વાત ‘મારી શું ભૂલ?’ અને ‘જયેશભાઈ જોરદાર’ વચ્ચેની સામ્યતાની

05 June, 2023 03:11 PM IST  |  Mumbai | Sanjay Goradia

૨૦૧૨માં અમે બનાવેલું નાટક ‘મારી શું ભૂલ?’ શેમારુમી ઍપ પર છે. તમે એ જોશો તો તમને તરત જ ‘જયેશભાઈ જોરદાર’ યાદ આવી જશે. વાત સમજાઈ ગઈને?! આ જ પ્રકારની વાર્તા, પણ ઠીક છે, ચાલ્યે રાખે

‘તારી આંખનો અફીણી...’ જેવા અદ્ભુત ગીતના રચયિતા વેણીભાઈ પુરોહિત

દર બે-ત્રણ મહિને એક નવું નાટક આવતું હોય એવા સમયે કૅચી ટાઇટલ લાવવું ક્યાંથી? રંગભૂમિ પર એ જ ટાઇટલ વર્ક કરે જે લોકજીભે ચડી જાય. એનું કારણ છે કે અમારી પાસે જાહેરખબર કરવાનું એવું કોઈ મોટું તોતિંગ બજેટ હોતું નથી.

વર્ષ ૨૦૧૨ના શરૂઆતના છ મહિનામાં અમે ‘અમે પૂછીને થાય નહીં પ્રેમ...’, ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ અને ‘અરે વહુ, હવે થયું બહુ’ એમ ત્રણ નાટક કર્યાં અને એ પછી હું થોડો સમય લાગ્યો મારી પહેલી ગુજરાતી સિરિયલના પ્રોડક્શન પર. ગયા સોમવારે તમને કહ્યું એમ, આ સિરિયલ પણ મેં અમારી પાર્ટનરશિપવાળી કંપની હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ જ કરી હતી. ગુજરાતી સિરિયલનું બજેટ ખૂબ જ ઓછું હોવાથી હિસાબી લમણાઝીંક બહુ રહેતી, જેમાં મને પ્રોડ્યુસર મીના ઘીવાલાએ બહુ મદદ કરી હતી.

મારી આ પહેલી ગુજરાતી સિરિયલનું નામ ‘તારી આંખનો અફીણી’. હા, એ જ ટાઇટલ જે આપણા ગુજરાતી સુગમ સંગીતનું અત્યંત લોકપ્રિય ગીત છે. વેણીભાઈ પુરોહિતે લખેલું, દિલીપ ધોળકિયાએ ગાયેલું અને અજિત મર્ચન્ટનું સંગીત. અમે માત્ર એ ગીતનું ટાઇટલ જ લીધું એવું નહોતું, પણ અમે અમારી સિરિયલના ટાઇટલ સૉન્ગની ટ્યુન પણ અજિતભાઈવાળા ગીતની જ રાખી, પણ આવું કરવાનું નક્કી થયું એટલે મને થયું કે મારે આ બાબતમાં અજિતભાઈની પરમિશન લેવી જોઈએ. અજિતભાઈ તો એ સમયે હયાત નહોતા એટલે હું તેમનાં પત્ની જેને અમે બધા મમ્મી કહીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે અમારી સિરિયલનું ટાઇટલ ‘તારી આંખનો અફીણી’ છે અને હું એના ટાઇટલ-સૉન્ગમાં એ ટ્યુન રાખવા માગું છું જે અજિતભાઈની છે. જો તમે પરમિશન આપતાં હો તો...

‘ખુશીથી રાખો... હું પણ ખુશ થઈશ અને અજિત પણ બહુ રાજી થશે...’

મારી વાત પૂરી થાય એ પહેલાં જ તેમણે મને પરમિશન આપી દીધી અને ખૂબ બધા આશીર્વાદ પણ આપ્યા અને આમ મારી પહેલી ગુજરાતી સિરિયલ ‘તારી આંખનો અફીણી’ના કામનો પ્રારંભ થયો. એક તરફ એનું કામ ચાલતું હતું તો બીજી તરફ નવા નાટકનું કામ પણ શરૂ થઈ ગયું હતું.

તમને ખબર છે એમ, નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ સમયે જ અમે નવા નાટકના કામે લાગી ગયા હોઈએ. ‘અરે વહુ, હવે થયું બહુ’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ સમયે મેં વિપુલ મહેતાને ભ્રૂણહત્યા પર એક વાર્તા સંભળાવી હતી. આ વાર્તા મને એક મરાઠી ફિલ્મમાં આવેલી એક નાનકડી ઘટના પરથી સૂઝી હતી અને મેં એને ડેવલપ કરી હતી. વાર્તા વિપુલને સંભળાવી અને વિપુલને વાર્તા બહુ ગમી. આ નાટકનું ટાઇટલ ‘મારી શું ભૂલ?’. નાટકના મેકિંગની વાત કરતાં પહેલાં જ તમને કહું કે નાટક શેમારુમી ઓટીટી પ્લૅટફૉર્મ પર અવેલેબલ છે. તમે જોજો, બહુ મજા આવશે. સામાન્ય રીતે નાટક જોવાની વાત હું સૌથી છેલ્લે કહેતો હોઉં છું, પણ આ વાત અત્યારે કહી એની પાછળ એક કારણ છે. નાટક બનતું હતું એ દરમ્યાન જ મારા એની સામે કેટલાક વાંધા હતા અને એ બાબતમાં હું સાચો હતો એ વાત નાટક રિલીઝ થયા પછી પુરવાર પણ થઈ.

વાત આગળ વધારતાં પહેલાં તમને બીજી મહત્ત્વની એક વાત કહું.

આ નાટકનું ટાઇટલ પણ અમે માંડ-માંડ ફાઇનલ કરી શક્યા હતા. મેં તમને અગાઉ કહ્યું છે એમ, અમારી પાસે વાર્તાનો તોટો નહોતો, પણ ટાઇટલની બાબતમાં ઘણી વાર અમારી હાલત કફોડી થઈ જતી. દર બે-ત્રણ મહિને એક નવું નાટક આવતું હોય એવા સમયે કૅચી ટાઇટલ લાવવા ક્યાંથી? મેં તમને કહ્યું હતું એમ, રંગભૂમિ પર એ જ ટાઇટલ વર્ક કરે જે લોકજીભે ચડી જાય. એનું કારણ છે કે અમારી પાસે જાહેરખબર કરવાનું એવું કોઈ મોટું તોતિંગ બજેટ હોતું નથી. ફિલ્મવાળા પાસે બજેટ હોય એટલે એ લોકો જાહેરખબરનું હૅમરિંગ કરીને પણ ટાઇટલને પૉપ્યુલર બનાવી શકે, પણ અમારે તો ટાઇટલ જ એવું શોધવાનું જે પોતમેળે પૉપ્યુલર થાય. ઍનીવેઝ, મૂળ વાત પર આવીએ.

વાર્તા ફાઇનલ થઈ એટલે અમે કાસ્ટિંગ પર લાગ્યા. વાર્તા એક એવા વડીલની હતી જેને પોતાના કુટુંબની પ્રથા અને પરંપરાની બહુ ચિંતા હતી, તે એવું સતત માનતો કે પરંપરા, નીતિ-નિયમો અને રિવાજો દીકરા થકી જ ફળે અને એટલે તે ઇચ્છતો હતો કે તેના દીકરાની વહુને દીકરો જ આવે, દીકરી નહીં. હકીકતમાં આ જે ઇચ્છા હતી એ ઇચ્છા એ સ્તરે સ્ટ્રૉન્ગ હતી કે હવે તે જીદ બની ગઈ છે. વડીલને એક દિવસ ખબર પડે છે કે તેની પુત્રવધૂની કૂખમાં દીકરી છે એટલે હવે તે તેની પુત્રવધૂ પાસે અબૉર્શન કરાવવા માગે છે, પણ સસરાની વાત સાંભળી ગયેલી પુત્રવધૂ ઘરમાંથી ભાગી જાય છે. હવે એ બાળકીને જન્મ આપવા માટે ઝઝૂમે છે, તો સામા પક્ષે પેલો મોભી વહુને પાછી લઈ આવી દીકરી પડાવી નાખવા માટે લડે છે.

બને કે તમને આ વાર્તા જાણીતી, સાંભળેલી કે જોયેલી લાગે. હા, આ જ પ્રકારની વાર્તા ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની હતી. આ જ પ્રકારની વાર્તા, પણ ઠીક છે, ચાલ્યે રાખે. આપણે આગળ વધતા જવાનું અને હરખશોક કરવાનો નહીં. જરૂરી નથી કે તેણે મારા નાટકની વાર્તા લઈને ફિલ્મ બનાવી હોય. એક પ્રકારની વાર્તા બે જણને એકસાથે સૂઝી શકે છે.

પરિવારનો જે મોભી હતો એ મોભીના રોલમાં અમે સનત વ્યાસને લીધા. સનતભાઈ માટે આ રોલ એકદમ પર્ફેક્ટ હતો. આ એક રજવાડી ફૅમિલી હતું એટલે અમે બધાના લુક પણ એ જ મુજબના રાખ્યા હતા. આવું કરવા પાછળનું મુખ્ય કારણ કે એ જો અર્બન લુક હોય તો બને કે ઑડિયન્સ વાર્તા સાથે કનેક્ટ ન થાય અને એવું ન બને એટલે અમે વાર્તાને ગામડાની દેખાડી અને બધાનો લુક ગામઠી કર્યો. તમે જુઓ, ‘જયેશભાઈ જોરદાર’માં પણ એ જ કરવામાં આવ્યું છે અને આખી વાર્તાને ગામડાની વાત તરીકે રજૂ કરવામાં આવી છે.

સનતભાઈને કાસ્ટ કર્યા પછી અમે દીકરાના રોલમાં લઈ આવ્યા સૌનિલ દરૂને અને વાઇફના રોલમાં લીધી દ્રુમા મહેતાને. દ્રુમાની એક છૂપી વાત કહું. દ્રુમા બહુ સારી ઍક્ટ્રેસ તો છે જ પણ તે એટલી જ સરસ તબલાવાદક પણ છે. આ ત્રણ કાસ્ટિંગ પછી અમે કાસ્ટ કરી મેઘના સોલંકીને. મેઘનાએ નાટકમાં સુયાણીનો રોલ કર્યો હતો, જે બાળકને જન્મ આપવાનું કે ગર્ભપાત કરવાનું કામ કરતી હોય. મેઘના માટે અગાઉ કહી ચૂક્યો છું અને આજે હું ફરીથી કહું છું કે બહુ સારી અને પાવરફુલ ઍક્ટ્રેસ. તેને પોતાની કરીઅર દરમ્યાન ડિઝર્વિંગ રોલ બહુ ઓછા મળ્યા છે એવું કહેતાં પણ હું અચકાઈશ નહીં. સુયાણીના રોલમાં મેઘના રીતસર સ્ટેજ પર છવાઈ જતી હતી.

નાટકમાં એક લેડી ઇન્સ્પેક્ટર હતી, જેમાં અમે યોહાના વાચ્છાનીને લીધી. મિત્રો, યોહાના આપણા બહુ સારા ઍક્ટર એવા અજિત વાચ્છાનીની દીકરી. આ ઉપરાંત નાટકમાં પાત્રોચિત કહેવાય એવા રોલમાં અમે અલકા ચોટલિયા અને હર્ષ મહેતાને લીધાં. આપણા સૌના કમનસીબે હર્ષ હવે આ દુનિયામાં નથી, પણ હું કહીશ કે મારા ફેવરિટ ઍક્ટરો બહુ ઓછા છે, એમાં આ હર્ષનો સમાવેશ છે. નાટકના એક કૉમેડી કૅરૅક્ટરમાં અમે પરેશ ભટ્ટને લીધો અને એ પછી અમે કાસ્ટ કર્યો એક નવા કલાકારને, નામ એનું અમાત્ય ગોરડિયા. જોકે પોતાના આ કાસ્ટિંગથી અમાત્ય ખુશ નહોતો!

શું કામ?

એ અને નાટકની બીજી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે, પણ હા મિત્રો, આ શુક્રવારે મારી ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ આવે છે. જોવા જજો. નિરાશ નહીં થાઓ એની ગૅરન્ટી આ સંજય ગોરડિયાની. હસાવી-હસાવીને તમારા ગાભા કાઢી નાખીશ. કરાવી લો ટિકિટ બુક અત્યારે જ...

જોક સમ્રાટ
વિશ્વની સૌથી મોટી છેતરપિંડી એટલે...‘બટરસ્કૉચ આઇસક્રીમ.’ એમાં બટર તો નથી જ અને સ્કૉચ તો બિલકુલ જ નથી. ચીટર સાલા.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia