ઉષા ખન્નાનું સંગીત એટલે જાસૂદનું ફૂલ, ભલે એમાં સુગંધ થોડી ઓછી હોય પણ એની ખૂબસૂરતીનો ઇનકાર ન થાય

17 November, 2024 05:48 PM IST  |  Mumbai | Rajani Mehta

‘દિલ દે કે દેખો’, ‘હમ હિન્દુસ્તાની’ અને ‘આઓ પ્યાર કરેં’ બાદ લાંબા સમય સુધી ઉષા ખન્નાને કોઈ મોટા બૅનરની ફિલ્મ ઑફર ન થઈ. છેવટે પિતાની સલાહ માનીને તેમણે અસ્પી ઈરાનીની ‘શબનમ’ સ્વીકારી જેનો હીરો હતો મેહમૂદ

કિશોરકુમાર, ઉષા ખન્ના, મોહમ્મદ રફી

‘દિલ દે કે દેખો’, ‘હમ હિન્દુસ્તાની’ અને ‘આઓ પ્યાર કરેં’ બાદ લાંબા સમય સુધી ઉષા ખન્નાને કોઈ મોટા બૅનરની ફિલ્મ ઑફર ન થઈ. છેવટે પિતાની સલાહ માનીને તેમણે અસ્પી ઈરાનીની ‘શબનમ’ સ્વીકારી જેનો હીરો હતો મેહમૂદ. આ ફિલ્મનું સંગીત લોકપ્રિય થયું અને ઉષા ખન્નાને ‘B’ અને ‘C’ ગ્રેડની ફિલ્મોની ઢગલાબંધ ઑફર્સ મળવા લાગી. આવી ફિલ્મોનો એક ચાહક વર્ગ છે. આ ફિલ્મોએ પ્રોડ્યુસર્સને ખપ પૂરતો નફો પણ કમાવી આપ્યો એનું મુખ્ય કારણ એ હતું કે એમાં ઉષા ખન્નાના કર્ણપ્રિય સંગીતથી સજાવેલાં ગીતો હતાં.

ઉષા ખન્નાની એક ખાસિયત હતી કે તે ગીત પરથી ધૂન બનાવતાં. આ કારણે ગીતકારો તેમની પર ખુશ હતા. (કૈફી આઝમી ધૂન પરથી ગીત લખવાની પ્રક્રિયા માટે કહેતા, ‘સંગીતકારો પહેલાં કૉફિન બનાવે છે અને પછી અમને કહે છે કે હવે આ સાઇઝનું શબ શોધી લાવો.’) ઉષા ખન્ના ગીતકારોને છુટ્ટો દોર આપતાં. તેમનું માનવું હતું કે આમ કરવાથી ગીતકાર અને સંગીતકાર, બન્નેને પોતાની અભિવ્યક્તિને મુક્ત રીતે વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળે છે અને બહેતર પરિણામ આવે છે.

ઉષા ખન્ના પોતાની સફળતાનું શ્રેય મોહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, લતા મંગેશકર, આશા ભોસલે જેવા દિગ્ગજોને આપે છે. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘હું ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી તેમ છતાં મોટા કલાકારો મને પૂરતું માન આપતા. ‘દિલ દે કે દેખો’ના ડ્યુએટ ‘પ્યાર કી કસમ હૈ, ન દેખો ઐસે પ્યાર સે’માં એક જગ્યાએ રફીસાબની હરકત બરાબર ન આવી એટલે મારા ચહેરા પર અણગમો આવી ગયો. તેમણે આ જોયું એટલે તરત ‘કટ કટ’ કહીને રેકૉર્ડિંગ અટકાવ્યું. મને કહે, ‘આપકો મેરા ગાના પસંદ નહીં આયા?’ મેં કહ્યું, ‘ના, ના. બધું બરાબર છે.’ આશાજી રફીસાબને કહે, ‘યે આપસે ડરતી હૈ.’ રફીસાબ કહે, ‘તૂ મ્યુઝિક ડિરેક્ટર હૈ. બતા, ક્યા બાત હૈ?’ મેં તેમને ગાઈને બતાવતાં કહ્યું, ‘થોડા ઐસે ગાએંગે તો મઝા આએગા’. તો કહે, ‘અરે, પહલે બતા દેતે તો ઐસા કરતે. કોઈ બાત નહીં.’ અને ફરી ટેક લેવાયો.

મુકેશજી મને ખૂબ માન આપતા. કહેતા, ‘ઉષા, તૂ ઇતની મીઠી ધૂન બનાતી હૈ, નશા ચડ જાતા હૈ.’ એક દિવસ ફેમસ સ્ટુડિયોમાં કિશોરદા સાથે મારું રેકૉર્ડિંગ હતું. મુકેશજી ત્યાંથી પસાર થતા હતા. બહાર ઘણીબધી ગાડીઓ પાર્ક કરેલી જોઈ એટલે પૂછ્યું કે કોનું રેકૉર્ડિંગ છે? જવાબ મળ્યો ઉષા ખન્નાનું. એટલે ચૂપચાપ અંદર આવ્યા. દરેકને ઇશારાથી ચૂપ રહેવાનું કહી એક ખૂણામાં બેસી ગયા. મને આ વાતની ખબર નહોતી. અમે ફાઇનલ રિહર્સલ કરતા હતા ત્યાં કિશોરદાનું ધ્યાન તેમના પર પડ્યું. કહે, ‘અરે મુકેશ, તુમ કબ આએ?’ મુકેશજી કહે, ‘અરે યાર કિશોર, તુને સારા સરપ્રાઇઝ ખતમ કર દિયા.’

કિશોરકુમાર તેમના અતરંગી સ્વભાવ માટે જાણીતા હતા. તેમને યાદ કરતાં ઉષા ખન્ના કહે છે, ‘કિશોરદાએ મને કદી તંગ નથી કરી. જ્યારે ગીત રેકૉર્ડ કરવાનું હોય ત્યારે કૅસેટ સાથે કવર મોકલી દેવાનું. રેકૉર્ડિંગની ડેટ માટે ફોન કરું તો કહે, ‘સબ ભેજ દિયા હૈ ના?’ હું કહું, ‘હાં દાદા.’ સમયસર આવે અને રેકૉર્ડિંગ કરે. એક દિવસ ફેમસમાં તેમનું રેકૉર્ડિંગ હતું. અમે રિહર્સલ કરતાં તેમની રાહ જોઈને બેઠાં હતાં. ત્યાં તેમનો ફોન આવ્યો. નકલી અવાજમાં કહે, ‘ઉષા, આજ મેરી તબિયત ખરાબ હૈ.’ મેં કહ્યું, ‘નહીં દાદા, આપકી આવાઝ કો પહેચાનતી હું. આપ ઝૂઠ બોલતે હો.’ તો કહે, ‘નહીં નહીં, સચ બોલતા હૂં.’ મેં કહ્યું, ‘અબ મૈં ક્યા કરું?’ કહે, ‘કલ રેકૉર્ડિંગ કર લેંગે.’

ગીત સુપર્બ હતું. કૅન્સલ કરવાનો મૂડ નહોતો. કાલે કિશોરદા ન આવે તો? આમ વાતો કરતાં   અમે સ્ટુડિયોમાં બેઠાં હતાં. વીસેક મિનિટ થઈ હશે ત્યાં ગણગણાટ શરૂ થયો. ‘કિશોરદા આવ્યા. કિશોરદા આવ્યા.’ અમને નવાઈ લાગી. આવતાં વેંત મ્યુઝિશ્યન્સને કહે, ‘ફટાફટ રિહર્સ કરતે હૈં ઔર ગાના રેકૉર્ડ કરતે હૈં.’ હું તેમને જોયા કરું. હસતાં-હસતાં કહ્યું, ‘દાદા, આખિર હુઆ ક્યા?’ કહે, ‘મૈં મહાલક્ષ્મી તક આયા પર મેરા મૂડ નહીં થા. ફોન કરકે વાપસ જા રહા થા. ડ્રાઇવર કો બોલા, ઝરા ગાના તો લગા. ગાના સુનતે હી ઉસકો બોલા, ‘જલદી યુ ટર્ન લે.’ ઔર યહાં આ ગયા.’

મેં કહ્યું, ‘પહલે મના ક્યૂં કિયા?’ તો કહે, ‘પહલે ડ્રાઇવરને જો ગાના સુનાયા વો બાદ મેં રેકૉર્ડ કરના થા. વો કિસી ઔર મ્યુઝિક ડિરેક્ટર કા થા. ઉસમેં સરગમ ઔર તાન થી. સુનતે હી મૈંને બોલા, ‘બંધ કરો ઇસે. મેરી તબિયત ઠીક નહીં હૈ. અબ ઉષા કા ગાના લગાઓ.’ તેરા ગાના સૂના તો સીધા વાપસ આ ગયા.’

એ ગીત હતું સાવનકુમાર ટાંકની ફિલ્મ ‘સૌતન’નું ‘ઝિંદગી પ્યાર કા ગીત હૈ જિસે હર દિલ કો ગાના પડેગા.’ વાસ્તવિક જીવનમાં આવું ઓછું બનતું હોય છે. ઉષા ખન્ના અને સાવનકુમારના પ્રેમલગ્ન થયાં હતાં પરંતુ બાદમાં રાજીખુશીથી છૂટાછેડા થયા. જોકે છેવટ સુધી સાવનકુમારની ફિલ્મોમાં ઉષા ખન્નાનું સંગીત હતું.

ઉષા ખન્ના પાસે પોતાની કહી શકાય એવી આગવી સ્ટાઇલ નહોતી એમ છતાં તેમનાં અમુક ગીતો અત્યંત લોકપ્રિય થયાં. એનું કારણ એ હતું કે ઓ. પી. નૈયર, શંકર-જયકિશન, મદનમોહન, હેમંતકુમાર, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ જેવા દિગ્ગજ કલાકારોથી પ્રભાવિત થઈને તેમણે એ સ્ટાઇલની અનેક ધૂનો બનાવી. એટલે જ તમે ગીત સાંભળતાં છાતી ઠોકીને એમ ન કહી શકો કે આ ધૂન ઉષા ખન્નાની છે. એક ઇન્ટરવ્યુમાં તે આ વાતનો એકરાર કરતાં કહે છે કે મારા ઝહનમાં આ સંગીતકારોની અનેક ધૂનો સતત ગુંજતી હોય છે એટલે સ્વાભાવિક છે કે મારા કમ્પોઝિશનમાં એની ઝલક આવે.    

 ‘મૈંને રખ્ખા હૈ મોહબ્બત અપને અફસાને કા નામ (શબનમ), ‘તૂ ઇસ તરહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ’ (આપ તો ઐસે ન થે), ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ, આજ કે બાદ’ (હવસ), ‘મધુબન ખુશ્બૂ દેતા  હૈ, (સાજન બિના  સુહાગન), ‘હમ તુમ સે જુદા હો કે, મર જાએંગે રો રો કે’ (એક સપેરા એક લૂટેરા), ‘ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર’ (લાલ બંગલા), ‘ગા દીવાને ઝૂમકે’ (ફ્લૅટ નંબર 9), ‘પાની મેં જલે મેરા ગોરા બદન પાની મેં’ (મુનીમજી), ‘આજ તુમ  સે દૂર હો કે ઐસે રોયા મેરા પ્યાર’ (એક રાત), ‘અજનબી કૌન હો તુમ, જબ સે તુમ્હેં દેખા હૈ’ (સ્વીકાર કિયા મૈંને) જેવાં અનેક ગીતોનું સંગીત ઉષા ખન્નાનું છે એ વાતની ખબર કેવળ મારા-તમારા જેવા ડાઇ હાર્ડ રસિકોને જ છે.

કોવિડની મહામારી  પહેલાં આણંદજીભાઈને ત્યાંથી ઉષા ખન્ના સાથે ફોન પર વાત કરી હતી. મને કહે, ‘મહિના પછી મુંબઈ આવું ત્યારે ઘરે આવો.’ એ બાદ લૉકડાઉન થયું અને લાંબો સમય નીકળી ગયો. થોડા સમય પહેલાં વાત કરી ત્યારે કહે, હવે તો હું નાગપુર સેટલ થઈ છું. તબિયત અસ્વસ્થ છે. ભવિષ્યમાં કોઈ વાર મુલાકાત કરીશું.’

સંગીતકાર તરીકે ઉષા ખન્નાની અંતિમ ફિલ્મ હતી સાવનકુમાર ટાંકની ‘દિલ પરદેસી હો ગયા’ (૨૦૦૩) હિન્દી ઉપરાંત મલયાલમ, તામિલ અને તેલુગુમાં લગભગ ૧૫૦ ફિલ્મોમાં તેમણે ૯૦૦ જેટલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં. શબ્બીર કુમાર, હેમલતા, વિનોદ રાઠોડ, પંકજ ઉધાસ, સોનુ નિગમ જેવા નવા કલાકારોને તેમણે સારો મોકો આપ્યો. પ્લેબૅક સિંગર બનવાની તેમની ઇચ્છા ‘શબનમ’માં પૂરી થઈ જ્યારે પ્રોડ્યુસરના કહેવાથી પોતાના જ સ્વરમાં ‘શબનમ ભી દેખી, શોલા ભી દેખા’ ગીત રેકૉર્ડ કર્યું. 

વૃંદાવનમાં જાતજાત અને ભાતભાતનાં ફૂલો હોવાને કારણે જ બગીચો પૂર્ણ લાગે છે. દરેક ફૂલ એકસરખું સુગંધી કે રંગબેરંગી નથી હોતું. બાગની પૂર્ણતાનું  કારણ આ વિસંગતતા ની હયાતી છે. કોઇ ફૂલ ઓછું સુગંધી અને વધુ દેખાવડું તો કોઈ એનાથી વિપરીત ગુણધર્મો ધરાવતું. ફિલ્મ સંગીતના વૃંદાવનમાં ઉષા ખન્નાનું સંગીત જાસૂદના ફૂલ જેવું છે. ભલે એમાં સુંગધ થોડી ઓછી  હોય પણ એની ખૂબસૂરતીનો ઇનકાર ન થાય.

kishore kumar mohammed rafi lata mangeshkar bollywood news bollywood entertainment news columnists rajani mehta gujarati mid-day