉનના સમયનો ઉપયોગ કરી મારી કળાને ઉચ્ચ સ્તરે લઈ જવાનો પ્રયાસ અને પ્રવાસ ચાલુ રાખ્યો છે.’

આ પણ વાંચો: ડિસેબિલિટી એટલે ઇનેબિલિટી તો નહીં જ

જુદી-જુદી ટેક્નિક્સ

હું સેલ્ફ-લર્નર છું. પેઇન્ટિંગમાં દરેક પ્રકારની ટેક્નિક ટ્રાય કરી છે એમ જણાવતાં આ યંગ ગર્લ કહે છે, ‘મંડાલા આર્ટ, રેઝિન આર્ટ, કૅન્વસ પેઇન્ટિંગ, સૉલ્ટ આર્ટ, વૉલ પેઇન્ટિંગ, સ્કેચ, મ્યુરલ આર્ટ, મટકા ડેકોરેશન, કૅલિગ્રાફી વગેરે પર હાથ આજમાવ્યો છે. ડૉટ મંડાલા આર્ટ સૌથી વધુ અટ્રૅક્ટ કરે છે. મંડાલા આર્ટમાં રેઝિન મટીરિયલનો ઉપયોગ કરીને શ્રીનાથજીનું ચિત્ર બનાવ્યું છે. પશ્ચિમી દેશોમાં ઇમારતોની દીવાલ પર ચિત્ર દોરવાની કળા ખૂબ જ પ્રચલિત છે. એને મ્યુરલ આર્ટ કહે છે. એમાં લાઇન્સ વડે ડિઝાઇન બનાવવામાં આવે છે. લાઇનને ગમે તે ડિરેક્શનમાં લઈ જઈને સુંદર ડિઝાઇન બનાવો. મંડાલા પેઇન્ટિંગની જેમ વૉલ પેઇન્ટિંગ અને મ્યુરલ આર્ટની અલગ જ મજા છે. દીવાલ પર થ્રીડી પેઇન્ટિંગ સિવાય બધું કરી શકું છું. મને બસ, કોરો કાગળ અથવા ખાલી દીવાલ આપી દો. રંગોથી હું એને જીવંત બનાવી દઈશ.’

સૉલ્ટ આર્ટ સ્કૂલ ગોઇંગ બાળકોને મજા પડે એવી સુપર ઈઝી ઍન્ડ ફન ટેક્નિક છે. બ્યુટિફુલ ક્રિસ્ટલ ઇફેક્ટ આપતી કળાથી તેમની પ્રતિભા ખીલશે અને પેઇન્ટિંગની જુદી-જુદી ટેક્નિક શીખવામાં રુચિ વધશે. ભક્તિ પરમાર

આ પણ વાંચો : વિદેશની ધરતી પર દોડ્યા બાદ સમજાયું કે ટાર્ગેટ મહત્ત્વનો નથી

ડિજિટલ આર્ટ

ભક્તિને ડિજિટલ મંડાલા, લોગો ડિઝાઇન, બિઝનેસ કાર્ડ ડિઝાઇન ક્રીએટ કરતાં આવડે છે. લોગોમાં કૅલિગ્રાફીના વળાંકો સાથે શબ્દો લખવામાં તેની માસ્ટરી છે. પેઇન્ટ બ્રશ અને પેન બન્નેના ઉપયોગથી અક્ષરોના વળાંક કઈ રીતે લેવા એની ટેક્નિક શીખવાડે છે. સ્કૂલ કિડ્સને પેઇન્ટિંગમાં અને કૉલેજના વિદ્યાર્થીઓને કૅલિગ્રાફીના વર્કશૉપમાં વધુ ઇન્ટરેસ્ટ પડે છે. હાલમાં એનું ફોકસ મ્યુરલ આર્ટ, ડિજિટલ કૅલિગ્રાફી અને વૉલ પેઇન્ટિંગમાં વધુ ને વધુ ઇનોવેટિવ કરવાનું છે. આ ક્ષેત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની સાથે કૉલેજનું ભણતર પણ ચાલે છે. પેઇન્ટિંગ માટે દિવસનો કેટલો સમય આપવો એ મૂડ ઉપર તો ક્યારેક ક્લાયન્ટની ડિમાન્ડ પર આધાર રાખે છે.

columnists Varsha Chitaliya