જિંદગીમાં સમજણભર્યા સ્નેહસંબંધની હૂંફ મેળવનાર ખરેખર ખુશનસીબ છે

20 December, 2024 05:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાને ‘પ્રૅક્ટિકલ’ ને ‘વ્યવહારુ’ ગણાવતા જાડી ચામડીના લોકોની ખબર નથી, પણ એ સિવાયનાને મન તો આ માનવ-સંબંધની તાકાત, એની લાગણીની હૂંફ  એક જબરદસ્ત બૂસ્ટર જેવાં છે

પ્રતીકાત્મક તસવીર

જિંદગીની સફરમાં કેટલીયે વાર એ વાત અનુભવી છે કે સ્થૂળ અને દુન્યવી પ્રાપ્તિઓના ઢગલા વચ્ચે હોવા છતાં માનવીય સંબંધોની ઉષ્મા ન હોય તો માણસ ખુશ નથી રહી શકતો. તેના મનમાં અજંપો સળવળતો રહે છે. ખાસ કરીને તે સંવેદનશીલ હોય તો. રોજ સવારે ‘ગુડ મૉર્નિંગ’ કરતા પાડોશી કોઈક દિવસ ચૂપચાપ ચાલ્યા જાય તોય આવા માણસને મનમાં કંઈક અધૂરપનો ભાવ રહ્યા કરે. પોતાને ‘પ્રૅક્ટિકલ’ ને ‘વ્યવહારુ’ ગણાવતા જાડી ચામડીના લોકોની ખબર નથી, પણ એ સિવાયનાને મન તો આ માનવ-સંબંધની તાકાત, એની લાગણીની હૂંફ  એક જબરદસ્ત બૂસ્ટર જેવાં છે. એના થકી તે ભર્યા-ભર્યા રહે, એના થકી તેની હિમ્મત ને ખુમારી છલકે ને એના વિના તે જાતને ખાલી-ખાલી અને દરિદ્ર અનુભવે. પ્રેમ એટલે માગવું નહીં, પણ માગ્યા વિના આપવું એ તેમને સમજાવવું નથી પડતું. પોતાના પ્રેમાળ અને કાળજીભર્યા ઉછેરમાંથી એ સમજણ આપોઆપ તેમનામાં પાંગરી હોય છે.

એક્ઝામમાં ફેલ થયેલો દીકરો ઘરે આવે ત્યારે ભાંગી પડેલા દીકરાને જિંદગી એટલે માત્ર એ પરીક્ષા જ નહીં, એનાથી વિશેષ પણ ઘણું છે એવો અહેસાસ પોતાના વર્તનથી જે વડીલો કરાવી શકે તેમની પાસે આ સમજણ અને હૂંફનો ભંડાર છે. દીકરાની નિષ્ફળતાનું અપાર દુ:ખ તેમને હૈયે પણ હોય. પણ સાથે જ નિરાશાની આ પળે તો નાસીપાસ થયેલા દીકરાને એટલો જ સંદેશો આપવાનો હોય કે બેટા, હિમ્મત હારતો નહીં, આ નિષ્ફળતામાંય અમે તારી સાથે છીએ.

જેની સફળતા અને વાહવાહીમાં હંમેશાં હોંશે-હોંશે ભાગીદારી કરી છે એ જ પતિ બિઝનેસમાં નુકસાન કરી બેસે ત્યારે તેના પર મહેણાંટોણાની વર્ષા કરનારી પત્ની આવી હૂંફ પૂરી નથી પાડી શકતી. એ વખતે વહાલથી તેને બથાવી ‘અરે, આપણે મહેનત કરીને કાલ ફરી ઊભા થઈ જઈશું. હજાર હાથવાળો ધણી ઉપર બેઠો છે. ચિંતા શું કરો છો?’ એમ કહી પતિને સાચવી લેનારી પત્ની તેની સાચી સહચરી છે કારણ કે તેના સમજદારીભર્યા બોલમાં પોતાના માણસને હતાશાની ખાઈમાં ગબડતો અટકાવવાની તાકાત છે.

‘દુનિયામાં કોઈને તારો ખપ ભલે ન હોય, મને તો તારા વિના ચાલશે જ નહીં’ એ શબ્દોની સૌથી વધુ અને સૌથી તીવ્ર જરૂરિયાત માણસને ડિજેક્શનની પળોમાં હોય છે. એ સમયે હોઠ કે આંખ દ્વારા પણ આ લાગણી તેને પહોંચાડી શકાય અને એ જ તો હૂંફ છે. શિયાળામાં હૂંફ, ઉનાળામાં છાંયડો કે ચોમાસામાં કોરાશનું જે સ્થાન છે એ જ સ્થાન જિંદગીમાં સમજણભર્યા સ્નેહસંબંધની હૂંફનું છે. એવા મિત્રો-સ્વજનો મેળવનાર ખરેખર ખુશનસીબ છે.

 

- તરુ મેઘાણી કજારિયા

columnists