17 January, 2023 05:20 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
માત્ર ત્રીસ ટકા પુરુષો જ ઘરના કામકાજમાં પત્નીને મદદ કરે છે એવો સર્વે સામે આવ્યા બાદ ફ્રાન્સની એક સંસદસભ્યએ શરૂ કરેલી ઝુંબેશ આજકાલ ચર્ચાનો વિષય બની છે. પોતાને ઇકો-ફેમિનિસ્ટ તરીકે ઓળખાવતી સેન્ડ્રિન રુસોનું કહેવું છે કે મહિલાઓને પણ ‘રાઇટ ટુ બી લેઝી’નો હક મળવો જોઈએ. ધારો કે આવી પહેલ મુંબઈમાં શરૂ થાય તો તમે સપોર્ટ કરો? આ સવાલનો મહિલાઓએ શું જવાબ આપ્યો એ વાંચો
ફ્રાન્સના પૅરિસ શહેરથી ચૂંટાઈને આવેલી સેન્ડ્રિન રુસો નામની સાંસદ તેના ક્રાન્તિકારી વિચારોને કારણે ખાસ્સી લોકપ્રિય છે. વ્યવસાયે ઇકૉનૉમિસ્ટ સેન્ડ્રિન પોતાને ઇકો-ફેમિનિસ્ટ તરીકે ઓળખાવે છે. રાજ્યસભા હોય કે જંગનું મેદાન - મહિલાઓના અધિકાર માટે તે સતત લડત ચલાવે છે. હાલમાં તેણે એક નવા જ પ્રકારની ઝુંબેશ શરૂ કરી છે. માત્ર ત્રીસ ટકા પુરુષો ઘરકામમાં પત્નીને મદદ કરતા હોય છે એવો સર્વે સામે આવ્યા બાદ સેન્ડ્રિને અપીલ કરી છે કે પુરુષોની જેમ મહિલાઓને પણ ‘રાઇટ ટુ બી લેઝી’ બનવાનો હક મળવો જોઈએ. ધારો કે આવી ઝુંબેશ મુંબઈમાં શરૂ કરવામાં આવે તો કેટલી મહિલાઓ એને સપોર્ટ કરે? ચાલો જોઈએ.
હક છીનવી લીધો
ફ્રાન્સમાં કરવામાં આવેલી અપીલ ખોટી નથી, કારણ કે મહિલાઓને આ તમારું કામ છે એમ કહીને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. કેટરિંગનો બિઝનેસ ધરાવતાં દાદરનાં પ્રીતિ વસાણી નવીનતમ ઝુંબેશના સપોર્ટમાં કહે છે, ‘એકસો એક ટકા આવો કન્સેપ્ટ ભારતમાં પણ લાવવો જોઈએ. તું દસ હાથવાળી છે એવું મહિલાઓના મગજમાં નાનપણથી ઠસાવી દીધું છે. મલ્ટિ-ટાસ્કરની ઉપમા આપીને તેમની પાસેથી લેઝી બનવાનો હક છીનવી લેવામાં આવ્યો છે. કેટરિંગ સેક્ટરમાં મારે પણ ઘણું કામ રહેતું હોય છે. હસબન્ડ હેલ્પ કરાવે તોય ક્યારેક થાય કે થાકી ગયા, આજે કંઈ નથી કરવું. જોકે કામનો ભાર વેઠવો ભારતીય મહિલાઓની આદત બની ગઈ હોવાથી તેઓ ઇચ્છે તોય આળસુપણું આવવાનું નથી. તબિયત ખરાબ હશે તો થોડી વાર સૂઈ જશે, પણ લેઝીનેસવાળું ફૅક્ટર જોવા નહીં મળે.’
અમે રોબો નથી
હું નારીવાદી નથી, પરંતુ ઘરની અંદર સમાનતાની અપેક્ષા રાખું છું. આ શબ્દો છે હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના હેડનો હોદ્દો સંભાળતાં મલાડનાં જિજ્ઞા ભાનુશાલીના. તેઓ કહે છે, ‘પતિ-પત્ની બન્ને વર્કિંગ હોવા છતાં મોટા ભાગનાં ઘરોમાં તેમને જોવાનો નજરિયો જુદો હોય છે. દીકરો ઘરે આવે ત્યારે થાકી ગયો હશે, ખૂબ મહેનત કરે છે એવા શબ્દો સાથે તેની જમવાની થાળી પીરસવામાં આવે છે, જ્યારે પુત્રવધૂ પાસેથી રસોડામાં જઈને કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. શું અમે રોબો છીએ? અમે પણ ઑફિસમાં જઈને કામ કરીએ છીએ, એસીમાં ગરબા રમવા નથી જતા. પશ્ચિમી દેશોની જેમ પુરુષો પોતપોતાના પાર્ટનરને મદદ કરે તો સ્ત્રીઓનું જીવન વધુ સારું બને. જોકે સમસ્યા એ છે કે આપણા સમાજમાં પુરુષોને ઘરકામમાં મદદ કરવાનું શીખવવામાં જ નથી આવતું. સ્ત્રીઓને પણ આરામ કરવાનો અને ક્યારેક આળસુ બનવાનો અધિકાર આપવો જોઈએ. સદભાગ્યે મારા પતિએ આ સમજવાનું શરૂ કર્યું છે. બાળકની સંભાળ રાખવામાં તેઓ મને મદદ કરે છે.’
પરિવર્તન અને ક્રાન્તિને સ્વીકારો
ભાઈંદરમાં રહેતાં માર્કેટિંગ કમ્યુનિકેશન હેડ મિત્તલ સોની કહે છે, ‘મહિલાઓ માટે મી ટાઇમ કાઢવો અને આળસુ થવું મહત્ત્વનું છે, કારણ કે સવારે અલાર્મ વાગ્યા પછી ક્યારેય બ્રેક નથી લાગતી. આપણો સમાજ પુરુષવાદી અભિગમ ધરાવે છે. પુરુષોએ તેમના પરિવારને આર્થિક પીઠબળ આપવું જોઈએ અને સ્ત્રીએ કુટુંબ તેમ જ બાળકોની કાળજી લેવી જોઈએ એવી વિચારધારાને લીધે સ્ત્રીઓને આરામ મળતો નથી. આળસુ બનવાના અધિકાર વિશે બોલવું એનો અર્થ જવાબદારીમાંથી છટકી જવું એવું નથી, પરંતુ માનસિક શાંતિ અને પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેક સ્વાર્થી બનવામાં ખોટું નથી. કૉર્પોરેટ અને અંગત જીવનમાં પોતાનું સ્થાન બનાવવા માટે તે પણ સતત સંઘર્ષ કરે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી એ ખોટું છે. આવી કોઈ ડ્રાઇવ મુંબઈમાં શરૂ થશે તો મને ખાતરી છે કે દરેક ઘરમાંથી એક સુપરવુમન બહાર આવશે. જમાના સાથે પરિવર્તન અને ક્રાન્તિને દિલ ખોલીને સ્વીકારશો તો સમજાશે કે વ્યાવસાયિક અથવા ગૃહિણી દરેક સ્ત્રી તેના ઘરની પાવરહાઉસ છે અને તે આળસુ બનવાનો અધિકાર મેળવવાની લાયકાત ધરાવે છે.’
આ પણ વાંચો : મિત્રો છે એટલે મોજ છે
થોડો સપોર્ટ આપી શકાય
સેન્ડ્રિનની ઝુંબેશ વિશે વાત કરતાં માટુંગાનાં યોગ શિક્ષક હીના શાહ કહે છે, ‘આ કન્સેપ્ટને થોડોઘણો સપોર્ટ કરી શકાય. મારા મતે જે ઘરમાં મહિલાઓને આરામ ઓછો મળે છે, ફૅમિલીના સભ્યો ખાસ હેલ્પફુલ નથી હોતા તેમના માટે આવો કોઈ કાયદો લાવી શકાય. વર્કિંગ હોવાના નાતે મને પણ ઘણું કામ રહે છે. પ્રભાદેવીના ક્લાસિસ પૂરા કરીને સાંજના પાછા ફરતી વખતે ટ્રાફિકને કારણે ઘણી વાર મોડું થઈ જાય છે. એ વખતે મારા હસબન્ડ ઘરનું કામકાજ મૅનેજ કરી લે છે. તબિયત સારી ન હોય ત્યારે સંતાનને મૂકવા-લેવાનું કામ પણ તે સંભાળી લેતા હોય છે. અમારા ઘરમાં પુરુષો કામ કરે છે એ જોઈને શરૂઆતમાં નવાઈ લાગતી હતી અને મારી ધારણા બદલાઈ ગઈ. વાસ્તવમાં આળસુના ઘણા અર્થ નીકળે છે. મેં જોયું છે કે ઘણી મહિલાઓ કામ કરીને પણ આળસુપણું ભોગવતી હોય છે. એક કલાકમાં બનતી રસોઈ માટે ત્રણ કલાક લે છે. ટાઇમ મૅનેજમેન્ટની ઊણપ એ રાઇટ ટુ બી લેઝીનો હક ભોગવ્યા બરાબર છે.’ પુરુષોએ પરિવારને આર્થિક પીઠબળ આપવું જોઈએ અને સ્ત્રીએ પરિવારની કાળજી લેવી જોઈએ એવી વિચારધારાને લીધે સ્ત્રીઓને આરામ મળતો નથી. મિત્તલ સોની
શક્ય જ નથી
એવી કઈ મહિલા છે જેને આરામ કરવાની ઇચ્છા ન હોય? મહિલાઓને પણ પુરુષોની જેમ આળસુ બનવાનો અધિકાર મળવો જોઈએ. એક મહિલા તરીકે આ વિચાર મગજમાં મમળાવીને ખૂબ સુખદ લાગણી થાય છે, પરંતુ દિલથી સંભારીએ છીએ ત્યારે હકીકતમાં એ મૃગજળ સમાન ભાસે છે. આવો અભિપ્રાય આપતાં ઘાટકોપરનાં ગૃહિણી ગીતા ભાનુશાલી કહે છે, ‘કુદરતે રચેલી માયામાં જેમ સૂરજ, ચંદ્ર કે પ્રકૃતિને આળસુ થવું ન પરવડે એવી જ રીતે સાંસારિક જીવનમાં મહિલાઓ માટે આ પ્રકારનો કન્સેપ્ટ લાવવો શક્ય જ નથી. આપણા દેશની અને ફ્રાન્સની કુટુંબવ્યવસ્થામાં જમીન-આસમાનનો ફરક છે. અહીં મહિલાઓ આળસુ બનવા જાય તો ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. ભારતીય મહિલાઓ વ્યાવસાયિક હોય કે હાઉસવાઇફ - રાઇટ ટુ બી લેઝી એ દિવાસ્વપ્ન જેવું છે. કાયમનું આળસુપણું તો ન પરવડે, પણ કોઈક વાર નિરાંતની પળો માણવા મળે તો આનંદ થાય.’