કંપની કે બૉસ : તમારી નિષ્ઠા કોના તરફ હોવી જોઈએ?

12 February, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉસ કે કંપની? આ પ્રશ્ન આવે ત્યારે માણસે સમજવાનું એ છે કે તેણે સૌથી પહેલી પ્રાથમિકતા ખુદને અને ખુદના ગ્રોથને આપવાની છે.

પ્રતીકાત્મક તસવીર

મૌલિકે જેવું માસ્ટર્સ પૂરું કર્યું કે તેના કૅમ્પસ ઇન્ટરવ્યુમાંથી તે જુદી-જુદી ત્રણ કંપની દ્વારા સિલેક્ટ થયો હતો જેમાં ઘરથી દૂર આવવું પડશે અને દરરોજ આવવા-જવાનું અઢી કલાકનું ટ્રાવેલ થશે જ એ જાણવા છતાં એક પ્રખ્યાત આઇટી ફર્મમાં કામ કરવાનું વિચાર્યું. નાની કંપનીઓ કરતાં મોટા નામવાળી કંપની પસંદ કરવાનું કારણ એ જ હતું કે નામ મળે. બાકી પગાર લગભગ બધે સરખો જ હતો. બહાર કોઈ જગ્યાએ જ્યારે કોઈ પૂછે કે ક્યાં કામ કરો છો? તો જવાબ સાંભળીને બધાને એમ થાય કે વાહ, મોટી કંપનીમાં છે ભાઈ. તેને જેની નીચે મૂકવામાં આવ્યો એ મહેતા સરને આ દસ વર્ષનો અનુભવ હતો. ખૂબ ઓછા સમયમાં તેમણે સારી પ્રગતિ કરેલી. તેમની પાસેથી મૌલિકે ઘણું શીખ્યું. સૌથી મોટી વાત એ હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે મૌલિકની બધી સ્ટ્રેંગ્થને પારખી અને એની પાસે ઘણું સારું કામ કરાવડાવ્યું. તેને પૂરી આઝાદી આપી કે તું તારી રીતે કામ કરી શકે એટલું જ નહીં, તેનાં મમ્મીની તબિયત ખરાબ હતી તો બૉસે તેને મહિનો રજા આપી હતી, જે અશક્ય હતું છતાં કરી આપેલું. એ સમયે મૌલિક માટે મહેતા સર સર્વેસર્વા બની ગયા હતા. તેમની નીચે રહીને મૌલિકને ત્રણ પ્રમોશન પણ મળ્યાં. પરંતુ હવે તકલીફ એ આવી કે એ જૉબ છોડી રહ્યા હતા. પોતાનું કામ શરૂ કરવા માગતા મહેતા સરે મૌલિકને કહ્યું કે તને પણ જૉબ છોડવી હોય તો છોડી દે. મારી સાથે આવી જા. આપણે આપણું શરૂ કરીએ. મૌલિક આજના સમયનો છોકરો છે એટલે ઇમોશનલ તો નહોતો એટલે આ ઑફર વિશે તર્કબદ્ધ નિર્ણય કરવા માગતો હતો. મહેતા સર જતા રહેશે પછી આ કંપનીમાં તેને કોણ પૂછશે? નવા બૉસ જે આવશે એ તેને સપોર્ટ કરશે કે નહીં? એ જે કંપની ખોલશે એ ચાલશે કે નહીં એનો શું ભરોસો? ઘરમાં લગ્નની વાત ચાલી રહી છે ત્યારે નોકરી છોડી સ્ટ્રગલ કરવાનો અવસર તો નથી, પરંતુ જો અત્યારે રિસ્ક ન લીધું તો પછી ક્યારે લેવાશે? કંપનીનું મોટું નામ જતું રહેશે. પગાર પણ જ્યારે કંપની નફો રળે ત્યારે મળશે. અહીં રોકાઈ જઈશ તો પણ કંપનીની શું ગૅરન્ટી કે એ મને કાઢી નહીં મૂકે? જો સરને હું ના પાડી દઉં અને તેમના ગયા પછીના ૬ મહિનામાં કંપનીએ મને કાઢી મૂક્યો તો હું તો ન ઘરનો અને ન ઘાટનો થઈ જઈશ. કંપની કે બૉસ, મૌલિકે તેની નિષ્ઠા કોના તરફ દેખાડવી જોઈએ? 

કલ્ચરને સમજવું જરૂરી 
આવી પરિસ્થિતિ મોટા ભાગના નોકરિયાત વ્યક્તિઓના જીવનમાં આવે જ છે. કૉર્પોરેટ કલ્ચર વિશે વાત કરતાં એક્ઝિક્યુટિવ કોચ અમિત કાપડિયા કહે છે, ‘કૉર્પોરેટ કંપનીઓને ફક્ત પોતાના ગ્રોથમાં રસ છે અને એ એટલા મોટા સ્કેલ પર હોય છે કે એમાં એક-એક કર્મચારી પર એ ધ્યાન નથી આપતા. તમે જશો તો તમારા જેવા બીજા બસો મળશે. એટલે તમારી કદર તમારા બૉસને હશે, કારણ કે બૉસને પણ પોતાનું કામ કઢાવવું છે. તેણે જોયું છે કે તમે છો ત્યાં સુધી એનું કામ સરળતાથી થઈ રહ્યું છે. કંપનીને ફક્ત કામ જોઈએ છે. તમે કરો કે બીજા, એને ખાસ ફરક પડતો નથી. એની સામે કર્મચારીઓને પણ કંપની જ્યાં સુધી પૈસા આપે છે ત્યાં સુધી જ સારી લાગે છે. નિર્ણય લેતાં પહેલાં આ આખા કલ્ચરને સમજવું જરૂરી છે. બધા એકબીજા સાથે જરૂરતના નામે સંકળાયેલા છે જેમાં વિશ્વાસ કે નિષ્ઠા રેડવામાં સમય જશે. મોટા ભાગે અમુક વર્ષો એક કંપનીમાં કાઢ્યા પછી એ નિષ્ઠા આવે છે. એ ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે. એવા પણ લોકો છે જે એક જ કંપનીમાં ખૂબ સારો ગ્રોથ કરી રહ્યા છે અને એવા પણ લોકો છે જે દર બે વર્ષે કંપની બદલે છે. તમારી પૅટર્ન તમારે નક્કી કરવાની છે.’ 

તમારા માટે શું જરૂરી? 
બૉસ કે કંપની? આ પ્રશ્ન આવે ત્યારે માણસે સમજવાનું એ છે કે તેણે સૌથી પહેલી પ્રાથમિકતા ખુદને અને ખુદના ગ્રોથને આપવાની છે. આ વાત સ્પષ્ટ કરતાં ડીપ વર્ક કોચ તરીકે જાણીતા અંકુર નાયક કહે છે, ‘તમારું ભલું ક્યાં છે એ તમે જોતાં શીખો. નિષ્ઠા બૉસ અને કંપની પ્રત્યે રાખો એ પહેલાં ખુદનાં સપનાં, ખુદની જરૂરિયાત અને ખુદના ગ્રોથ પ્રત્યે નિષ્ઠા હશે તો નિર્ણય સરળ બનશે. પરંતુ જ્યારે આટલા પ્રશ્નો તમને મૂંઝવતા હોય ત્યારે તમને શેનું મહત્ત્વ છે એ સમજવું જરૂરી છે. કામ, પૈસો, પોઝિશન, નવા અનુભવ, શીખવાનો મોકો, ગ્રોથની સંભાવના, રિસ્ક, આ બધામાંથી તમને જે સૌથી વધુ મહત્ત્વનું અને આકર્ષક લાગતું હોય એ સમજી જશો તો નિર્ણય લેવો સરળ છે.’

કોઈને નુકસાન ન થાય એમ 
માર્ગ મધ્યસ્થ હોઈ શકે. એ વિશે વાત કરતાં અંકુર નાયક કહે છે, ‘જો તમે કંપની છોડતા હો તો કંપનીને કોઈ જ નુકસાન ન થાય એ રીતે જવું. ત્યાંથી બગાડીને નહીં, લોકો તમને સમજી શકે અને તમારા ગ્રોથમાં સહભાગી થઈ શકે એ રીતે જવું. જો કોઈ પ્રોજેક્ટ બાકી હોય તો અધૂરો ન છોડીને પૂરો કરીને જવું અને જો તમે ન જવા માગતા હો તો બૉસ સાથે પણ સંબંધો બગાડવાની જરૂર નથી. કમ્યુનિકેટ કરો. તમારા પ્રશ્નો અને મુદ્દાઓ તેમને સમજાવો. આ એક સારા ઍમ્પ્લૉઈનાં લક્ષણો છે જે છાપ તમે સામેવાળાના મનમાં છોડી શકો છો.’

અપરાધબોધ ન રાખો 
જો મોટી કંપનીઓનો ગોલ ફક્ત પોતાનો ગ્રોથ હોય તો એક કર્મચારી તરીકે તમારો ગોલ પણ તમારો ગ્રોથ જ હોવો જોઈએ એમ સમજાવતાં અમિત કાપડિયા કહે છે, ‘ઘણી વખત આપણે આ દુવિધામાં ગિલ્ટમાં આવી જઈએ, અપરાધી જેવું અનુભવવા લાગીએ કે આપણે કંપની અથવા બૉસ બંનેમાંથી કોઈ સાથે તો ખોટું કરી રહ્યા છીએ. ખાસ કરીને બૉસને હર્ટ કરવાનું આપણને ન ગમે, કારણ કે તેની સાથે ન ઇચ્છવા છતાં એક ઇમોશનલ બૉન્ડ બની જાય છે. પરંતુ તમે કોઈ પણ નિર્ણય લો, એમાં તમારા વિકાસને તમે પ્રાધાન્ય આપ્યું છે એટલે અપરાધભાવ અનુભવવાની જરૂર નથી. જે થશે એ બધાના સારા માટે જ થશે એમ વિચારવું. છતાં આગળ જતાં જો એમ લાગે કે આ નિર્ણય ખોટો લેવાઈ ગયો તો એને સ્વીકારીને આગળ હવે કઈ રીતે વધવું એના પર ફોકસ કરો.’ 

નિષ્ઠાનું મૂલ્ય 
નિષ્ઠા પોતાનામાં એક મોટી જણસ છે. તમે એક કર્મચારી છો અને તમારા બૉસ હશે પણ એ જ રીતે તમારી નીચે પણ કેટલાક લોકો હશે જ. તમે એમના બૉસ હશો. જો તમારી નીચે કામ કરતા લોકોમાં કોઈને તમારા પ્રત્યે નિષ્ઠા હોય તો એ ઓળખો, તેને પ્રોત્સાહન આપો અને તેના ભાવ અને એ વ્યક્તિને પકડી રાખો. નિષ્ઠા સાથે કામ કરતી કોઈ પણ વ્યક્તિ કે કંપની બંને માટે મૂલ્યવાન હોય છે. એની કદર તમને હોવી જોઈએ. પણ શું એ ઊભી કરી શકાય? તમારી નીચે કામ કરતા લોકોમાં એ જગાવવાનો પ્રયત્ન કરી શકાય? ચોક્કસ કરી શકાય. કઈ રીતે એ જાણીએ અમિત કાપડિયા પાસેથી.

તમારું વર્તન કેવું છે એ સતત ચેક કરતા રહો. 
તમારી નીચે કામ કરતા લોકોને ક્રીએટિવ ફ્રીડમ આપો.
એ તમારા ફીલ્ડમાં વધુને વધુ શીખી શકે એવી તકો ઊભી કરો. 
તેઓ જે પણ કામ કરે છે એ માટે તેમને માન આપો. 
તેમને આગળ વધવાની તકો હોય તો આપો અને ન હોય તો ઊભી કરો. 

તમારું ભલું ક્યાં છે એ તમે જોતાં શીખો. નિષ્ઠા બૉસ અને કંપની પ્રત્યે રાખો એ પહેલાં ખુદનાં સપનાં, ખુદની જરૂરિયાત અને ખુદના ગ્રોથ પ્રત્યે નિષ્ઠા હશે તો નિર્ણય સરળ બનશે. પરંતુ જ્યારે આટલા પ્રશ્નો તમને મૂંઝવતા હોય ત્યારે તમને શેનું મહત્ત્વ છે એ સમજવું જરૂરી છે.
અંકુર નાયક

columnists