08 December, 2024 03:31 PM IST | Gandhinagar | Chandrakant Sompura
હસ્તગિરિ જૈન તીર્થ : આ પ્રોજેક્ટ દસ વર્ષથી પણ વધારે લાંબો ચાલ્યો, કારણ કે ધારણા કરતાં એમાં ખર્ચ વધી ગયો હતો.
જે કામ પિતાજીએ કરવાનું હોય એ મને તૈયાર કરવાનું કામ મારા દાદાશ્રીએ કર્યું અને પોતાની નિવૃત્તિ છોડીને તે ફરી અમદાવાદ રહેવા આવી ગયા. અગાઉ મેં તમને કહ્યું હતું એમ નિવૃત્તિ પછી દાદાશ્રી પ્રભાશંકર સોમપુરા પાલિતાણા રહેવા ચાલ્યા ગયા હતા. ફરી પાછા અમદાવાદ આવ્યા પછી તેમણે પહેલું ધ્યાન પિતાશ્રીના અધૂરા પ્રોજેક્ટ આગળ વધારવાનું કર્યું અને એ પછી તેમણે નવા પ્રોજેક્ટ લેવાના શરૂ કર્યા. આ નવા પ્રોજેક્ટ તેઓ માત્ર મારા ખાતર લેતા હતા, જેથી હું ટ્રેઇન થઈ જઉં અને પછી સ્વતંત્ર રીતે મારું કામ આગળ વધારું. દાદાશ્રીની ઇચ્છા હતી કે હું પણ તેમની અને પિતાશ્રીની જેમ મંદિરોના નિર્માણમાં જ મારી કળા આગળ વધારું અને મેં એ જ કર્યું.
દાદાશ્રી સાથે મેં પહેલો પ્રોજેક્ટ હાથમાં લીધો એ હતો પાલિતાણા પાસે આવેલા જૈન તીર્થ હસ્તગિરિના જીર્ણોદ્ધાર અને એના ડેવલપમેન્ટનો. જૈનોને હસ્તગિરિનું મહત્ત્વ ખબર છે. હસ્તગિરિને હસ્તીસેનગિરિ પણ કહે છે. આ જૈન તીર્થ વિકસાવવાનું કામ ભરત ચક્રવર્તીએ કર્યું હતું, જે ભગવાન આદેશ્વરના સૌથી મોટા દીકરા છે. અહીં આજે પણ ભગવાન આદેશ્વરનાં પગલાં છે.
અમે જ્યારે આ તીર્થનું કામ હાથમાં લીધું ત્યારે તો ત્યાં માત્ર દેરીઓ હતી. મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન શ્રેષ્ઠી કાન્તિભાઈ મણિભાઈએ આગેવાની લઈને આ આખું તીર્થ ડેવલપ કરવાનું નક્કી કર્યું અને પછી તેમણે અન્ય આગેવાનો સાથે મારા દાદાશ્રીનો સંપર્ક કર્યો. દાદાશ્રીએ આ કામ મને સોંપ્યું અને કહ્યું કે આપણે આ તીર્થને એવું બનાવવું છે કે ભરત ચક્રવર્તીની શાખને શોભે અને ભગવાન આદેશ્વરના આશીર્વાદ મળે. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ તીર્થ માટે અમે એક રૂપિયાની પણ ફીની ચર્ચા કરી નહોતી. બસ, કમિટમેન્ટ આપ્યું કે આ કામ અમે કરીશું અને પછી દાદાશ્રીના ગાઇડન્સ અને મારી સૂઝબૂઝ તથા સપનાંઓ મુજબ મેં એની ડિઝાઇન પર કામ શરૂ કર્યું. અયોધ્યામાં ભગવાન રામલલાનું મંદિર અષ્ટકોણીય બનાવ્યું છે એ જ પ્રકારે અષ્ટકોણીય જૈન તીર્થ બનાવવાનું મેં નક્કી કર્યું અને એના પર કામ શરૂ કર્યું. એમાં સૌથી મોટી ચૅલેન્જ મારી સામે આવી ભગવાનને સ્થાન આપવાની. તમે જ્યારે આઠેય દિશામાં ભગવાનને બેસાડવાના હો ત્યારે તમારી સામે ઓછામાં ઓછી ત્રણ દિશા એવી આવે જે સ્થાને ભગવાનને બેસાડી ન શકાય, પણ અમે એ કરી શક્યા. હસ્તગિરિ જૈન તીર્થમાં આઠેઆઠ દિશામાં ભગવાન છે, પણ દરેક ભગવાન શુદ્ધ દિશામાં છે. હસ્તગિરિની ઘણી એવી વાતો છે જે ભાગ્યે જ કોઈ જાણે છે. એ વાતો હવે આપણે આવનારા સમયમાં કરીશું.