02 August, 2023 12:39 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
અત્યારે તો વાત આવી છે એ માત્ર ડિજિટલ ન્યુઝ મીડિયાની વાત આવી છે, પણ કહેવાનું મન થાય કે ન્યુઝ જ નહીં, તમામ પ્રકારનાં ડિજિટલ મીડિયા પર અંકુશ આવે, કોઈની બીક રહે એ બહુ જરૂરી છે અને એનો અમલ જેટલો બને એટલો ઝડપથી થાય એ પણ એટલું જ આવશ્યક છે. આ જે આવશ્યકતા છે એનું કારણ માત્ર અને માત્ર આ દેશની, મારા-તમારા પરિવારોમાં સંયમ અને સમજણને સાચવી રાખતી આચારસંહિતા છે. ડિજિટલ મીડિયાના ઓપન પ્લૅટફૉર્મનો જે પ્રકારે દુરુપયોગ ચાલી રહ્યો છે એની સીમા બંધાશે તો સ્વાભાવિક રીતે અનેક બાબતોમાં સોસાયટીને જ લાભ થવાનો છે.
આજે તમે જુઓ, સોશ્યલ મીડિયા દ્વારા આવક ઊભી કરવાના નામે એવા-એવા કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે જે જોઈને શરમ આવ્યા વિના રહે નહીં. ગુજરાતી ફિલ્મોના અત્યંત જાણીતા અને જેના નામ માત્રથી આપણી આંખોમાં સન્માન જાગી જાય એવા એક ડિરેક્ટર, ઍક્ટિવ ડિરેક્ટર અને ઍક્ટિવ એટલે એવા ઍક્ટિવ ડિરેક્ટર જેની પાસે અત્યારે એટલું કામ છે કે મરવાનો સમય નથી એ મહાશય પણ ડિજિટલ મીડિયાના પ્લૅટફૉર્મ પર એવી ગંધાતી-ગોબરી ફ્રી વેબ-સિરીઝ બનાવી એના એપિસોડ મૂકે છે જે જોઈને ચીતરી ચડે છે. અફકોર્સ સૌથી પહેલાં એવી જાહેરાત પણ કરે છે કે ચોખલિયા અને સુષ્ઠુ-સુષ્ઠુ ઇચ્છનારા લોકો અત્યારે જ આ વિડિયો બંધ કરી દે, પણ મારું કહેવું એ છે કે તમે તમારા મગજનો ગંદવાડ કેવી રીતે આમ સરાજાહેર ઠાલવી શકો? કેવી રીતે તમે તમારા મનમાં ભરાયેલી વિકૃત વાસનાને આમ ટેબલ પર સજાવી શકો? કેવી રીતે તમે તમારી અતૃપ્ત વાસનાઓના આમ જાહેરમાં હારતોરા કરી શકો?
જુઓ સાહેબ, અહીં વાત કોઈ ચોખલાઈની કે પછી કોઈ ઔચિત્યની નથી, અહીં વાત છે એ તમારા સંસ્કાર અને તમારા શિષ્ટાચારની છે અને એનો જ્યારે ક્ષય થતો હોય ત્યારે ગુસ્સો આવી જાય છે. જગતઆખું જાણે જ છે કે શારીરિક સંબંધથી જ બાળક જન્મતું હોય છે, પણ એ વાતને આ રીતે, સાવ સહજપણે રજૂ કરવાનું કામ તો ક્યારેય માબાપ પણ કરતાં નથી અને એ તેમણે કરવું પણ ન જોઈએ. આ જે સભ્યતા છે એ સભ્યતા દરેકમાં હોવી જોઈએ અને જો એ નહીં હોય તો આવતો સમય બહુ આકરો અને અઘરો થઈ પડવાનો છે. તમે જો એવું ધારતા હો, એવું માનતા હો કે આપણે ત્યાં છે એના કરતાં તો અનેકગણી વિકૃતિ પશ્ચિમી દેશોમાં છે, પણ ના, એવું બિલકુલ નથી. જઈને જુઓ તમે આ જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર, તમને ખબર પડશે કે એવું કશું નથી. એ માત્ર ને માત્ર આપણી માન્યતા છે.
આપણને દોટ મૂકવી છે અને એ મૂકવા માટે આપણે ઢાળની રાહમાં રહીએ છીએ. એ જે ફ્રી વેબ-સિરીઝ આવી છે એ પણ એવો જ એક ઢાળ છે. આજે તમે વૈશ્વિક સ્તરે નામના કમાઈ ચૂક્યા હો અને તમારી સામે સફળતાની એક લાંબી મજલ હજી ખુલ્લી પડી હોય ત્યારે કોઈ આવું કાર્ય કરે તો ખરેખર તેની એ નાદાની માટે દુઃખ થાય અને અફસોસ પણ થાય. આ અને આ જ પ્રકારના માનવી છે જેને જોઈને કહેવાનું મન થાય છે કે સરકાર ડિજિટલ મીડિયાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ હવે ઘનિષ્ઠ રીતે કરવાની છે એ ખરેખર સારી અને આશીર્વાદમય વાત છે.