02 January, 2023 12:25 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
પહેલી જાન્યુઆરી આવે એટલે ઊઠવામાં લેટ લતીફ પુરુષો વહેલા જાગવાનો ખુદને જ વાયદો કરતા હોય છે. જોશ-જોશમાં થોડા દિવસ ઊઠ્યા બાદ ફરી જેમના તેમ. આ વર્ષે તમે પણ આવું કમિટમેન્ટ કર્યું હોય તો ભૂતકાળમાં આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂકેલા પુરુષોના અનુભવો મોટિવેશનનું કામ કરશે
આ વર્ષે તો વજન ઘટાડીને જ રહીશ, ૨૦૨૩માં સિગારેટની લત છોડી દેવી છે, બિઝનેસમાં આટલો ટાર્ગેટ અચીવ કરવો છે, ગમે તે થાય, દરરોજ પાંચ વાગ્યે પથારીમાંથી ઊઠી જવું છે વગેરે વગેરે. નવું વર્ષ આવે એટલે આપણે ખુદને જાતજાતનાં વચનો આપી છીએ. આ બધાં કમિટમેન્ટમાં વહેલા ઊઠવાનો સંકલ્પ લેવો અને આખું વર્ષ એને ફૉલો કરવું કદાચ સૌથી અઘરો ટાસ્ક છે. મુંબઈની હેક્ટિક લાઇફમાં પુરુષોને રાત્રે સૂવામાં મોડું થતું હોવાથી વહેલા ઉઠાતું નથી. ખાસ કરીને ગુજરાતી પુરુષોની સવાર મોડી પડે છે. જોકે તેઓ પ્રયાસ કરે છે. કેટલાક સફળ થાય છે તો મોટા ભાગના પુરુષો થોડા દિવસ પછી ફરીથી પોતાની જૂની ટેવ મુજબ માથા પર તડકો આવે ત્યાં સુધી સૂતા રહે છે. નવા વર્ષમાં તમે પણ વહેલા ઊઠવાનો સંકલ્પ લીધો હોય તો ભૂતકાળમાં આવું કમિટમેન્ટ કરી ચૂકેલા પુરુષોના અનુભવો અને અખતરાઓ મોટિવેશનનું કામ કરશે.
અઘરું છે, પણ ટાસ્ક નથી
પહેલી જાન્યુઆરીથી સવારે પાંચ વાગ્યે ઊઠી જ જવું છે. લગભગ દર વર્ષે આવો પાકો ઇરાદો કરીને મોબાઇલમાં અલાર્મ મૂકનારા બોરીવલીના પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ રાહુલ સોની થોડા દિવસ થાય ત્યાં અલાર્મ બંધ કરીને પાછા સૂઈ જાય. આવું કેમ થાય છે એ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘નવું વર્ષ અને શિયાળો સાથે આવે એટલે પથારી છોડવાનું મન ન થાય. ઉનાળામાં પાછો વહેલો ઊઠીને ચાલવા જાઉં. ચોમાસામાં ફિફ્ટી-ફિફ્ટી સિચુએશન હોય. મારું વજન વધારે હોવાથી ઘણાં વર્ષથી એને ઉતારવાનો પ્રયાસ કરું છું. માંડ ઘટવાનું શરૂ થાય ત્યાં ઊઠવાની આળસ ચડે. અનિયમિતતાના કારણે વજનને જાળવી શકતો નથી. વહેલા ઊઠવાનો સંકલ્પ લેવો સહેલો છે, પરંતુ આખું વર્ષ ફૉલો કરવો અઘરું છે. જોકે હું એને ટાસ્ક નથી માનતો, કારણ કે મારો કેસ જુદો છે. વાસ્તવમાં વેરી યંગ એજથી મને રાત્રે ઊંઘ ઓછી આવે છે. વહેલી સવારે આંખ લાગે એમાં પાંચના સાત વાગી જાય. પપ્પાએ મને શીખવ્યું છે કે સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે તેથી પ્રયાસ કરતો રહું છું. વેઇટલૉસના કમિટમેન્ટને વળગી રહેવા, વૉકિંગની ટેવ પાડવા અને નિયમિતતા જાળવવા શિયાળાની ઋતુમાં રાત્રિભોજન પછી ચાલવા જવાનું રાખ્યું છે.’
પુસ્તકથી પ્રેરિત થયા
શાળાના દિવસોથી સવારે વહેલા જાગવા માટે જે સંઘર્ષ કરતો હતો એનો લૉકડાઉનમાં અંત આવ્યો. ઉત્સાહપૂર્વક આવી વાત કરતાં ઘાટકોપરના ઑન્ટ્રપ્રનર અને બ્રૅન્ડ-સ્ટ્રૅટેજિસ્ટ સચિન રૂપારેલ કહે છે, ‘મને યાદ છે સ્કૂલ લાઇફમાં ઘણી વાર નહાવાનો પણ સમય ન મળે એટલો મોડો ઊઠતો. હૉસ્ટેલ લાઇફમાં શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાની ફરજ પડતાં ગાડી માંડ પાટે ચડી. કૉર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી લીધા બાદ વહેલા ઊઠવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ પિયર પ્રેશર અને મુંબઈની હેક્ટિક લાઇફમાં સેલ્ફ-કમિટમેન્ટ પૂરું ન કરી શક્યો. ક્યારેક ગિલ્ટ પણ અનુભવતો. પછી તો પ્રયાસો જ છોડી દીધા. પૅન્ડેમિકમાં રૉબિન શર્માલિખિત 5 am ક્લબ નામનું પુસ્તક હાથમાં આવ્યું. વહેલા જાગવા માટેનાં કારણો શોધવામાં તેમ જ એને અમલમાં મૂકવામાં આ પુસ્તકે ઘણી મદદ કરી. પછી તો ઘણાં પ્રેરણાદાયી પુસ્તકો વાંચ્યાં. દરરોજ સવારે પાંચ વાગ્યે ફેસબુક પર લાઇવ આવતા 5 am ક્લબમાં લગાતાર ૧૮૩ દિવસ સુધી જોડાયેલા રહ્યા બાદ વહેલા ઊઠવું મારો ઉદ્દેશ બની ગયો. હવે મને અલાર્મની જરૂર નથી પડતી, કુદરતી રીતે જ સમય થાય એટલે આંખો આપોઆપ ખૂલી જાય છે. વૉકિંગ, યોગ, પ્રાણાયામ અને મેડિટેશન સાથે દિવસની શરૂઆત નિત્યક્રમ બની ગયો છે.’
આસ્થાથી મનોબળ વધ્યું
વહેલા ઊઠવાનો સંકલ્પ તો અનેક વાર લીધો છે. થોડા દિવસ જોશ-જોશમાં ઊઠી જઈએ પછી જેમના તેમ. નિયમિતતા જાળવવી ખરેખર અઘરું છે. ભૂતકાળમાં અનેક અખતરાઓ કર્યા છે. બિંદી મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ ધરાવતા ડોમ્બિવલીના ગૌતમ ધુલ્લા પોતાના અનુભવો શૅર કરતાં કહે છે, ‘ઘણી મથામણ બાદ વહેલી સવારે જાગવા માટેનો હેતુ જડી ગયો. સામાજિક અને ધાર્મિક સેવા સાથે જોડાયેલા રહેવું ગમતું હોવાથી ધર્મની ભાવનાને કમિટમેન્ટ સાથે જોડી દીધી. જૈન સાધુ-સાધ્વીજીઓ વિહાર કરતાં હોય એ દરમ્યાન અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. તેમનો વિહારનો સમય સવારે પાંચ વાગ્યાની આસપાસનો હોય. અંધારું હોય તેથી સુરક્ષા માટે સેવકોની જરૂર પડે. થોડા સમય પહેલાં મારી ઍન્જિયોપ્લાસ્ટી થઈ હોવાથી ભારે કસરત કે હેવી વર્ક ન કરી શકું, પણ ડૉક્ટરે ચાલવાની સલાહ આપી છે. અમારા ઘર નજીક વિહાર કરતા ગુરુદેવોના સેવક બનવાનું સેલ્ફ-કમિટમેન્ટ કરવાથી બે ફાયદા થયા, ચાલવાની સાથે-સાથે મારા હાથે સુંદર કાર્ય પણ થાય છે. હવે તો સેવક તરીકે ન જવાનું હોય એ દિવસે પણ ઊઠીને ચાલવા જાઉં છું. મારું દૃઢપણે માનવું છે કે આપણે જે કરવા માગતા હોઈએ એમાં શ્રદ્ધાનું પરિબળ ભળે પછી કંઈ મુશ્કેલ નથી.’
આ તરીકાઓ પણ અજમાવી જુઓઃ જિતેન્દ્ર ગુપ્તા
લેટ લતીફની જેમ પથારી પડ્યા રહેવું પસંદ હોય અથવા અનેક અખતરાઓ કર્યા બાદ પણ સવારે વહેલી આંખ ખૂલતી ન હોય એવા પુરુષોએ લાઇફકોચ જિતેન્દ્ર ગુપ્તાએ શૅર કરેલા કેટલાક આઇડિયાઝ અજમાવવા જેવા છે.
જોડાયેલા રહો : સામાન્ય રીતે વહેલા ઊઠવાનું કારણ લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવવાનો હોય છે. એક્સરસાઇઝ કે વૉકિંગ માટે ઊઠવાનું હોય તો આ કામ એકલા થવાનું નથી. લોકો સાથે જોડાયેલા રહેવાથી પ્રોત્સાહન અને કન્ટિન્યુ રહેવામાં મદદ મળે છે તેથી ગ્રુપ જૉઇન કરો.
અકાઉન્ટેબિલિટી બડી: કોઈ પણ કાર્ય એકલા કરવા માટે ખૂબ વિલપાવરની જરૂર પડે છે, જે બધા પાસે નથી હોતો. એક તબક્કે વિલપાવર વીક પડી જાય છે તેથી તમારી પાસે એવો બડી હોવો જોઈએ, જેને જવાબ આપવા માટે તમે બંધાયેલા છો. દાખલા તરીકે ઑફિસમાં કામનો રિપોર્ટ બૉસને આપવો પડે એવી રીતે વહેલા ઊઠીને શું કર્યું એની જાણકારી ફરજિયાતપણે કોઈને આપવાની હોય. પછી એ ગ્રુપ હોય, મિત્ર હોઈ શકે અથવા પ્રોફેશનલ પણ હોઈ શકે. જો વહેલા ન ઊઠો તો બડી તમને પેનલ્ટી ભરવાનું કહી શકે છે. પેનલ્ટી પણ ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ. આજે વહેલા નથી ઊઠ્યા તો નાસ્તો સ્કિપ કરવો પડશે અથવા હજાર રૂપિયા જમા કરાવવા પડશે. કમ્પલ્સરી કરવાથી કાર્યને પૂર્ણ કરવા માટે સપોર્ટ મળે છે.
રિવૉર્ડ યૉરસેલ્ફ : પેનલ્ટી હોય તો રિવૉર્ડ પણ હોવો જોઈએ. જોકે એ બન્ને તમારે જાતે જ જાતને આપવાનો છે. પોતાની જાતને પ્રૉમિસ કરો કે આખો મહિનો વહેલો ઊઠીશ તો સ્પામાં જઈને રિલૅક્સ થઈ આવીશ અથવા નવું ટ્રૅક પૅન્ટ લઈશ વગેરે. સેલ્ફ-મોટિવેશનમાં રિવૉર્ડના મહત્ત્વને ઓછું ન આંકો. આમ કરવાથી પણ તમે મોટિવેટ થશો.
સિમ્પલ હૈ : એક બહુ મજાનો સરળ તરીકો પણ છે. અલાર્મ વાગે એટલે ઊભા થઈને શૂઝ પહેરી લો, ભલે અલાર્મ બંધ કરીને પાછા સૂઈ જવું હોય અને કંટાળો આવતો હોય. એક વાર શૂઝ પહેરીને ઘરના દરવાજા સુધી ચાલવાની ટેવ પાડશો પછી એક દિવસ આવશે જ્યારે તમે ઑટોમૅટિક દાદરો પણ ઊતરી જશો. આ ટ્રિક સો ટકા કારગત નીવડશે.
પ્રેરણાદાયી પુસ્તકોએ મને વહેલા ઊઠવામાં ઘણી મદદ કરી. એનાથી પ્રેરિત થઈ દરરોજ સવારે પાંચ વાગ્યે ફેસબુક પર લાઇવ આવતા 5 am ક્લબમાં લગાતાર ૧૮૩ દિવસ સુધી જોડાયેલા રહ્યા બાદ વહેલા ઊઠવું એ મારો ઉદ્દેશ બની ગયો. હવે મને અલાર્મની પણ જરૂર નથી પડતી : - સચિન રૂપારેલ