17 November, 2024 04:03 PM IST | Dehradun | Chandrakant Sompura
બદરીનાથ મંદિર
વિશ્વનાં મોટા ભાગનાં મંદિરો, આર્કિયોલૉજિકલ રીતે જાણીતાં થયેલાં અન્ય સ્ટ્રક્ચર, ઇમારતથી લઈને વિશ્વની તમામ જાણીતી અને અજાણી અજાયબીઓ મેં જોઈ છે પણ એક જગ્યા એવી છે જ્યાં હું આજ સુધી ગયો નથી. એવી જ રીતે તમામ પ્રકારનાં મંદિરોનું કામ, મંદિરોનું જીર્ણોદ્ધારનું કામ પણ મેં કર્યું છે. ક્યારેય કોઈને ના પાડી નથી. સમયનો અભાવ હોય તો વિનંતી સાથે તેમને થોડો સમય રાહ જોવડાવવાનું કામ કર્યું હોય પણ ના તો ક્યારેય પાડી નથી, સિવાય કે એક મંદિર. મેં જોઈ ન હોય અને જે મંદિરનું કામ કરવાની ના પાડી હોય એ બન્ને વાતનો જવાબ એક જ છે, બદરીનાથ મંદિર.
હા, હું ક્યારેય બદરીનાથનાં દર્શને ગયો નથી, ક્યારેય નહીં. મારી વાઇફ અને દીકરાઓ બદરીનાથનાં દર્શને જઈ આવ્યાં છે. તેઓ જતાં હતાં ત્યારે પણ મેં સભાનતા સાથે તેમને સાથે આવવાની ના પાડી છે તો આજે પણ બદરીનાથ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં જવાનું મને મન નથી થતું. હવે તો ઉંમર પણ થઈ એટલે પણ કદાચ નહીં જાઉં. જોકે હવે તો સુવિધા પણ ઘણી વધી ગઈ છે એટલે જવું પહેલાં જેવું અઘરું પણ નથી રહ્યું અને એમ છતાં હું કહીશ કે હું બદરીનાથ જવાનું ટાળીશ. બદરીનાથ ભગવાન સામે મારો કોઈ રોષ નથી. ભગવાન સામે ગુસ્સો કરી પણ કઈ રીતે શકાય, પણ હા, હું માનું છું કે ભગવાન પિતાતુલ્ય છે અને પિતા સામે નારાજગી દર્શાવવાનો હક બાળકોને હોય જ. બદરીનાથ ભગવાનથી હું નારાજ છું અને મારી એ નારાજગીના કારણે જ હું આજ સુધી તેમની પાસે ગયો નથી!
મારી આ નારાજગીનું કારણ તમને જણાવું.
મેં મારા પિતાશ્રી બળવંતરાય સોમપુરા બદરીનાથમાં ગુમાવ્યા. એ દુર્ઘટનાને કારણે જીવનભર તેમનો ક્યારેય દેહ પણ મળ્યો નહીં! આ જે પીડા છે એ પીડા આજીવન મારા મનમાં અકબંધ રહેવાની છે. સમગ્ર ઘટના કહું.
વાત છે ૧૯૬૯ની. એ સમયે બદરીનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત મારા પિતાશ્રી પાસે આવી. બિરલા ગ્રુપે જીર્ણોદ્ધારની તૈયારી દર્શાવી અને તેમણે કામ સોંપ્યું મારા પિતાશ્રીને. એ સમયે દાદાએ રિટાયરમેન્ટ લઈ લીધું હતું અને તેઓ પોતાનું નિવૃત્ત જીવન પાલિતાણામાં ધર્મધ્યાન કરતાં વિતાવતા હતા. મારા દાદાએ સોમનાથ મંદિર બનાવ્યું હતું, એ પછી હવે પિતાશ્રીને બદરીનાથ ધામના જીર્ણોદ્ધારની તક મળી એટલે તે બહુ ખુશ હતા. દેશનાં સૌથી મહત્ત્વનાં કહેવાય એવાં મંદિરોમાંથી બે મંદિર સાથે સોમપુરા પરિવારનું નામ જોડાશે એ વાતનો તેમને આનંદ હતો.
મારી વાત કરું તો એ સમયે મારી ઉંમર એકવીસ વર્ષની. મેં પણ કામ શરૂ કરી દીધું હતું. પિતાશ્રી બિરલા ગ્રુપના એક એન્જિનિયર અને અન્ય એક અધિકારી સાથે બદરીનાથ ગયા. ત્યાં જઈને તેમણે બધું કામ કરી લીધું, રૂપરેખા તૈયાર કરી. જે પ્લાન હતો એ મુજબ બદરીનાથ મંદિરમાં મૂર્તિ સિવાયના આખા સ્થાનકનો જીિર્ણોદ્ધાર કરવાનો હતો. એકેક પથ્થર પર કામ કરવાનું હતું અને જરૂર લાગે ત્યાં પથ્થરો બદલાવવાની પ્રક્રિયા પણ કરવાની હતી. મારા પિતાશ્રીએ અનુમાન લગાવ્યું હતું કે જો મંદિરનું કામ કરવાનું આવ્યું તો એ કામ ત્રણેક વર્ષ ચાલશે અને એની માટે તેમની તૈયારી હતી. પિતાશ્રીએ સંપૂર્ણ ડિઝાઇન પણ તૈયાર કરી લીધી અને એ પછી તે ફરી બદરીનાથ ગયા. બીજી વખત તે જ્યારે ગયા ત્યારે અમુક માપસાઇઝનું કામ કરવાનું હતું તો માટીના પણ સૅમ્પલ લેવાના હતા. બીજી વખત તેમની સાથે બિરલા ગ્રુપના બે અધિકારીઓ ગયા અને એ પછી તેઓ ક્યારેય પાછા આવ્યા નહીં. શું ઘટના ઘટી હતી એની વાત હું તમને આવતા રવિવારે કહીશ, જે વાંચીને તમને સમજાશે કે હું શું કામ જીવનમાં ક્યારેય બદરીનાથ નથી ગયો.