18 September, 2023 03:30 PM IST | Mumbai | Ruchita Shah
જૈન એજ્યુકેશન એમ્પાવર ટ્રસ્ટ (JEET પરિવાર)
૨૦૧૦ની વાત છે. ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં ૧ દીકરો, ૨ દીકરી અને પતિ-પત્નીનો પાંચ જણનો એક જૈન પરિવાર રહે. પરિવારની મુખ્ય વ્યક્તિ મંડપ બાંધવાનું કામ કરે અને તેની માસિક આવક ૨૦૦૦ રૂપિયા. એ ૨૦૦૦ રૂપિયામાં તેમણે બાળકોને ભણાવવાનાં અને ઘરખર્ચ પણ કાઢવાનો. એવામાં એક જૈન સંસ્થા સાધર્મિકોને શિક્ષણમાં સહાય આપવાનું કામ કરી રહી છે એવી તેમને ખબર પડી. તેમણે તરત જ આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરીને પોતાની વિગતો એ સંસ્થાને મોકલી આપી. થોડા દિવસ પછી જ્યારે તેમની અરજી સ્વીકારાઈ ગઈ એવી ખબર પડી એટલે... અહીંથી વાતની શરૂઆત કરતાં જૈન એજ્યુકેશન અેમ્પાવર ટ્રસ્ટના (JEET પરિવાર) પંકજ દોશી વાતને આગળ વધારતાં કહે છે, ‘મેં જેવો તેમને ફોન કર્યો એટલે તેમણે મને બે મિનિટ ફોન હોલ્ડ કરવાનું કહ્યું અને જ્યારે વાત શરૂ કરી ત્યારે તેઓ હાંફતા હતા. મેં પૂછ્યું કે શું થયું? તો એ બહેને જવાબ આપ્યો, ‘આજે સવારે હું શાંતિનાથ ભગવાનની પૂજા કરવા ગઈ ત્યારેરે મેં પ્રાર્થના કરી હતી કે જીત પરિવારને મેં બાળકોના શિક્ષણ માટે અરજી કરી છે એ સ્વીકારી લેવાય તો સારું અને આજે જ તમારો ફોન આવ્યો. એટલે પહેલાં હું ભગવાનને થૅન્ક યુ કહેવા ગઈ હતી.’
આવા એક નહીં, અનેક કિસ્સા આ સંસ્થા પાસે છે, જ્યાં નાનાં-નાનાં ગામડાંમાં રહેતાં જરૂરિયાતમંદ જૈન બાળકોને તેમણે શિક્ષણમાં મદદ કરી અને એ પરિવાર તરી ગયા. જેમ કે આપણે જે પરિવારની વાતથી વાતની શરૂઆત કરી એ પરિવારની સ્થિતિ આજે કલ્પી ન શકાય એટલી સરસ છે. અત્યારે એ પરિવારમાં મોટો દીકરો એમબીએ થઈ ગયો છે અને આજે એ એક મોટી કંપનીમાં સારી સૅલેરીની જૉબ કરી રહ્યો છે. બે દીકરીમાંથી એક દીકરીનાં સંપન્ન પરિવારમાં લગ્ન થઈ ગયાં છે અને એક દીકરી પોતે જે સ્કૂલમાં ભણી છે એ જ સ્કૂલમાં ટીચર છે.
શરૂઆત કેવી રીતે થઈ?
ભારતભરનાં જરૂરિયાતમંદ જૈન બાળકોને શિક્ષણમાં મદદ કરવાની અનોખી સેવાયાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે પંકજભાઈ કહે છે, ‘મહાવીર જૈન વિદ્યાલયમાં ભણેલા વિદ્યાર્થીઓની એક યાત્રા ૨૦૦૬ની ૨૬ ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં અમે બધા ભેગા થયેલા. એ વખતે એક ચર્ચા થઈ કે આપણે સૌ નાનાં ગામડાંઓમાંથી આવીએ છીએ છતાં એક સંસ્થાને કારણે એટલા આગળ વધી શક્યા તો એવાં હજી ઘણાં બાળકો છે જેના પરિવાર હજી સક્ષમ નથી. એને કારણે તેઓ ભણી શકે એવી સ્થિતિમાં નથી. તેમને માટે આપણે કંઈક કરવું જોઈએ. બસ એ જ દિવસે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી આ સંસ્થાની સ્થાપના કરી. શરૂઆત કરી ત્યારે અમારી પાસે ૫૦,૦૦૦ રૂપિયાનું ફન્ડ હતું. આજે ૩૦ કરોડની ઉપર પહોંચી ગયું છે. અત્યાર સુધી ૭૦૦ વિદ્યાર્થીઓ એન્જિનિયર, ૩૦થી ૪૦ વિદ્યાર્થીઓ ડૉક્ટર, ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ડિગ્રી લીધી છે અને ૧૫૦ જેટલાં વિદ્યાર્થીઓ સીએ બન્યાં છે,’
આજે પણ એવા ઘણા જૈન પરિવાર છે જે આર્થિક રીતે સંપન્ન ન હોવાથી પોતાનાં બાળકોને પૂરતું શિક્ષણ આપવા અસમર્થ છે. પંકજભાઈ કહે છે, ‘મારા પોતાના જીવનમાં એવી ઘટના ઘટી ચૂકી છે. ૧૯૭૭માં મને ૭૯ ટકા આવ્યા અને ૮૦ ટકામાં એન્જિનિયરિંગનું ઍડ્મિશન ક્લોઝ થઈ ગયું. એને કારણે ૧૦,૦૦૦ રૂપિયાનું ડોનેશન આપવું પડે એમ હતું. જોકે એ પૈસા જ્યારે મેં મારા પિતા પાસે માગ્યા ત્યારે તો તેમણે કહ્યું કે ‘બધી દુકાનો અને ઘર વેચી દઈશ તો પણ ૧૦,૦૦૦ રૂપિયા નહીં જમા થાય. એટલે ભણવાની કોઈ જરૂર નથી. દુકાને બેસી જા.’ ગ્રૅજ્યુએટ નહીં થઈ શકવાનો એ વસવસો આજે પણ મારી સાથે છે અને એને કારણે જ ગામડામાં વસતા જરૂરિયાતમંદોને શૈક્ષણિક મદદ પૂરી પાડવાના કાર્યને મેં મારા જીવનનું લક્ષ બનાવી દીધું છે. આજે હું ગર્વભેર કહી શકું છું કે હું અન્ડર-ગ્રૅજ્યુએટ છું.’
અહીં ઉલ્લેખનીય છે કે એ પંકજભાઈ દેશની અગ્રણી સોલર પાવર કંપનીના માલિક છે અને એ માત્ર એક ટ્રસ્ટીની વાત નથી. આ સંસ્થાના અગિયારેઅગિયાર ટ્રસ્ટીઓ આવી દુષ્કર પરિસ્થિતિમાં ભણ્યા છે અને તેમણે સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ સંસ્થાના કોર કમિટીના ૧૯ મેમ્બર છે અને ટોટલ ૮૦ બ્રાન્ચ ગુજરાત-મુંબઈ જેવાં જુદાં જુદાં રાજ્યોમાં છે.
કાર્યપ્રણાલી પણ ખાસ
સામાન્ય રીતે જૈનો હાથ લંબાવે, પણ આપવા માટે કે લેવા માટે નહીં... પંકજભાઈ કહે છે, ‘આ જ વાત અમને અમારા ગુરુદેવે સમજાવી અને કાર્યપ્રણાલી એવી રીતે ગોઠવવાનું કહ્યું જેમાં તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેમનું કામ થઈ જાય. કોઈને કાનોકાન પણ ખબર ન પડે એ રીતે મદદ કરવાની વ્યવસ્થા અમે ઊભી કરી છે. અત્યાર સુધી ૪૭૦ ગામડાંઓનો સર્વે અમે કર્યો છે, જેમાંથી લગભગ ૫૦૦૦ પરિવારો અને ૭૫૦૦ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શક્યા છીએ. કોઈ પણ ગામમાં અમે જઈએ ત્યારે સૌથી પહેલાં ત્યાંના દેરાસરમાં પૂજા કરીને પૂજારી પાસેથી એ ગામની સ્થિતિ વિશેનો થોડો ચિતાર મેળવીએ. એ પછી ગામના ટ્રસ્ટીઓને મળીએ અને તેમના ગામમાં સાધર્મિક ઘરો કેટલાં છે એની વિગતો લઈએ અને આસપાસના વિસ્તારોમાં અમારા કાર્યની વિગતો આપતાં હોર્ડિંગ્સ લગાવીએ. સામાન્ય રીતે એ જોયા પછી અમને ફોન-કૉલ આવી જાય છે. એ પછી એક ફૉર્મ ભરવાનું અને પછી તેઓ જે સ્કૂલ કે કૉલેજમાં ભણતાં હોય તેના નામનો ચેક બનાવીને તેમની એક વર્ષની ફી ભરી દેવાની. આ રીતે કોઈ પણ જાતની ગૂંચવણભરી પદ્ધતિઓ રાખ્યા વિના લોકોને અમારા સુધી પહોંચવામાં સરળતા રહે એનું અમે ધ્યાન રાખ્યું છે.’