ક્યાં જવાનાં છો એ ખબર ન હોય તો કેમ માનવું કે તમે ફરવા જ જાઓ છો?

30 April, 2024 08:27 AM IST  |  Mumbai | Sudhir Shah

અમેરિકાના B-1/B-2 વીઝાના અરજદારો, જેઓ ત્યાં પ્રવાસી તરીકે જતા હોય, તેમણે તેઓ ત્યાં શું-શું જોશે એની જાણકારી મેળવી લેવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

‘ભાઈસા’બ, હું ખરેખર અમેરિકા ફરવા જતી હતી. મેં લગ્ન નથી કર્યાં એટલે એક ટૂરમાં જોડાઈ હતી. અમદાવાદમાં એક સ્કૂલમાં હું બાર વર્ષથી શિક્ષિકા તરીકે છોકરાઓને ભણાવું છું. મારું પોતાનું રહેવાનું ઘર છે, સ્કૂટી પણ છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં મારું સારુંએવું ઇન્વેસ્ટમેન્ટ છે. શાળાના પગાર ઉપરાંત હું ટ્યુશન પણ કરું છું. એમાંથી મારી સારીએવી આવક છે. આમ છતાં મારી B-1/B-2 વીઝાની અરજી કૉન્સ્યુલર ઑફિસરે રિજેક્ટ કરી. તેમણે મને ફક્ત ત્રણ જ સવાલો પૂછ્યા. મારી સામે જોયું પણ નહીં. આખો વખત કમ્પ્યુટરમાં ઊંધું ઘાલીને કંઈ ને કંઈ ટાઇપ કરતા હતા. તો ડૉક્ટરસાહેબ, મારા વીઝા રિજેક્ટ કેમ કરવામાં આવ્યા? શું હું અપીલ કરી શકું?’

‘બહેન, તમને કયા ત્રણ સવાલો પૂછવામાં આવ્યા હતા?’ ‘અમેરિકા જવાનો ખર્ચો કેટલો આવશે? એ કોણ આપશે? અમેરિકામાં ક્યાં-ક્યાં જવાનાં છો અને શું-શું જોવાનાં છો?’‘તમે શું જવાબો આપ્યા?’ ‘ટૂર લઈ જનારને ત્રણ લાખ દસ હજાર રૂપિયા આપ્યા છે એ મેં કહ્યું. રસીદ દેખાડી, પણ તેમણે એ જોઈ જ નહીં. ખર્ચો બધો જ હું આપીશ. મારું IT રિટર્ન અને બૅન્ક સ્ટેટમેન્ટ દેખાડવા માગ્યું એ પણ તેમણે જોયું નહીં. છેવટે કહ્યું કે ટૂરવાળા જ્યાં-જ્યાં લઈ જશે, જે-જે દેખાડશે એ બધું જોઈશ. બોલો, આમાં મેં શું ખોટું કહ્યું?’

‘બહેન, તમે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ખર્ચીને સેંકડો માઇલ દૂર અમેરિકા ફરવા જાઓ છો પણ તમને જ્યારે પૂછવામાં આવે છે કે તમે ક્યાં જશો, શું જોશો તો એની તમને ખબર નથી હોતી. તો પછી કૉન્સ્યુલર ઑફિસરને કેમ ખાતરી થાય કે તમે ખરેખર અમેરિકા ફરવા જાઓ છો. ટૂરવાળા તમને અમેરિકા ક્યાં-ક્યાં લઈ જવાના છે, ક્યાં રાખવાના છે, શું દેખાડવાના છે એ જાણી લેવું જોઈએ. અમેરિકામાં જોવાલાયક કયાં સ્થળો છે જેમ કે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી, વાઇટ હાઉસ, ગોલ્ડન ગેટ બ્રિજ, હૉલીવુડ, લાસ વેગસના કસીનો, ગ્રૅન્ડ કેન્યનની ખીણો વગેરે, વગેરે. આ બધું તમારે જાણી લેવું જોઈએ. તો જ તમે અમેરિકામાં ફરવા અને ત્યાંનાં જોવાલાયક સ્થળો જોવા જાઓ છો એની ખાતરી કૉન્સ્યુલર ઑફિસરને થાય અને તમને વીઝા આપે. જો તમે ક્યાં જવાનાં છો, શું જોવાનાં છો એની ખબર ન હોય તો ઑફિસર કેમ માની લે કે તમે ખરેખર અમેરિકા ફરવા જ જાઓ છો? તમે અપીલ નથી કરી શકતા, પણ ફરી પાછી વીઝા મેળવવાની અરજી કરી શકો છો.’
અમેરિકાના B-1/B-2 વીઝાના અરજદારો, જેઓ ત્યાં પ્રવાસી તરીકે જતા હોય, તેમણે તેઓ ત્યાં શું-શું જોશે એની જાણકારી મેળવી લેવી જોઈએ. તો જ ઑફિસરને ખાતરી થશે કે તમે ખરેખર અમેરિકા ફરવા જ જાઓ છો. 

columnists life and style united states of america Sociology