20 July, 2024 10:54 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
૨૭ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આન્વી કામદારના ટ્રેકિંગ દરમ્યાન થયેલા આકસ્મિક મૃત્યુએ ચકચાર મચાવી છે. રાયગડ જિલ્લાના માણગાવ તાલુકાના કુંભે વૉટરફૉલ પર ગયેલી આન્વી રીલ બનાવતી વખતે ખીણમાં નહોતી પડી એવું તેના પરિવારજનોએ કહ્યું છે, પણ આ ઘટના પછી વ્યુઝ અને લાઇક્સ માટે રીલ-સ્ટાર્સ કઈ હદે જાય છે એની ચર્ચા ફરી ઊપડી છે. છેલ્લા થોડાક અરસામાં બનેલી કેટલીક ઘટનાઓ અને કેટલાક સર્વે રિપોર્ટ પણ ક્યાંક આ વાતને સાચી ઠેરવી રહ્યા છે. જેમ કે ઉત્તરાખંડમાં છેલ્લાં બે વર્ષમાં રેલવે ટ્રૅક પર થયેલા અકસ્માતમાં ૬૩ ટકાનો વધારો થયો છે, જેની પાછળ ફોટો અને વિડિયો બનાવવાનો ક્રેઝ જવાબદાર છે એવો દાવો ઉત્તરાખંડની ગવર્નમેન્ટ રેલવે પોલીસે પોતાની પાસે રહેલા ડેટાના આધારે કર્યો છે.
આવા અઢળક કિસ્સા છે. ગયા મહિનાની ૧૮ જૂનનો એક બનાવ છે. મહારાષ્ટ્રમાં રહેતી ૨૩ વર્ષની શ્વેતા સુરવાસે ખીણથી પચાસ મીટરના અંતરે ગાડી રાખીને રિવર્સ કાર ડ્રાઇવ કરવાનો વિડિયો બનાવી રહી હતી. વિડિયોનું શૂટિંગ તેનો ફ્રેન્ડ કરી રહ્યો હતો. શિખાઉ લેવલે ડ્રાઇવિંગ જાણતી શ્વેતાથી રિવર્સ ડ્રાઇવિંગમાં ભૂલથી બ્રેકને બદલે એક્સેલરેટર દબાઈ ગયું, તેનો મિત્ર સ્લો થવાનું કહેતો રહ્યો અને પાછળ પણ દોડ્યો; પરંતુ ત્યાં સુધીમાં તેની ગાડી ૩૦૦ ફીટ ઊંડી ખાડીમાં પડી ગઈ હતી. એક કલાકના રેસ્ક્યુ ઑપરેશન પર પછી શ્વેતા બેભાન અવસ્થામાં મળી અને અંતે હૉસ્પિટલ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
છત્તીસગઢમાં સાયન્સના પહેલા વર્ષમાં ભણતો વીસ વર્ષનો એક યુવાન રીલ બનાવવા કૉલેજની ટેરેસ પર મિત્રો સાથે સ્ટન્ટ કરી રહ્યો હતો એમાં પડ્યો અને મૃત્યુ પામ્યો.
ઉત્તર પ્રદેશના હમીરપુર ડિસ્ટ્રિક્ટમાં ૧૧ વર્ષનો છોકરો યુટ્યુબ પર રૂમાલથી ફાંસીનો ફંદો બનાવીને એમાંથી સહીસલામત પાર પડવાની ટ્રિકનું અનુકરણ કરવા ગયો અને મમ્મીના દુપટ્ટાથી ફાંસીનો ફંદો બનાવ્યો, પણ તે છટકી ન શક્યો અને ગળામાં ભીંસ આવતાં ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. પોલીસ તપાસમાં એ બાળકે છેલ્લે જોયેલી ‘દેખા, મુઝે કુછ નહીં હુઆ’વાળી રીલ પણ
સર્ચ-હિસ્ટરીમાં મળી ગઈ.
મે મહિનામાં પાલઘરના દાભોસા વૉટરફૉલ્સમાં સાજિદ શેખ નામના ચોવીસ વર્ષના યુવાને ઇન્સ્ટા રીલ માટે સ્ટન્ટ કરવા ૧૨૦ ફીટની ઊંચાઈએથી પાણીમાં કૂદકો માર્યો અને અચાનક ફ્લો વધતાં પાણી સાથે વહી ગયો. આ આખો બનાવ તેના એ વિડિયોમાં કૅપ્ચર થઈ ગયો. શેખ સાથે તેના બીજા મિત્રએ પણ ઝરણાનું પાણી જ્યાં ભેગું થતું હતું એ તળાવ જેવા ભાગમાં કૂદકો માર્યો હતો. એનું પાણી લીલાશ પડતું હતું એટલે નીચે રહેલા પથ્થરો દેખાયા નહીં. શેખનો મિત્ર તો બચી પણ ગયો પણ શેખનું માથું પથ્થર સાથે અથડાયું હોવું જોઈએ. છ કલાકના સર્ચ-ઑપરેશન પછી તેની બૉડી બચાવકર્તાઓને મળી હતી.
વિડિયો બનાવવા જતાં રાજસ્થાનના એક યુવાને ગન-ફાયર કર્યું અને ભૂલથી બીજા યુવાનને ગોળી વાગી અને તે હૉસ્પિટલ પહોંચે એ પહેલાં મૃત્યુ પામ્યો.
તામિલનાડુમાં એક યુવાનનો વિડિયો લેવા માટે તેનો ફ્રેન્ડ ટ્રેનના છાપરા પર ચડ્યો અને ભૂલથી હાઈ વૉલ્ટેજ વાયરના સંપર્કમાં આવતાં ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો.
કર્ણાટકમાં ૨૩ વર્ષનો છોકરો પાણીના ધોધમાં વિડિયો બનાવવા જતાં પાણીમાં લપસ્યો. આઠ દિવસે તેની બૉડી મળી હતી.
આવા અઢળક કિસ્સાઓ તમને મળશે જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની સોશ્યલ મીડિયા પર પોતાની ઓળખ ઊભી કરવાની ઘેલછા માટે જુદું કરવા જવાની લાલચ યુવાનોને પ્રાણથી હાથ ધોવા મજબૂર કરી જતી હોય. શૉર્ટ વિડિયો કન્ટેન્ટને મળી રહેલી લોકપ્રિયતા અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના વધી રહેલા દબદબાને પામવા માટેની આ દોડ ખૂબ જ જોખમી પુરવાર થઈ રહી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મમાં એકલા ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો પણ અત્યારે આખી દુનિયામાં એના લગભગ લગભગ બે અબજ જેટલા યુઝર્સ છે. એમાંથી પચાસ કરોડ જેટલા યુઝર્સ એકલા ભારતમાં છે. ભારતમાં પણ ખાસ કરીને નાનાં શહેરોમાં ઇન્સ્ટા વિડિયોઝ અને શૉર્ટ્સનો ક્રેઝ વધુ છે. જર્મન ડેટા ઍનલિસિસ કંપની સ્ટેટિસ્ટાના આંકડા કહે છે કે ભારતમાં લગભગ નેવું કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ઇન્ટરનેટનો વપરાશ કરતા દર ચારમાંથી ત્રણ જણ શૉર્ટ વિડિયો જોતા હોય છે અને પોતાના દિવસનો લગભગ એક કલાક આ વિડિયો જોવા પાછળ ખર્ચે છે. આ ડિમાન્ડને કારણે જ સોશ્યલ મીડિયા સેલિબ્રિટીઝનો પોતાનો રુત્બો છે. એ દબદબો મેળવવાની ઝંખના પૂરી કરવી હોય તો જરૂરી છે કે તમે વાઇરલ થાઓ અને વાઇરલ થવું હોય તો કંઈક એવું કરો જે કોઈએ નથી કર્યું અથવા તો જે લોકોને દંગ કરી જાય. બસ, આ જ ઘેલછા છે જેણે યંગસ્ટર્સને લોકોનું અટેન્શન મેળવવા માટે જીવ જોખમમાં મૂકીને પણ અફલાતૂન વિડિયો લેવા માટે પ્રેરિત કર્યા છે.
કુંભે વૉટરફૉલમાં ખીણમાં પડવાથી આન્વી કામદારના મૃત્યુને કારણે આ મુદ્દો ચર્ચામાં છે. આન્વી કોઈ રીલ નહોતી બનાવી રહી અને તેના હાથમાં ફોન નહોતો જેવા દાવા સાથે આ કમનસીબ ઘટનાને રીલ્સ સાથે જોડીને કન્ટેન્ટ-ક્રીએટરની બદનામી ન થવી જોઈએ એવો પણ એક સૂર નીકળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોય અને મસમોટું ફૉલોઇંગ ધરાવતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને કન્ટેન્ટ-ક્રીએટર આવી ઘટનાને કઈ રીતે જુએ છે, આવી ઘટનાઓને કારણે તેમને ડર લાગતો હોય છે? તેઓ પોતે જ્યારે જુદા-જુદા ટ્રાવેલ-ડેસ્ટિનેશનલ સાથે સંકળાયેલી રીલ્સ બનાવે ત્યારે કઈ તકેદારી રાખે છે જેવા સવાલોના જવાબો મેળવવા માટે અમે કેટલાક ટ્રાવેલ-ઇન્ફ્લુઅન્સર્સ સાથે કરેલી વાતો પ્રસ્તુત છે અહીં.
જાન હૈ તો જહાન હૈ એ વાત પણ કોઈએ શીખવવી પડે એટલા મૂર્ખ તો નથીને આપણે?
સની ગાલા, @worthasshott
છેલ્લાં દસ વર્ષથી ફુલટાઇમ ફોટોગ્રાફર અને કન્ટેન્ટ-ક્રીએટર તરીકે સક્રિય ઘાટકોપરના સની ગાલાએ BMS કર્યું છે. ફોટોગ્રાફીનું પૅશન ફુલટાઇમ પ્રોફેશન બની ગયા પછી હવે કન્ટેન્ટ-ક્રીએશન કરતો સની કહે છે, ‘ખૂબ ભારત ફર્યો છું અને અહીંની અઢળક ખાસ-ખાસ વસ્તુઓ કૅમેરામાં કેદ કરી છે, પરંતુ એના માટે જીવન જોખમમાં મુકાય એવા એકેય સ્ટન્ટ કરવાની જરૂર મારે નથી પડી. અાન્વી સાથે જે બન્યું એ કમનસીબ ઘટના છે અને એ કઈ રીતે બન્યું એની મને ખબર નથી એટલે એમાં હું કોઈ કમેન્ટ નહીં કરું. જોકે એટલું ચોક્કસ કહીશ કે કન્ટેન્ટ-ક્રીએટરની જ ભૂલ ગણાવીને ખૂબ મોટા પાયે તેમની નેગેટિવ પબ્લિસિટી થઈ રહી છે, જે ખોટું છે. આવું તો કોઈ પણ સાથે બની શકે. તમે ફરવા ગયા હો તો પણ પગ લપસે અને પડી જવાય. એવા કેટલા અકસ્માત આપણી આંખ સામે છે. પરંતુ રીલ્સ અને સોશ્યલ મીડિયાને જોડીને એને જુદો જ રંગ આપવામાં આવી રહ્યો છે. અફકોર્સ, જે ગણ્યાગાંઠ્યા લોકો આ રીતે રીલ્સ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે અથવા પોતાનો જીવ જોખમમાં નાખે છે એનો હું વિરોધ જ કરું છું. વાઇરલ થવાની આ લાલસા અટકે એ જરૂરી જ છે અને વ્યુઝના ડાયનૅમિક્સ આવાં ગાંડપણ સાથે નથી સંકળાયેલાં એ વાત મારા જીવન પરથી પણ તમે શીખી શકો છો. મેં ક્યારેય આઉટ ઑફ ધ વે જઈને ફોટો નથી પાડ્યા અને છતાં મારા ફોટોઝ અને વિડિયોઝ વાઇરલ થયા છે. ઇન ફૅક્ટ, કન્ટેન્ટ-ક્રીએશન માટે મને અવૉર્ડ મળ્યો છે. એક સલાહ હું સહુને આપીશ કે ચોમાસામાં અને બાકીના સમયે ટ્રેકિંગ પર જાઓ ત્યારે લોકલ અને એક્સપર્ટ લોકોની ટીમ સાથે જાઓ. બિનજરૂરી રિસ્ક નહીં લો. તમારી સેફ્ટીનું ધ્યાન તમારે રાખવાનું છે. એના માટે તમને સલાહ આપવી પડે એ શરમજનક વાત છે.’
હું એ દિવસે કુંભે વૉટરફૉલ પર હાજર જ હતો: આ બહુ જ મોટી શીખ છે
કુમાર રાઠોડ, i_am_mumbaikar
ઇન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ-ઇન્ફ્લુઅન્સર તરીકે ઊભરી રહેલો કુમાર રાઠોડ મહારાષ્ટ્રના ફોર્ટ પર જઈને રીલ બનાવતો હોય છે. ફૂડ-બ્લૉગિંગ અને ટ્રાવેલ-બ્લૉગિંગ કરતો આ બાવીસ વર્ષનો તરવરાટભર્યો યુવાન પણ બેસ્ટ શૉટ માટેના પ્રયાસો કરતો હોય છે. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી અત્યારે સંપૂર્ણ સમય કન્ટેન્ટ-ક્રીએશન માટે આપી રહેલો કુમાર કહે છે, ‘જે દિવસે અાન્વી કામદારની દુર્ઘટના ઘટી ત્યારે હું પણ મિત્રો સાથે કુંભે વૉટરફૉલ પર જ હતો. ત્યાં જ એક યુવતી ખીણમાં પડી છે એ પણ ન્યુઝ મળેલા. જોકે એ કોણ છે એ ત્યારે ખબર નહોતી પડી. જોકે ત્યાં હાજર વ્યક્તિ તરીકે એક વસ્તુ મેં લોકો પાસેથી સાંભળેલી કે અાન્વી જ્યાંથી પડી એને બદલે બીજા રૂટથી રેસ્ક્યુઅર તેની શોધ કરી રહ્યા હતા, જેમાં ત્રણ-ચાર કલાક બગાડ્યા પછી પણ સફળતા ન મળી એ પછી તેમણે જે જગ્યાથી તે લપસી હતી ત્યાંથી જ તપાસ આદરવામાં આવી અને લગભગ એક કલાકમાં તેની શોધ થઈ ગઈ હતી. મને લાગે છે કે જો જલદી તેની શોધ થઈ હોત તો કદાચ તે બચી પણ શકી હોત. ખબર નથી, પરંતુ આ ઘટના મારા માટે પણ અલાર્મિંગ છે. ઘણી વાર કૅમેરાની કમાલને કારણે પણ વસ્તુ હોય એના કરતાં ડેન્જરસ લાગતી હોય છે અને એ સેન્સેશનથી લોકો એ રીલથી આકર્ષાતા હોય છે. હું પોતે પણ સાવધાની રાખું છું અને હવે તો ડબલ સાવધાની રાખીશ, પણ દરેકને કહીશ કે કૅમેરાને સ્માર્ટ્લી યુઝ કરતાં શીખી જાઓ. કન્ટેન્ટ-ક્રીએશનમાં રિસ્ક લેવાની જરૂર નથી. ચોમાસામાં તો ખાસ સાવધાની રાખવી જોઈએ.’
સો ટકા આ ઘટનાએ ભલભલાને હચમચાવી દીધા છે અને હવે ચેતીને જ રહીશું
ટ્વિન્કલ જૈન, @ca.twinklejain
મુંબઈમાં લોખંડવાલામાં રહેતી ટ્વિન્કલ જૈન સોશ્યલ મીડિયા પર ઇન્ફોટેઇનમેન્ટના વિડિયોઝ બનાવવા માટે જાણીતી છે. પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાના નાતે બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ જેવા વિષયો સાથે ટ્રાવેલ-રીલ્સ પણ તે બનાવે છે. અાન્વીના ન્યુઝથી અમે બધા જ શૉકમાં છીએ એમ જણાવીને ટ્વિન્કલ કહે છે, ‘તેની સાથે કયાં કારણોસર આ દુર્ઘટના ઘટી એ તો નથી ખબર, પરંતુ ક્યાંય પણ ફરવા જાઓ ત્યારે સાવધાની જરૂરી છે એટલું સમજાયું છે. એ વાત સાચી જ છે કે કન્ટેન્ટ જ અમારા માટે સર્વસ્વ હોય ત્યારે કંઈક હટકે અથવા અનોખું મળે એની તલાશ હોય જ, પરંતુ એમાં મર્યાદાઓ બાંધવી જરૂરી છે જે આજના નવા-નવા ઇન્ફ્લુઅન્સર્સ નથી સમજતા. કોઈકની રીલ્સને કારણે લોકોના ડિવૉર્સના કિસ્સા સાંભળ્યા છે. પબ્લિસિટીના મોહમાં જન્મેલા બાળકની મમ્મીને પોતાનાં બચ્ચાંઓને બિનજરૂરી રીતે સોશ્યલ મીડિયામાં ઇન્વૉલ્વ કરવાં હોય એ જોયું છે. એક નાનકડી અગિયાર વર્ષની દીકરી મેકઅપનું કોઈ યુવતી ન જાણતી હોય એટલું જ્ઞાન ધરાવે છે અને આ ઉંમરમાં તેણે સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ બનાવીને મેકઅપ વિડિયો અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. તેની ફૅમિલી પણ તેને ઇમ્પોર્ટેડ મેકઅપ લાવી આપે છે. અગિયાર વર્ષની ઉંમરે ચહેરા પર મેકઅપનો લપેડો ન કરાય એ સમજાવનારું તેની પાસે કોઈ નહીં હોય એ વાત પણ કેવી કહેવાય. રસ્તો ક્રૉસ કરતા વિડિયો, કોઈને કારણ વિના લાફો મારવાના વિડિયો, વિડિયો માટે ખાસ ફ્લાઇટમાં બેસવાની જદ્દોજહદ જેવું અઢળક મેં જોઈ લીધું છે. સો ટકા સાચી વાત છે કે સોશ્યલ મીડિયા આજે લોકોમાં ફાસ્ટ પબ્લિસિટી અને ઇન્કમની લાલચ વધારવાનું માધ્યમ બન્યું છે, જેના પર બ્રેક મારવાનો સમય છે.’
થોડાક સમય પહેલાં દુબઈ જઈ આવેલી ટ્વિન્કલે ત્યાં જઈને એક વિડિયો બનાવ્યો હતો એ કિસ્સો વર્ણવતાં કહે છે, ‘ઘણી વાર કંઈક નવું કરવાની લાલચ આપણી પાસે ખોટું પગલું ભરાવી શકે છે. હું મારો જ દાખલો આપું. દુબઈમાં ઘણા વિડિયોઝ મેં લીધા અને પોસ્ટ કર્યા. જોકે મને ત્યાંની મેટ્રોનો એક શૉટ જોઈતો હતો એટલે ખાસ ટૅક્સી કરીને એક લોકેશન પર પહોંચી. વિડિયો લીધો પણ એ ત્યાંની ઑથોરિટીએ ડિલીટ કરાવી નાખ્યો. છેલ્લે કૅબ કરીને પાછાં આવવું પડ્યું. કંઈ જ કર્યા વિના લગભગ બે હજાર રૂપિયાનું ટૅક્સીનું ભાડું ખરચવામાં મને કોઈ સંકોચ નહોતો થયો માત્ર એક મેટ્રોના શૉટ માટે. આજે જ્યારે એ વિશે વિચારું છું તો એમ લાગે છે કે એની જરૂર નહોતી. આપણે બધાએ જ હવે ગંભીરતા સાથે સોશ્યલ મીડિયાને ટ્રીટ કરવાની જરૂર છે. દેખાદેખી કે બેસ્ટ કન્ટેન્ટની આ હોડમાંથી નીકળીને તમને મજા આવે અને તમારી સાથે બધા માટે સેફ હોય એ કરવાનો સમય છે. અમુક બાઉન્ડરીઝ બનાવવાનો આ સમય છે. મેં નક્કી કર્યું છે કે અમુક પ્રકારના ડ્રેસવાળા, ડ્રિન્કિંગ કે સ્મોકિંગ જેવા ખોટા વિડિયો પણ હું ક્યારેય સોશ્યલ મીડિયા પર પોસ્ટ નહીં કરું. જ્યારે આટલા હજાર લોકો ફૉલોઅર્સ હોય ત્યારે ખોટો મેસેજ લોકો મારી પોસ્ટમાંથી મેળવે કે ગેરમાર્ગે દોરાય એ તો મને મંજૂર નથી જ.’
વિક્રોલીમાં રહેતો અને ડિજિટલ માર્કેટિયર તરીકે કામ કરતો તુષાર પુષ્પા પંચાલ છેલ્લાં પાંચ વર્ષથી
તુષાર પુષ્પા પંચાલ, @bombayiger
કન્ટેન્ટ-ક્રીએટર તરીકે ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ છે. મુંબઈની સુંદરતાને કૅમેરામાં કૅપ્ચર કરીને પોતાના ફોટોઝને ઇન્સ્ટા પર પોસ્ટ કરતો આ યુવાન સોશ્યલ મીડિયાને એક્સપ્રેશનનું માધ્યમ માને છે. અત્યારે દર થોડા દિવસે સામે આવી રહેલી આવી કમનસીબ ઘટનાઓ તેને પણ દુખી કરી દે છે. ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો અને સોશ્યલ મીડિયા પર બૉમ્બેઆઇગર તરીકે જાણીતો તુષાર કહે છે, ‘વર્ષમાં હું પાંચ-છ દિવસની બે ટ્રિપ કરું છું અને અફકોર્સ હું જ્યાં પણ જાઉં ત્યાંની બ્યુટીને કૅમેરામાં કૅપ્ચર કરતો પણ હોઉં છું. નેચર અને હિસ્ટરી આ બન્ને મારા રસના વિષય છે એટલે જે ઓછી ખેડાયેલી જગ્યાઓ છે એ પસંદ કરું છું. મારા પાંચ વર્ષના અનુભવ પરથી તમને કહીશ કે આજે જે નવા ઇન્ફ્લુઅન્સર બનવા જઈ રહ્યા છે અથવા તો બનવા ઇચ્છી રહ્યા છે એ લોકો પોતાની મર્યાદા જલદી ભૂલી જતા હોય છે. તેમને સતત પોતાની સાથે શું થઈ રહ્યું છે એ દુનિયાને કહી દેવું છે અને એટલે જ એમાં ક્યાંક સેન્સનો અભાવ જોવા મળે. નવા ઇન્ફ્લુઅન્સર આ વાત સમજે એ જરૂરી છે. તમારી સેફ્ટીની જવાબદારી તમારી છે. તમારી બેજવાબદારી તમારા પરિવારને કેટલી ભારે પડી શકે છે એનો તમને અંદાજ પણ નથી. હું ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો વિરોધી નથી પરંતુ એમાં સેફ્ટીનું ધ્યાન રખાય એ જરૂરી છે. ધારો કે તમે સહ્યાદ્રિમાં ટ્રેકિંગ પર જઈ રહ્યા છો તો તમારી સાથે જે ગ્રુપ છે એ કેટલું ટ્રેઇન્ડ છે, એનો રસ્તો કેવો છે એ બધી તમને પહેલેથી ખબર હોવી જોઈએ.’
ટ્રાવેલ રીલ બનાવતા ઇન્ફ્લુઅન્સરને સલાહ આપતાં તુષાર કહે છે, ‘ઇન્ફ્લુઅન્સર શબ્દ જ કહે છે કે લોકો તમારી વાતથી પ્રભાવિત થઈ રહ્યા છે. તમે કોઈકને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો એટલે તો તમારી જવાબદારી હજી વધી જાય. મોટા ભાગની ઍડ્વેન્ચર સાથેની ટ્રાવેલ-રીલમાં કન્ટેન્ટ-ક્રીએટર જગ્યા દેખાડે, ત્યાં જાઓ તો ક્યાં રહેવું, શું ખાવું, શું ખરીદવું એની વાત કરે પણ હેલ્થ પ્રિપરેશનની કોઈ ચર્ચા જ નહીં. તમને કયા હેલ્થ-પ્રૉબ્લેમ હોય તો અહીં ન આવવું, અહીં આવવાની હેલ્થ માટેની પ્રાયર ટ્રેઇનિંગ શું હોવી જોઈએ એની કોઈ ચર્ચા નહીં. સામાન્ય લોકોને હવે આ વાતથી માહિતગાર કરો અને તમારું આંધળું અનુકરણ લોકો ન કરે એના ડિસક્લેમર પણ તમે આપતા જાઓ એ જરૂરી છે. આ સમયે કન્ટેન્ટ-ક્રીએટર્સ વધુ જવાબદાર થઈને સાવધાની વિશે લોકોમાં જાગૃતિ લાવવા માંડે એ મહત્ત્વનું છે. બાકી ચોમાસામાં આવી દુર્ઘટનાઓ સામે આવતી જ રહે છે. થોડાક દિવસ પહેલાં એક આખી ફૅમિલી લોનાવલામાં પાણીમાં તણાઈ ગઈ. એ લોકો તો વિડિયો નહોતા બનાવતા છતાં આ બન્યું. અહીં કન્ટેન્ટ-ક્રીએટર્સ, ઇન્ફ્લુઅન્સર્સ અને રીલ્સ કે સેલ્ફી પર જ બધો બ્લેમ નાખવો યોગ્ય નથી.’