શ્રદ્ધા-અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા છે : શ્રદ્ધા સદા માન્ય છે, અંધશ્રદ્ધા નહીં

24 July, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓ પ્રમાણમાં ભાવુક હોય છે અને એનો ગેરફાયદો આ ધુતારાઓ ઉપાડે છે. આસારામ, રામરહીમ હોય કે રાધે મા હોય, લોકોના પૈસે તેઓ મોટા-મોટા આશ્રમ બાંધીને વૈભવશાળી જીવન જીવે છે અને એશ કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શ્રદ્ધાની વાત લખતાં જ યાદ આવે હાથરસની ઘટના. હાથરસમાં ભોલેબાબાનો સત્સંગ હતો. લાખો લોકોની ભીડ જમા થઈ હતી. સત્સંગ સમાપ્ત થતાં બાબાની ગાડીઓનો કાફલો પસાર થયો. બાબાની ગાડી પસાર થઈ એ પછી ગાડીનાં ટાયરની રજ લેવા ભક્તોએ ધસારો કર્યો! બાબાના ચરણની રજ પણ શા માટે લેવી જોઈએ એવી માન્યતા ધરાવનાર મને તો રીતસરનો આઘાત જ લાગ્યો કે ગાડીનાં ટાયરની રજ માથે ચડાવવા લોકો રીતસરના ગાંડા થયા? શું કહેવું આવા લોકોને? આ લોકો શ્રદ્ધાળુ છે કે અંધશ્રદ્ધાળુ? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે. શ્રદ્ધા તો સદા માન્ય છે, અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધા પર ચાબખા મારતાં અખો ભગત લખે છે,

‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.’

આગળ વધીને અખો ભગત કહે છે,

‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,

 તીરથ કરી થાક્યાં ચરણ તોયે ન પહોંચ્યા હરિશરણ.

તો વ્યથિત કવિ લખે છે,

‘અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળ કહે

અતિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણામાં વાવેતર કરે.

પત્રકાર કરસનદાસ મૂળજી, નર્મદ વગેરેએ અંધશ્રદ્ધા સામે લડત ચલાવી. ઘણા અનિચ્છનીય રિવાજ બંધ કરાવ્યા. તો હવે નવાં તૂત સામે આવતાં જાય છે અને નવાઈની વાત એ છે કે આવા બાબા કે સાધુઓના ભક્તોમાં મહિલાઓનું પ્રમાણ વધુ હોય છે. મહિલાઓ પ્રમાણમાં ભાવુક હોય છે અને એનો ગેરફાયદો આ ધુતારાઓ ઉપાડે છે. આસારામ, રામરહીમ હોય કે રાધે મા હોય, લોકોના પૈસે તેઓ મોટા-મોટા આશ્રમ બાંધીને વૈભવશાળી જીવન જીવે છે અને એશ કરે છે. બાબા કહે એ સાચું એવું કેમ થતું હશે? શું લોકોએ પોતાની બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે? વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટરોની વિજયકૂચમાં પણ લાખો લોકો ઊમટ્યા હતા. વર્લ્ડ કપ જીત્યા સારી વાત છે. ખુશી થઈ - ટીમને અભિનંદન, પણ એમાં લાખો લોકોએ પોતાના કામધંધા છોડીને ટોળાબંધ ઊભરાવાનું? કેટલા માનવકલાકો વેડફાયા, કેટલી વ્યવસ્થા કરવી પડી. ઍમ્બ્યુલન્સ, ડૉક્ટર્સની ફોજ, પોલીસની ફોજ... આવા નકામા તમાશામાં ડૉક્ટર અને પોલીસ બિઝી રહે તો જ્યાં ખરેખર તેમની જરૂર હોય ત્યાં તો તેઓ પહોંચી જ ન શકેને?   આવા બધા તમાશાઓમાં લાખો લોકો ભેગા થઈ જશે, પણ સાહિત્ય, વિજ્ઞાન કે ચિંતનનો કાર્યક્રમ હશે તો ૫૦ વ્યક્તિને ભેગી કરવી પણ મુશ્કેલ બને. એનો અર્થ એ થયો કે પ્રજાનો રસ પણ નિરર્થક બાબતોમાં જ વિશેષ છે. તો પછી ભગવાન બચાવે આપણને અને આપણા દેશને.

 

- નીલા સંઘવી (નીલા સંઘવી જાણીતાં લેખિકા છે અને દર મહિને પ્રગટ થતા ‘કપોળ સમાજ દર્પણ’ સામયિકનાં તંત્રી છે.)

columnists