ચાલો, કાલા ઘોડા ફેસ્ટિવલની સેર કરવા

25 January, 2024 07:17 AM IST  |  Mumbai | Jigisha Jain

મુંબઈના જ નહીં, મુંબઈથી બહાર રહેતા લોકો જે ફેસ્ટિવલ જોવા-માણવા માટે આવે છે એવો કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ હાલમાં ચાલુ છે.

કાલાઘોડા ફેસ્ટિવલ

આમ તો આખું ઇન્સ્ટાગ્રામ કાલાઘોડા ફેસ્ટિવલના ફોટોથી ભરેલું છે. તમે પણ ત્યાં જઈને ફોટો પાડી શકો છો અને ટ્રેન્ડનો એક ભાગ બની શકો છો પરંતુ આ ફેસ્ટિવલ ફોટો પાડી અપલોડ કરી દેવા પૂરતો સીમિત નથી. અહીં રાખેલી દરેક કળાકૃતિ એક સંદેશ આપે છે, એક વિચાર આપે છે જેને જાણવાનો, સમજવાનો અને ગમે તો આત્મસાત કરવાનો પ્રયાસ પણ ચોક્કસ કરજો

મુંબઈના જ નહીં, મુંબઈથી બહાર રહેતા લોકો જે ફેસ્ટિવલ જોવા-માણવા માટે આવે છે એવો કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ હાલમાં ચાલુ છે. ફોર્ટ વિસ્તારમાં આવેલા કાલા ઘોડા પર રસ્તા પરથી પસાર થતી વખતે એકદમ રંગબેરંગી વાતાવરણ, લોકોની ભીડ જ્યાં ઊમટતી જોવા મળે એ જ છે મુંબઈનો જાણીતો કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ. જોકે આ જુદી-જુદી સંસ્કૃતિને જોડતા આ ઉત્સવમાં સંગીત, ડાન્સ, વિઝ્યુઅલ આર્ટ, ફાઇન આર્ટ, હસ્તકળા, સિનેમા, સાહિત્ય જે લગભગ બધાં જ આર્ટ ફૉર્મનો સમાવેશ કરવામાં આવે છે એટલું જ નહીં; આર્ટના જુદા-જુદા ફૉર્મ એટલે કે ફોક, ફ્યુઝન કે વેસ્ટર્નને પણ ખૂબ પ્રેમથી આવરી લેવામાં આવે છે. શૉપિંગ, ફન, ખાણીપીણીની લહેજત અને કળાની ઉજવણી બધું જ જ્યાં મળી રહેશે એવો કાલા ઘોડા ફેસ્ટિવલ છેલ્લા ઘણા સમયથી આર્ટના માધ્યમથી પર્યાવરણને બચાવવાની પેરવી કરી રહ્યો છે. 

પ્લાસ્ટિકથી થતા નુકસાનને દર્શાવતી કલાકૃતિ સાથે પ્લાસ્ટિક બૉટલ લઈને ફોટો!

આ વર્ષે પણ પર્યાવરણની જાળવણીના ભાગરૂપે દરિયાઈ જીવોની સુરક્ષા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ એ સંદેશ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો હતો. ફેસ્ટિવલના દ્વાર પર જ પ્લાસ્ટિકની બૉટલોનો દરવાજો બનાવી એની આજુબાજુ સ્ટીલની બૉટલો લટકાવવામાં આવી હતી જેને અપનાવવાની અરજ કરવામાં આવેલી. એ ગેટ પર નીચેની તરફ પ્લાસ્ટિકના કૅસરોલને એકસરખા ગ્રે રંગમાં પેઇન્ટ કરીને ગોઠવવાનું કામ ઘણું કલાત્મક લાગેલું. ડિજિટલ રજિસ્ટ્રેશન કરીને સિક્યૉરિટી ચેક પસાર કરી અંદર જઈએ ત્યારે સ્ટૉલ્સ શરૂ થાય એ પહેલાં જ ઘણાંબધાં આર્ટ ઇન્સ્ટૉલેશન છે જેના પર તમારી નજર ચોંટી જાય. સૌથી વધુ મજા પડી પેઇન્ટ કરેલી કચરાપેટી જોઈને. ત્યાં બ્રિક-ઓ-લેગ, ધ સ્પૅનિશ ઓડિસી, ડાન્સ ઑફ ધ એલિમેન્ટ્સ, પાંચ મહાભૂત, શંખનાદ જેવી ઘણી કૃતિઓ આકર્ષક હતી. એક ઇન્સ્ટૉલેશનમાં ક્રીએટિવ ફૅશન દર્શાવવા માટે પાંચ મૅનિકિન્સ રાખવામાં આવ્યાં હતાં જેમાં આગળ દોરાની કોકડીનો ડ્રેસ પહેરેલા પૂતળાને બધા એવી રીતે નીરખીને જોતા હતા જાણે સાચે જ કોઈ મૉડલ રૅમ્પ વૉક કરી રહી હોય. કેટલાક અંકલો તો એ મૉડલ જેવા લાગતા મૅનિકિન સાથે સેલ્ફી લઈ રહ્યા હતા એ જોઈને રમૂજ પડે એમ હતું. નવાઈની વાત એ હતી કે એ ફૅશન શોનું પ્રતીકાત્મક સ્વરૂપ જાણે કે લોકોને રિયલ ફૅશન શો જ લાગી રહ્યો હોય એમ એની આસપાસ અઢળક ફોટોગ્રાફર્સ હતા. બધાને એ કૃતિનો ફોટો પાડવો જ હતો. 

આટલી સુંદર કચરાપેટીઓ જોઈ છે ક્યારેય? 

શૉપિંગ માટેના અઢળક સ્ટૉલ્સ લાઇનબંધ હોય ત્યારે તમારા ૩-૪ કલાક તો ક્યાં નીકળી જાય એ ખબર પણ ન પડે. જે છોકરીઓને યુનિક જ્વેલરીનો શોખ હોય એમને તો ખૂબ મજા પડી જવાની છે, કારણ કે હૅન્ડમેડ જ્વેલરી, પેઇન્ટેડ જ્વેલરી, કાપડથી લઈને સિલ્વરમાંથી બનાવવામાં આવેલા ક્લાત્મક પીસ જોતાં જ લઈ લેવાનું મન થઈ જાય; પણ બજેટનું ધ્યાન નહીં રાખો તો ખૂબ ખર્ચો થઈ જશે એની ગૅરન્ટી. ભારતમાં જુદા-જુદા સ્થળેથી આવેલા કલાકારો પોતાની વસ્તુઓ જે રીતે વેચતા હતા, જો સમય મળે તો એમના કામ વિશે એમની સાથે ગપ કરવાની જુદી મજા હોય છે. 

પ્લેનેટ ગ્રીન હોય તો કેવું!

ત્યાંનો માહોલ અત્યંત રંગબેરંગી, ખુશનુમા અને કળાત્મક હતો પરંતુ આજના સમયની એક વસ્તુ જે ખટકે છે એ છે ફોટો પાડવાનો યુગ. ત્યાં જો ૧૦૦ લોકો હતા તો એમાંથી ૯૦ લોકો ફક્ત એક જ કામ કરી રહ્યા હતા અને એ છે ફોટો પાડવાનું. ઇન્સ્ટાગ્રામના જમાનામાં એક બેસ્ટ ફોટો માટે ૨-૪ કલાક કોશિશો કરતા લોકોને જોઈને એમ લાગતું હતું કે અહીં જે કંઈ પણ બનાવવામાં આવ્યું છે એ કળાની એમને પડી જ નથી. એમને પડી છે ફક્ત એક ફોટોની, જે એમના ઇન્સ્ટાગ્રામની શોભા વધારી શકે. ફોટો પાડો એ તો યાદગીરી છે પણ ત્યાં કલાકારોએ કરેલી મહેનતને સમજવાની કોશિશ પણ કરો. એ કળાને માણવાનું અને ગમે તો આત્મસાત કરવાનું ભૂલી ન જતા. 

કાલા ઘોડા ફેસ્ટિવલમાં થઈ રહેલા વિવિધ કાર્યક્રમો

કૅટેગરી

તારીખ

સમય

જગ્યા

પ્રોગ્રામ

બાળકો માટે (ઉંમર બાધ્ય નથી)

દરરોજ

સાંજે ૬ - ૭.૩૦ સુધી

MSMVS ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ

નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા બાઓબેબ ટ્રી પાસે તારા દર્શનનો પ્રોગ્રામ છે.

 

બાળકો માટે ઉંમર -

૨૮ જાન્યુઆરી

બપોરે ૨.૩૦થી ૪ વાગ્યા સુધી

MSMVS ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ

વેલકમ ટુ વન્ડરલૅન્ડ ઑફ ચિત્રકથા

સિનેમા

૨૭ જાન્યુઆરી

સાંજે ૫થી ૭ વાગ્યા સુધી

કુમારસ્વામી હૉલ, CSMVS

૧૮-૨૫ વર્ષના યુવા ફિલ્મમેકર્સ દ્વારા મુંબઈ થીમ પર બનેલી ૫ મિનિટની ૧૫ જુદી-જુદી શૉર્ટ ફિલ્મ્સ જોવા મળશે.

ડાન્સ

૨૭ જાન્યુઆરી

સાંજે ૭.૫૦ વાગ્યે

ક્રૉસ મેદાન

સ્ટ્રીટ ઓ ક્લાસિકલ - શ્વેતા વૉરિયર દ્વારા ભરતનાટ્યમ અને સ્ટ્રીટ ડાન્સિંગનું અનોખું કૉમ્બિનેશન પ્રસ્તુત કરવામાં આવશે.

ફૂડ

૨૬ જાન્યુઆરી

બપોરે ૧૧થી ૧ સુધી

ધ કૅથીડ્રલ

કુકિંગ વિથ મિલેટ્સ - શેફ ભિરવ સિંહ સાથે મિલેટમાંથી બનાવી શકાય એવી અવનવી વાનગીઓ શીખવાનો લાહવો.

એક્ઝિબિશન

બધા દિવસ

સવારે ૧૧થી સાંજે ૭ સુધી

ખાકી લૅબ, ફોર્ટ

મુંબઈનાં બિલ્ડિંગો પર સૌરભ ચંદેકર દ્વારા તૈયાર કરવામાં આવેલુ વિઝ્યુઅલ આર્ટ એક્ઝિબિશન

સાહિત્ય

૨૬ જાન્યુઆરી

સાંજે ૭ વાગ્યે

DSL ગાર્ડન

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની -હુસૈન હૈદરી દ્વારા કાવ્ય પઠન

સંગીત

૨૮ જાન્યુઆરી

સાંજે ૮ વાગ્યે

ક્રૉસ મેદાન

ઍક્ટર, ડિરેક્ટર, આર્ટિસ્ટ ફરહાન અખ્તર લાઇવ મ્યુઝિક પ્રોગ્રામ

નાટક

૨૭ જાન્યુઆરી

સાંજે ૭થી ૮.૩૦

યશવંતરાવ ચવાણ સેન્ટર, રંગસ્વર

અદ્ભુત - RJ દેવકી દ્વારા અભિનીત અને મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત નાટક

નાટક

૨૮ જાન્યુઆરી

સાંજે ૭થી ૮

યશવંતરાવ ચવાણ સેન્ટર, રંગસ્વર

ઈઝી એન્ડ - સિદ્ધાર્થ શાહ અને પ્રિયંક દેસાઈ લિખિત અને પ્રીતેશ સોઢા દિગ્દર્શિત નાટક

હસ્તકળા

દરરોજ

બપોરે ૩થી ૫

અટેલિયર ગૅલરી

ઑરિગામી વર્કશૉપ - સૉફી અહમદ પાસેથી લઈ શકાશે ઑરિગામી સેશન

વર્કશૉપ

૨૬ જાન્યુઆરી

સવારે ૧૧ થી ૧

BNHS

મૃણાલ કાપડિયા પાસેથી શીખો નકશાઓને સમજવાની એક રીત-કાર્ટોગ્રાફી જે વિજ્ઞાન અને કળા બનેનું મિશ્રણ સમજી શકાય.

 

columnists Jigisha Jain kala ghoda