10 November, 2024 02:27 PM IST | Mumbai | Raj Goswami
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા ૨૫૭ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીમાં છે. મધ્યમ વર્ગ ફુગાવાને કારણે પીડાઈ રહ્યો છે. પહેલી વાર બેઘર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘર ખરીદવું એ સપના જેવું છે. લોકો પાસે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા નથી. લોકો પાસે નોકરીઓ નથી અને યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેન યુદ્ધમાં એટલા પૈસા ખર્ચ્યા છે કે આખો દેશ ડેમોક્રૅટિક પાર્ટીથી નાખુશ હતો
અમેરિકામાં બીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ડોનલ્ડ ટ્રમ્પે એ સાબિત કર્યું છે જે અગાઉ કોઈ અમેરિકન નેતાએ કર્યું નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ વાઇટ હાઉસમાં પાછા ફરનારા તેઓ ૧૦૦ વર્ષમાં પ્રથમ રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પ બદનામ થઈને ચાર વર્ષથી વાઇટ હાઉસની બહાર હતા. તેમણે અનેક આરોપ અને કેસનો સામનો કર્યો હતો, અદાલતોનાં ચક્કર લગાવ્યાં હતાં, ચૂંટણીપ્રચાર દરમ્યાન ગોળીનું નિશાન બન્યા હતા.
ટ્રમ્પ છેલ્લી ચૂંટણી સાવ નજીક આવીને હારી ગયા હતા. હારથી બચવા માટે તેમણે તેમના સમર્થકોની એક રૅલી બોલાવી હતી, જેમાં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ કૉન્ગ્રેસની ઇમારત પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
ટ્રમ્પ-સમર્થકોના ટોળાએ દેશની સંસદની ઇમારત પર એટલી ઉગ્ર અને હિંસક રીતે હુમલો કર્યો હતો કે ઇમારતની અંદર રહેલા લોકોએ તેમની સલામતી માટે ભાગી જવાની ફરજ પડી હતી.
એ વખતે ટ્રમ્પ બહુ ગુસ્સામાં હતા. તેમનું રાજકીય ભવિષ્ય અંધકારમય હતું, પરંતુ એ વખતે રવાના થતી વખતે ટ્રમ્પે તેમના સમર્થકોને જણાવ્યું હતું કે ‘હું તમને પ્રેમ કરું છું અને આપણે કોઈ પણ સ્વરૂપમાં પાછા આવીશું.’ આ વખતે તેમણે પૂરા જોશ સાથે ચૂંટણી જીતીને સાબિત કર્યું છે કે અમેરિકન જનતાનો વિશ્વાસ તેમની સાથે છે. છેલ્લાં ૪ વર્ષમાં દુનિયામાં આતંક વધ્યો છે, નવી લડાઈઓ ફાટી નીકળી છે અને અમેરિકાની સામે ઘણા નવા પડકાર પણ ઊભા થયા છે. જોવાનું એ રહેશે કે ટ્રમ્પ વૈશ્વિક સ્તરે અમેરિકાની સક્રિય ભૂમિકાને જાળવી રાખશે કે પછી અમેરિકા ફર્સ્ટના એજન્ડા પ્રમાણે માત્ર ઘર સંભાળીને બેસી રહેશે?
યુનાઇટેડ સ્ટેટ્સ (US) એના ૨૫૭ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીમાં છે. અમેરિકન મધ્યમ વર્ગ ફુગાવાને કારણે પીડાઈ રહ્યો છે. અમેરિકામાં પહેલી વાર બેઘર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘર ખરીદવું એ સપના જેવું છે. લોકો પાસે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા નથી એટલે મકાનમાલિકો તેમને ઘરની બહાર ફેંકી દે છે. લોકો પાસે નોકરીઓ નથી અને યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેન યુદ્ધમાં એટલા પૈસા ખર્ચ્યા છે કે આખો દેશ ડેમોક્રૅટિક પાર્ટીથી નાખુશ હતો.
ચૂંટણીપ્રચારમાં તેમણે ઝાઝી વિગતો આપી નહોતી, પણ તેમણે કહ્યું હતું કે તેઓ અન્ય દેશોમાં દખલગીરી કરવાનું ટાળશે અને તેમના દેશના વેપારનું રક્ષણ કરવાની નીતિને અનુસરશે. ટ્રમ્પ બિઝનેસમૅન છે, રાજકારણી નહીં. એટલે તેમને ‘દુનિયાનું જે થવું હોય એ થાય, આપણે આપણું સંભાળો’ની નીતિ પસંદ છે.
૨૦૨૨ની ૨૫ ફેબ્રુઆરીથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ હવે અમેરિકાના ગળામાં ભરાઈ ગયું છે. જો બાઇડને યુક્રેનને એટલી બધી મદદ કરી કે અમેરિકાનું ભંડોળ ખાલી થઈ ગયું. એમાં કોઈ શંકા નથી કે એ સમય દરમ્યાન એણે યુક્રેનને એટલાં બધાં શસ્ત્રો વેચ્યાં કે અમેરિકાના શસ્ત્ર ઉત્પાદકો ન્યાલ થઈ ગયા.
ટ્રમ્પના આગમનથી મધ્ય પૂર્વના અને યુક્રેન-રશિયા યુદ્ધના અંતની શક્યતા વધી શકે છે, કારણ કે ટ્રમ્પે વિજય પછી કહ્યું છે કે તેઓ યુદ્ધ નથી ઇચ્છતા. ટ્રમ્પના ડેમોક્રૅટિક વિરોધીઓ તેમના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સાઠગાંઠનો આરોપ મૂકે છે અને કહે છે કે તેમનો અભિગમ યુક્રેન માટે આત્મસમર્પણ કરવા સમાન છે અને એ સમગ્ર યુરોપને જોખમમાં મૂકશે. ટ્રમ્પ સતત કહેતા આવ્યા છે કે તેમની પ્રાથમિકતા યુદ્ધનો અંત લાવવાની અને અમેરિકી સંસાધનોના ધોવાણને રોકવાની છે.
ડોનલ્ડ ટ્રમ્પ પુતિનના મિત્ર છે એથી તેઓ ટૂંક સમયમાં યુક્રેન યુદ્ધનો અંત લાવશે. ટ્રમ્પ પણ સહમત થઈ શકે છે કે યુક્રેન રશિયાના કબજા હેઠળનો પ્રદેશ છે.
યુક્રેનની જેમ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ તથા લેબૅનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનો અંત લાવી શકે છે, પરંતુ એ કેવી રીતે કરવું એ તેમણે જણાવ્યું નહોતું. ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે તેમની સત્તામાં હમાસે ઇઝરાઇલ પર હુમલો ન કર્યો હોત, પણ પૅલેસ્ટીનના કિસ્સામાં કંઈ બદલાશે નહીં, કારણ કે ટ્રમ્પ પર યહૂદીઓનો એટલો જ પ્રભાવ છે જેટલો બાઇડન પર હતો. યહૂદીઓ પાસે અમેરિકી અર્થતંત્રની ચાવી છે. એટલે ટ્રમ્પ નેતન્યાહુને રોકવા માટે બહુ દબાણ નહીં કરી શકે. ટ્રમ્પને કારણે ઈરાન ચોક્કસપણે દબાણ હેઠળ હશે, પણ એનાથી મધ્ય-પૂર્વમાં તનાવ ઓછો થાય છે કે વધારો થાય છે એ જોવાનું રહેશે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાથી ઈરાનની મુશ્કેલીઓ વધવાની છે. ઈરાન પહેલેથી જ મધ્ય પૂર્વમાં અનેક મોરચે ફસાયેલું છે અને ગંભીર આર્થિક કટોકટીનો સામનો પણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકટમાં છે. આ સમજૂતી રદ થયા બાદ ઈરાને એનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઈરાનની દુશ્મનાવટનું પ્રથમ બીજ ૧૯૫૩માં રોપાયું હતું, જ્યારે અમેરિકન ગુપ્ત માહિતી એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ બ્રિટન સાથે મળીને ઈરાનમાં બળવો કર્યો હતો. ઈરાન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમેરિકી ચૂંટણીનાં પરિણામોની એના પર કોઈ નકારાત્મક અસર પડી નથી, પરંતુ ટ્રમ્પ ઈરાન પરના પ્રતિબંધને વધારશે એ નક્કી છે.
આ ઉપરાંત ટ્રમ્પ વિદેશથી થતી તમામ વસ્તુઓની આયાત પર ૨૦ ટકા યુનિવર્સલ ટૅરિફ લાદવાની યોજના ધરાવે છે. ચૂંટણીપ્રચાર દરમ્યાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે ચીન પર ટૅરિફ ૬૦ ટકાથી ૨૦૦ ટકા સુધી હોઈ શકે છે. જોકે એ વધુ હોઈ શકે છે. આ પગલાથી ફુગાવો વધવાની અને અમેરિકી અર્થતંત્રને નુકસાન થવાની ધારણા છે. આવા પગલાથી વેપારયુદ્ધો અને વૈશ્વિક અર્થતંત્રના પતનનું જોખમ છે.
ચીન વેપારયુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. ચીન એના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે નિકાસ પર નિર્ભર છે. ચીનમાં બહુ ઓછા લોકો અમેરિકા સાથેના સંબંધો સુધરવાની અપેક્ષા રાખે છે. ચીન ટ્રમ્પને દંભી માને છે. એના મતે તાઇવાનને લઈને તણાવ વધુ વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ટ્રમ્પ જગત જમાદારની ભૂમિકામાંથી ખસી જાય તો ચીનને આર્થિક અને રાજદ્વારી રીતે વધુ દેશોનું સમર્થન મળી શકે છે.
ટેસ્લાનો ભારતપ્રવેશ આસાન બનશે?
ડોનલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાય એમાં ટેક્નૉલૉજીની દુનિયાના અબજોપતિ ઈલૉન મસ્કને સવિશેષ રસ હતો. ૨૦૨૨માં તેણે ટ્વિટરની ખરીદી જ એટલા માટે કરી હતી કે તે ટ્રમ્પને જિતાડવા માટે સોશ્યલ મીડિયા પર પ્રચાર કરી શકે. જે ટ્વિટર પર અભદ્ર ટિપ્પણી માટે ટ્રમ્પને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા એ જ ટ્વિટરે ઈલૉનની આગેવાનીમાં ટ્રમ્પ માટે જબરદસ્ત પ્રચાર કર્યો હતો. એટલા માટે જ ટ્રમ્પે તેમની વિજય-રૅલીમાં ઈલૉનને ‘અમેરિકાના નવા સ્ટાર’ તરીકે ઓળખાવ્યો હતો.
દેખીતી રીતે જ ટ્રમ્પના કારભારમાં ઈલૉનનો બિઝનેસ આકાશને આંબશે. એ દિવસે રોકાણકારોની ખુશી વચ્ચે ‘વૉલ સ્ટ્રીટ’ પર ઓપનિંગ બેલ પહેલાં કલાકોના સોદામાં ટેસ્લાનો શૅર ૧૫ ટકા વધીને ૨૮૯.૪૪ ડૉલર થયો હતો. ટ્રમ્પની પુનઃ ચૂંટણીથી મસ્કની કંપનીઓને નિયમનના મોરચે ઘણો ફાયદો થશે. તેની અનેક કંપનીઓ વિવિધ શ્રમ કાયદાઓ અને પર્યાવરણીય સંરક્ષણને લઈને વિવાદમાં ઘેરાયેલી છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પનું આગમન આ વિવાદોને ઉકેલવામાં ફાયદાકારક રહેશે. વધુમાં કહીએ તો, કરવેરાના નીચા દર ઈલૉન મસ્કની રૉકેટ કંપની સ્પેસએક્સ માટે સરકારી કરાર મેળવવાનું પણ સરળ બનાવશે.
એ જોવાનું રસપ્રદ રહેશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘માય ફ્રેન્ડ’ ટ્રમ્પની જીત સાથે ભારતીય ઇલેક્ટ્રિક વાહન (EV) બજારમાં પ્રવેશવાના ઈલૉનના અધૂરા સપનાને પેટ્રોલ મળે છે કે નહીં. મે ૨૦૨૪માં ઈલૉને ‘કામના બોજ’ને કારણે ભારતની તેમની મુલાકાત રદ કરી હતી અને કહ્યું હતું કે તેઓ વર્ષના અંતે મુલાકાત લેશે.
ઈલૉન ભારતમાં ૨-૩ અબજ ડૉલરની EV ફૅક્ટરી અને સ્ટારલિન્ક સંબંધિત કેટલીક યોજના જાહેર કરવા માટે તૈયાર હતા. તેઓ દિલ્હીમાં અનેક સ્પેસ સ્ટાર્ટઅપ્સના અધિકારીઓને પણ મળવાના હતા. એવું કહેવાય છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈલૉને ભારત આવવાનું ટાળ્યું હતું. હવે તેમને માટે રસ્તો આસાન છે. દિલ્હીમાં મોદી છે અને વૉશિંગ્ટનમાં ‘મોદીના મિત્ર’ ટ્રમ્પ છે. ટ્રમ્પ તેમનો ચીનવિરોધી અભિગમ બીજી ટર્મમાં પણ જાળવી રાખે તો ઈલૉનને નિશ્ચિત રીતે ભારતનું વિશાળ બજાર ‘ગિફ્ટ’ મળે એમ છે.
ટ્રમ્પની વાપસીની ભારત પર શું અસર?
ટ્રમ્પનું નવું વહીવટી તંત્ર અમેરિકા ફર્સ્ટ એજન્ડાને આગળ વધારવાનો નિર્ણય કરે તો ભારતીય નિકાસકારોને ઑટોમોબાઇલ્સ, કાપડ અને ફાર્મા જેવી વસ્તુઓ માટે વધુ કસ્ટમ્સ ડ્યુટીનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પ H1B વીઝાના નિયમો પણ કડક કરે એવી શક્યતા છે, જે ભારતીય IT કંપનીઓના ખર્ચ અને વૃદ્ધિને અસર કરશે. ભારતની IT નિકાસની ૮૦ ટકાથી વધુ આવક અમેરિકાથી આવે છે, જે વીઝા નીતિઓમાં ફેરફારથી પ્રભાવિત થશે.
તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન ટ્રમ્પે અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવાની નીતિ અપનાવી હતી. તેમણે ચીન અને ભારત સહિત અનેક દેશોમાંથી આયાત પર ભારે ટૅરિફ લાદ્યો હતો. તેઓ એવા દેશો સામે પગલાં લઈ શકે છે જેઓ અમેરિકી ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત પર ઊંચા ટૅરિફ લાદે છે અને એમાં ભારત પણ સામેલ છે.
ટ્રમ્પ ચીન વિરુદ્ધ ખૂબ અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા હતા. એનાથી ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત થશે. પ્રથમ કાર્યકાળમાં તેઓ (ચીનવિરોધી) ક્વાડ સંગઠનને મજબૂત કરવામાં ખૂબ જ સક્રિય હતા. ક્વાડ એશિયા-પૅસિફિક ક્ષેત્રમાં અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને જપાનનું ગઠબંધન છે.
ટ્રમ્પ આવવાથી અમેરિકા ભારત સાથે હથિયારની નિકાસ, સંયુક્ત સૈન્ય કવાયત અને ટેક્નૉલૉજી ટ્રાન્સફરમાં વધુ સારો તાલમેલ જોઈ શકે છે. એનાથી ચીન અને પાકિસ્તાન સામે ભારતની સ્થિતિ મજબૂત થશે.
ટ્રમ્પની ભારત-મુલાકાત એના પાડોશી દેશો પાકિસ્તાન અને બંગલાદેશ પ્રત્યેની અમેરિકાની નીતિની દિશા બદલી શકે છે. ટ્રમ્પે અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની ખૂબ પ્રશંસા કરી હતી. બીજી તરફ ટ્રમ્પ બંગલાદેશની યુનુસ સરકારને લોકશાહીતરફી જુએ છે. એથી ભારત એનાથી પ્રભાવિત થશે.