હેલો, ટાઇમ ક્યા હુઆ?

31 March, 2024 11:06 AM IST  |  Mumbai | Aashutosh Desai

આજે જર્મનીમાં ઈસ્ટર સન્ડે પૂરો થશે એટલે બધાની ઘડિયાળનો કાંટો એક કલાક આગળ કરી દેવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શું આપણને ખબર છે કે પશ્ચિમ બંગાળ જો ભારતમાં ન હોત અને કોઈ અલગ રાષ્ટ્ર હોત તો કદાચ એની ઘડિયાળ ભારતના ઘડિયાળ કરતાં એક કે બે કલાક આગળ હોત! જી હા, આ સત્ય છે અને એની પાછળનું કારણ એ છે કે પશ્ચિમ બંગાળ ભારતની ઉત્તર-પૂર્વ દિશાએ આવેલું છે અને ભારતમાં સૂર્યોદય પૂર્વ દિશાએથી થાય છે જેને કારણે આખા ભારતમાં સૂર્યોદય થાય એના થોડા સમય પહેલાં પશ્ચિમ બંગાળમાં થઈ જાય છે. આ તો થઈ ભારતની વાત, પણ શું આપણે એ પણ જાણીએ છીએ કે વિશ્વના અનેક દેશો જે ભૌગોલિક દૃષ્ટિએ પૃથ્વીના એવા ખૂણે આવેલા છે જેને કારણે તેમણે વર્ષના અમુક સમય દરમિયાન ખરેખર જ પોતાની ઘડિયાળનો સમય બદલવો પડે છે અથવા અનેક દેશો પોતાની ઘડિયાળનો સમય બદલે છે જેને DST એટલે કે ડેલાઇટ સેવિંગ ટાઇમ કહેવામાં આવે છે.

જેમ કે આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે. આપણા બધા માટે આ મહિનો માત્ર નાણાકીય વર્ષનો આખરી મહિનો છે. આપણે બધા ટૅક્સ-કૅલ્ક્યુલેશન, ટૅક્સને લગતા પેપર્સ સબમિશન વગેરેમાં પડ્યા હોઈશું; પરંતુ આ જ મહિનામાં ઘણા દેશો એવા છે જેઓ પોતાનો સમય બદલી રહ્યા હશે. આવું શા માટે કરવામાં આવે છે?

સમય કિસને બદલા ભૈસાબ?
આપણે ભલે ગમે એ સ્ટ્રીમમાં ભણ્યા હોઈએ કે ભણી રહ્યા હોઈએ, પણ સામાન્ય વિજ્ઞાનનું એટલું જ્ઞાન તો આપણને બધાને જ છે કે પૃથ્વી સતત પોતાની ધરી પર ફરી રહી છે જેને કારણે ઋતુચક્રથી લઈને સૂર્યોદય અને સૂર્યાસ્ત, ગ્રહણ વગેરે અનેક ઘટનાઓ સર્જાતી હોય છે. હવે સાથે જ આપણને એ પણ ખબર છે કે શિયાળામાં દિવસો ટૂંકા અને ઉનાળામાં દિવસો લાંબા હોય. હવે આ વાસ્તવિકતાને કારણે જ વિશ્વના કેટલાક દેશોમાં એવા બદલાવ સર્જાય છે જેને કારણે તેમણે વર્ષના કેટલાક મહિનાઓ દરમિયાન ઘડિયાળનો સમય વધતા-ઓછા અંશે આગળ કરવો પડે છે.

DSTને ઘણા દેશોમાં SST પણ કહેવામાં આવે છે એટલે કે સ્પ્રિંગ ઍન્ડ સમર ટાઇમ. બને છે કંઈક એવું કે ઉનાળાના આ દિવસોમાં સૂર્યોદય વહેલો થઈ જાય છે જેને કારણે કેટલાક દેશોમાં સવાર વહેલી પડી જતી હોય છે. હવે જો એક જ સમયને એ લોકો અનુસરે તો પરિસ્થિતિ કંઈક એવી સર્જાય કે સૂર્ય માથે ચડી ગયો છે પણ ઘડિયાળમાં તો હજી સવારના સાત જ વાગ્યા છે અને એનો સૌથી મોટો ગેરફાયદો એ થાય કે કોઈ મમ્મી તેના દીકરાને ઢીબેડીને કહી ન શકે કે ‘ઊઠ હવે આળસુ, સૂર્ય માથે ચડી આવ્યો!’ કારણ કે પેલા સૂર્યવંશી બેટાજી તરત કહેશે કે ‘હજી તો સાત જ વાગ્યા છે!’

ક્યાં કઈ રીતે?
કારણ કંઈક એવું છે કે પૃથ્વીની ધરીની પરિસ્થિતિ અનુસાર આપણે જ્યાં આવેલા છીએ એટલે કે ભારતની ઉત્તર-પશ્ચિમ તરફ યુરોપ અને નૉર્થ અમેરિકા આવેલું છે, પશ્ચિમ તરફ આફ્રિકા અને પશ્ચિમ દક્ષિણ તરફ દક્ષિણ અમેરિકા આવેલું છે; જ્યારે દક્ષિણમાં આવેલું છે ઑસ્ટ્રેલિયા. હવે એટલી વાત તો આપણે સમજી શકીએ છીએ કે જો ભારતના પશ્ચિમ બંગાળમાં સૂર્યોદય વહેલો થતો હોય તો બંગાળથી પણ ઉત્તર તરફ જે દેશો કે કૉન્ટિનેન્ટ આવ્યા હશે ત્યાં તો એથીયે પહેલાં થવાનો.

આપણને એ પણ ખબર છે કે યુરોપના અમુક દેશો જેમ કે જર્મની અને એની આજુબાજુના અમુક દેશો તો ભૌગોલિક દૃષ્ટિએ એવી જગ્યાએ આવેલા છે કે વર્ષના અમુક મહિના કે દિવસો દરમ્યાન ત્યાં રાતના આઠ વાગ્યે પણ સાંજના ચાર વાગ્યા જેવું અજવાળું હોય છે, કારણ કે ત્યાં સૂર્યનો આથમવાનો સમય ખૂબ ટૂંકો હોય છે. આથી ઉત્તરે આવેલા અમુક દેશોએ એવું નક્કી કર્યું કે સ્પ્રિંગ અને સમરની ઋતુમાં જેમ સવાર વહેલી પડે છે તો એમનું ઘડિયાળ પણ વહેલું કરવામાં આવશે જેથી દિવસ વહેલો શરૂ થાય અને વહેલો પૂરો થાય. સૂર્યની ગતિ, પરિસ્થિતિ અને ઋતુ બદલાય એટલે ફરી એક વાર ઘડિયાળના સમયમાં પરિવર્તન કરવામાં આવશે, જેને વિશ્વએ DST તરીકે સ્વીકાર્યું. એટલે કે ડેલાઇટ સેવિંગ ટાઇમ.

ક્યાં કયો સમય?
તો પછી આ સમય ક્યાં અને કઈ રીતે બદલાય છે? તો માર્ચ મહિનાના બીજા રવિવારની રાતના બે વાગ્યે કેટલાક દેશો કે રીજનનું ઘડિયાળ એક કલાક આગળ કરવામાં આવે છે. એમાં બહામા, બર્મુડા, કૅનેડા, બ્રિટિશ કોલંબિયા, ગ્રીનલૅન્ડ, મેક્સિકો, કૅલિફૉર્નિયા અને ઉત્તર અમેરિકા (ઍરિઝૉના અને હવાઈ સિવાયનાં)નાં કેટલાંક સ્ટેટ્સ. આ દરેક જગ્યાએ માર્ચ મહિનાના બીજા રવિવારની મધ્યરાત્રિથી એક કલાક આગળ કરવામાં આવેલું ઘડિયાળ છેક નવેમ્બર મહિનાના પહેલા રવિવારની મધ્યરાત્રિના બે વાગ્યા સુધી એ બદલાયેલા સમય અનુસાર જ કામ કરે છે.
એ જ રીતે ક્યુબામાં માર્ચ મહિનાના બીજા રવિવારના ૧૨ વાગ્યે સમય બદલાય છે અને નવેમ્બર મહિનાના પહેલા રવિવારના એક વાગ્યા સુધી એમનું ઘડિયાળ પણ એક કલાક આગળ કામ કરતું હોય છે. તો વળી યુરોપના મોટા ભાગના દેશોમાં અને બ્રિટન સ​હિત માર્ચ મહિનાના છેલ્લા રવિવારે એટલે કે આજે મધ્યરાત્રિના એક વાગ્યે સમય બદલાશે અને આવતી કાલની સવાર એ લોકો માટે એક કલાક વહેલી શરૂ થવા માંડશે જે ઑક્ટોબર મહિનાની મધ્યરાત્રિ એક વાગ્યા સુધી એ જ રીતે કામ કરશે. આ સિવાય આજે માલ્ડોવા અને ટ્રાન્સ​નિસ્ટ્રિયામાં પણ રાત્રે બે વાગ્યે સમય એક કલાક આગળ વધારવામાં આવશે. લેબૅનનમાં આજે ૧૨ વાગ્યે બદલાશે, જ્યારે ઇઝરાયલમાં માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે એટલે કે આજથી બે દિવસ પહેલાં જ રાતના બે વાગ્યે સમય બદલાઈને એક કલાક આગળ થયો. એના સૌથી મોટા દુશ્મન દેશ પૅલેસ્ટીનમાં બીજા શનિવારે, રમઝાન પછી રાતના બે વાગ્યે સમય બદલાશે.

ઇજિપ્તમાં આવતા મહિનાના છેલ્લા શુક્રવારે ૧૨ વાગ્યે તો ચિલીમાં સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે અને પારાગ્વેમાં ઑક્ટોબરના પહેલા રવિવારે સમય એક કલાક આગળ થાય છે જેનો અંત હાલના મહિનાઓમાં આવે છે. જેમ કે ચિલીનું ઘડિયાળ આવતા અઠવાડિયાના શનિવારે એટલે કે એપ્રિલના પહેલા શનિવારે ફરી એક કલાક પાછળ કરી દેવામાં આવે છે, જ્યારે પારાગ્વેમાં માર્ચના ચોથા શનિવારની રાત્રે ૧૨ વાગ્યે ફરી પાછળ કરી દેવામાં આવે છે.

હવે આ તો થઈ નૉર્થ-નૉર્થ ઈસ્ટ અને નૉર્થ વેસ્ટમાં આવેલા દેશોના સમયચક્રની વાત. તો ભારતના દક્ષિણમાં આવેલા દેશો કે રીજન શું કરે છે? હા, ત્યાં પણ સમય બદલાય છે. જેમ કે ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર મહિનાના પહેલા રવિવારે ઘડિયાળ આગળ કરવામાં આવ્યું હતું જે એપ્રિલ મહિનાના પહેલા રવિવારે એટલે કે આવતા અઠવાડિયાના રવિવારે ફરી પાછળ કરી દેવામાં આવશે. ન્યુ ઝીલૅન્ડમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે એક કલાક આગળ કરવામાં આવેલું ઘડિયાળ ફરી પાછળ કરી દેવામાં આવશે એપ્રિલ મહિનાના પહેલા રવિવારે.
ભારત આ મામલે એક સુખી દેશ છે એવું નથી લાગતું? આપણે ત્યાં ઉનાળા દરમિયાન દિવસ થોડો મોટો અને રાત થોડી ટૂંકી જરૂર થાય છે અને શિયાળામાં એથી ઊલટી પરિસ્થિતિ હોય છે, કબૂલ; પરંતુ સમય બદલવા જેટલી તકલીફ આપણે લેવી પડે કે ઘડિયાળને બિચારાને એ માટે હેરાન કરવું પડે એવું નથી. આથી આપણે ત્યાં મમ્મીઓ વર્ષો પહેલાં પણ દીકરા-દીકરીને સવારમાં ઢીબેડીને એક જ ડાયલૉગ સાથે જગાડતી હતી અને વર્ષો પછી પણ એ જ ડાયલૉગ સાથે જગાડી શકશે.

ઇતિહાસ અલગ, કારણ અલગ 
હવે વાસ્તવમાં આપણે શું જાણીએ છીએ કે સમજીએ છીએ? સૂર્યની બદલાતી ગતિને કારણે સૂર્યોદયનો સમય બદલાય છે અને એને કારણે પૃથ્વીના અમુક દેશો કે રીજનમાં સવાર વહેલી પડે છે જેને કારણે DST અસ્તિત્વમાં આવ્યું અને સમય આગળ કે પાછળ કરવાની રીત અપનાવવામાં આવી, ખરુંને? પણ વાસ્તવિક કારણ કંઈક અલગ છે જે પાછળથી DST તરીકે સ્વીકારવામાં આવ્યું.

એક દૃષ્ટિએ જોઈએ તો એના નામમાં જ અર્થ પણ છુપાયેલો છે. ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ બરાબરને? એની પાછળનો ઇતિહાસ કંઈક એવો છે કે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૦૮ની સાલમાં વિશ્વમાં સૌપ્રથમ વાર DST શરૂ કરવામાં કે સ્વીકારવામાં આવ્યું. કારણ કંઈક એવું હતું કે વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા જેવા દેશોને એનર્જી એટલે કે ઊર્જાની બચત અને સંગ્રહ કરવાની જરૂરિયાતનું મહત્ત્વ કેટલું છે એ અનુભવાયું. હવે એ સમયે આજના આધુનિક સમય જેવી ટેક્નૉલૉજી અને ડેવલપ્ડ સાયન્સ તો હતું નહીં. મનુષ્યને એ સમયે મહત્તમ આધાર કુદરતી સંસાધનો પર રાખવો પડતો હતો. આથી સૂર્યોદય થાય અને ઊર્જાનો જે સ્રોત ઉપલબ્ધ થાય એ પ્રમાણે એનું અને એની સાથે સંલગ્ન એવા કુદરતી ઊર્જાના સ્રોતોનું ઉત્પાદન અને બચત કરી લેવી જોઈએ એ ખ્યાલ જન્મ્યો.

આ વિચારને અનુમોદન આપતાં ૧૯૦૮માં પહેલી જુલાઈએ કૅનેડાના ઑન્ટેરિયો, પોર્ટ આર્થરે DST સ્વીકાર્યું અને પોતાના ઘડિયાળનો સમય તેમણે આગળ ઠેલવાનું નક્કી કર્યું. ત્યાર બાદ ૧૯૧૧થી ૧૯૧૨ દરમ્યાન ઑન્ટેરિયોના મેયર રહી ચૂકેલા વિલિયમ સ્વૉર્ડ ફ્રૉસ્ટ દ્વારા એક કલાક ટાઇમ ઍડ્વાન્સિંગ મેથડને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને એનું અનુકરણ શરૂ થયું. 
આ ઊર્જાની બચતનો વિચાર જ્યારે જન્મ્યો ત્યારે ૧૯૦૮ પછીનાં એ વર્ષોમાં યુનાઇટેડ સિગાર સ્ટોર અને બીજા અનેક દ્વારા કેટલાંક ઐતિહાસિક પોસ્ટર્સ બહાર પાડવામાં આવ્યાં હતાં જેનાં આજે પોસ્ટર્સ કલેક્ટર્સ અને ઍન્ટિક માર્કેટમાં લાખોના ભાવ બોલાય છે. એમાંનાં અત્યંત પ્રચલિત થયેલાં બે પોસ્ટર્સ કંઈક એવાં હતાં જેના પર લખ્યું હતું, ‘Saving Day Light! Save 1,00,000 Tons of Coal By Using An Extra Hour of Day Light!’ તો વળી બીજા એક પોસ્ટર પર એવું લખાયું હતું કે ‘You Can’t Stop Time... But you can turn it back One Hour!’

columnists gujarati mid-day