વૃદ્ધ હોવું એટલે આપણે હતા એનો મૌન સ્વીકાર કરી સમયમાં સમાઈ જવું

17 October, 2024 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બગીચાના બાંકડે બેસીને તેઓ રમતાં બાળકોને, વીતતા સમયને અને આસપાસ દોડતા લોકોને જોયા કરે છે. તેઓ ફરી-ફરી પોતાની ઘડિયાળમાં કેટલો સમય પસાર થયો એ જોયા કરે છે. હા, તેઓ ઉંમરના આ પડાવે થાક કરતાં વધુ સમય સાથે લડી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

બગીચાના બાંકડે બેસીને તેઓ રમતાં બાળકોને, વીતતા સમયને અને આસપાસ દોડતા લોકોને જોયા કરે છે. તેઓ ફરી-ફરી પોતાની ઘડિયાળમાં કેટલો સમય પસાર થયો એ જોયા કરે છે. હા, તેઓ ઉંમરના આ પડાવે થાક કરતાં વધુ સમય સાથે લડી રહ્યા છે. તેમને આપણે ‘સમજતા નથી, તેમને ખબર નથી પડતી, એક વાર કીધું તો પણ આવડતું નથી, જમાનો બદલાયો છે પણ તેમને એ વિશે ખબર નથી’ વગેરે કહીને ઓળખાવીએ છીએ, જાણીએ છીએ. 

હા, તેઓ આપણાં દાદા-દાદી કે નાના-નાની છે, આપણા ઘરનો વડલો, આપણને જેમણે અસ્તિત્વ દીધું તેવા પૂર્વજ, આપણી જ ઓળખના દાતા.  આજે વિજ્ઞાનની શોધે જીવનની ગુણવત્તામાં વધારો કર્યો છે એમ જ આયુષ્યની રેખા પણ લંબાઈ છે. આજે જીવન લાંબું થતાં ત્રણ પેઢી સાથે રહેતી થઈ છે અને પરિણામે વિચારોના મનમેળનો પ્રશ્ન જન્મે છે અને યુવા પેઢીને આગલી પેઢી સ્લો ભાસે છે. 

પણ યાદ રાખીએ વૃદ્ધાવસ્થા એટલે કુતૂહલ, વીરતા, લડવાનો જુસ્સો, વીતી ગયા બાદનું ડહાપણ, સ્થિરતા અને શાંત સ્વીકારભાવ. આ અવસ્થા પ્રયોગની નહીં, અનુભૂતિની છે. જે કરી લીધું છે એનાં પરિણામ, નિષ્કર્ષ અને ઉપસંહાર તેમ જ ઉપલબ્ધ અનુભવને આધારે ફળપ્રદ સારાંશ વ્યક્ત કરવાનો સમય છે. તેઓ આપણને સ્વીકારવાનો આગ્રહ નથી કરતા, આપણે તેમને સાંભળીએ એવી અપેક્ષા રાખે છે, પણ...

અત્યારે જેઓ ૪૫/૬૫ના વય-જૂથમાં છે તે છેલ્લો ફાલ છે જેને પરંપરાગત મૂલ્યો, સંસ્કૃતિમાં શ્રદ્ધા છે અને તેઓ માતા-પિતા અને બાળકો બન્નેને પકડી રાખી કુટુંબનો નાતો બાંધી રાખે છે, તેમના સ્વભાવમાં તડફડ નહીં, પણ ખૂબ જ ધીરજ અને સહનશક્તિ છે. આ પેઢીના ગયા પછી આપણને આ ભાવ અને શ્રદ્ધા કદાચ નહીં મળે. પ્રૌઢ પેઢીએ વિકાસ અને પહેલાંનો સંઘર્ષ બન્ને જોયાં છે, પણ જેમણે સંઘર્ષ નથી જોયો તેમને લાગે છે કે આ સમૃ​દ્ધિ તેમનો હક છે અને પરિણામે બગીચામાં બેઠેલાં તેમનાં દાદા-દાદી સાથે તેઓ ભાવનાત્મક કરતાં વધુ તાર્કિક બની જાય છે. 

વૃદ્ધ હોવું એટલે વધારાના કે નકામા હોવું એમ નહીં, પણ આખી જિંદગી જે વૃક્ષ પોષ્યું એને છાંયડે બેસીને આરામ કરી જીવનને જોવું, અનેક ઋતુઓને માણવાની રહી ગયેલી એને માણવી, જે કુટુંબ માટે કર્યું તેમના પર ઉપકાર નહીં પ્રેમ સમજીને કર્યું છે એનો સ્વીકાર કરવો, એ વીરતાનો કૅફ મનમાં ધારી સતત પોતાના અસ્તિત્વનો આનંદ માણવો. 

- પ્રા. સેજલ શાહ

columnists mumbai Sociology relationships