10 November, 2024 02:29 PM IST | Mumbai | Khyati Mashru Vasani
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારમાં હાલમાં ઘટાડો થવાની સાથે-સાથે નિષ્ણાતો કહેવા લાગ્યા કે હવે સ્ટૉક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવાનો સમય આવી ગયો છે. મારા મતે રોકાણકારો સેક્ટર ફન્ડ્સ મારફતે થોડું-થોડું રોકાણ કરી શકે છે. આવાં ફન્ડ્સ ચલાવતી કંપનીઓ સંબંધિત ક્ષેત્રના સારા-સારા સ્ટૉક્સ શોધી કાઢવા માટે સંશોધન કરતી હોય છે. . આગામી દિવસોમાં રોકાણ કરવાલાયક સેક્ટર્સ આ પ્રમાણે છે...
ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ સેમિકન્ડક્ટર્સ: ભારતનો ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ વૈશ્વિક ક્ષેત્રે ઇનોવેશન કરવામાં ઘણો આગળ છે. દેશમાં સરકારે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PIL) સ્કીમ શરૂ કરી છે. એ ઉપરાંત સેમિકૉન ઇન્ડિયા પ્રોગ્રામ નામની યોજના પણ ચાલી રહી છે. એક અભ્યાસ મુજબ સેમિકન્ડક્ટર્સ માર્કેટ વર્ષ ૨૦૨૬ સુધીમાં ત્રણ ગણી વધીને એમાં ૩૦૦ અબજ ડૉલર મૂલ્યનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
સેમિકન્ડક્ટર ફૅબ્રિકેશન ફૅસિલિટી માટેની સરકારની યોજના હેઠળ પ્રોજેક્ટના ખર્ચમાંથી અડધોઅડધ રકમ જેટલી નાણાકીય સવલત આપવામાં આવે છે. આમ, સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે રોકાણ કરવા માટે ભારત આકર્ષક સ્થળ બની ગયું છે.
રિન્યુએબલ એનર્જી: હજી આઠમી નવેમ્બરે બંધ થયેલો એક્મે સોલર હોલ્ડિંગ્સનો આઇપીઓ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રનો જ છે. સમગ્ર વિશ્વમાં હવે સ્વચ્છ ઊર્જા એટલે કે પ્રદૂષણ ન થાય એ રીતે સર્જવામાં આવતી ઊર્જાને પ્રાથમિકતા મળી રહી છે. ભારત સરકારે નૅશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન રચ્યું છે અને ઑફશૉર વિન્ડ એનર્જી માટેના લક્ષ્યાંક નક્કી કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો રિન્યુએબલ એનર્જી (અક્ષય ઊર્જા)ના ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં રોકાણ આવવાની સંભાવના છે. સરકારે આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ તથા આંતરરાષ્ટ્રીય સહકાર માટેનાં દ્વાર ખોલી કાઢ્યાં છે જેને પગલે નવસર્જન અને વિકાસ માટે પૂરક વાતાવરણ તૈયાર થયું છે.
આરોગ્યસેવા અને ફાર્માસ્યુટિકલ્સ: ભારત અત્યારે વસ્તીની દૃષ્ટિએ દુનિયામાં પહેલા ક્રમે આવી ગયું છે. આથી જ આરોગ્યસેવાની અને એમાં આવશ્યક દવાઓની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આરોગ્યસેવાના ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ રહી છે. એક અંદાજ મુજબ દેશનો આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરનારો ઉદ્યોગ આવતા વર્ષ સુધીમાં ૫૦ બિલ્યન ડૉલરનો થઈ જશે. સરકારે આયુષમાન ભારત યોજના હેઠળ આરોગ્યસેવા વધારવા પર ભાર મૂક્યો છે. દેશ વૅક્સિનના ઉત્પાદનમાં તથા જેનરિક દવાઓના ઉત્પાદનમાં વર્ષોથી અગ્રેસર છે. સરકારે ફાર્મા ક્ષેત્રે ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી છે અને આરોગ્યસેવા માટે પૂરક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ થઈ રહ્યો છે.
ઉપરોક્ત ક્ષેત્રોની કંપનીઓમાં રોકાણ કરનારાં ફન્ડ્સ વિશે તમે નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવી શકો છો. અહીં જણાવવું રહ્યું કે સેક્ટોરલ ફન્ડ્સમાં કરવામાં આવતું રોકાણ પ્રમાણમાં વધુ જોખમી ગણાય છે. આથી રોકાણ કરતાં પહેલાં જોખમ ખમવાની પોતાની ક્ષમતા જાણી લેવી આવશ્યક છે.