‘ચૌદહવીં કા ચાંદ’ની અણધારી સફળતાએ ગુરુ દત્તને ફ્લૉપમાંથી હિટ ફિલ્મમેકર બનાવી દીધા

11 May, 2024 01:27 PM IST  |  Mumbai | Rajani Mehta

‘કાગઝ કે ફૂલ’ની જબરદસ્ત નિષ્ફળતા બાદ ગુરુ દત્તને મોટો આર્થિક ફટકો પડ્યો એટલે તાત્પૂરતો ‘આર્ટ ફિલ્મ’ માટેનો તેમનો મોહ ઓછો થઈ ગયો

‘ચૌદહવીં કા ચાંદ’ના પ્રીમિયરમાં વહીદા રહેમાન, બેબી ફરીદા, ગુરુ દત્ત અને ગીતા દત્ત.

‘કાગઝ કે ફૂલ’ની જબરદસ્ત નિષ્ફળતા બાદ ગુરુ દત્તને મોટો આર્થિક ફટકો પડ્યો એટલે તાત્પૂરતો ‘આર્ટ ફિલ્મ’ માટેનો તેમનો મોહ ઓછો થઈ ગયો. ગુરુ દત્ત ફિલ્મ્સને તાત્કાલિક એક હિટ ફિલ્મની જરૂર હતી. તેમણે ધાર્યું હોત તો ‘પ્યાસા’ પહેલાંની લોકપ્રિય ક્રાઇમ થ્રિલર ફિલ્મો ‘બાઝી’, ‘જાલ’, ‘આરપાર’ અને ‘સીઆઇડી’ જેવી ફિલ્મ બનાવી શક્યા હોત, પણ એ દિશામાં તેઓ પાછા જવા નહોતા માગતા એટલે વર્ષો પહેલાં તેમના હાથમાં એક વાર્તા આવી હતી એ યાદ આવ્યું.

વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા નૂરજહાંના પતિ શૌકત હુસેન પોતે જ લખેલી વાર્તા ‘એક ઝલક’ પરથી ફિલ્મ બનાવવાનો પ્લાન કરતા હતા. એ દરમ્યાન દેશના ભાગલા પડ્યા અને બન્ને પાકિસ્તાન જતાં રહ્યાં. આ વાર્તા ત્યાર બાદ અનેક ફિલ્મમેકર્સના હાથમાં ફરતાં-ફરતાં ગુરુ દત્ત પાસે આવી. તેમણે વિચાર્યું કે ભવિષ્યમાં ફિલ્મો બનાવીશ ત્યારે વાર્તા કામ લાગશે. આમ વર્ષો બાદ ‘એક ઝલક’ પરથી ‘ચૌદહવી કા ચાંદ’ની શરૂઆત થઈ.

અંધેરીના મૉડર્ન સ્ટુડિયોનો એક આખો ફ્લોર ગુરુ દત્તે ખરીદી લીધો હતો અને એને નામ આપ્યું હતું ગુરુ દત્ત સ્ટુડિયો. ‘ચૌદહવી કા ચાંદ’નું મોટા ભાગનું શૂટિંગ ત્યાં કરવામાં આવ્યું. શૂટિંગ શરૂ થતાં ગુરુ દત્તનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મ પર કેન્દ્રિત થઈ ગયું. ડિરેક્ટર હતા એમ. સાદિક, પરંતુ ગુરુ દત્ત ફિલ્મના શૂટિંગમાં ઓતપ્રોત થઈ ગયા હતા. અભિનય કરવાનો હોય કે કે સાથી-કલાકારોને સલાહ-સૂચન આપવાના હોય, તેમને જોઈને સૌને લાગતું કે તેઓ માનસિક રીતે સ્વસ્થ છે. આ હકીકત હતી કે પછી દેખાવ એ લોકો માટે સમજવું મુશ્કેલ હતું.

દિવસભર શૂટિંગમાં બિઝી રહ્યા બાદ જ્યારે રાત પડતી ત્યારે એકલતા તેમને ઘેરી વળતી. શરાબ તેમનો કાયમનો સાથી બની ગયો હતો. ઘણી વાર તો તેઓ સ્ટુડિયોમાં જ સૂઈ રહેતા. અંગત લાઇબ્રેરીમાં તેમણે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને બંગાળી ભાષાનાં અનેક પુસ્તકો વસાવ્યાં હતાં. તેમની રાતો શરાબની ચૂસકી અને પુસ્તકો સાથે વીતતી. અબ્રાર અલવી કહે છે, ‘ઘણી વાર મોડી રાતે તેઓ મને મળવા આવતા. મને ખબર હતી કે તેમને કશુંક કહેવું છે, પરંતુ  કહી નહોતા શકતા. હું કહેતો, ‘શું છે તમારા મનમાં બોલો, જે કહેવું હોય એ કહીને બોજમાંથી મુક્ત થઈ જાઓ...’ પણ તેઓ ખામોશ રહેતા.’

મનની અંદર વિચારોનો મળ જામી ગયો હોય છે એ બહાર નીકળે તો જ મન નિર્મળ થાય. ગુરુ દત્તમાં એમ કરવાની તાકાત નહોતી કે એવું તેઓ કરવા નહોતા માગતા એ ચર્ચાનો વિષય છે. તેમણે એવું નક્કી કરી લીધું હશે કે અસ્તિત્વની આરપાર મને કોઈ જોઈ ન શકે. મારા દર્દને હું એક એવા અંધારામાં છુપાવી દઉં કે એમાંથી બહાર નીકળવાનો રસ્તો મને પણ ન મળે. 
ગીતા અને ગુરુ દત્ત એકમેકથી વધુ અને વધુ દૂર થતાં જતાં હતાં. લેખક બિમલ મિત્ર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ગીતા સતત ટેન્શનમાં રહેતી. મારી સાથે તે દિલ ખોલીને વાત કરતી. મને કહે, ‘આ ફિલ્મનાં મૅગેઝિન અને અખબારો બન્ને સરખાં છે. ગુરુ દત્ત અને વહીદાની મસાલેદાર વાતો વાંચીને મારું મગજ ફરી જાય છે. મને થાય છે કે મારે આપઘાત કરવો જોઈએ. એમાં લખ્યું છે કે ગુરુ તેની હિરોઇન સાથે રખડે છે, હોટેલમાં રાત વિતાવે છે. પહેલાં હું આવી અફવાઓને સાચી નહોતી માનતી, પરંતુ હવે મને લાગે છે કે આ બધું સાચું હશે. જ્યારે હું ગુરુને આ આર્ટિકલ્સ બતાવું છું તો તે ગુસ્સે થઈ જાય છે. મને કહે કે આ બકવાસ છે, તારે આ બધું વાંચવું ન જોઈએ. મને ખબર નથી પડતી હું શું કરું?’

ફિલ્મી દુનિયાના સર્કલમાં ગુરુ દત્તના અંગત જીવનની સાચી-ખોટી વાતો અને અફવાઓને કારણે ગીતાની પ્રોફેશનલ કરીઅર પર ખરાબ અસર પડી હતી. શરાબ અને ઊંઘની ગોળીઓના સેવનને કારણે તે રિહર્સલ અને રેકૉર્ડિંગ માટે સમયસર પહોંચી ન શકે એટલે તેને કામ મળવાનું ઓછું થઈ ગયું. સંગીતકાર ઓ. પી. નૈયરે મારી સાથે વાત કરતાં કહ્યું હતું, ‘એક વાર મોડી રાતે મને ફોન આવ્યો, ‘નૈયરસાબ, મારો અવાજ ઓળખો છો? હું ગીતા. આપ તો હમકો ભૂલ હી ગયે.’ મને બહુ ખરાબ લાગ્યું. મેં તેમને આશ્વાસન આપતાં કહ્યું કે ના, ના. એવું કાંઈ નથી. હું મનોમન તો જાણતો હતો કે આ જૂઠો દિલાસો છે. એ અરસામાં મારાં દરેક ગીતો આશા ગાતી હતી. હું જાણતો હતો કે ગીતાનો અવાજ બહેતર હતો, પરંતુ આશા સાથેનું મારું ઇમોશનલ-ઇન્વૉલ્વમેન્ટ એટલું બધું હતું કે ધીમે-ધીમે મારા સંગીતમાંથી ગીતાના સ્વરની બાદબાકી થઈ ગઈ. મને આ વાતનો કાયમ માટે રંજ રહ્યો છે.’

‘કાગઝ કે ફૂલ’ સુધી ગુરુ દત્તની ફિલ્મોમાં ગીતા દત્ત લીડિંગ સિંગર હતી. ‘ચૌદહવી કા ચાંદ’માં ગીતાને ભાગે એક જ ગીત આવ્યું (બાલમ સે મિલન હોગા). બે ગીત આશા ભોસલે, એક ગીત લતા મંગેશકર અને એક ડ્યુએટ આશા ભોસલે અને શમશાદ બેગમના સ્વરમાં રેકૉર્ડ થયાં. આ પહેલી ફિલ્મ હતી જેમાં વહીદા રહેમાન માટે ગીતાનું પ્લેબૅક ન લેવાયું. ફિલ્મના સંગીતકાર રવિ સાથે જ્યારે મારી આ વિષયે વાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું,

‘ફિલ્મ માટે બે મુજરા-ગીતો કમ્પોઝ કર્યાં હતાં. હું અને ગુરુ દત્ત એક વિખ્યાત મુજરા-ગાયિકાને સાંભળવા ગયા હતા. ગુરુ દત્તની ઇચ્છા હતી કે મુજરાને ટિપિકલ ફિલ્મી સ્ટાઇલમાં નહીં પણ અસલી રીતે રજૂ કરવામાં આવે. મેં એક ધૂન બનાવીને તેમને સંભળાવી. તેમણે ધીમેકથી મને પૂછ્યું, ‘શું ગીતા આ ગીત ગાઈ શકે?’ મેં કહ્યું, ‘મારે તેની સાથે રિયાઝ કરવો પડશે.’ આ ધૂન મુશ્કેલ હતી. ગીતાના અવાજની એક અલગ સ્ટાઇલ હતી અને તેની એક મર્યાદા હતી, પણ હું તેને મોઢામોઢ આ વાત કેમ કરી શકું? ધૂન સાંભળીને તેણે ગુરુ દત્તને કહ્યું કે આ એક અલગ પ્રકારની ક્લાસિકલ ધૂન છે જેને હું પૂરતો ન્યાય નહીં આપી શકું એટલે અમે આશાના સ્વરમાં ગીત રેકૉર્ડ કર્યું.’

ગીતા દત્ત જેવી હોનહાર ગાયિકા એમ કબૂલ કરે કે આ ગીત મારા માટે મુશ્કેલ છે એ વાત જલદી ગળે ઊતરે એવી નથી. એવું લાગે છે કે ગીતા દત્તની ના પાછળ અંગત કારણો જવાબદાર હશે. સંગીતપ્રેમીઓની જાણ ખાતર કહેવાનું કે આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ થયેલા ‘બેદર્દી મેરે સૈયાં, શબનમ હૈ કભી શોલા’ અને ‘દિલ કી કહાની રંગ લાયી હૈ’ વહીદા રહેમાન પર ફિલ્માંકન નહોતાં થયાં. તેના પર ફિલ્માંકન થયેલું ‘બદલે બદલે મેરે સરકાર નઝર આતે હૈ’ લતા મંગેશકરના સ્વરમાં રેકૉર્ડ થયું. જ્યારે મીનુ મુમતાઝ માટે ગીતા દત્તે ગાયેલું ‘બાલમ સે મિલન હોગા’ રેકૉર્ડ થયું.

ગુરુ દત્તના નાના ભાઈ દેવી દત્ત ફિલ્મની પબ્લિસિટી સંભાળતા હતા. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘ફિલ્મનાં ગીતો ખાસ કરીને ટાઇટલ-સૉન્ગ ‘ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ, લાજવાબ હો’ને લોકપ્રિય બનાવવા હું રેસ્ટોરાંમાં જઈને ત્યાંના જ્યુક-બૉક્સમાં વારંવાર વગાડતો હતો. આ ગીતની લોકપ્રિયતાને કારણે શરૂઆતમાં લોકો ફિલ્મ જોવા આવતા.’

એક આડવાત. સંગીતકાર રવિએ આ ગીતની વાત કરતાં મને કહ્યું, ‘આ ગીત રેકૉર્ડ કરીને ઓકે થયું, પણ પછીથી મને થયું કે આમાં થોડી ખામી છે એટલે રીરેકૉર્ડ કરવું જોઈએ. મેં ગુરુ દત્તને વાત કરી. તેમણે કહ્યું, ‘હું હમણાં હું બિઝી છું, થોડા દિવસ રાહ જુઓ.’ ત્યાર બાદ એવું થતું કે સ્ટુડિયો મળે ત્યારે રફીસા’બ ફ્રી ન હોય અને તેઓ ડેટ આપે ત્યારે સ્ટુડિયો ન મળે. આમ કરતાં ફિલ્મની રિલીઝ આવી ગઈ. હું બેચેન હતો કે આ ગીત લોકોને નહીં ગમે, પરંતુ ત્યાં સુધીમાં આ ગીત અત્યંત લોકપ્રિય થઈ ગયું હતું.’

ભારતના ભાગલા થયા એ પહેલાં મુસ્લિમ બૅકગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મોની મોટી માર્કેટ હતી, પરંતુ ત્યાર બાદ આવી ફિલ્મો જેવી કે ‘દરવાજા’, ‘ચાંદની ચૌક’, ‘મહેંદી’ અને બીજી ફિલ્મો નિષ્ફળ ગઈ. ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતા બાદ ડિસ્ટ્રિબ્યુટર્સ ગુરુ દત્તની ફિલ્મને હાથ લગાડવા તૈયાર નહોતા. એમાં આ હતી મુસ્લિમ બૅકગ્રાઉન્ડની ફિલ્મ એટલે ગુરુ દત્તને કોઈ ડિસ્ટ્રિબ્યુટર ન મળ્યો. અંતે હારીને માંડ-માંડ કમિશન પર આ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સને આપવી પડી. નસીબની બલિહારી જુઓ કે ફિલ્મ એટલી લોકપ્રિય થઈ કે એણે ગુરુ દત્તને ખૂબ નામ અને દામ કમાવી આપ્યાં. ‘Public memory is very short’. આઠ મહિના પહેલાં જ તેમના માથા પર લાગેલું ‘ફ્લૉપ ફિલ્મમેકર’નું લેબલ બદલાઈને હવે ‘હિટ ફિલ્મમેકર’ બની ગયું હતું.

રસિકજનો, આ હતો ગુરુ દત્તની જીવનકથાનો પહેલો અધ્યાય. ફિલ્મમેકિંગમાં શરૂઆત સફળતાથી, ત્યાર બાદ કારમી નિષ્ફળતા અને ફરી પાછી સફળતા; આમ એક આખું કાળચક્ર પૂરું થયું. ગુરુ દત્ત જેવા મહાન કલાકાર વિશે જેટલું લખીએ એટલું ઓછું છે. તેમના જીવનનો બીજો અધ્યાય પ્રોફેશનલી સક્સેસફુલ હતો, પરંતુ પારિવારિક જીવનની વ્યથા એટલી વધતી ગઈ કે તેમનો અકાળે અંત આવ્યો. એ વાતો ભવિષ્યમાં ફરી કોઈ વાર કરીશું. હાલ આપણે એ વાતોને અલ્પવિરામ આપીએ.

columnists guru dutt gujarati mid-day