સેક્ટરલ મ્યુચ્યુઅલ ફન્ડના લાભ અને ગેરલાભ બન્ને છે, એ સમજવા જોઈએ

21 July, 2024 10:28 AM IST  |  Mumbai | Rajendra Bhatia

અર્થતંત્રમાં ચોક્કસ ક્ષેત્રોમાં જે મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણ કરે છે એને સેક્ટરલ મ્યુચ્યુઅલ ફન્ડ કહેવાય છે

પ્રતીકાત્મક તસવીર

અર્થતંત્રમાં ચોક્કસ ક્ષેત્રોમાં જે મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણ કરે છે એને સેક્ટરલ મ્યુચ્યુઅલ ફન્ડ કહેવાય છે. જે-તે ઉદ્યોગમાં વૃદ્ધિની સંભાવનાને ધ્યાનમાં રાખીને આવા ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. જેના ફાયદા અને ગેરફાયદા બન્ને હોય છે

ફાયદા

૧. ઉચ્ચ વૃદ્ધિની સંભાવના : જે ક્ષેત્રના ઉદ્યોગોમાં વૃદ્ધિની સંભાવના ઊંચી હોય એવાં ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક સેક્ટરલ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પૂરી પાડે છે. હાલના સંજોગોમાં કહીએ તો સંરક્ષણ અને એનર્જી ક્ષેત્રમાં વધેલી માગને કારણે આ ઉદ્યોગોમાં ખાસ્સી વૃદ્ધિ નોંધાઈ છે. આવી તકને વહેલાસર ઓળખી લો તો સંભવિત રૂપે નોંધપાત્ર વળતર મેળવી શકે છે. 

૨. એક જ ક્ષેત્રની અંદર વિવિધતા: આમ તો આ એક જ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ એ જ ક્ષેત્રની વિવિધ કંપનીઓમાં રોકાણ કરીને એ ક્ષેત્રમાં તેઓ વિવિધતા મળે છે. આથી એક જ ક્ષેત્રના વિવિધ વિભાગોમાં જોખમ વહેંચાઈ જાય છે.

૩. પ્રોફેશનલ મૅનેજમેન્ટ : ચોક્કસ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા પ્રોફેશનલ્સ જે-તે ક્ષેત્રના ફન્ડનું સંચાલન કરતા હોય છે. રોકાણકારોને મહત્તમ વળતર મળી શકે એવું લક્ષ્ય રાખીને, શ્રેષ્ઠ કામગીરી કરનારા શૅરોને પસંદ કરવા માટે ફન્ડ-મૅનેજરો વિસ્તૃત સંશોધન અને વિશ્લેષણ કરે છે.

૪. થીમ અનુસાર રોકાણની તકોઃ   નાણાંને પ્રવર્તમાન મેક્રોઇકૉનૉમિક વિકાસ તેમ જ થીમ અનુસાર રોકી શકવાની તક આ ફન્ડ્સ આપે છે. જેમ કે હાલમાં સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે એવામાં આ ઊભરતા ક્ષેત્રના વિકાસમાં ભાગ લેવા માટે આ ફન્ડ્સ તક પૂરી પાડે છે.

ગેરફાયદા

૧. ઉચ્ચ જોખમ અને અસ્થિરતા : આ ફન્ડ્સનું બધું રોકાણ એક જ ક્ષેત્રમાં મર્યાદિત હોવાથી એ ક્ષેત્ર સાથે સંકળાયેલી અસ્થિરતા અને જોખમો સંકળાયેલા હોય છે. આર્થિક મંદી, નિયમનકારી ફેરફારો અથવા એ ક્ષેત્રને અસર કરતી પ્રતિકૂળ ઘટનાઓને કારણે આ ફન્ડમાં નુકસાન પણ થઈ શકે  છે. 

૨. વિવિધતાનો અભાવ : જો એ ક્ષેત્રની કામગીરી નબળી થાય તો વળતર પણ નબળું પડે છે.

૩. માર્કેટ ટાઇમિંગ અને સેક્ટર સાઇકલ : આ ફન્ડ્સમાં રોકાણ કરવા માટે માર્કેટ ટાઇમિંગ અને એ ચોક્કસ સેક્ટરની સાઇકલ બાબતે સારી સમજ હોવી આવશ્યક છે. દરેક ક્ષેત્ર સામાન્ય રીતે તેજી અને મંદીના તબક્કાઓમાંથી પસાર થતું હોય છે. ચોક્કસ સેક્ટરમાં પ્રવેશવા અથવા બહાર નીકળવા માટે યોગ્ય સમયની આગાહી કરવા નોંધપાત્ર કુશળતાની જરૂર હોય છે.

નિષ્કર્ષ : ચોક્કસ ઉદ્યોગમાં વૃદ્ધિની સંભાવનાની તકને ઝડપવા માગતા લોકો માટે સેક્ટરલ મ્યુચ્યુઅલ ફન્ડ્સ આકર્ષક તેમ જ આક્રમક રોકાણની તક આપે છે. રોકાણકારોએ ઉપર ચર્ચેલા લાભ-ગેરલાભને કાળજીપૂર્વક ધ્યાન રાખીને પોતાની જોખમ લેવાની ક્ષમતા અને ધ્યેયની સમયસીમાને કેન્દ્રમાં રાખીને નાણાકીય સલાહકારની સલાહને અનુસરીને નિર્ણયો લેવા જોઈએ.

mutual fund investment finance news columnists