14 January, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પતંગ અને જીવનની વાત એટલે જાણે આકાશને આંબવા મથતા મહત્ત્વાકાંક્ષી યુવાનની કથા, એક કપાયેલા પતંગ જેવી નિષ્ફળ વ્યક્તિની વ્યથા. આકાશ એટલે જાણે દુનિયા કહો કે સમાજ. હવાની રૂખ એટલે સંજોગો અને આ બન્ને વચ્ચેથી પસાર થઈ જાય એનું નામ જિંદગી.’
પતંગને ઉડાડતાં પહેલાં બે ખૂણેથી પકડીને હવામાં અધ્ધર ઉછાળવામાં આવે ત્યારે જાણે બાળકને બહારની દુનિયામાં પહેલો પગ ન મુકાવતા હોઈએ અને થોડા સમયમાં તો આકાશમાં વિહરતી પતંગ બની જાય જાણે દુનિયાની સચ્ચાઈથી બેખબર હવામાં ઊડતો યુવાન.
જેમ યુવાનને પણ સંયમ અને સંસ્કારની લગામ ન હોય તો સર્વનાશ નોતરે એમ પતંગને પણ સ્થિર કરવાનું કામ છે ‘કન્ની’નું અને કન્ની બાંધવા માટે પડાતાં કાણાં એટલે સંયમ અને સંસ્કાર. સંયમ અને સંસ્કારના કાણામાંથી પસાર થતા બે છૂટા દોરા રૂપી મા-બાપ ભેગાં થઈ પતંગની એટલે કે યુવાનની જિંદગીની છેડાછેડી બાંધે માંજારૂપી પત્ની સાથે. જેમ પતંગ આકાશમાં ટકી રહે એ માટે માંજો કાચના ભુક્કામાંથી પસાર થાય છે એવી જ રીતે પત્ની પણ પારિવારિક, સામાજિક દુખોમાંથી પસાર થઈને પતિને દરેક ક્ષેત્રે પ્રગતિ કરવામાં સહાયરૂપ બને છે.
મહત્ત્વાકાંક્ષી પતિને જીવનની ઊંચાઈઓ સર કરવા માંજારૂપી પત્ની છે. પતંગરૂપી પતિની ઢીલ પણ છોડે, પણ જો હવાની રૂખ બદલાય અને પતંગ નીચેની તરફ ઝૂકવા માંડે કે તરત ઢીલને પાછી ખેંચી માંજો પતંગને તંગ બનાવી, અધ્ધર કરી પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકાવી રાખે. આ સાથે પતિ-પત્નીની જિંદગીનુ એક ગજબનું સામ્ય પણ જોવા મળશે અને એ એ કે જેમ પતંગ સરસમજાની ઊડતી હોય તોય માંજો એને થોડી-થોડી વારે ઝટકા આપ્યા જ કરે એવી જ રીતે પતિને પણ કારણ વગર પત્ની ટોકટોક કર્યા જ કરે.
અને બાળક વગરની જિંદગી અધૂરી. ફીરકીને તમે જુઓ તો બે હાથ વચ્ચે માને વળગેલું બાળક જ લાગે અને અહીં પણ પત્નીની સ્થિતિ જેમ ઘડીક પતિને સંભાળે અને ઘડીકમાં બાળકને વળગે એવી જ રીતે માંજો ઢીલ છોડતાં પતંગ પાસે અને માંજો લપેટાતાં ફીરકી પાસે.
કંદીલ સાથે ઊડતી પતંગને જાણે માનવીની જિંદગીમાં આવેલી ખુશીના પ્રસંગો સાથે ન સરખાવી શકાય? તેમ જ પૂંછડિયા પતંગની પૂંછડી એટલે માનવીની જિંદગીમાં મળતાં ઇનામ ને શિરપાવ.
જેમ પતંગ ચગાવવાની મજા, એના ચડાવ-ઉતારમાં પેચ લગાડવામાં, કપાવામાં અને પાછું ઊડવામાં છે એમ જિંદગીમાં પણ ચડાવ-ઉતાર આવ્યા કરે, માંજાકાપ એટલે કે ગળાકાપ હરીફાઈમાંથી પસાર થવું પડે અને પેચ લડાવવો પડે, પણ એમાંથી વિજયી બની પસાર થઈએ.- વિરલ ટોલિયા