આજે વાત કરીશું એવા સિક્કાઓની જે મેળવવા સંગ્રાહકો ટાંપીને બેઠા હોય છે

29 September, 2024 01:30 PM IST  |  Mumbai | Manish Shah

‘શોલે’ના ડબલ છાપ વાઘવાળા સિક્કાથી લઈને પ્રૂફ કૉઇન, લાખી સિક્કો કે પછી બ્રોકેજ કૉઇન કોને કહેવાય અને એ કઈ રીતે બનતા હોય છે એની રોચક વાતો

પ્રૂફ કૉઇન - રાજા વિલિયમના સિક્કાની બીજી બાજુ. ખજૂરીનું ઝાડ અને સિંહનું આકર્ષક ચિહ્‍ન. પ્રૂફ કૉઇન - ઈ.સ. ૧૮૩૫નો રાજા વિલિયમનો એક મહોરનો અદ્ભુત સિક્કો.

સિક્કાઓની દુનિયા અગાધ છે. કોઈ મહાસાગર જેવી વિશાળ. દેશી-વિદેશી સિક્કાઓ નોટ્સ કોઈ અફાટ અર્ણવ જાણે. રસ-રુચિ હોય તેને માટે તો કદાચ એક જિંદગી ઓછી પડે એટલી વિશાળ અને ગહન. આખા જગતમાં કેટલા દેશો, એનો ઇતિહાસ, એનાં ચલણ, પ્રાચીન, અર્વાચીન. કેટલું જાણવું? કેટલું ભેગું કરવું? ઇતિહાસ તો ખરા જ, પરંતુ મુદ્રાઓ, સિક્કાઓ તો વળી વિશેષ કહી શકાય. દરેકને આટલા ઊંડાણમાં ઊતરવું ન પણ ગમે અને એટલે જ આ શ્રેણીમાં ખાસ સુવર્ણમુદ્રાઓ પર જ ફોકસ કર્યું અને એ પણ ફક્ત આપણા ભારત દેશની ઐતિહાસિક મુદ્રાઓ. વિષય પણ સચવાઈ જાય અને વાચકોનો રસ પણ જળવાઈ રહે. આવા વિષયોમાં જો મૉનોટોની આવી જાય તો સમય જતાં વિષય શુષ્ક, નીરસ અને કંટાળાજનક બની રહે એ નક્કી. દેશનાં અલગ-અલગ રાજ્યોની, અંગ્રેજોની સુવર્ણમુદ્રાઓ પર લખ્યું અને બને એટલું વૈવિધ્ય પીરસવાનો પ્રયત્ન કર્યો.

લાખી કૉઇન - કઈ સવળી? કઈ અવળી? સુરેખ લખાણ સહિતનો લાખી સિક્કાનો અદ્ભુત નમૂનો.

આજે આપણે એવા વિશિષ્ટ સિક્કાઓના પ્રકારની વાત કરીશું જે સંગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય હોય છે. અમુક સંગ્રાહકો તો ફક્ત આવા વિશિષ્ટ સિક્કાઓ જ ભેગા કરતા હોય છે. ખાસ સંગ્રહ! શરૂઆતનાં પ્રકરણોમાં સિક્કાઓની કન્ડિશન વિશે જણાવ્યું હતું. વાચકમિત્રો, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દરેક સિક્કાને એની કન્ડિશન પ્રમાણે અલગ-અલગ ગ્રેડિંગ એટલે કે ગુણવત્તા પ્રમાણે વિભાજિત કરી શકાય છે. આ એક આખી અલગ જ કવાયત હોય છે, જેમાં નિષ્ણાતો સિક્કાને અનેક રીતે ચકાસે છે, મૂલવે છે અને પછી સિક્કાને અલગ-અલગ ગ્રેડ એનાયત કરવામાં આવે છે. આ ગ્રેડનાં અલગ સર્ટિફિકેટ હોય છે જેમાં એ સિક્કાની તમામ વિગતો એના ગ્રેડ સાથે દર્શાવવામાં આવે છે. જેમ સારો ગ્રેડ એમ સિક્કાની વધુ કિંમત. ગ્રેડિંગ સિસ્ટમ વિશે ફરી ક્યારેક ઊંડાણમાં ચર્ચા કરીશું, અત્યારે ફક્ત સિક્કાના થોડા વિશેષ પ્રકાર વિશે વાત કરીશ.

લાખી કૉઇન - પંચમ જ્યૉર્જના સિક્કાની બીજી બાજુ બટરફ્લાય ઇફેક્ટ.

સૌપ્રથમ વાત કરીએ સર્વોચ્ચ ગુણવત્તાના પ્રૂફ કૉઇનની. આપણે કોઈ પણ નવો ચલણી સિક્કો હાથમાં લઈએ તો અનુભવીએ છીએ કે આ નવા સિક્કાનો ચળકાટ લગભગ એકસરખો હોય છે. નવો હોવાને કારણે આ રોજિંદા વપરાશમાં હજી મૂકવામાં ન આવ્યા હોય એવા સિક્કાને UNC કૉઇન્સ કહેવામાં આવે છે. UNC એટલે અનસર્ક્યુલેટેડ. ચલણમાં ન મૂકવામાં આવ્યા હોય એવા સિક્કાઓ. સંગ્રાહકો માટે UNC સિક્કાનું એક અલગ જ આકર્ષણ હોય છે. હવે અનસર્ક્યુલેટેડ સિક્કાથી પણ જો કોઈ વધુ ચડિયાતી ગુણવત્તા હોય તો એ છે પ્રૂફ કૉઇન્સ. પ્રૂફ કૉઇન્સ ખૂબ જ ઓછી સંખ્યામાં મુદ્રિત કરવામાં આવે છે, કારણ કે એને માટે એક વિશિષ્ટ પદ્ધતિ અપનાવવામાં આવે છે જે ખૂબ સમય માગી લે છે. એ ઉપરાંત ખર્ચાળ પણ ખરા. પ્રૂફ કૉઇન્સની વિશેષતા છે એક જ સિક્કા પર બે પ્રકારની છપાઈ. સામાન્ય રીતે સિક્કામાં કોઈ ચહેરો, ઇમારત, સ્મારકની ચમક અને બીજી બધી બાબતોનો ચળકાટ એકસરખો જ હોય છે, પરંતુ પ્રૂફ કૉઇન્સમાં ઉપરનાં પરિબળો ઓછો ચળકાટ ધરાવતાં હોય છે, જેને તમે ફ્રોસ્ટેડ કે મેટ ફિનિશ કહી શકો છો. એને છોડીને આખો સિક્કો ગ્લૉસી એટલે કે લિસ્સો ચળકાટ ધરાવે છે. હવે આ વિરોધાભાસ ફિનિશ, સિક્કાને જાણે કોઈ જાદુઈ આભા બક્ષે છે. આવા પ્રૂફ કૉઇન્સની વાત જ ન્યારી છે અને પ્રૂફ કૉઇન્સ કાયમ માટે સામાન્ય સિક્કાની સરખામણીએ વધુ મોંઘા અને આકર્ષક હોય છે એ સમજી લેજો. જો પ્રૂફ કૉઇન્સ એના ફિનિશિંગને હિસાબે મોંઘા હોય તો એરર કૉઇન છપાઈકામ દરમ્યાન થતી ભૂલને કારણે અલભ્ય તેમ જ મોંઘા હોય છે. ભૂલોથી પણ પૈસા કમાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ છે એરર કૉઇન્સ. વળી આ ભૂલો પણ અલગ-અલગ પ્રકારની હોય છે. આવા સિક્કાઓમાં તો જેટલી વધારે ભૂલો એટલી બજારમાં સિક્કાની કિંમત વધુ અંકાય. આ એરર કૉઇન્સ રૅર હોય છે એટલે સંગ્રાહકો આવા સિક્કા માટે ટાંપીને જ બેઠા હોય છે. આવા સિક્કા હસ્તગત કરવા માટે ખાસ્સી હરીફાઈ રહેતી હોય છે એ જોવા મળ્યું છે.

એરર કૉઇન - કચ્છની ૫૦ કોરીની અર્ધમહોર. ઉર્દૂમાં 1866ને બદલે છપાયેલું 1668

હવે એક ખાસ વાત કરું. લગભગ દરેક વાચકોને સુપરહિટ ફિલ્મ ‘શોલે’નો વાઘછાપ સિક્કો તો યાદ હશે જ. જય અને વીરુ જ્યારે-જ્યારે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે આ સિક્કો ઉછાળતા અને નિર્ણય કાયમ જયની તરફેણમાં જ આવતો, કારણ કે સિક્કાની બન્ને બાજુએ વાઘ જ હતો. આ કોઈ એરર કૉઇન નહોતો, પરંતુ ફિલ્મમાં બે સિક્કાને ચોંટાડ્યા હતા. આવું ખરેખર થાય તો? માનવામાં ન આવેને, પરંતુ આવું થાય છે, કાંઈક અલગ રીતે. આવા સિક્કાઓ પણ આમ તો એરર કૉઇન્સ જ કહેવાય, પરંતુ આવા સિક્કાને અંગ્રેજીમાં બ્રોકેજ કૉઇન્સ કહેવાય છે. 

લાખી કૉઇનઃ સમ્રાટ એડવર્ડ સાતમાનો અલભ્ય લાખી સિક્કો.

આપણા ભારતીય બ્રોકેજ સિક્કાઓને લાખી કૉઇન કહેવામાં આવે છે. આપણે પણ લાખી કૉઇન જ કહીશું. આ સિક્કાને લાખી કૉઇન્સ કેમ કહેવાય છે એનાં બે મુખ્ય પ્રચલિત કારણો છે. એ પછી જણાવું છું, પરંતુ પહેલાં લાખી કૉઇન કેમ છપાઈ જાય છે એની વાત કરું. સિક્કાઓ કેવી રીતે છપાય છે એની તો લગભગ તમામ વાચકોને ખબર જ હશે. સિક્કો છાપતી વખતે જ્યારે ધાતુ પર પ્રેસનો ફટકો પડે પરંતુ કપાઈ ગયા પછી પણ સિક્કો કોઈ પણ કારણે જો ડાય પર ચોંટી જાય અને કારીગર હજી કાંઈ સમજે કે પ્રતિક્રિયા આપે એ પહેલાં બીજો ફટકો પડી જાય અને ડિઝાઇન સિક્કાની બીજી બાજુએ પણ છપાઈ જાય એવું બને. જોકે આ એક પ્રતિબિંબ હોય એટલે કે ડિઝાઇન ઊલટી છપાઈ જાય. આવા સિક્કાને બ્રોકેજ કે લાખી કૉઇન કહેવામાં આવે છે. એક બીજી માન્યતા મુજબ પહેલાં સિક્કાઓ જ્યારે છપાતા અને એક લાખમો સિક્કો છાપવાનું થાય ત્યારે જાણીજોઈને ડબલ ફટકો મારવામાં આવતો અને આ એક લાખમો સિક્કો લાખી કૉઇન ગણવામાં આવતો. હવે કારણ કોઈ પણ હોય, લાખી સિક્કાની વાત જ અનોખી હોય છે. અતિશય સપ્રમાણ હોય એવા લાખી સિક્કાઓ ખરેખર જોવા જેવા હોય છે. બન્ને બાજુ ફેરવો અને બટરફ્લાય ઇફેક્ટ જોયા કરો. લાખી સિક્કાઓની સંખ્યા ખૂબ જૂજ હોવાને કારણે આવા સિક્કાઓની કાયમ જ અતિશય ડિમાન્ડ રહેતી હોય છે. સંગ્રાહકોમાં લાખી કૉઇનને લઈને ખૂબ ઉત્સુકતા જોવા મળે છે.

એરર કૉઇન - અર્ધમહોરની બીજી બાજુ. જમણે વીર સંવત 1923 ચોખ્ખી વંચાય છે.

સમય જતાં આવા વિશિષ્ટ સિક્કાઓ જેવા કે પ્રૂફ કૉઇન, એરર કૉઇન, લાખી કૉઇનને અતિશય ચાહનારો એક અલગ જ વર્ગ અસ્તિત્વ ધરાવે છે જેને કાંઈક નોખું, વિશિષ્ટ પોતાના સંગ્રહમાં સમાવેશ કરવાની ઘેલછા હોય છે.

લાખી કૉઇન - રાજા પંચમ જ્યૉર્જનો એક રૂપિયાનો જવલ્લે જ જોવા મળતો આ લાખી સિક્કો.

એક પ્રકારનું ગાંડપણ કહી શકાય અને એટલે જ આવા સિક્કાની બજાર ખૂબ જ ડામાડોળ હોય છે. કોઈ ચોક્કસ ભાવ નહીં, કોઈ કૅટલૉગ નહીં. જેનો સિક્કો તેના દામ આ એક સત્ય છે જેને અંગ્રેજીમાં CF એટલે કે કલેક્ટર્સ ફેન્ઝી કહેવાય છે. આવા સિક્કાના ભાવ એના સંગ્રાહકની મુનસફી, મૂડ પ્રમાણે ઉપર-નીચે થતા રહે છે, પરંતુ હા, આવા વિશિષ્ટ સિક્કાનો વટ, ઠસ્સો અલગ જ હોય છે, કોઈ નશાની જેમ. આમ પણ કહેવાય છેને કે જીવનનું લક્ષ્ય ન સમજાતું હોય તો તમારી ઘેલછા ગોતી લો, સમજી લો. સમય જતાં આ જ ઘેલછા તમને તમારા લક્ષ્ય તરફ દોરી જશે.

columnists india gujarati mid-day