લિવ-ઇન રિલેશનશિપમાં પણ હવે ‘શરતો લાગુ’

01 March, 2024 07:24 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

યુનિફૉર્મ સિવિલ કોડ અંતર્ગત ઉત્તરાખંડમાં લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ કાયદાઓ ઘડાઈ ચૂક્યા છે ત્યારે આવી રીતે રહેતા લોકોએ એ સંબંધનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડે યુનિફૉર્મ સિવલિ કોડ અંતર્ગત લગ્ન વિના કમિટેડ સંબંધોમાં સાથે રહેવા માટે ચોક્કસ કાયદાઓ ઘડ્યા છે. બિનસત્તાવાર સહજીવનના સંબંધમાં કાયદાકીય હસ્તક્ષેપ કરવાની વાત આવી છે ત્યારે નવી પેઢી આ કાયદાઓમાં સલામતી જુએ છે કે પછી મુક્ત સહજીવનમાં ફ્રીડમનું હનન થઈ રહ્યું છે એવું માને છે? જાણીએ નવી પેઢીના આ વિશે શું વિચાર છે  

યુનિફૉર્મ સિવિલ કોડ અંતર્ગત ઉત્તરાખંડમાં લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ કાયદાઓ ઘડાઈ ચૂક્યા છે ત્યારે આવી રીતે રહેતા લોકોએ એ સંબંધનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની ગયું છે એટલું જ નહીં, આવું ન કરનાર માટે પેનલ્ટી અને છ મહિનાની જેલ સુધ્ધાંની જોગવાઈ થઈ છે. આ ઉપરાંત આવા સંબંધમાં જન્મનાર બાળક કાયદેસર જ કહેવાશે અને એને માતા-પિતાની સંપત્તિનો કાયદેસર હક મળશે. આ ઉપરાંત આ ધારામાં જો લિવ-ઇનમાં રહેતા લોકો ૨૧ વર્ષથી નીચે હશે તો રજિસ્ટ્રાર દ્વારા એનાં માતા-પિતાને જાણ કરવામાં આવશે અને એ સંબંધને ખતમ કરી દેવામાં આવશે. આ સિવાય આ ધારામાં લિવ-ઇન ફોર્સફુલ ન હોવું જોઈએ, એકથી વધુ લિવ-ઇન ન હોવા જોઈએ, છૂટાં પડ્યા પછી બાળક થયું હોય તો ભરણપોષણ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આવા કાયદાઓ માટે ઘણાં રાજ્યો હજી પણ બેમત છે ત્યારે સમજવાની કોશિશ કરીએ યુવા પેઢી આ બાબતે શું માને છે.

કાયદો સારો પણ સમાજ સામે સુરક્ષાનું શું ?  મિશા ભટ્ટ, ૨૪ વર્ષ, અપરિણીત


ઘણા લોકોને આ કાયદાને ખાસ કરીને મહિલાઓની સલામતી માટેનું ઉત્તમ પગલું માને લાગે છે. આ વિશે મુક્ત મને પોતાની વાત વહેંચતાં ૨૪ વર્ષની અપરિણીત અને માર્કેટિંગ મીડિયા હેડ એવી કાંદિવલીની મિશા ભટ્ટ કહે છે, ‘સાચું કહું તો મને આ કાયદો જરાક મૂંઝવણભર્યો લાગે છે. એક તરફથી તો આ સારું જ છે કે લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધા મર્ડર કેસ પછી તો એક ભય વ્યાપી ગયેલો આવા સંબંધ માટે. છતાંય મને લાગે છે કે આમાં પ્રાઇવસી બરાબર જોખમાઈ શકે છે. આવા સંબંધો કદાચ સગાંવહાલાં અને ક્યારેક મા-બાપથી પણ ગોપનીય રાખવામાં આવે છે. એવા સમયે સરકાર પાસે આની બધી જ માહિતી હોય એ કેવું? બે પુખ્ત વયના લોકો સમજદાર હોય અને જો આપસી મનમેળ રાખતા હોય અને તેમને તેમના પરિવારોને ન કહેવું હોય તો એમાં ખોટું શું છે? ઘણી વાર ઇન્ટરકાસ્ટ પાર્ટનરશિપ હોય, બે અલગ ધર્મના લોકો હોય તેમની વાતો જો પોલીસ દ્વારા પરિવારને ખબર પડે તો તેમની સુરક્ષાનું શું? એ લોકો અલગ-અલગ રીતે ટાર્ગેટ થઈ શકે છે. આજે પણ આપણા દેશમાં ઓનર કિલિંગ થાય છે, ખાપ પ્રથાઓ છે અને આજે પણ ધાર્મિક પ્રેશર એટલું જ છે. આવા સમયે આવા કાયદા પર્સનલ લાઇફમાં ભયંકર વંટોળ લાવી શકે. જો આ કાયદામાં યુગલોની સલામતી અને પ્રાઇવસીની બાબતે કોઈ ખાસ જોગવાઈ થાય તો જ મારા મતે આ બરાબર છે. ૨૧ વર્ષથી ઉપર હોય કે ન હોય, એ લોકોની પ્રાઇવસી પ્રોટેક્ટ થવી જોઈએ અને એ ડેટા RTIથી પણ લીક થયો તો એનો રાજકીય ગેરલાભ ઉઠાવવાની સંભાવના પણ રહે છે. કોઈ પણ એક પાર્ટનર પણ જો ડિસઍગ્રીમેન્ટમાં આવે તો પણ સિક્યૉરિટી કૉમ્પ્રોમાઇઝ થઈ શકે. આમાં બાળકની સલામતી અને મેઇન્ટેનન્સની જે વાત છે એ સલામતીની દૃષ્ટિએ સારી છે. મહિલાઓ માટે વધુ સલામત બન્યું છે. લિવ-ઇન રિલેશન જ્યારે મુંબઈ જેવા મેટ્રો સિટી માટે પણ હજી એટલું કૉમન નથી બન્યું તો નાનાં શહેરોમાં તો ખબર નહીં આને કઈ રીતે લેવાશે. મારા મતે હજી પણ આમાં સરકાર દ્વારા આજનું યુથ શું વિચારે છે એના ઓપિનિયન લેવા જોઈએ.’

બિનઔપચારિક સંબંધોમાં ઔપચારિકતા ભળે તો એ કેવું? : પંક્તિ શુક્લા, ૩૦ વર્ષ


આપણે એવા જમાનામાં રહીએ છીએ જેમાં સંબંધો માટેની આપણી સમજ વધુ ને વધુ ઓપન થઈ રહી છે. આવું જણાવતાં કાંદિવલીમાં રહેતી પંક્તિ શુક્લા કહે છે, ‘મારા ઘણા મિત્રો લિવ-ઇન રિલેશનમાં રહે છે અને મેં બહુ નજીકથી એ લોકોનું જીવન જોયું છે. આવા સંબંધોમાં ખૂબ જ સ્વતંત્રતા મળે છે. ન ફાવે તો એકબીજાને છોડી શકાય છે. લોકો ધારે એમ રહી શકે છે અને સામાજિક વાડાથી વટીને અહીં એકબીજા માટેના સ્વીકારને વધુ માન આપવામાં આવે છે. લગ્ન બહુ મોટું કમિટમેન્ટ છે. એમાં પડવા પહેલાં આવી રીતે એકબીજાને સમજવામાં આવે એ મને ખોટું નથી લાગતું. પણ એમાં જો કાયદો વચ્ચે પડે તો ક્યાંક તો એ વાત લગ્ન જેવી જ ઔપચારિક થઈ જાય છે એવું મને લાગે છે. હા, સલામતી તો છે પણ ઔપચારિકતા ઉમેરાતાં આવા સંબંધોમાં કેટલીક મીઠાશ ટકી શકે એ ખબર નહીં. ઘણા લોકો કમિટમેન્ટથી ડરતા હોય અથવા થોડો સમય માગતા હોય. આનું રજિસ્ટ્રેશન થાય તો એ કમિટમેન્ટ જેવું જ ન થયું? મારા મતે આના વિશે હજી વધુ ઊંડાણમાં વિચારવું જોઈએ.’

કાયદો તો સારો છે પણ પ્રાઇવસી થોડી જોખમાય છેઃ મનાક્ષ ભાનુશાલી, ૨૪ વર્ષ, ઇન રિલેશનશિપ 


આજની પેઢી આંધળૂકિયું કરીને ઝંપલાવવામાં નથી માનતી, એને સંબંધ સાથે પ્રયોગો કરવા ગમે છે. આવું જણાવતાં બોરીવલીમાં રહેતા એક યંગ પ્રોફેશનલ અને ‘ઇન રિલેશનશિપ’ સ્ટેટસ ધરાવતા ૨૪ વર્ષના મનાક્ષ ભાનુશાલી કહે છે, ‘મને આ નિયમ ગમ્યો છે એનાં બે કારણો છે. એક તો એમાં કાયદાકીય હસ્તક્ષેપને લીધે થોડું સલામત થઈ ગયું છે. શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પછી તો લિવ-ઇન રિલેશન માટે આવું કશુંક પગલું જ યોગ્ય લાગે છે. જો એ સમયે તેમના સંબંધનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોત તો કદાચ તેને કાયદાકીય મદદ મળી શકી હોત, ટ્રૅક કરવું સરળ રહ્યું હોત વગેરે. આમાં બ્રેકઅપ થાય છે તો પણ કાયદાકીય રીતે સલામતી મળે છે. ઘણી વાર કાયદો ન હોય ત્યાં બ્લૅકમેલ થવાની શક્યતા રહે. જો આવા રિલેશનથી બાળક થાય તો એને પણ કાયદાકીય રક્ષણ મળે. બીજું એ કે આવા સંબંધોને સમાજ દ્વારા અલગ રીતે જ જોવામાં આવતા હોય છે. અનમૅરિડ કપલને જો કાયદાકીય રક્ષણ મળશે તો હૅરૅસમેન્ટ ઓછું થશે. હા, પણ આ નિયમથી જે વાત ઢાંકવા માગતા હોય એ છતી થઈ જાય છે એ મોટું જોખમ છે.’  

સલામતીની આટલી જ પડી છે તો હિંમત કરી લગ્ન કરી લો : સેજલ શાહ, ગુજરાતી સાહિત્યનાં પ્રાધ્યાપિકા


ભારતમાં લિવ-ઇન રિલેશન હજી પણ એક બોલ્ડ કન્સેપ્ટ તરીકે જ જોવામાં આવે છે. બંને આપસી સહમતીથી જ્યારે આવા સંબંધમાં હોય ત્યારે એની એક ચોક્કસ વૈચારિક ભૂમિકા હોય છે. લોકો સંબંધના વાડામાં પાડવા નથી માગતા અથવા એને અનુભવ કરીને સ્વતંત્ર નિર્ણય લેવા માગે છે. આવું જણાવતાં ગુજરાતી સાહિત્યનાં પ્રાધ્યાપિકા, લેખિકા-સંપાદક અને સમાજસેવિકા સેજલ શાહ કહે છે, ‘આવો કેવો નિયમ કે જે દહીં-દૂધમાં રાખે છે? નક્કી કરો, સલામતી જોઈએ છે કે સ્વતંત્રતા? આવા નિયમો સ્વતંત્રતાને કન્ટ્રોલ કરવા જેવા છે. આ લગ્નનું એવું રૂપ છે જેમાં સહજીવન છે પણ લગ્ન નથી, દહેજ નથી, કાયદા નથી, કન્યાદાન નથી કે નથી કોઈ ઍડ્જસ્ટમેન્ટ. જો એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને પરિવારને પણ જાણ કરવામાં આવે તો વિચારો કે આપણે એને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? આ વાત યંગ જનરેશન તરફ અવિશ્વાસ ઊભો કરે છે. આપણે એમના નિર્ણયો પર પૂરો ભરસો રાખવો જોઈએ. આવા સંબંધોમાં રહેનાર મોટા ભાગે એવા લોકો છે જેમને પોતે શું કરી રહ્યા છે એનું બરાબર ભાન હોય છે, મૅચ્યોર હોય છે એ લોકો. આપણે સમજવું રહ્યું કે આપણે બધી જ જગ્યાએ પેરન્ટિંગ નથી કરી શકવાના. કાયદા મુજબ તો નહીં જ. લાંબા ગાળે આ એવું જ થઈ જશે કે ‘અમે જ નક્કી કરીએ કે તમારે શું કરવાનું છે અને કોની સાથે રહેવાનું છે.’ તો પછી આ સંબંધની સ્વતંત્રતા ક્યાં રહી? આ એક રીતે મૅરેજ નહીં તો પણ મૅરેજ જેવો નેચર સેટ થઈ રહ્યો છે. હા, શ્રદ્ધા વાલકર જેવા કેસ બને છે અને કેટલાય હશે. પ્રૅક્ટિકલી આવાં લાખો કપલ્સમાં એકાદ ઘટના આવી બની જાય છે જે બાકીના બધા માટે કડક નિયમો લઈ આવે એ કેટલું વાજબી? રામરાજ્યમાં પણ કૈકેયી હતી જને? કૃષ્ણની હાજરીમાં પણ દુર્યોધન ક્યાં નહોતો? જેમને પ્રાઇવસી ડિક્લેર નથી કરવી તેમને એ મોકો આપવો જોઈએ. જો સલામતીની આટલી જ પડી છે તો એક વાર હિંમત કરી લગ્ન કે એન્ગેજમેન્ટ કરી લેવાં. જે સંબંધમાં યુગલ સ્વતંત્રતા અનુભવે છે ત્યાં ‘મૅરેજ નેચર’ સેટ કરવાની શું જરૂર છે? આ માનસિક સંકુચિતતા છે, આડકતરી રીતે કરવામાં આવતો સામાજિક માળખામાં જીવવા માટેનો ફોર્સ જ છે. યુવા પેઢી માટે અવિશ્વાસ હોવાથી તેમને સોટી મારી સીધા કરવા જેવી વાત થઈ, અમે કહીએ એમ નહીં કરો તો આમ થશે. રહી વાત મહિલાઓની સલામતીની, તો એક તરફ આપણે સ્ત્રી સશક્તીકરણની વાત કરીએ છીએ તો બીજી બાજુ ઓવરપ્રોટેક્શન ચાલુ છે. આજની સ્ત્રીઓને ફક્ત ભાવનાત્મક નિર્ણયો લેવા ન પરવડે. તેને તો બધું જ વિચારવું રહ્યું. જરૂર પડ્યે કડક થઈને, ક્રૂર થઈને નિર્ણયો લેતાં પણ તેને આવડવું જોઈએ. આવા સંબંધોની જવાબદારી એ બંને પાર્ટનર્સને પોતાને જ લેવાની હોય છે. સંબંધને પોતાના અધિકારથી જીવવા દો, એમાં નિયમો આપણે ન આપી શકીએ. સામાજિક સ્તરે એકબીજાને માનસિક-શારીરિક ઈજા ન કરે એટલો પાયો જ આપણે નાખી શકીએ. પછી તેમના સંબંધનું ઇન્ટીરિયર તેમને જાતે જ નક્કી કરવાનું છે.’

columnists life and style