26 December, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી આનંદ થતો હોય, હર્ષ અનુભવાતો હોય અને વિયોગથી દુઃખ, શોક ગ્લાનિ થતાં હોય તો નક્કી માનવું કે આપણામાં સંસાર રહેલો છે, હરિ રહેલા નથી.
જેના હૃદયમાં હરિ બિરાજે છે તે કઈ વસ્તુની કામના કરે? ભગવાન સિવાય બીજું મેળવવાનું છે શું? આપણી બધી ક્રિયાઓ-પૂજા તેમ જ સેવાનું ફળ એટલું જ છે કે શ્રીહરિ આપણા હૃદયમાં બિરાજે. જમી રહ્યા પછી જેમ પતરાળું ફેંકી દેવામાં આવે છે તેમ ભગવાન મળ્યા પછી કોઈ પણ પ્રકારની લૌકિક કે વૈદિક કામના રહેવી ન જોઈએ. લૌકિક કામના હૃદયમાં સંઘરી રાખીને ભગવાનની સેવા કરી શકાતી નથી.
જીવનમુક્તિ : રોગનો હુમલો થાય, એકાએક આફત આવી પડે, આર્થિક હાનિ, સગાંસંબંધી સ્ત્રીપુત્રાદિકથી આપણો ત્યાગ થાય, કોઈ પણ વાતે આપણે સંસારમાં સ્થિર થઈ શકીએ નહીં ત્યારે પણ એક શ્રીહરિના શરણ-આશ્રયનો વિચાર કર્યા કરવો, તેમનું શરણ લેવું. કપરામાં કપરા લાગતા સંજોગોમાં પણ હરિના શરણે રહેવાથી અત્યંત આનંદ અને શાંતિનો લાભ મળશે. જેનું મન જીવનની દરેક સારી કે ખરાબ ઘટના વખતે પણ ભગવાનનું ચિંતન કર્યા કરે છે અને પ્રભુની કૃપા અનુભવે છે તે જ ખરો સદ્ભાગી કહેવાય. આ પરમ ભાગવતનાં દર્શન દુર્લભ છે.
આપણે દરેક વાતમાં ‘જેવી પ્રભુની ઇચ્છા’ એમ બોલીએ છીએ ખરા, પણ હકીકતમાં એવું ઇચ્છીએ છીએ ખરા? પ્રભુઇચ્છાને આધીન થવાને બદલે એની અવગણના કરીએ છીએ. પ્રભુની ઇચ્છા જ જો સર્વોપરી હોય તો શોકને અવકાશ જ કયાં છે? પ્રભુની ઇચ્છા જ કાર્ય કરે છે, માનવની નહીં. મદારીની ઇચ્છા પ્રમાણે માંકડું નાચે છે, સ્વતઃ માંકડું કંઈ કરી શકવા સમર્થ નથી. સેવા અને કથા
પુષ્ટિમાર્ગના બે મહાન આદેશ છે; સેવા અને કથા. સેવા અને કથામાં જો આજીવન આસક્તિ રહે અને કદી પણ આ બે સાધન છૂટે નહીં તો જાણવું કે એ વ્યક્તિનો નાશ થવાનો નથી. સેવાના અવસર વખતે સેવા કરવી અને સેવાના પ્રસંગ ન હોય ત્યારે કથામાં આસક્તિ રાખવી, આ બેનો આશ્રય સતત રાખવો. કથાશ્રવણથી ભગવદ્લીલાનું અનુસંધાન ચાલુ રહે છે. ભગવાનના ગુણ, પ્રભાવ, રહસ્ય અને શક્તિનો પ્રભાવ રહ્યા કરે છે. અને જેનું ચિંતન સતત રહેતું હોય એ રૂપ થઈ જવાય છે, એ દરેકનો અનુભવ છે. એટલે સેવા અને કથા એ બે સાધનોને જીવનમાં મુખ્ય કર્તવ્ય તરીકે ગણવાં જોઈએ. આ બે સાધનો વગર કદી રહેવું નહીં. દરરોજ સેવાકથા રસ પીધા જ કરવો.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી