29 September, 2024 02:47 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલ જે રોકાણકારો ડાઇવર્સિફાઇડ રોકાણ કરવા ઇચ્છતા હોય તેઓ ઓછો એક્સપેન્સ રેશિયો ધરાવતાં ઇન્ડેક્સ ફન્ડ્સની પસંદગી કરે છે. ઇન્ડેક્સ ફન્ડ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફન્ડ કે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) છે. ફન્ડ મૅનેજર ઇન્ડેક્સની બહારનાં કોઈ સ્ટૉક્સ કે બૉન્ડની જાતે પસંદગી કરતા નથી. આથી આ પ્રકારના રોકાણને પૅસિવ ઇન્વેસ્ટિંગ કહેવાય છે.
વિવિધ ઇન્ડેક્સ ફન્ડ
૧. નિફ્ટી 50 ઇન્ડેક્સ ફન્ડ : આ ફન્ડ નિફ્ટી 50 ઇન્ડેક્સના સ્ટૉક્સમાં રોકાણ કરે છે. આમ, માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ દેશની ટોચની ૫૦ કંપનીઓમાં રોકાણકારોને એક્સપોઝર મળે છે.
૨. સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ : બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રચલિત સેન્સેક્સના ૩૦ સ્ટૉક્સમાં રોકાણ કરનારાં આ ફન્ડ હોય છે.
૩. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ફન્ડ : આ ફન્ડ માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ બીજા 50 ક્રમાંકની ટોચની કંપનીઓ હોય એમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. ભવિષ્યમાં આમાંથી અમુક કંપનીઓ મુખ્ય 50 સ્ટૉક્સના ઇન્ડેક્સમાં આવી શકે છે.
૪. સેક્ટોરલ ઇન્ડેક્સ ફન્ડ : આ પ્રકારનાં ફન્ડ IT, ફાર્મા કે FMCG વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોના સ્ટૉક્સમાં રોકાણ કરતાં હોય છે.
૫. બૉન્ડ ઇન્ડેક્સ ફન્ડ : આ પ્રકારનાં ફન્ડ ઉચ્ચ ગુણવત્તાની ડેટ સિક્યૉરિટીઝમાં રોકાણ કરે છે.
૬. ગવર્નમેન્ટ બૉન્ડ ઇન્ડેક્સ ફન્ડ : આવાં ફન્ડ માત્ર સરકારી બૉન્ડ ધરાવતા ઇન્ડેક્સનું અનુકરણ કરતાં હોય છે. આ રીતે નિશ્ચિત વળતર આપનારી સિક્યૉરિટીઝમાં એક્સપોઝર મળે છે.
૭. ઇન્ટરનૅશનલ ઇન્ડેક્સ ફન્ડ : આવાં ફન્ડમાં રોકાણ કરીને રોકાણકારોને વિદેશના પ્રચલિત ઇન્ડેક્સ, જેમ કે S&P 500 વગેરેના સ્ટૉક્સમાં રોકાણ કરવાની તક મળે છે.
૮. સ્માર્ટ બીટા ઇન્ડેક્સ ફન્ડ : ઇન્ડેક્સની તુલનાએ થોડું વધુ ડાઇવર્સિફિકેશન કરવા કે જોખમ ઓછું કરવાની દૃષ્ટિએ અમુક વાર ઇન્ડેક્સ સિવાયના અમુક સ્ટૉક્સમાં રોકાણ કરવામાં આવતું હોય છે.
૯. ટોટલ માર્કેટ ઇન્ડેક્સ ફન્ડ : આવાં ફન્ડમાં સામાન્ય રીતે સમગ્ર માર્કેટને આવરી લેવામાં આવે છે, જેનાથી વિશાળ પ્રમાણમાં ડાઇવર્સિફિકેશન શક્ય બને છે.
૧૦. બૅલૅન્સ્ડ ઇન્ડેક્સ ફન્ડ : આવાં ફન્ડ ઇક્વિટી અને ડેટ બન્ને પ્રકારના ઇન્ડેક્સમાં રોકાણ કરીને જોખમ અને વળતરનું સંતુલન રાખવામાં આવે છે.
ઇન્ડેક્સ ફન્ડના ફાયદા
ફન્ડનું સંચાલન સક્રિય રીતે કરવામાં આવતું ન હોવાથી એનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોની સિક્યૉરિટીઝ આવરી લેવાતી હોવાથી રોકાણકારોને ડાઇવર્સિફિકેશનનો લાભ મળે છે.
ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સિક્યૉરિટીઝ બધાને ખબર હોવાથી ફન્ડ શેમાં કેટલું રોકાણ કરશે એ પહેલેથી નક્કી હોય છે. આ રીતે રોકાણકારોને પારદર્શક રીતે માહિતી મળી રહે છે.
ઇન્ડેક્સ ફન્ડ દરેક પ્રકારના ઇન્વેસ્ટર્સને માફક આવે છે. બજારમાં આવાં ફન્ડ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે.